કર્નલ ડેલ્ટા જેમણે આતંકી કેમ્પોનું નામોનિશાન મિટાવી દીધું

    ૧૮-ઓગસ્ટ-૨૦૨૦
કુલ દૃશ્યો |

Lieutenant Colonel Oscar  
 

કર્નલ ડેલ્ટા | સર્જિકલ સ્ટ્રાઈક - ૨૦૧૫ (મ્યાંમાર)

 
આ આખી લડાઈ દરમિયાન લેફ્ટિનેન્ટ કર્નલ ડેલ્ટાની ટીમનો એક પણ જવાન ઘાયલ સુધ્ધાં થયો ન હતો. જ્યારે કમાંડો ભારતીય સરહદ નજીક પહોંચ્યા ત્યારે લેફ્ટિનેન્ટ કર્નલ ડેલ્ટાએ સેનાને કોલ કર્યો અને કહ્યું ઓપરેશન ઓવર.... 
 
૫ જૂન, ૨૦૧૫ના રોજ મણિપુરની રાજધાની ઇમ્ફાલથી લગભગ ૧૦૦ કિ.મી. દૂર આતંકવાદીઓ દ્વારા ભારતીય સૈન્યના જવાનોનાં વાહનો પર ઘાત લગાવી હુમલો કર્યો, જેમાં ૧૮ જેટલા ભારતીય જવાનો જીવતાં જ ભૂંજાઈ શહીદ થયા. હુમલો કર્યા બાદ આતંકીઓ મ્યાંમાર સરહદનાં જંગલોમાં ભાગી જવામાં સફળ રહ્યા. આ તરફ હુમલાથી સમસમી ઊઠેલા ૩૫ વર્ષના લેફ્ટિનેન્ટ કર્નલ ઓસ્કર ડેલ્ટા ગમે તે ભોગે બદલો લેવા આતુર હતા, કારણ કે હુમલો તેમની કમાનમાં આવતા વિસ્તારમાં થયો હતો. ભારતીય સેનાએ આગલા ૭૨ કલાકમાં જ બદલો લેવાનો પ્લાન બનાવ્યો અને ૭ જૂનના રોજ આતંકીઓ પર કાળ બની તૂટી પડવાનું નક્કી થયું.
 
આ મિશનની સફળતા માટે કમાંડોનું સમયસર પહોંચવું ખૂબ જ જરૂરી હતું. ઉગ્રવાદીઓનાં ત્રણ કેમ્પ એકબીજા સાથે અડોઅડ હતા અને છૂપી જાણકારી મુજબ તે કેમ્પોમાં ૧૨૦ થી વધુ ઉગ્રવાદી તાલીમ લઈ રહ્યા હતા. તેવામાં ૪૦ કમાંડો સાથે મિશનને પાર પાડવું એક પડકાર હતો. કારણ કે ૪૦નો મુકાબલો ૧૨૦થી થવાનો હતો. છેવટે આ યોજનામાં પરિવર્તન કરી હુમલાનો દિવસ ૯ જૂન નક્કી થયો અને નક્કી થયું કે ૮ જૂનની મધરાતે મ્યામાંરમાં આડબીડ જંગલોવાળી એ પહાડી પર પહોંચી જવાનું છે અને ૯ જૂનની સવાર થતાં જ દુશ્મનો પર આક્રમણ કરી તેમનું કામ તમામ કરી નાખવાનું છે અને ૬ જૂનના રોજ સવારની બ્રીફીંગ અને પ્રેઝન્ટેશન બાદ કમાંડો આ મિશન પર નીકળી પડ્યા. કમાંડો સંપૂર્ણ રીતે હથિયારોથી સજ્જ હતા. કાર્લ ગુસ્તાવ. ૮૪ એમએમ રોકેટ લોન્ચર, પુલજ્યોત કલાશનિકોવ જર્નલ પર્યજ મશીનગન, ઇઝરાયલી બનાવટની ટેવોરટાટ-૨૧, અસાલ્ટ રાઇફલ. કોલ્ટ એમ ૪ કાર્બાઈન, એકે ૪૭ અને અંડર બેરલ ગ્રેનેડ લોન્ચર હતો. જ્યારે લેફ્ટિનેન્ટ કર્નલ ડેલ્ટા એમ૪એ૧ લઈ ચાલી રહ્યા હતા. નજીક અને મધ્યમ અંતરના આ વજનમાં એકદમ હલકી ઘાતક ગન સમગ્ર વિશ્ર્વમાં આ પ્રકારનાં અભિયાનોમાં વિશેષ વપરાય છે. હથિયારો સિવાય દરેક કમાંડો પર ૪૦ કિલોગ્રામ જેટલું અન્ય વજન પણ હતું. ભારતની સરહદથી કમાંડોને દુશ્મનના જે ઠેકાણે પહોંચવાનું હતું તે માટે ૪૦ કિલો મીટરથી વધુ દૂર હતું ને ત્યાં સુધી પગપાળા જ પહોંચવાનું હતું. ૭ જૂનની સવાર પડતાં જ લેફ્ટિનેન્ટ કર્નલ ડેલ્ટાની આગેવાનીમાં ભારતીય કમાંડો એ દુર્ગમ પહાડીઓના રસ્તો આગળ વધવાનું શરૂ કર્યું. ૮ જૂનના રોજ સૂરજ આથમતાં જ મેજર ડેલ્ટા અને તેમની ટીમ તે પહાડી પર પહોંચી ગયા. જ્યાંથી આતંકવાદી કેમ્પો માત્ર ૪૦૦ મીટરના અંતરે હતા. કમાંડોની એક ટીમે આતંકીઓની હરકત પર નજર રાખવા સૌથી ઊંચા સ્થાન પર પોઝિશન લઈ લીધી હતી. બાકી કમાંડોએ તેમનાથી નીચે પોઝિશન સંભાળી લીધી. તમામ કમાંડો પાસે નાઇટ વિઝનનાં અત્યાધુનિક ઉપકરણો હતો. અહીંથી જે કેમ્પો દેખાતા હતા તે મણિપુરમાં સક્રિય પીપલ્સ લિબરેશન આર્મીના હતા.
 
