સૌને ઘેરવાની બદદાનતમાં વૈશ્ર્વિક રીતે ઘેરાઈ ગયેલું ચીન

    ૨૨-સપ્ટેમ્બર-૨૦૨૦   
કુલ દૃશ્યો |

india china_1  
 
મોસ્કોની એક બેઠકમાં ભારત-ચીનના વિદેશ મંત્રીઓ વચ્ચે સરહદ પર તણાવ ઘટાડવા પાંચ મુદ્દાઓ ચર્ચાયા. સેનાએ દૂર રહી ઘર્ષણ ઘટાડવું, સર્વે વિસ્તારોમાં શાંતિ જાળવવી, તણાવ વધારતાં કોઈ પણ પગલાંઓથી દૂર રહેવું, બંને દેશોના પ્રતિનિધિઓ વચ્ચે બેઠકો યોજવી અને નવા આત્મવિશ્ર્વાસ વધારનાર ઉપાયો શોધવા.
 
યોગાનુયોગ આવા જ પાંચ મુદ્દાઓ બાબતે ૨૯મી એપ્રિલ ૧૯૫૪માં ભારત-ચીન વચ્ચે ‘એગ્રિમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ઇન્ટરકોર્સ બિટવિન તિબેટ રિઝન ઓફ ચાઈના ઍન્ડ ઇન્ડિયા’ નામે પંચશીલ કરારો થયેલાં. જેમાં એક બીજાની ક્ષેત્રીય અખંડતાનું સન્માન, આક્રમક કાર્યવાહીનો નિષેધ, આંતરિક મામલે હસ્તક્ષેપ નહીં, પરસ્પર હિતની નીતિ અને શાંતિપૂર્ણ સહ-અસ્તત્વનો સમાવેશ જેવાં સૂત્રો હતાં. વિશ્ર્વાસપૂર્વક અમલ થાય તો આ સૂત્રો અભૂતપૂર્વ શાંતિ સ્થાપી શકે, પરંતુ કરાર થયાના પાંચ જ વર્ષ - ૧૯૫૯માં લદ્દાખના સ્પેન્ગુર અને નેફામાં લાંગ જુ પર ચીને કબજો જમાવ્યો અને ૧૯૬૨માં હુમલો કરી અક્સાઈ ચીન પચાવી પાડ્યુ. સંઘના પ.પૂ.શ્રી ગુજીએ એક જ વર્ષ પહેલાં પત્ર લખીને નહેરૂજીને ચીનના વિશ્ર્વાસઘાત અંગે ચેતવ્યા હતા અને એ સાચા પણ પડ્યા હતા.
 
ધી ડિપ્લોમેટિક બ્લન્ડર્સ ઓફ - ૧૯૪૮ (કાશ્મીર તકરાર બાબતે), પંચશીલ - ૧૯૫૪, સિંધુ જળ સંધી - ૧૯૬૦, તાસ્કંદ - ૧૯૬૬ અને સિમલા - ૧૯૭૨ જેવા કરારોમાં ભારતે ઘણું સહન કર્યું. આ ઇતિહાસમાંથી પદાર્થપાઠ લઈ વર્તમાન સ્થિતિનું મૂલ્યાંકન જરૂરી. બ્રિટનના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલની અનુભવવાણી કે, ‘ધ ફર્સ્ટ કેઝ્યુલ્ટી ઈન વોર ઈઝ ટ્રુથ’ - યુદ્ધમાં પ્રથમ ખુવારી (માણસની નહીં પરંતુ) સત્યની થાય છે. એ વાણીને ચીન સાર્થક કરી રહ્યું છે. ચીનની સામ્રાજ્યવાદની નીતિ અને જુઠ્ઠાણાંનો ઇતિહાસ બહુ જૂનો અને નિયમિત છે. વધતા રહેતા વ્યાપારિક સંબંધોની યે પરવા કર્યા વગર તેની હેરાનગતિ-દગાખોરી-જૂઠ ખૂબ વધ્યાં. લદ્દાખમાં ઘૂસણખોરીના ચીનના પ્રયાસને સતર્ક ભારતીય સૈનિકોએ નિષ્ફળ બનાવ્યો. એણે ગલવાન, ડોકલામથી લઈને પેગોંગ ઘાટીમાં ઘૂસણખોરી કરી લશ્કરી છાવણીઓ ઊભી કરી. લદ્દાખ સરહદ પર ૪૫ વર્ષમાં પહેલીવાર ચીનાઓ દ્વારા ગોળીબાર થયો, ૫૦ હજાર ચીની સૈનિક સરહદ પર તૈનાત કરાયા, ટેન્કો, યુદ્ધજાહાજોની તૈનાતી વગેરે તેની મેલી મુરાદ જ બતાવે છે. ચીનની નજર લદ્દાખ, અરૂણાંચલ, ભૂતાન પર છે.
 
