પોતાને સુપર પાવર માનનારા ચીનના ‘પાવર’ માટે વલખાં

    13-Oct-2021   
કુલ દૃશ્યો |

China's Energy Crisis_1&n
 
 
ચીનની દિગ્ગજ રિયલ એસ્ટેટ કંપની ‘એવરગ્રાંડેએ દેવાળું કાઢ્યુ એની હજુ કળ નથી વળી ત્યાં જ ચીનમાં બુઝાઈ ગયેલી વીજળી ત્રાટકી. પોતાને સુપર પાવર માનનારા ચીનમાં ‘પાવર’ યાને કી વીજળીની કટોકટી સર્જાઈ. વિકાસની ચમક હવે અંધારામાં ડૂબી ગઈ છે અને ઝગમગાટથી દુનિયાને ચકાચૌંધ કરનારા ચીનના અનેક વિસ્તારોમાં મિણબત્તી, જનરેટરો, ટોર્ચ વગેરેથી કામ ચલાવાઈ રહ્યું છે. ફેક્ટરીઓમાં કામકાજ બંદ પડ્યું છે. ચીનીની અર્થવ્યવસ્થામાં એક તૃતિયાંશ યોગદાન આપનારા ચીનના ત્રણ સૌથી મોટા પાવર હાઉસ જિઆંગશુ, ઝેજીઆંગ અને ગુઆંગડોંગ આ ઘટનાથી સૌથી વધુ પ્રભાવિત થયાં છે. ચીનનો આ વર્ષનો વિકાસ દર ૮.૨ ના બદલે હવે ૭.૮ થઈ શકે. પ્રસિદ્ધ ફાઇનાન્સ સંસ્થા નોમુરા અને વોલ સ્ટ્રીટ ઇન્વેસ્ટમેન્ટ બેંક મોર્ગન સ્ટનલે તથા ઈન્ટરનેશનલ કોર્પોરેશન સંસ્થાના રિપોર્ટ મુજબ જો વીજ કટોકટી લાંબી ચાલી તો ચીનનો આર્થિક વિકાસ રોકેટગતિએ નીચે આવશે. મહિનાઓ પહેલાં જ ચીનના માંધાતાઓને આનો અંદેશો આવી ગયો હતો, જેથી તેમણે મોટી ફેક્ટરીઓને પ્રોડક્શન ઘટાડવાનું અથવા તો ફેક્ટરીઓ જ બંધ રાખવાનું અને ઘરોમાં ઓછો વીજળી વપરાશ કરવાનું કહી દીધું હતું.
 
ચીનમાં ૬૮ ટકા વીજળીનું ઉત્પાદન કોલસામાંથી કરવામાં આવે છે. જે મોટાભાગે ઓસ્ટ્રેલિયાથી આયાત થાય છે, પરંતુ ચીન અને ઓસ્ટ્રેલિયાના વ્યાપાર યુદ્ધને કારણે ચીને ઓસ્ટ્રેલિયાથી કોલસો મંગાવવાનું બંધ કરી દીધું છે. ઉપરાંત નેચરલ ગેસની પણ કમી છે. કોલસા અને ગેસની ઉપલબ્ધતા ઓછી થતાં પાવર ઉત્પાદન ઘટ્યું. ચીને વર્ષ ૨૦૩૦ સુધીમાં કોલસા પરની તેની નિર્ભરતા ઓછી કરીને કાર્બન ઉત્સર્જન ૬૫ ટકા જેટલું ઓછું કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આગામી ૧૨-૧૩ ઓક્ટોબરે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ સંમેલન ચીનમાં યોજાવાનું છે અને આવતા વર્ષે વિન્ટર ઓલિમ્પિક પણ યોજાવાનો છે. જ્યારે પારો શૂન્યથી નીચે જતો રહે છે. લોકોને ઘરમાં, ઓફિસોમાં, ફેક્ટરીઓમાં હિટર અને બીજાં ઇલેક્ટ્રિક માધ્યમોની સખત જરૂર પડે. પરંતુ હાલ તો તેના વીસથી વધુ પ્રાંતોના લાખો લોકોને અંધારામાં ધકેલાયા છે.
 
