ભારતીય ક્રિકેટ ટીમની હારના ૧૦ કારણો

    25-Oct-2021
કુલ દૃશ્યો |

india pakistan_1 &nb
 
 
 
આ કારણો જોઇએ એ પહેલા એ સમજી લેવું જોઇએ કે ક્રિકેટ એક રમત છે અને કાલે ભારત પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ હતી યુદ્ધ નહી. રમતમાં કોઇ એક ટીમ દર વખતે જીતી ન શકે. જેમ જીવનમાં સુખ અને દુઃખનું મહત્વ છે તેમ રમતમાં હાર અને જીતનું મહત્વ છે. પણ તેમ છતા ભારતીય ટીમની પાકિસ્તાન સામે હાર થઈ છે એ સ્વીકારવું જ પડે. ભારતની ટીમ આ વર્લ્ડ કપમાં પ્રબળ દાવેદાર ગણાય છે. આ હારમાંથી ભારતીય ટીમને ઘણું બધુ શીખવા મળશે. આ સંદર્ભે આવો ભારતીય ક્રિકેટ ટીમની હારના ૧૦ કારણો જોઇએ…
 

#૧ ટોસનું હારી જવું

 
ક્રિકેટમાં હંમેશાં ટોસનો મુદ્દો રહ્યો છે. આ ટોસ ભારતીય ટીમ જીતી ગઈ હોત તો પરિણામ કદાચ બીજું હોત. ટોસ પર કોઇનો કન્ટ્રોલ નથી. તે નસીબ પર છે. બધાને ખબર છે કે દુબઈના મેદાન પર ડ્યુ (ઓસ - ઝાકળ) ફેક્ટર બીજી ઇનિગ્સમાં અસર કરે છે. ભારતીય ટીમના કેપ્ટન વિરાટે પણ કહ્યું હતું કે ટોસ જીત્યા હોત તો અમે પહેલા ફિલ્ડીંગ જ લેત. પાકિસ્તાનના ફાસ્ટ બોલર અખ્તરે પણ કહ્યુ કે ભારતીય ટીમને ડ્યુ ફેક્ટર નડ્યુ. બીજી ઇનિગ્સમાં બોલ ભીનો થવાથી મીડિયમ બોલરો યોગ્ય રીતે બોલિંગ કરી શકતા નથી. ભારતીય બોલરો અસરકારક સાબિત ન થયા કેમ કે બોલ વારવાંર ભીનો થઈ જતો હતો અને ભીના બોલ સાથે બોલિંગ કરવી ખૂબ અઘરી થઈ પડે છે…
 

#૨ ઓપનિંગ જોડીએ નિરાશ કર્યા

 
ભારતીય ટીમની ઓપનિંગ જોડી ઝડપથી આઉટ થઈ ગઈ તેમાં ભારતીય ટીમ વધારે પ્રેસરમાં આવી ગઈ. મેચની શરૂઆતની બે-ત્રણ ઓવર જો ભારતીય ટીમના પક્ષમાં રહી હોત તો પણ પરિણામ અલગ હોત. પણ શાહીન આફ્રિદીની બે યોગ્ય બોલે ભારતીય ટીમની બે મહત્વની વિકેટ પાડી દીધી અને ભારતીય ટીમને કન્ટ્રોલમાં રાખવાની પાકિસ્તાનની ટીમને તક મળી ગઈ.
 

#૩ શાહીન આફ્રિદીની બોલિંગ સમજવામાં થાપ

 
હાર પછી મીડિયામાં કહેવાઈ રહ્યું છે કે ભારતીય ટીમ આઈપીએલમાં રમ્યા પછી આત્મવિશ્વસથી ભરપૂર હતી. આ વધારે આત્મવિશ્વાસ ભારતીય ટીમને નડ્યો. ભારતીય ટીમના ઓપનરે શાહીન આફ્રિદીની બોલિંગને નજરઅંદાજ કરી જેનું પરિણામ ઓપનરોએ વિકેટ આપી ભોગવવું પડ્યું.
 
 

#૪ ઇનિગ્સને ફિનિસ ન કરી શક્યા

 
 
એક સમયે લાગતું હતું કે ભારતીય ટીમ ૧૦૦ રન પણ નહી બનાવી શકે. પણ ઋષભ પંત અને વિરાટ કોહલીના કારણે ટીમના ૧૫૦ રન થયા. પણ ઉલ્લેખનીય વાત એ છે કે ભારતીય ટીમને જ્યારે પ્રથમ ઇનિગ્સ ફિનિસ કરવાની હતી ત્યારે તે સારું પ્રદર્શન ન કરી શકી. છેલ્લી ઓવરમાં જ્યારે રન બનાવવાના હતા ત્યારે વિરાટની અને રવિન્દ્ર જાડેજાની વિકેટ પડી અને ત્યાર બાદ હાર્દિક પંડ્યા પણ મોટા શોટ મારી ન શક્યો. છેલ્લી ઓવરોમાં થોડા રન થઈ શકે તેમ હતા પણ ભારતીય ટીમની વિકેટ પડી અને થોડા ઓછા રન બોર્ડ પર નોંધાયા.
 

