ઑપરેશન ટ્રોજન ( Operation Trojan ) - જ્યારે મોસાદે અમેરિકાના ખભે બંદૂક ફોડી...!

    ૨૪-સપ્ટેમ્બર-૨૦૨૦
કુલ દૃશ્યો |

Operation Trojan _1 
 
 
ફેબ્રુઆરી 17, 1984. રાત્રિનો અંધકાર ઊતર્યો એ સાથે જ ભૂમધ્ય સમુદ્રના કાંઠેથી બે બોટના પ્રોપેલરે ગતિ પકડી. દેખાવ તો એવો હતો, જાણે બંને બોટ રૂટિન પેટ્રોલિંગ પર નીકળી હોય, પણ સાર - 4 ક્લાસની એક મિસાઈલ બોટ હાર્પૂન અને સરફેસ ટુ સરફેસ વાર કરી શકે એવા ગેબ્રિયલ મિસાઈલથી સજ્જ હતી. તો ગુઆલા બોટ હેલિકાપ્ટર પેડ ધરાવતી આધુનિક મનવાર હતી. અંધકાર ગાઢ બન્યો એટલે બંને બોટે લિબિયાની હદને અડકીને પસાર થતી સિસિલિયન ચનલ તરફ મોરો ઘુમાવ્યો. સરહદ એટલી નજીક હતી કે ટ્રિપોલી અને ઈટાલીની માલિકીના લેમ્પેડુસા ટાપુ પરના રડારમાં તેની હાજરી તરત પરખાઈ જાય ! આવા જોખમ વચ્ચે બંને બોટે ગતિને એકદમ બ્રેક મારી અને કલાકના ચારેક નોટની ગોકળગાયછાપ ઝડપે મુસાફરી આગળ ધપાવી...!
 
મનવારના કપ્તાને સંકેત કર્યો એ સાથે ચાર સબમરિન સપાટી પર ડોકાઈ ! બાર કમાન્ડોએ પળનોય વિલંબ કર્યા વગર દરિયામાં ઝંપલાવ્યું. પીગ તરીકે ઓળખાતી એ સબમરિન એક સાથે બે કમાન્ડોને તેમના હથિયારો સમેત સમાવી શકે એવી ડિઝાઈન ધરાવતી હતી. ચારેય સબમરિન્સ દરિયામાં ગરક થઈ એ સાથે જ બડ્ર્ઝ તરીકે ઓળખાતી બે લો પ્રોફાઈલ સ્પીડબોટે તેને એસ્કોર્ટ કરવાનું શરૂ કર્યંુ. બડ્ર્ઝ પણ કંઈ કબૂતર જેવી ભોળીભટાક નહોતી. એન્ટીટેન્ક મિસાઈલ ધરાવતી અને એમ. જી. 7.62 કેલિબરની મશીનગનથી એ સજ્જ હતી.
 
લિબિયાનો કાંઠો બે માઈલ છેટે રહ્યો અને દૂર દક્ષિણ - પૂર્વમાં શહેરની લાઈટ્સ દેખાવા લાગી એટલે સબમરિન છોડીને આઠેય કમાન્ડો છાનાછપ્ના દરિયામાં સરકી ગયા. કોઈ અણધારી મુસીબત આવી પડે તો મુકાબલો કરવા બંને સ્પીડબોટે સલામત અંતરે દરિયામાં જ રહેવાનું મુનાસિબ માન્યું. કમાન્ડો કાંઠે પગ મૂકે એ પહેલાં તો બોટમાંથી છ ફૂટ લાંબુ અને સાતેક ઇંચનો વ્યાસ ધરાવતું ભારેભરખમ સિલિન્ડર પાણીમાં ખાબક્યું. બે માણસો ઉઠાવી શકે એવું ઘેરું, લીલા રંગનું સિલિન્ડર ઉઠાવીને કમાન્ડોએ ટ્રિપોલીમાં પ્રવેશ કર્યો...!
 
