અજામિલને થઈ દિવ્યલોકની પ્રાપ્તિ

    28-Oct-2021
કુલ દૃશ્યો |
 
ajamil_1  H x W
 
 
અમે ધર્મરાજના દૂત છીએ. મૃત્યુલોકમાં જેટલા પણ માણસો મરે છે, અમે તેના પ્રાણને ધર્મરાજ પાસે લઈ જઈએ છીએ. તે જ તેના પાપ અને પુણ્યનો નિર્ણય કરે છે.
 
પ્રાચીન કાળમાં એક નગરમાં એક બ્રાહ્મણ રહેતો. તેનું નામ અજામિલ હતું. અજામિલ વેદોમાં વિદ્વાન હતો. તે ધાર્મિક હતો અને સારાં કર્મો કરતો. તે જે કોઈપણ કામ કરતો તે નીતિ અને ધર્મની દૃષ્ટિથી જ કરતો. એક દિવસ અજામિલ એક ઉપવનમાં જઈ રહ્યો હતો. ઉપવનમાં તેણે એક ચોંકાવનારું દૃશ્ય જોયું. એક ભદ્ર કુટુંબનો વ્યક્તિ એક વેશ્યા સાથે ઉપવનમાં ફરી રહ્યો હતો. આ દૃશ્યનો પ્રભાવ અજામિલના મન પર પડ્યો. જે રીતે દારૂડિયા સાથે રહેવાથી, તેનો પ્રભાવ મન પર પડે છે અને જુગારી સાથે રહેવાથી, તેનો પ્રભાવ મન પડે છે; તે જ રીતે અજામિલ પણ આ દૃશ્યથી પ્રભાવિત થઈ ગયો.
 
અજામિલે વિચાર્યું, કાશ, હું પણ આ રીતે વેશ્યા સાથે ફરી શકતો હોત. અજામિલ ધર્મ-કર્મ છોડીને વેશ્યા સાથે ફરવા લાગ્યો.
 
અજામિલ દરરોજ સવારે જંગલમાં નીકળી જતો. રસ્તા પર ચાલતા લોકોનું ધન લૂંટી લેતો અને ઘણીવાર તો લોકોને મારી પણ નાખતો. તેને જે કંઈપણ ધન મળતું તેમાંથી થોડું ધન વેશ્યાને આપતો અને થોડું ધન તેના ઘરના ભરણપોષણ માટે રાખતો.
 
અજામિલના અનેક પુત્રો હતા. તેમાંથી સૌથી નાના પુત્રનું નામ નારાયણ હતું. અજામિલ તેના નાના પુત્રને સૌથી વધુ પ્રેમ કરતો. તે સતત નારાયણ નારાયણ બોલીને તેના પુત્રને પોતાની પાસે બોલાવ્યે રાખતો.
 
આવું જીવન જીવતા અજામિલનો અંતિમ સમય આવી ગયો. અજામિલ મરણપથારીએ પડ્યો. યમદૂતો તેને લેવા પહોંચ્યા. નારાયણના અનુચરોના કાનમાં પડ્યો. તેઓએ વિચાર્યું કે સ્વામીનો કોઈ મહાન ભક્ત મુશ્કેલીમાં છે. તેથી તેઓ દોડીને અજામિલ પાસે પહોંચી ગયા. તેઓએ ત્યાં જઈને જોયું તો યમરાજના દૂતો અજામિલના શરીરમાંથી તેના પ્રાણ ખેંચી રહ્યા હતા. નારાયણના અનુચરોએ યમરાજના દૂતોને કહ્યું, તમે લોકો કોણ છો? તમે આ મનુષ્યના પ્રાણ કેમ ખેંચી રહ્યા છો? તમે તેને ક્યાં લઈ જઈ રહ્યા છો ?
 