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ચીનને ચેતવણી આપતાં કહ્યું, ‘ભારત કોઈ પણ સંજોગોમાં પોતાના સાર્વભૌમત્વ અને સરહદી સુરક્ષા મુદ્દે સમાધાન નહીં કરે. યુદ્ધ સહિત કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા ભારત સક્ષમ છે.’- ભારતીય સૈન્યએ ય શક્તિનો પરચો આપી જ દીધો છે. ગલવાન ઘાટીમાં ઘૂસેલા ૩૦૦ ચીની સૈનિકોમાંથી ૪૦ને મારી, ૨૦ સૈનિકોએ શહીદી વહોરીને બાકીનાને પાછા કાઢ્યા, પેગોંગના દક્ષિણે કિનારે ભારતીય સેનાએ ચતુરાઈથી ચીનને ઝટકો આપી કબજો મેળવ્યો. કૂટનીતિમાં હાઈવે અને ટેલિકોમના કોન્ટ્રાક્ટ અટકાવી દેવાયા, ભારતે ચીનની કુલ ૨૨૪ એપ અને પબજી જેવી ગેમ્સ પર સર્જિકલ સ્ટ્રાઈક કરી, માત્ર ટીકટોક અને હેલોથી ૭૬૦૦ કરોડ અને પબજી પ્રતિબંધથી માત્ર એક જ મહિનામાં ચીનને ૬૫૦ કરોડનો ફટકો પડ્યો. ફેડરેશન ઓફ ઇન્ડિયન ટ્રેડર્સ મુજબ ભારત સાથેનો કારોબાર ઘટતાં ચીનને ૭૫ અરબ ડોલરનું નુકસાન થયું છે. મોસ્કોની બેઠક પહેલાં જ પાક-ચીનને સંદેશ આપતાં ભારતે ઓસ્ટ્રેલિયા અને ઇન્ડોનેશિયા સાથે પોતાની સામરિક ભાગીદારી મજબૂત બનાવી. ઇન્ડો - પેસિફિક ક્ષેત્રમાં ભારત અમેરિકાનું સૌથી મહત્ત્વનું સહયોગી બન્યું.
 