દરિયાકિનારાથી સોએક ફૂટ દૂર, ટ્રિપોલી જવાના રસ્તે ભૂખરા રંગની એક વાન પડી હતી. આ રસ્તે રાતના ભાગે બહુ ઓછી અવરજવર રહેતી. આવા કટાણે અહીં વાન કેમ ઊભી છે ? એવી કોઈને શંકા ન પડે એટલે વાનનો ડ્રાઇવર ટાયર રિપેર કરવા બેસી ગયો, પણ પેલા આઠ પૈકીના ચાર માણસો પાછળનું બારણું ખોલીને હડીમદસ્તા સાથે તેમાં ગોઠવાયા એટલે ‘રિપેરિંગ’નું કામ પડતું મૂકીને પેલાએ વાન દોડાવી મૂકી. એ પણ પેલા કમાન્ડોનો જ સાથી હતો. બાકીના ચાર કમાન્ડોએ ફરી દરિયા તરફ પ્રયાણ કર્યંુ અને શહેરમાં ઘૂસેલા સાથીઓની સલામતી માટે એસ્કેપ પાઝિશન ગોઠવી દીધી. વધુ સહાયની જરૂર પડે તો એ માટે બીજી એક સ્વોડ્રન પણ તૈયાર હતી, જે ક્રીટ ટાપુ પર પોતાની મનવારમાં ઈંધણ પુરાવી રહી હતી.
 
ટ્રિપોલીના શાહી વિસ્તાર જમ્હુરિયત સ્ટ્રીટમાં આવેલા પાંચ મંઝિલના એપાર્ટમેન્ટની પાછળ વાન અટકી. આ વિસ્તારમાં જ ગદ્દાફીનો નિવાસ હતો. લશ્કરી કપડામાં પોતાને કોઈ જોઈ જાય તો જાન ખતરામાં આવી પડે. એટલે બે સાથીઓ વાનમાં જ બેસી રહ્યા. બીજા બે જણા સિવિલ ડ્રેસમાં નીચે ઊતર્યાં અને પેલા સિલિન્ડરને સાદડીમાં લપેટીને એપાર્ટમેન્ટના ટાપફ્લાર તરફ કદમ માંડ્યાં. ઉપરના માળનો ફ્લટ આવ્યો એટલે એમાં ઘૂસીને બંનેએ પેલા સિલિન્ડરનું ટોપકું ખોલ્યું. ડીશએન્ટેના જેવું કંઈક બહાર આવ્યું એટલે એ આખાય સાધનને ઉત્તર તરફ પડતી બારીની સામે ગોઠવી દેવાયું. બસ, મિશન ખતમ...!
 
ટ્રોજન હોર્સ પ્લાન્ટ થઈ ચૂક્યો હતો ! ફ્લટમાં જતાં કોઈ ન રોકે એ માટે બે પૈકીના એક કમાન્ડરે એને ભાડે રાખી લીધો હતો અને છ મહિનાનું ભાડુંય એડવાન્સમાં ભરી દીધું હતું. એટલે ફ્લટમાં જતાં એને કોઈ રોકવાનું નહોતું...! કોણ હતા આ સૈનિકો અને શું હતું પેલું સાધન ? ઈઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદના જાંબાઝ યોદ્ધાજાસૂસોનું એ પરાક્રમ આજે ઇતિહાસની તવારીખમાં ઑપરેશન ટ્રોજનના નામે ઓળખાય છે. ટ્રોજન એ એવું સાધન હતું, જે દુશ્મનોના ઇલાકામાં પ્લાન્ટ કરી દેવાય પછી દૂર દરિયામાં અડ્ડો જમાવીને બેઠેલા યુદ્ધજહાજ પરથી મોકલાયેલા પ્રિરેકોર્ડેડ સંદેશાઓને તોડીમરોડીને વિકૃત સ્વરૂપમાં બીજી ફ્રિકવન્સી પર વહેતા મૂકે. આ એવી ફ્રિકવન્સી હોય, જે દુશ્મનો આસાનીથી આંતરી શકે અને પોતે કોઈ મોટી જાસૂસી કરી છે એવા વહેમમાં આવીને આવા સંદેશાઓને આધારે મોરચાબંધી કરે ! કમાન્ડોઝને દરિયાકાંઠે સલામત મૂકીને પેલો ડ્રાઇવર ફરી શહેર તરફ હંકારી ગયો. અહીં તેણે ટ્રોજન યુનિટનું નિરીક્ષણ કરે રાખવાનું હતું. કમાન્ડોઝ પળનોય સમય ગુમાવ્યા વિના દરિયામાં અલોપ થઈ ગયા. કેમ કે પો ફાટે એ પહેલાં સલામત અંતરે પહોંચી જવું જરૂરી હતું. લિબિયાની જળસરહદમાં દુશ્મનોના સકંજામાં આવવું કોને પાલવે ? દે માર સ્પીડે એમણે બર્ડને મધદરિયે હંકારી મૂકી. આખરે એમણે ગોઠવી રાખેલી પેલી મિસાઈલ બોટ પણ બર્ડની સાથે થઈ ગઈ.
 