દુનિયાની સૌથી મોટી કાચા માલની ફેક્ટરી ઇલેક્ટ્રોનિક્સ, દવા, પ્લાસ્ટિક, કાર, ઓટોમોબાઈલ અને અન્ય ફેક્ટરીઓનો કાચો માલ ચીનથી નિકાસ થાય છે. હવે એલ્યુમિનિયમ, સ્ટીલ, ટેક્સટાઇલ, માઇક્રોચીપ્સ વિગેરેની અછત સર્જાવા લાગી છે. દુનિયાની દિગ્ગજ કંપનીઓ ટેસ્લા અને એપલ સહિત ૩૦ જેટલી મોટી કંપનીઓએ અહીં પોતાના પ્લાન્ટ્સ બંધ કરવા પડ્યા છે. ભારત અને ચીન વચ્ચે હાલ ૮૭.૬ બિલિયન ડોલરનો વેપાર છે. ચીન પાસેથી ભારત ૬૬.૭ બિલિયન ડોલરનો માલસામાન ખરીદે છે અને ચીન માત્ર ૨૦.૯ બિલિયન ડોલરનો સામાન ભારત પાસેથી ખરીદે છે. વીજ કટોકટીને કારણે ચાઈનીઝ ફેક્ટરીઓ બંધ થતાં ચીન પરની ભારતની આયાત હાલ લગભગ ૩૦ ટકા ઓછી થઈ છે. ભારત સહિત દુનિયામાં ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ, કાર અને સ્માર્ટ ફોનના ઉત્પાદનમાં ગંભીર અસરો પડી છે. વૈશ્ર્વિક કંપનીઓ હજી કોરોનાની મહામારી બાદ માંગમાં થયેલા વધારાને પહોંચી વળવા માટે સજ્જ થઈ રહી હતી ત્યારે આ પ્રકારની ઊર્જા કટોકટી તેમની મુશ્કેલીઓ વધારી રહી છે. ચાઈનીઝ રિયલ એસ્ટેટ કંપની એવરગાંડેનું ૨૨ લાખ કરોડનું દેવું કેટલાક દેશોના GDP કરતાં પણ ઊંચું છે. માટે જ આ બન્ને ઘટનાઓને કારણે ચીનના રેટિંગ્સ ઘટાડવાના શરૂ થયા છે.
 
માત્ર ચીનમાં જ નહીં બ્રિટનમાં ય ઊર્જા કટોકટી ઉભી થઈ છે અને ગેસોલિન સ્ટેશન માટેનો પુરવઠો ખોરવાયો છે. વિન્ટર પહેલાં યુરોપિયન યુનિયનમાં પાવર કટ્સની સમસ્યા વધી છે. બ્રિટનમાં તો સ્થિતિ એ છે કે પેટ્રોલ અને ડીઝલને પમ્પ સુધી લાવનારા ડ્રાઈવર્સની તંગી છે. એક દેશમાં વીજળીની કટોકટીથી સમગ્ર દુનિયામાં આર્થિક મંદીની આશંકા સેવાય એ દુનિયા માટે ગંભીર મુદ્દો છે. દુનિયાના દેશોએ ચીન પરની પરાવલંબિતા ઓછી કરવી પડે. ગત જૂનમાં જ ૩૯ દેશોએ ચીનની અસહ્ય વૈશ્ર્વિક નીતિઓ વિરુદ્ધ બ્યુગલ ફૂંકેલું. અમેરિકાએ ચીનની ૧૧ કંપનીઓ પર પ્રતિબંધ લાદ્યો અને બીજા સાત દેશો સાથે મળીને ‘ડી કપલિંગ’ની મૂવમેન્ટ આદરેલી. ક્વાડ બેઠકમાંય ચીનને સબક શીખવાડવાની વાતો થઈ. હવે સૂર્યનું સાચું અજવાળું ધરાવતા દેશ ભારત તરફ વળવાની તક વિશ્ર્વએ ચૂકવા જેવી નથી. ભારતમાં ૪૦૦ ગીગાવોટ પાવર ૨૦૨૬ સુધીમાં જ સૌરઊર્જાથી ઉત્પાદિત થશે.
 
કોરોના સમયે ચીનની આબરુ ખરડાઈ ત્યારે ઘણા ઉધોગો ચીનથી ભારત તરફ વળ્યા હતા. વૈકલ્પિક ઉર્જા માટે વિશ્ર્વના અનેક દેશો ભારત તરફ મીટ માંડીને બેઠાં છે. કચ્છ અને મધ્ય પ્રદેશમાં તાજેતરમાં જ એશિયાનો સૌથી મોટો સોલારઊર્જા પ્લાન્ટ નંખાયો છે. મહારાષ્ટ્ર, ગુજરાત, તામિલનાડુ, કેરળ જેવા દરિયા કાંઠાના વિસ્તારોમાં પવન ચક્કી દ્વારા સારા પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થઈ શકે છે. અહીં ઉર્જાના ઘણા સ્રોત પ્રમાણમાં સસ્તા પણ છે. દુનિયાના દેશો જો ચીન પરની આ નિર્ભરતા ખતમ કરીને ભારતમાં પોતાની ફેક્ટરીઓ લગાવશે તો ચીન કરતાં વધુ સારો અને પ્રામાણિક બિઝનેસ કરી શકશે એ નક્કી છે. ચીન પોતાના વીજ કટોકટીના સંક્રમણને કોરોના જેમ સમગ્ર દુનિયામાં ના ફેલાવે તે નિશ્ર્ચિત કરવાની જવાબદારી હવે G-8 તથા ક્વાડ દેશોની છે.