વિંગ કમાંડર અભિનંદન - અને અભિનંદનનું વિમાન પાકિસ્તાનમાં તૂટી પડ્યું

    ૧૮-ઓગસ્ટ-૨૦૨૦
કુલ દૃશ્યો |

wing commander abhinandan 

વિંગ કમાંડર અભિનંદન - જમ્મુ-કાશ્મીર - ૨૦૧૯ (પુલવામા)

 

ટોળાએ તેમને પકડી લીધા. નિર્દય ટોળું તેમને ઢોરમાર મારી રહ્યું હતું પણ અભિનંદને ઉફ પણ ન કર્યું. સદ્નસીબે એ દરમિયાન પાકિસ્તાનના સૈનિકો ત્યાં આવી ગયા અને અભિનંદનને ટોળાથી છોડાવ્યા. એ સમયે પણ તેમની સ્વસ્થતા લાજવાબ હતી.  

વર્ષ ૨૦૧૯ની ૧૪મી ફેબ્રુઆરીના દિવસે પાકિસ્તાની આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સૈનિકોને લઈને જતી બસ પર બોંબથી હુમલો કર્યો અને આપણા ૪૫ વીર જવાનો શહીદ થઈ ગયા.
 
એ વખતથી જ ભારત - પાકિસ્તાનની સરહદો પર યુદ્ધનો માહોલ જામી ગયો. પુલવામા હુમલાના બરાબર ૧૩મા દિવસે ભારતના વાયુદળના જાંબાઝ જવાનો પાકિસ્તાનના બાલાકોટમાં આવેલા જૈશ-એ-મહંમદના ઠેકાણા પર ત્રાટક્યા અને અનેક આતંકીઓને ફૂંકી માર્યા. બીજા જ દિવસે પાકિસ્તાને ભારતની સરહદમાં ઘૂસી આર્મી પર એટેક કરવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો. પણ વાયુદળના જાંબાઝ સૈનિકોએ એમને પાછા કાઢ્યા અને એમનું એક વિમાન - એફ ૧૬ના ફુરચેફુરચા ઉડાવી દીધા, પરંતુ બદનસીબે આપણું મીગ-૨૧ પણ ખંડિત થયું અને પાકિસ્તાનની ભૂમિમાં પડ્યું. એ વિમાનમાં આપણા વિંગ કમાંડર અભિનંદન પણ હતા. વિમાન હવામાં ફંગોળાતું હતું ત્યારે આપણા વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનની ધરતી પર પેરેશૂટમાંથી કૂદયા અને પાકિસ્તાનના લશ્કરે તેનો કબજો લીધો એ ઘટનાક્રમનું એક સાક્ષીએ કરેલું વર્ણન રૂંવાડાં ઊભાં કરી દે તેવું છે. પી.ઓ.કે.ના હોરાન નામના ગામડાના રાજકીય-સામાજિક કર્મશીલ મોહમદ રઝાક ચૌધરીના જણાવ્યા અનુસાર સવારે ૮.૪૫ વાગ્યે તેમણે બે વિમાનોને અગનજ્વાળામાં લપેટાયેલાં જોયાં. તેમાંથી એક વિમાન સરહદની પેલેપાર નીકળી ગયું, જ્યારે બીજું હોરાન ગામ નજીક પડ્યું. એ વિમાનમાંથી પેરેશૂટ સાથે કૂદેલો પાઇલોટ હોરાન ગામથી એક કિલોમીટર દૂર પડ્યો.
 
આ દૃશ્ય નિહાળી મોહંમદે આસપાસના લોકોને ફોન કર્યા અને પાકિસ્તાનના લશ્કરી અધિકારીઓ ન આવે ત્યાં સુધી વિમાનના કાટમાળ નજીક ન જવા અને પાઈલોટને પકડી લેવા સૂચના આપી. લોકોનું મોટું ટોળું અભિનંદન પાસે પહોંચ્યું. અભિનંદને પૂછ્યું કે એ વિસ્તાર ભારતનો છે કે પાકિસ્તાનનો ? એક ખંધા યુવાને ખોટો જવાબ આપીને એ વિસ્તાર ભારતનો હોવાનું જણાવ્યું. એ સાંભળીને અભિનંદને કેટલાંક સૂત્રો પોકાર્યાં. (ભારત માતા કી જય..) ત્યાર બાદ તેણે કહ્યું કે તેની પીઠ તૂટી ગઈ છે. તેમણે પાણી માગ્યું અને પોતાને ઊભો કરવા ટોળા સામે હાથ લંબાવ્યો. એ દરમિયાન એક યુવાને પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા. પોતે પાકિસ્તાનની ધરતી પર છે એ ખ્યાલ અભિનંદનને આવી ગયો. સામે દુશ્મન દેશનું ટોળું ઊભું હતું. હાકલા પડકારા થતા હતા. તે વચ્ચે પણ હિંમત હાર્યા વગર, સ્વસ્થતા ગુમાવ્યા વગર, તેમણે વીજળિક ગતિએ કમરમાંથી પોતાની પિસ્તોલ બહાર કાઢી અને હવામાં ફાયરિંગ કર્યું.
 