એપાર્ટમેન્ટમાં પ્લાન્ટ થયેલા ટ્રોજન હાર્સે ‘હણહણવાનું’ શરૂ કરી દીધું હતું. માર્ચના અંત સુધીમાં તો અમેરિકાએ આવા ‘જાસૂસી’ સંદેશાઓ આંતરવાના પણ શરૂ કરી દીધા. સંદેશાઓમાં સ્પષ્ટ ચેતવણી હતી કે દુનિયાભરમાં પથરાયેલી જુદી - જુદી લિબિયન એમ્બેસીઝમાં ત્રાસવાદીઓની એક આખી ફોજ મોકલવામાં આવી રહી છે ! બસ, અમેરિકાને આટલું જ તો જોઈતું હતું. મોસાદ સ્પષ્ટપણે એવી છાપ ઉપસાવવા માગતું હતું કે લિબિયા જ આતંકવાદનું કેન્દ્ર છે !
 
અમેરિકન જાસૂસોએ સમાચાર કન્ફર્મ કર્યા પછી તો પૂછવું જ શું ? જગત જમાદાર દાદાએ મૂછ મરડી...!
 
આ મામલે જગતના બીજા દેશો ફ્રાન્સ, સ્પેન વગેરેને એ બાબતે નવાઈ લાગતી હતી કે અત્યાર સુધી પોતાના પ્લાન ગુપ્ત રાખવામાં માનતા લિબિયન્સ અચાનક પોતાની ભાવિ રૂપરેખા જાહેર કરતા થઈ જાય તો નક્કી દાળમાં કંઈક કાળું છે ! એમને શંકા તો મોસાદ સામે પણ હતી. કેમકે એવા તો ઘણા બનાવો હતા, જેમાં લિબિયાના કોડેડ મેસેજિસ સાથે મોસાદના રિપાટ્ર્સ બેઠ્ઠી ઉઠાંતરી જેવા લાગતા હતા ! જો ખરેખર લિબિયા જ આતંકવાદ ફેલાવતું હોય તો પાંચમી એપ્રિલે પશ્ર્ચિમ બર્લિનના લા બેલે ડિસ્કોથેક પર જે આતંકવાદી હુમલો થયો એ ચોક્કસપણે નિવારી શકાયો હોત. કેમ કે આ હુમલાના દિવસો અગાઉ ‘માહિતી’ લીક થઈ ગઈ હોય ! પણ ના, એવું નહોતું થતું ! મતલબ સ્પષ્ટ હતો કે મોસાદે આપેલી માહિતી ગપગોળો હતી. એને એ પણ ખબર નહોતી કે જે હુમલામાં એક અમેરિકી નાગરિક મોતને ભેટ્યો અને અનેક લોકો ઘાયલ થયા એ હુમલામાં વપરાયેલો બાઁબ ખરેખર ક્યાં પ્લાન્ટ થયો હતો ! પણ મોસાદનાં નસીબ એટલાં સારાં હતાં કે અમેરિકા હજુ આવી શંકામાં નહોતું પડ્યું. એ તો એમ જ માનતું હતું કે દુનિયાનો જે કોઈ દેશ આતંકવાદને પાળે-પોષે છે એ મોસાદના હીટલિસ્ટમાં છે ! વળી, મોસાદે ગદ્દાફીની ઈમેજ પણ પાગલની બનાવી મૂકી હતી. છાશવારે ગદ્દાફીના કહેવાતા ગાંડાઘેલા ઢંઢેરાઓ વહેતા મૂકીને મોસાદે પોતાનું કાવતરું આબાદ બનાવ્યું હતું. ઓછું હતું તે ગદ્દાફીએ સિદ્રાના અખાતને લિબિયન ટેરેટરી ગણાવીને જળસીમાનું માર્કિંગ છેક ત્યાં સુધી કરાવ્યું. એને લીધે અખાતમાં પ્રવેશ કરવો જોખમી બની ગયો. આ નવી જળસીમા એટલે જ તો ‘લાઈન આફ ડેથ’ તરીકે જાણીતી થયેલી. બસ, અમેરિકાને તો આટલું બહાનું કાફી હતું. બ્રિટિશ અને જર્મનોને જેમ-તેમ સમજાવીને પોતાને સાથ આપવા મનાવી લઈ અમેરિકન સરકારે યુદ્ધનું રણશિંગું ફૂંકી દીધું.
 
