અવધૂત ઉપાખ્યાન ચોવીસ ગુરુઓની કથા

ભગવાન દત્તાત્રેય

    28-Oct-2021
કુલ દૃશ્યો |

datatrey_1  H x 
 
 
હે મહાત્મન્ ! કશું કર્મ ન કરતા હોવા છતાં પણ તમને આ ઉત્તમ બુદ્ધિ કેવી રીતે મળી ? જેના આશ્રયથી તમે પરમ વિદ્વાન હોવા છતાં બાળકની જેમ વિચરણ કરો છો ?
એક વખત ભગવાન શ્રી કૃષ્ણ અને ઉદ્ધવજી વચ્ચે સંવાદ ચાલી રહ્યો હતો. શ્રીકૃષ્ણ બોલ્યા : હે ઉદ્ધવ ! તમે સત્ય કહો છો. મેં પૃથ્વી ઉપર અવતાર લઈ જે કાર્યો કરવાનાં હતાં તે કરી લીધાં છે. આ યદુવંશ પરસ્પરના દ્વેષથી સ્વયં નષ્ટ થઈ જશે. આજથી સાતમા દિવસે સમુદ્ર દ્વારિકાને ડુબાડી દેશે, ત્યાર બાદ હું સ્વધામ જઈશ એટલે કળિયુગ આવી જશે, ત્યારે ધાર્મિક લોકો પાખંડી કહેવાશે અને લોકો અધર્મમાં રચ્યાપચ્યા રહેશે. એટલે તમે સર્વ સ્નેહીજનોનો મોહ ત્યાગ કરી મારામાં ચિત્તને સ્થિર કરી સમદૃષ્ટિ રાખી પૃથ્વી ઉપર ફરતા રહેજો. આ શરીર ક્યારે છૂટી જશે એનો કોઈ ભરોસો નહીં, માટે એનાથી જેટલાં શુભ કર્મ થાય એટલા કરો. એનાથી ઉચ્ચ ગતિ મળે છે.
 
ભગવાન શ્રીકૃષ્ણે ઉદ્ધવજીને આ પ્રકારે ઉપદેશ આપ્યો ત્યારે ભગવદ્પ્રેમી ઉદ્ધવજીએ તેમની પાસે તત્ત્વજ્ઞાન જાણવાની ઇચ્છા કરી. હે પ્રભુ ! આપે મારા કલ્યાણ માટે સંન્યાસનો માર્ગ બતાવ્યો. પરંતુ હું મૂઢમતિ એ સમજી શકતો નથી, તો તમે એ સુગમતાપૂર્વક મને સમજાવો. હું દાવાગ્નિરૂપ દુઃખોથી બોઝો તમારા શરણમાં આવ્યો છું. તો તમે મને આત્મજ્ઞાનનો ઉપદેશ આપો.
ત્યારે શ્રીકૃષ્ણ બોલ્યા : એક સમય યદુજીએ એક યુવા અવધૂતને પોતાની મસ્તીમાં નિર્ભય ફરતા જોયા એટલે એમને પૂછ્યું : હે મહાત્મન્ ! કશું કર્મ ન કરતા હોવા છતાં પણ તમને આ ઉત્તમ બુદ્ધિ કેવી રીતે મળી ? જેના આશ્રયથી તમે પરમ વિદ્વાન હોવા છતાં બાળકની જેમ વિચરણ કરો છો ? આ સંસાર મોહવશ બની પીડાઈને દુખી થઈ રહ્યો છે, છતાં તમે આત્મામાં આવો અખંડ આનંદનો કેવી રીતે અનુભવ કરો છો?
 
એ અવધૂત જે પરમ બ્રહ્મવેત્તા દત્તાત્રેયજી હતા તે બોલ્યા મેં મારી બુદ્ધિ દ્વારા ચોવીસ ગુરુ બનાવી એમનાથી શિક્ષા ગ્રહણ કરી છે, જે આ પ્રમાણે છે :
 
(૧) પહાડ : પહાડની પેઠે અવિચળ બનવું. જીવનમાં કોઈ જાતની સ્પૃહા રાખ્યા વગર નિઃસ્પૃહ બનવું. જગતમાં જીવમાત્ર પર પરોપકાર રાખવો.
 
(૨) વન : પવનને સ્વાદની કાંઈ પરવા નથી, એ રીતે સ્વાદ-અસ્વાદનો ત્યાગ કરી દેવો. વળી, પવન પોતાની પ્રશંસા કે નિંદા સાંભળવા રોકાતો નથી, વહ્યા જ કરે છે. એમ જગતમાં માન-અપમાનથી પર થઈ પરમાત્મા તરફ જ જીવનને વહેવા દેવું.
 
(૩) આકાશ : આકાશનો જેમ ક્યાંય અંત નથી તેમ પરમાત્મા પણ અનંત છે. એની શક્તિનો ભેદ કોઈથી પામી શકાતો નથી. માટે એ સર્વવ્યાપી છે એમ માની સર્વ પ્રત્યે દયા રાખવી.
 
