સફળતા મેળવવા આજના યુવાનોએ શ્રી ગણેશજી પાસથી આ ચાર વસ્તુ શીખવા જેવી છે

    ૨૨-ઓગસ્ટ-૨૦૨૦
કુલ દૃશ્યો |

ganesha_1  H x
 
 
આધુનિક અને કોમ્પિટિશનના યુગમાં આજના યુવાનોને જાગૃતિ, એકાગ્રતા, બુદ્ધિ મેળવવા ગણેશજીને યાદ કરવા પડે. ગણેશજી આજના યુવાનોને ઘણું બધું શીખવે છે. આજના જમાનામાં ગણપતિના માર્ગે યુવાનો ટોપ સુધી પહોંચી શકે છે.
 

(1) બુદ્ધિથી મળે કામયાબી :

 
‘એક આઈડિયા જો બદલ દે આપકી જિંદગી.’ આજે માત્ર એક આઈડિયાનો જમાનો છે. બિલ ગેટ્સના માત્ર એક આઈડિયાએ તેને વિશ્ર્વનો ધનાઢ્ય બનાવ્યો. ગણેશજીએ પણ માત્ર પોતાની બુદ્ધિથી - એક વિચારથી જીત મેળવી હતી. તેમના વિવાદનો પ્રસંગ તમને યાદ જ છે ને!જ્યારે તેમનાં માતાપિતાએ પૃથ્વીની પ્રદક્ષિણા કરવાનું કહ્યું તો ગણેશજીએ માત્ર આઈડિયાનો જ ઉપયોગ કર્યો. કાર્તિકેય તો બુદ્ધિ વાપર્યા વિના પ્રદક્ષિણા કરવા ચાલ્યા ગયા પણ ગણેશજીએ માતાપિતાનું પૂજન કર્યું અને તેમની સાત વાર પ્રદક્ષિણા કરી અને જીતી ગયા. આજના વિદ્યાર્થીઓએ ગણેશજીના આ ઉપાયનો ઉપયોગ કરવાની જરૂર છે. આજનો જમાનો કંઈક અલગ કરવાનો છે. ગણેશજીએ કંઈક અલગ કરી બતાવ્યું, જેથી તે પૂજનીય બન્યા. સ્પર્ધાના આ યુગમાં આગળ આવવા આજના યુવાને આવી બુદ્ધિમત્તા વાપરવી જોઈએ. સામાન્ય રસ્તા છોડીને સફળતાનો બીજો માર્ગ પકડો. સ્માર્ટ બુદ્ધિ વાપરો અને સફળ થાવ.
 

(2) નિષ્ઠા રાખો, પ્રામાણિકતા કેળવો :

 
ગણેશજી શીખવે છે કે નિષ્ઠા રાખો અને પ્રામાણિકતાથી કાર્ય કરો. સફળતા મળશે. પાર્વતીજીએ ગણેશજીને દ્વારપાળનું કામ સોંપ્યું તો ગણેશજીએ જીવનના અંત સુધી તે ઈમાનદારીપૂર્વક નિભાવ્યું. અંતે શંકર ભગવાને ઝૂકવું પડ્યું અને ગણેશજીને પુન: જીવિત કરી તેમને વિઘ્નહર્તા બનાવ્યા.
 
આજના યુગના યુવાનોએ તેમને મળેલી જવાબદારી નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિકતાપૂર્વક પૂરી કરવી જોઈએ. આજના જમાનામાં નિષ્ઠા, મહેનત અને પ્રામાણિકતા સફળતાનો મૂળ મંત્ર છે.
 

(3) સ્માર્ટ વર્ક :

 
ગણેશજીનું સ્માર્ટ વર્ક જ તેમને પૂજનીય બનાવે છે. કોઈ પણ પરિસ્થિતિમાં શાંતિથી, બુદ્ધિથી સરસ રીતે કામ પાર પાડવું એ ગણેશજીની વિશેષતા છે. આજના યુવાને પણ ધૈર્ય પૂર્વક સ્માર્ટ વર્ક કરી સફળતા મેળવવી જોઈએ. કામમાં સ્વચ્છતા હશે તો સફળતા મળતાં વાર નહિ લાગે.
 

(4) વ્યવહારિક કુશળતા :

 
ગણપતિ પાસે અદ્ભુત વ્યવહારિક કુશળતા છે. તેમની પાસે રિદ્ધિ અને સિદ્ધિ છે. એટલે કે એક બાજુ સફળતા અને બીજી બાજુ સમૃદ્ધિ આ બંને વચ્ચે તાલમેલ બેસાડવાથી જ વ્યક્તિ સફળ થાય છે. કહેવાનો મતલબ સફળતા મળ્યા બાદ વ્યવહાર બદલાવો જોઈએ નહિ. યુવાનો માટે મહેનત સાથે સારો વ્યવહાર પણ ખૂબ જ‚રી છે. જો વ્યવહારમાં કુશળતા નહિ હોય તો સફળતા વધારે ટકશે નહિ. તેથી ગણેશજી જેવું સંતુલન રાખતાં આજના યુવાનોએ શીખવું જોઈએ.