પ્રમુખ રોનાલ્ડ રીગન તો આ ક્ષણની જ રાહ જોઈ રહ્યા હતા. એમણે લિબિયાને કરડી ભાષામાં વચન આપેલું એ યાદ કરાવ્યું - હિઝબુલ્લાએ અમેરિકી બંધકોને મુક્ત નહીં કરાવીને પોતાના પગ પર કુહાડો માર્યો છે, એટલે પશ્ર્ચિમના જગત માટે એ દુશ્મન નંબર વન છે ! બીજું, આરબ-ઈઝરાયેલી સંઘર્ષમાં અમેરિકા કોના પક્ષે છે એ આરબોએ સ્પષ્ટ જાણી લેવું જોઈએ અને ત્રીજું, અમેરિકા જે નક્કી કરી લે છે એ કરીને જ જંપે છે...! થયું...? આ ઘટનાએ મોસાદની છબિને એન્લાર્જ કરી નાખી ! અમેરિકા ભલે એનો હાથો બની ગયું, પણ એ મોસાદની માહિતી પર મુસ્તાક હતું ! એ તો ફ્રેન્ચ સરકાર હતી, જેણે અમેરિકાને મોઢામોઢ સંભળાવી દીધેલું કે લિબિયા પરના હુમલામાં તેઓ કોઈ કાળે નહીં જોડાય, એટલું જ નહીં, જો અમારા આકાશમાં તમારાં વિમાનો દેખાયાં તો ખેર નથી...!
 
આખરે લિબિયાના આકાશમાં અમેરિકી બામ્બર વિમાનો ચકરાવા લેવા લાગ્યાં. એપ્રિલ 14, 1986ના દિવસે એક સાથે 160 બામ્બર વિમાનો ચડી આવ્યાં અને સૂરજ ઢળ્યો ત્યાં સુધીમાં 60 ટન બાઁબ વરસાવીને લિબિયાને ખેદાનમેદાન કરતા ગયાં ! ટ્રિપોલી અરપાર્ટ, ગદ્દાફીના હેડક્વાર્ટર સમા બાબ અલ અઝિઝિયા બેરેક્સ, સિદી બિલાલ નેવલ બેઝ બેન્ગાઝીનું અરફિલ્ડ... બધું જ પત્તાંના મહેલની માફક ધરાશાયી થઈને કાટમાળમાં ફેરવાઈ ગયું. યુદ્ધખોરીમાં અમેરિકાની હરીફાઈ કરે એવા બ્રિટને આ નરસંહારમાં અમેરિકાનો સાથ આપેલો એટલે એણે એફ-111 પ્રકારનાં 24 અને ઈ. એફ.-111 પ્રકારનાં 5 વિમાનોનો કાફલો મોકલેલો. 28 જેટલાં રિફ્યૂઅલિંગ ટેન્કર્સ તો જુદાં ! અરફાર્સ એફ.-111 અને ઈ.એફ.-11ની ટુકડીને મદદ કરવા એ.-6 અને એ.-7 જેવા સ્ટ્રાઈક સપોર્ટ વિમાનો પડખે ચડ્યાં હતાં. અમેરિકન નૌકાદળ પણ કોરલ સીના પ્લટફાર્મ પરથી ઉડાન ભરવા તૈયાર બેઠું હતું.
 