(૪) પાણી : પાણી જગતના જીવમાત્રની તરસને શાંત કરે છે. એ રીતે જ્ઞાનીએ પણ નિર્મળ બનીને જગતને શુદ્ધ કરવા માટે બીજાને ઉપદેશ આપવો અને જગતને પાપરહિત કરવું.
 
(૫) અગ્નિ : અગ્નિ જે મળે તેને સ્વાહા કરી જાય છે. એ સંગ્રહ કરતો નથી, મોહ-માયામાં ફસાતો નથી. એની જેમ જ્ઞાનીએ પણ કોઈ વસ્તુનો સંગ્રહ કર્યા વગર પરહિત કાજે બધું વાપરી નાખવું, આપનારને અંતરના આશીર્વાદ આપવા અને તેના પાપનો નાશ કરવો.
 
(૬) ચંદ્રમા : ચંદ્રના તેજમાં વધઘટ થાય છે પણ એનું મૂળ સ્વરૂપ તો એનું એ જ રહે છે, તેમ પરમાત્માનો પ્રકાશ હજારો યોનિમાં ઓછો-વત્તો હોવા છતાં પણ પરમાત્મા પોતે સ્વયં પ્રકાશિત છે જ.
 
(૭) સૂરજ : સૂર્ય પોતાની ગરમીથી પાણી ચૂસીને વર્ષા રૂપે પાછું આપી દે છે તેમ જ્ઞાનીએ લોભ રાખ્યા વગર જે મળ્યું હોય તે પાછું આપી દેવું જોઈએ. વળી, પ્રતિબિંબ પાણીમાં પડવાથી ઘણા સૂર્ય દેખાય છે, પણ વાસ્તવમાં એ એક જ છે.
 
(૮) કબૂતર : કબૂતર જેમ મોહ-માયાના પાશમાં ફસાતું નથી તેમ મોહમાયાનો મનથી ત્યાગ કરવો.
 
(૯) અજગર : અજગરને જ્યારે ભૂખ લાગે છે ત્યારે એ ખોરાકની શોધમાં જતો નથી પણ મોં ખુલ્લું રાખી પડ્યો રહે છે, એ જ રીતે જ્ઞાનીએ પણ પેટ ભરવા માટે ઘેર ઘેર ભટકવું નહિ. પેટની ચિંતા પરમાત્મા પર છોડી દેવી.
 
(૧૦) હાથી : એ કાગળની હાથણીને જોઈ ખાડામાં પડી જાય છે તેમ જ્ઞાનીએ આસક્તિરૂપ સ્ત્રીના મોહપાશમાં સપડાવું નહિ.
 
(૧૧) મધમાખી : તે ફૂલે ફૂલે ભમીને મધ એકઠું કરે છે પણ એનો પોતે ઉપયોગ કરતી નથી, તેમ જ્ઞાનીઓએ પોતે જે સંચય કર્યું હોય તેમાંથી ઉપયોગ જેટલું વાપરી બાકીનું પરોપકારાર્થે આપી દેવું.
 
(૧૨) પતંગિયું : આ જંતુની પેઠે જ્ઞાનીએ સ્ત્રી, પુત્ર કે ધનના મોહમાં કે તેજમાં સપડાઈ ન જવું, સ્ત્રીસંગ ન કરવો.
 
(૧૩) સમુદ્ર : સમુદ્રમાં સેંકડો નદીઓ ઠલવાય છે, છતાં એ કિનારાથી આગળ વધતો નથી તેમજ સૂર્ય તેનું ઘણું પાણી ચૂસી લે છે છતાં એ ઘટતો નથી, એ રીતે જ્ઞાનીજનોએ લાભ નુકસાન થાય તો તેનો હર્ષ કે શોક ન કરવો.
 
(૧૪) મધુહા : મધમાખીઓ રાત-દિવસ ભટકી ભટકી મધ ભેગું કરે છે ને એમાં ઘણો સમય લાગે છે, પણ મધુહા પળવારમાં એ કાઢી જાય છે. તેને જરા પણ વાર લાગતી નથી. તેમ જ્ઞાન કે ધનનો સંગ્રહ ન કરતાં એને વાપરતા રહો.
 
(૧૫) અજ્ઞાની બાળક : અજ્ઞાની બાળકને કામ કદી જાગતો નથી કે આસક્તિ થતી નથી તેમજ એ પોતાની રમતમાં લીન રહે છે. તે જ રીતે જ્ઞાનીજને કામનો ત્યાગ કરી પરમાત્માના ધ્યાનમાં લીન રહેવું.
 
(૧૬) હરણ : હરણને સંગીતનો રાગ અત્યંત પ્રિય છે અને એમાં જ એ ફસાય છે. તેથી જ્ઞાનીજને સ્ત્રીના રાગ સાંભળીને એને વશ ન થવું એમાં ફસાવું નહિ.
 
(૧૭) માછલી : ખાવાની લોલુપતામાં માછલી પોતાનો નાશ વહોરે છે તેથી જ્ઞાનીએ સ્વાદને વશ ન થવું. મેવા મીઠાઈની લોલુપતા ન રાખવી.
 