ભારતના પાડોશી દેશોમાં ચીન બંદરોના વિકાસના નામે પોતાનાં સૈન્યમથકો સ્થાપી રહ્યું છે. શ્રીલંકામાં હંબનટોટા બંદર, બાંગ્લાદેશમાં ચટગાંવ પોર્ટ, માલદીવમાં મકાઓ પોર્ટ, પાકિસ્તાનમાં ગ્વાદર બંદર ઉપરાંત ચાઈના - પાક. ઇકોનોમિકલ કોરિડોર જેવી યોજનાઓ દ્વારા એણે ભારતને ઘેરવાના પ્રયત્નો કર્યા. ચીનની હાલની જમીનનો ૪૩ ટકા ભાગ પચાવી પાડેલો છે, તેની સરહદો ૧૪ દેશોને સ્પર્શે છે ઉપરાંત અન્ય મળીને કુલ ૨૩ દેશો સાથે એને વિવાદ ચાલે છે. ફિલિપાઈન્સના ટાપુઓ પર ચીને સૈનિક થાણાંઓ ઊભાં કરી દીધાં, ઇન્ડોનેશિયાના દ્વીપ પાસે તેલભંડારો પર પણ દાવો કરી રહ્યું છે, હોંગકોંગ પર આધિપત્ય જમાવતા સેંકડો લોકોનો ધરપકડ અને નેશનલ સિક્યુરિટી લો અમલી બનાવ્યો. તેથી વિશ્ર્વના અનેક દેશોનો ભરોસો હવે ચીન પરથી ઊઠી ગયો છે. ચીનની છેતરામણી અને દાદાગીરીથી ઇન્ડોનેશિયા, મલેશિયા, સિંગાપોર, થાઈલેન્ડ જેવા દસ દેશોનું આસિયાન સંગઠન નારાજ અને પાઠ ભણાવવા આતુર છે. નોર્થ કોરોલીની યુનિવર્સિટી ઉપર ડિજિટલ નજર રાખી ફાર્મસી કંપનીના સંશોધનની ઉઠાંતરી કરતાં ય બ્રિટનની જાસૂસી સંસ્થાએ હમણાં ચીનને પકડ્યું. અમેરિકાએ ચીનની ૧૧ કંપનીઓ પર પ્રતિબંધ લાદ્યો અને ૩૪.૪૬ લાખ કરોડ જેટલી ઈમ્પોર્ટ ડ્યુટી વધારી. જાપાને તેની ૫૭ કંપનીઓને ચીનમાંથી પાછી બોલાવી લીધી. સૌને ઘેરવાની બદદાનતમાં ચીન પોતે જ વૈશ્ર્વિક રીતે ઘેરાઈ ગયું છે.
 
વિશ્ર્વમાં ભારતની શાખ ઊજળી થઈ છે. વિશ્ર્વ તો ભારત સાથે છે જ. હાલનું ભારત ૧૯૬૨નું નથી, ૭૫ વર્ષનું અનુભવી છે. તે સૈન્યશક્તિથી, આત્મવિશ્ર્વાસથી ભરપૂર છે. ચીનની આડોડાઈનો જવાબ આપવા સક્ષમ છે, પરંતુ ભારત સામેથી યુદ્ધ ઇચ્છતું નથી. ‘યુદ્ધમ્ પ્રજ્ઞા’ સિદ્ધાંત છે, જેનું પાલન કરવા દરેક ભારતીય સૈનિકોને કહેવાય છે. અર્થાત્ ‘બુદ્ધિથી યુદ્ધ કરો.’ યુદ્ધના શરણે ત્યારે જ જવું જ્યારે તમે તેની ભયાનકતા સમજતા હો અને તેના સિવાય અન્ય કોઈ વિકલ્પ જ ના હોય. પરમાણું સપનાં બંને દેશોને યુદ્ધ પોસાય તેમ નથી.
 
‘પંચશીલ’ શબ્દ ઐતિહાસિક બૌદ્ધ અભિલેખોમાંથી લેવામાં આવ્યો છે, જે બૌદ્ધ ભિખ્ખુઓનો વ્યવહાર નિર્ધારિત કરનારા પાંચ નિષેધ હોય છે. ચીન પંચશીલ કરારો - પંચ મુદ્દાનું ઉલ્લંઘન કરીને તેના જ દેશના લાખ્ખો બૌદ્ધધર્મીઓનું અપમાન કરી રહ્યું છે. બૌદ્ધ ગુરુઓના વ્યવહાર નિષેધમાંથી એણે કંઈ શીખવું રહ્યું. સ્વ. અટલજી એક વિધાન ઉચ્ચારતા કે, ‘આ દુનિયામાં બધું જ બદલી શકાય છે, પરંતુ ભારત પોતાના પાડોશીને શી રીતે બદલી શકે ?’ ચીનને આપણે બદલી શકવાના નથી, યુદ્ધ આપણે ઇચ્છતા નથી. તો એને સામ, દામ, દંડ, ભેદથી સમજાવવું અને ઠમઠોરવું રહ્યું.