લિબિયા પર ત્રાટકેલી આ અવકાશી આફતે 40 લિબિયનોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ગદ્દાફીની દત્તક દીકરી પણ એમાંની એક હતભાગી હતી. સામે પક્ષે અમેરિકાએ ખાસ કંઈ ગુમાવ્યું નહોતું. એફ.-111 અગનગોળો બન્યું એમાં એક પાઇલટ અને તેનો વેપ્ન આફિસરના મોત સિવાય બીજી જાનહાનિ થવા પામી નહોતી. રઘવાયા થયેલા હિઝબુલ્લાએ બૈરુતમાં કેદ અમેરિકન બંધકોને છોડવાની વાટાઘાટો તત્કાળ બંધ કરી દીધી અને અમેરિકાનું નાક તાણવા એમાંના ત્રણને મોતની ગોદમાં સુવડાવી દીધા. ફ્રેન્ચોએ આ યુદ્ધમાં ભાગ નહોતો લીધો એના ફળસ્વરૂપે હિઝબુલ્લાએ કેદ પકડાયેલાં બે ફ્રેન્ચ પત્રકારોને મુક્ત કરી દીધા. કેમ ભાઈ, ફ્રેન્ચો વહાલા અને અમે દવલાં ? પત્રકારો મુક્ત થયાની ગણતરીની મિનિટોમાં ટ્રિપોલીમાં આવેલા ફ્રેન્ચ દૂતાવાસ પર બાઁબ ઝિંકાયો. ફ્રાન્સે જોકે સમજદારી બતાવી અને ક્ષુબ્ધ થયા વિના એને ઝાઝું મહત્ત્વ ન આપ્યું.
 

Operation Trojan _1  
 
***
 
ઑપરેશન ખતમ થયું, એ પછીના મહિનાઓમાં મોસાદના બે એજન્ટ્સ મોસાદના વડામથકમાં એકેડેમી હેડ એહરોન શેર્ફની સામે બેઠા હતા.
 
‘સર, આખરે એ જ થયું જે આપણે ઇચ્છતા હતા....!’
 
‘યસ, લિબિયા સામે સીધો જંગ માંડવો આપણને ન પોસાય. આપણી પાસે નથી એટલાં કેરિયર્સ કે નથી એટલું હવાઈદળ. આરબો સામે થવું હોય તો બીજાના ખભે જ બંદૂક રાખવી પડે.’
 
‘હવે ? આગળ શું પ્લાન છે ?’
 
‘બસ, હવે ઇરાક અને એના સદ્દામ હુસૈનનો ઘડો લાડવો કરવાનો છે.’
 
‘પણ એ તો આપણા તરફી છે ને ? ઈરાન અને સિરિયા જેવા અમેરિકાના દુશ્મનો સામે એ પણ ખફા છે.’
 
‘પણ, એમની પાસે તેલકૂવા છે. અમેરિકા એને હડપ કરવા ટાંપીને બેઠું છે. આપણે એમની ન્યૂક્લિયર ટેક્નોલોજીને તો ખતમ કરી ચૂક્યા છીએ અને સાઉથ આફ્રિકા મારફતે એમને ટેક્નોલોજી વેચીને પૈસા જ તો બનાવી રહ્યા છીએ...! હવે સદ્દામને વિલન તરીકે ચીતરવાના છે અને મને ગળા સુધી ખાતરી છે કે આપણે એમાં સફળ થઈશું જ...! આરબો સામે સીધો જંગ આડકતરી રીતે જ મંડાય, બડી...!’
 
- વિરલ વસાવડા