#૫ ખરાબ બોલિંગ

 
મેચ પછી વિશેષજ્ઞોએ પણ કહ્યું કે ભારતીય બોલિંગ નિરાશાજનક રહી. ગુડલેન્થમાં ભારતીય બોલરોએ વધારે બોલ ન ફેંક્યા. ભારતીય ટીમના કોઇ બોલર ન ચાલ્યા. એક પણ ભૂલ કર્યા વગર પાકિસ્તાનના બેટ્સમેન આરામથી ૧૫૧ રન બનાવી દીધા. ઉલ્લેખનીય વાત એ છે કે વરૂણ ચક્રવતી પર બધાનું ધ્યાન હતું પણ તે પણ સારું પ્રદર્શન ન કરી શક્યો.
 

#૬ હાર્દિક પંડ્યા ચિંતાનો વિષય

 
હાર્દિક પંડ્યાને જેના માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો તે કામ કરવામાં તે નિષ્ફળ રહ્યો. તેણે માત્ર ૧૧ રન જ બનાવ્યા અને ખભાની ઇજાથી મેદાનથી બહાર રહ્યો. બોલિંગ અને બેટિંગ બન્નેમાં હાર્દિક કશુ ન કરી શક્યો. આ ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય છે.
 

#૭ ત્રણ ખેલાડીએ ભારતીય ટીમને હરાવી

 
શાહીન આફિદી, બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન આ ત્રણ પાકિસ્તાની ખેલાડીઓએ ભારતીય ટીમને હરાવી એવું કહી શકાય. આ ખેલાડીઓ વિરુદ્ધ ભારતીય ટીમે કોઇ પ્લાન એ કે પ્લાન બી બનાવ્યો ન હતો એવું આખી મેચ દરમિયાન લાગ્યુ.
 

#૮ વિરાટની કેપ્ટનશીપ

 
હાર પછી વિરાટની કેપ્ટનશીપ પર તેના નિર્યણ પણ પણ પ્રશ્નો ઉભા થયા છે. વિરાટ કોહલી પહેલા તો હાર્દિક પંડ્યાની જગ્યાએ રવિન્દ્ર જાડેજાને બેટિંગ કરવા મેદાને ઉતાર્યો. આ નિર્ણય ખોટો સાબિત થયો. જાડેજા રન બનાવી શક્યો નહી અને હાર્દિક પંડ્યા જ્યારે મેદાને આવ્યો ત્યારે તેની પાસે રમવા લાયક બોલ વધ્યા ન હતા. આથી દરેક બોલને ફટકારવામાં તે પણ આઉટ થઈ ગયો. પરિણામે છેલ્લી ઓવરોમાં જે રન બનવા જોયતા હતા તે બન્યા નહી. બોલિંગમાં પણ પાવરપ્લેમાં વિરાટે વધારે બોલરનો ઉપયોગ કર્યો. જેથી બોલરો પણ સેટ ન થઈ શક્યા.
 

#૯ સ્વિગ ની જગ્યાએ સ્લોવર બોલ પર ધ્યાન

 
ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમના બોલરોએ પાવર પ્લેમાં જ હથિયાર મૂકી દીધા હોય તેવું લાગ્યું. સ્લો બોલનો વધારે પડતો ઉપયોગ છેલ્લી ઓવરોમાં કરવાનો હોય પણ ભારતીય ટીમના બોલરો તેનો ઉપયોગ શરૂઆતથી જ કરવા લાગ્યા. જ્યારે સ્વિંગ પર ધ્યાન આપવાનું હતું ત્યારે ભારતીય બોલરોએ સ્લો બોલિંગ કરી. વિશેષજ્ઞોના મતે ભારતીય બોલરોએ સરેરાશ કરતા વધારે સ્લો સ્લોવર બોલ ફેક્યા.
 

#૧૦ અપેક્ષા

 
ભારત પાકિસ્તાનની મેચ હોય એટલે ચાહકોની અપેક્ષા હોય જ કે ભારત આ મેચ જીતે. યાદ રાખો દરેક મેચ જીતી શકાય નહી. ચાહકોની અપેક્ષા હોય છે કે ભારત દરેક મેચ જીતે. મીડિયા પણ આવું કહીને ખેલાડીઓ ઉપર એક દબાણ ઉભું કરતું હોય છે. આ મેચમાં પાકિસ્તાનને ખોવા માટે કઈ હતું નહી પણ ભારત પર પ્રેસર વધારે હ્તું કે તે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે એક પણ મેચ હર્યુ નથી માટે આ મેચ પણ જીતવી પડશે. આ પ્રેસરમાં થોડી ભુલ થઈ અને ભારતેય ટીમ શરૂઆત સારી ન કરી શકી.