ટોળું પાછળ હટી ગયું. અસહ્ય દર્દ હોવા છતાં અભિનંદન ઊભા થયા, તેણે દોટ મૂકી. ઘવાયેલા, ઝખમી શરીરે તે અડધો કિલોમીટર સુધી દોડ્યા, વચ્ચે વચ્ચે હવામાં ફાયરિંગ કરતા રહ્યા. અંતે શરીર થાક્યું હશે. તેમણે નજીકના એક તળાવમાં પડતું મૂક્યું અને ત્યાં તેમણે શું કર્યું ? ટોળું તેમને પકડી પાડે એ પહેલાં તેમણે તેમના કબજામાં રહેલા કેટલાક નકશા અને મહત્ત્વના ગુપ્ત દસ્તાવેજ બહાર કાઢ્યા. તેમને પોતાની જાનની ચિંતા નહોતી. ભારતની ગુપ્ત માહિતી દુશ્મનોના હાથમાં ન જવી જોઈએ એ જ એનું ધ્યેય હતું. તે કેટલાક દસ્તાવેજો ચાવી ગયા. ટોળું નજીક આવી ગયું હતું. સમય નહોતો એટલે એમણે બાકીના દસ્તાવેજો ફાડી નાખ્યા અને તેની ચબરખીઓ તળાવના પાણીમાં વહેતી કરી દીધી. હવે શું થશે, જિંદગી રહેશે કે મોતનો પંજો ફરી વળશે એ ખબર નહોતી. દસ્તાવેજોને પાકિસ્તાનના હાથમાં જતાં બચાવી તેમણે મા ભારતીની છેલ્લી સેવા કરી લીધી. ભારતની દિશામાં એક નજર નાખી સેલ્યૂટ કરી લીધી.
 
એ દરમિયાન ટોળાએ તેમને પકડી લીધા. નિર્દય ટોળું તેમને ઢોરમાર મારી રહ્યું હતું પણ અભિનંદને ઉફ પણ ન કર્યું. સદ્નસીબે એ દરમિયાન પાકિસ્તાનના સૈનિકો ત્યાં આવી ગયા અને અભિનંદનને ટોળાથી છોડાવ્યા. એ સમયે પણ તેમની સ્વસ્થતા લાજવાબ હતી. તેમણે પાક સૈનિકોને કહ્યું, થેંક ગૉડ, તમે આવી ગયા, નહિતર આ બધાએ મને મારી જ નાખ્યો હોત.. પોતે ટોળાંને ફાયરિંગ કરી હટાવ્યું હતું અને દોડાવી દોડાવીને હંફાવ્યું હતું એ યાદ કરી, હસીને તેમણે ઉમેર્યું, અને હા ! મને મારી નાખવા માટે મેં પણ એમને પૂરતાં કારણો આપ્યાં હતાં.. આવી હાલત વચ્ચે પણ આવી સ્વસ્થતા જોઈને પાક. સૈનિકો પણ દંગ રહી ગયા હશે. પાકિસ્તાને તેમને કેમેરા સમક્ષ હાજર કર્યા ત્યારે પણ તેમણે વટથી જવાબ આપ્યા, પોતાની ઇચ્છા મુજબ જવાબ આપ્યા, તેનું શીશ ઝૂક્યું નહીં. માથું ઊંચું રાખીને તેમણે જવાબ આપ્યા. ગર્વથી જવાબ આપ્યા. એવા ગર્વથી કે આજે દેશનો એક એક નાગરિક ગર્વથી માથું ઊંચું કરીને કહે છે કે આ છે અમારો અભિનંદન. આ છે મા ભારતીનો વીર સપૂત, આ છે અમારો સાવજ, આ છે અમારો સૈનિક. આપણો એક એક જવાન આ અભિનંદન જેવો જ સાવજ છે. સાહસ, હિંમત, શૌર્ય, તાકાત, શક્તિ અને દેશભક્તિથી છલોછલ.
 
અને આવા જાંબાજ અભિનંદનને ભારત પરત લાવવા ભારત સરકારે પણ અભૂતપૂર્વ શક્તિ દાખવી. વિશ્ર્વસ્તરે પોતાનું વજૂદ બતાવી સમગ્ર વિશ્ર્વને પોતાના સમર્થનમાં ખડું કર્યું. સૌએ અભિનંદનને છોડવા પાકિસ્તાન પર દબાણ કર્યું. આ માટે સૌને અભિનંદન. વિંગ કમાંડર અભિનંદનને અભિનંદન, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સહિત સૌ નેતાઓ, મંત્રીઓને અભિનંદન. અભિનંદન માટે ચિંતા કરનારા દેશવાસીઓને અભિનંદન અને ભારત માતાને, ભારત દેશને પણ અભિનંદન... અભિનંદન... ભારત અભિનંદન...