(૧૮) પિંગળા : એ વેશ્યા હોવા છતાં એણે પાછળથી પોતાના નીચ ધંધાનો ત્યાગ કરી પ્રભુભક્તિમાં જીવન ગુજાર્યું, તે જ રીતે જ્ઞાનીએ પણ જાગ્યા ત્યાંથી સવાર ગણી મોક્ષપ્રાપ્તિ માટે પ્રયત્નો કરવા.
 
(૧૯) સમડી : એ જ્યારે માંસનો ટુકડો ચાંચમાં લઈને ઊડે છે ત્યારે બીજી સમડીઓ એ ઝૂંટવી લેવા એની પાછળ પડે છે અને એને ઘાયલ કરી નાખે છે. સમડી જ્યારે ચાંચમાંથી ટુકડો છોડી દે છે ત્યારે જ બીજી સમડીઓ એનો પીછો છોડે છે. માયા માંસના ટુકડા જેવી છે. એને પકડી રાખશો ત્યાં સુધી મોતનો ભય રહેશે. માટે જ્ઞાનીએ જલદી માયા છોડી દેવી.
 
(૨૦) કુંવારી કન્યા : એ એક દિવસ ઘરમાં એકલી હતી. ઘેર મહેમાન આવ્યા. મહેમાનને જાણ ન થાય એ માટે એ એક ઓરડીમાં ચોખા ખાંડવા બેઠી પણ ખાંડતી વખતે ચુડીઓ રણકવા લાગી એટલે એક પછી એક ચુડી ઉતારવા લાગી. જ્યારે એક જ ચુડી રહી ત્યારે એ ન રણકી. જ્ઞાનીએ આ પ્રમાણે જ એકલા રહીને પરમાત્માનું ધ્યાન ધરવું.
 
(૨૧) તીર બનાવનારો : એ જ્યારે તીર બનાવે છે ત્યારે એવો લીન થઈ જાય છે કે રાજાની સવારી ત્યાંથી નીકળે છે તો પણ એ તરફ નજર કરતો નથી. એ પ્રમાણે જ્ઞાનીએ પ્રભુના ધ્યાનમાં બધી ઇન્દ્રિયોને વશ કરી લેવી.
 
(૨૨) સાપ : સાપ પોતે પોતાને માટે ઘર બનાવતો નથી, પણ ઉંદરે બનાવેલા ઘરમાં રહે છે. તેમ જ્ઞાનીએ પોતે ઘરની જંજાળમાં પડ્યા વગર રાત પડે ત્યાં જ રાતવાસો કરી લેવો.
 
(૨૩) કરોળિયો : જેમ કરોળિયો પોતાના મોંમાંથી તાર કાઢી પાછો ખાઈ જાય છે તેમ ઈશ્ર્વર ચોર્યાસી લાખ યોનિ ઉત્પન્ન કરી એ સર્વને પાછા પોતાનામાં જ સમાવી લે છે. જ્ઞાનીએ ઈશ્ર્વરના ધ્યાનમાં જ રહેવું.
 
(૨૪) ભીંગરી (ભમરી) : એ માટીમાંથી ઘર બનાવે છે, તેમાં પ્રવેશવાનાં બાકોરાં રહેવા દે છે. પછી ઝરા વગેરે જીવતા જીવડાને પકડી લાવી તેને ડંખ માર માર કરે છે. ડંખના ત્રાસથી જીવડા એવા ત્રાસી જાય છે કે ઓ ભમરી આવી, ભમરી આવી એમ મનમાં રટ્યા કરે છે. ભમરી જે બાકોરામાં જીવડું રાખ્યું હોય એને માટીથી બંધ કરી દે છે. થોડા દિવસ પછી એ જીવડું બદલાઈ જઈ ભમરી બની જાય છે. એ જ રીતે જ્ઞાનીએ પણ પ્રભુના રટણમાં એવું લીન બની જવું કે પ્રભુરૂપ બની જવાય.
 
* * *
 
આ સમસ્ત બોધ ઉપરાંત મને મારા શરીરથી પણ બોધ મળ્યો છે. મનુષ્ય ધન કમાઈને પરિવારને પાળે છે, પરંતુ અંતમાં એને કોઈનો સાથ નથી મળતો. એક પુરુષની અનેક પત્નીઓ હોઈ એ પતિને પોત-પોતાની તરફ ખેંચી નિર્બળ બનાવી દે છે, એ જ રીતે ઇન્દ્રિયો પણ પોત-પોતાની તરફ ખેંચી એને દુર્બળ બનાવી દે છે.
 
માટે પહેલાં મનને વશમાં કરવું જોઈએ. એનાથી ઇન્દ્રિયો શરીરને દુખી નથી કરતી. આહાર, નિદ્રા ભય વગેરે પશુ પણ કરે છે. પરંતુ જ્ઞાનથી ઈશ્ર્વરપ્રાપ્તિ માત્ર મનુષ્ય જ કરે છે.