૩૪ વર્ષ પછી નવી શિક્ષણનીતિને અમલમાં મૂકવાનો નિર્ણય આવકાર્ય છે

    ૨૫-ઓગસ્ટ-૨૦૨૦
કુલ દૃશ્યો |

new education policy  202

ઇતિહાસને ઉજાગર કરવાની નેમ : ડૉ. શ્રુતિ આણેરાવ

વીસમી સદીમાં સ્વતંત્ર ભારતની સરકારોનું ધ્યેય શિક્ષણનો વ્યાપ છેવાડાના માનવી સુધી વિસ્તારવાનું રહ્યું. આથી પ્રાંત શિક્ષણ અને સાક્ષરતા જેવાં અભિયાનો હાથ ધરાયાં. એકવીસમી સદીના આરંભ સાથે વર્તમાનમાં જે પ્રમાણે ભારત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે અને વૈશ્ર્વીકરણની સાથે સાથે જ્યારે આત્મનિર્ભર બનવાની ઉપર આપણું વિશેષ લક્ષ્ય કેન્દ્રિત કરવાનું છે ત્યારે જૂની-પુરાણી ઘરેડનું શિક્ષણ કેવી રીતે ચાલે ?
 
વર્તમાન સરકારે ૩૪ વર્ષ પછી જ્યારે તાજેતરમાં નવી શિક્ષણનીતિને અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે તે આવકાર્ય જ છે.
શિલ્પકલા, સ્થાપત્ય, ચિત્રકલા, સહિત એવી ચોસઠ કલાઓ અકલ્પનીય ભારતનો અનિવાર્ય એવો ભાગ હતી. ભારતીય ભાષાઓ પણ અત્યંત સમૃદ્ધ છે. ભાષાઓ સંસ્કૃતિનો જ એક ભાગ હોય છે. સ્થાનિક, પ્રાદેશિક ભાષાઓ સંસ્કૃતિ અને તેની પરંપરાઓને સહજ રીતે ઉજાગર કરે છે. માત્ર અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરવાથી ભારતનો આ વારસો ભારતીઓ સુધી પહોંચતો નથી. આથી ભાષાઓ, પ્રાંતીય ભાષાઓ અને બોલીઓ, તેનો અભ્યાસ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણમાં અનેકવિધ જ્ઞાનનાં દ્વાર આપણી સમક્ષ ખુલ્લાં મૂકી શકે છે. ભાષાંતર દ્વારા પણ, જ્ઞાનની અનેક વિદ્યાઓ સંશોધન દ્વારા ભારતીય જ્ઞાનને ઉજાગર કરવાની સોનેરી તક આપણને મળવાની અનેક સંભાવનાઓ છે.
 
આથી જ નવી શિક્ષણનીતિમાં સંસ્કૃત યુનિવર્સિટીઓ માત્ર ભાષાકીય જ નહીં, પરંતુ અનેકવિધ વિષયોમાં સંશોધનો અને અભ્યાસ માટેના અવકાશ ઊભા કરશે. વિવિધ અન્ય પ્રાંતીય ભાષાઓ અને બોલીઓ અને વિવિધ પ્રાંતની કળાઓ દ્વારા ભારતની બેનમૂન કલાઓ, તેનાં વૈવિધ્ય અને તેની બહુમુખી સંસ્કૃતિના જ્ઞાન દ્વારા ભારતીય નવી પેઢીના વિદ્યાર્થીઓ પોતાના દેશ માટે એક અનોખી પહેચાન મેળવી શકશે. જે કદાચ અત્યાર સુધીના stereotype અભ્યાસક્રમોમાં સંભવિત ન હતું. આ પ્રકારના જ્ઞાનથી તેમનામાં સ્વ-વિશેનો ખ્યાલ અને સ્વ-દેશ વિશેની સંકલ્પનાઓમાં હકારાત્મક પરિવર્તન આવશે જે તેમના આત્મગૌરવને નિશ્ર્ચિતપણે વધારવામાં સકારાત્મક પરિબળ બની રહેશે.
 
( લેખક -  સભ્ય, ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર. પૂર્વ સભ્ય, બોર્ડ ઓફ સ્ટડીઝ, હેમ. ઉ. ગુજ. યુનિ., પાટણ)