હવે ભારતીય જવાનોને ૯ જૂનનો ઇન્તેજાર હતો જ્યારે આ કેમ્પ પર હુમલો કરવાનો હતો. આખરે એ ઘડી આવી જ ગઈ અને ૯ જૂનના રોજ સવારે ૪ વાગ્યા સુધી ભારતીય જવાનોએ પહાડીની ટોચ પર અંતિમ હુમલો કરવા માટે મોરચો સંભાળી લીધો. લેફ્ટિનેન્ટ કર્નલ ડેલ્ટાએ પોતાના નાઇટ વિઝન ચશ્માથી પહાડીની નીચે સ્થિત ઉગ્રવાદી કેમ્પોમાં નજર કરી. ત્યાં શાંતિ હતી. તેઓએ તેમની ટીમને કેમ્પને પાછળથી ઘેરી હુમલો કરવાની રણનીતિ બનાવી અને આ રણનીતિ કામ આવી. તેઓએ ઉગ્રવાદીઓના કેમ્પને અર્ધગોળાકાર આકારમાં ઘેરી લીધો જ્યારે એક ટુકડી તેમની પાછળ હતી. જે જરૂર પડ્યે સીધા જ જંગના મેદાનમાં કૂદવા તૈયાર હતી.
 
લેફ્ટિનેન્ટ કર્નલ ડેલ્ટાને જાણકારી હતી કે ઉગ્રવાદીઓ દિવસમાં બે વાર ભોજન કરે છે. સવારે ૫ વાગે અને સાંજે ૩ વાગ્યે. સવારના ૫ વાગ્યા હતા. તમામ ઉગ્રવાદીઓ ડાઇનિંગ એરિયામાં ભેગા થયા હતા. એક ચોકીની કમાન ૪ ઉગ્રવાદીઓ તો બીજી ચોકીની કમાન બે ઉગ્રવાદી સંભાળી રહ્યા હતા. અચાનક વહેલા પરોઢની શાંતિને ચીરતું એક રોકેટ બન્ને ચોકીઓની વચ્ચે પડ્યું અને છ એ છ આતંકીઓના ફુરચા ઊડી ગયા. કેમ્પમાં ઉપસ્થિત ઉગ્રવાદીઓને ખબર પડી કે તેમના પર હુમલો થઈ ચૂક્યો છે. ભારતીય જવાનોએ ૪૫ મિનિટની આ સર્જિકલ સ્ટ્રાઇકમાં લગભગ ૧૫,૦૦૦ રાઉન્ડ ગોળીઓ, ૧૫૦ થી વધુ ગ્રેનેડ અને ડઝન જેટલા રોકેટો આતંકી કેમ્પો પર ઝીંક્યા હતા. હુમલો એટલો ઘાતક હતો કે આતંકીઓના કેમ્પોનું નામોનિશાન મટી ગયું હતું. મજાની વાત એ છે કે આ આખી લડાઈ દરમિયાન લેફ્ટિનેન્ટ કર્નલ ડેલ્ટાની ટીમનો એક પણ જવાન ઘાયલ સુધ્ધાં થયો ન હતો. જ્યારે કમાંડો ભારતીય સરહદ નજીક પહોંચ્યા ત્યારે લેફ્ટિનેન્ટ કર્નલ ડેલ્ટાએ સેનાને કોલ કર્યો અને કહ્યું ઓપરેશન ઓવર....