યમદૂતોએ જવાબ આપ્યો, અમે ધર્મરાજના દૂત છીએ. મૃત્યુલોકમાં જેટલા પણ માણસો મરે છે, અમે તેના પ્રાણને ધર્મરાજ પાસે લઈ જઈએ છીએ. તે જ તેના પાપ અને પુણ્યનો નિર્ણય કરે છે. આ મનુષ્યએ હંમેશા ખરાબ કર્મો જ કર્યા છે. તેથી અમે તેને ધર્મરાજ પાસે લઈ જઈશું. તે આ મનુષ્યને તેના પાપની સજા આપશે.
 
નારાયણના અનુચરોએ યમદૂતોને ધર્મ અને અધર્મ અંગેના અનેક પ્રશ્ર્નો પૂછ્યા. યમદૂતોના જવાબ સાંભળીને નારાયણના અનુચરોએ કહ્યું, તમે હવે આ મનુષ્યના પ્રાણ લઈને નહીં જઈ શકો. તેણે તેના બધા પાપોનું પ્રાયશ્ર્ચિત્ત કરી લીધું છે. જે મનુષ્ય મૃત્યુ સમયે નારાયણનું નામ લે છે, તેના બધા ખરાબ કર્મોનું આપોઆપ પ્રાયશ્ર્ચિત્ત થઈ જાય છે. આ મનુષ્યએ ખૂબ જ દુખના સમયમાં નારાયણના નામનું ઉચ્ચારણ કર્યું છે. મોટા મોટા જ્ઞાનીઓના જ્ઞાનથી, મોટા મોટા યોગીઓના યોગથી અને મોટા મોટા તપસ્વીઓના તપથી જે ફળ પ્રાપ્ત નથી થતું તે ફળ નારાયણનું નામ લેવાથી મળે છે.
 
યમરાજના દૂતો અજામિલના પ્રાણ છોડીને ચાલ્યા ગયા. તેના ગયા પછી નારાયણના અનુચરો પણ અદૃશ્ય થઈ ગયા. અજામિલ થોડીવાર પછી ભાનમાં આવ્યો. તે ભાનમાં આવીને વિચારવા લાગ્યો, શું હું સ્વપ્ન જોઈ રહ્યો હતો ? ડરામણા ચહેરાવાળા એ લોકો કોણ હતા ? તેઓ ક્યાં ચાલ્યા ગયા તેની વાતો પરથી તો એવું લાગે છે કે તેઓ મારા પ્રાણને યમલોકમાં લઈ જવા આવ્યા હતા. તેઓ મને શા માટે પાપી અને ક્રૂરકર્મી કહી રહ્યા હતા? તે સુંદર ચહેરા અને મીઠી વાણીવાળા લોકો કોણ હતા? તેઓ ક્યાં ચાલ્યા ગયા? તેની વાતો પરથી લાગે છે કે તે નારાયણના દૂતો હતા. હું તો મારા પુત્ર નારાયણને નામથી બોલાવતો હતો, પરંતુ તેઓ માત્ર નારાયણના ઉચ્ચારણથી મારી રક્ષા કરવા માટે મારી પાસે આવી ગયા. તેઓએ કેવી સરસ રીતે નારાયણના નામનો મહિમા કહીને મારી રક્ષા કરી ! હું પણ કેટલો મૂર્ખ છું? નારાયણના નામના જાપ કરવાને બદલે હું ચોરી અને લૂંટફાટ કરીને મારા કુટુંબીઓનું પેટ ભરતો રહ્યો.
 
અજામિલ ત્યારબાદ ઘર છોડીને હરિદ્વાર ચાલ્યા ગયા. તે હરિદ્વાર જઈને નારાયણના નામના જાપ કરવા લાગ્યા. નારાયણના નામના જાપ કરવાથી જ અંતમાં તેને દિવ્યલોકની પ્રાપ્તિ થઈ. બીજી તરફ યમદૂતોએ ધર્મરાજ પાસે જઈને કહ્યું, મહારાજ! અમે એક વાત સમજી શકતા નથી. તમે મહાન છો કે નારાયણ? નારાયણના અનુચરોએ અમને તમારી પાસે અજામિલના પ્રાણ લઈ આવવા ન દીધા. ધર્મરાજે જવાબ આપ્યો, હે દૂતો ! નારાયણ જગતના સ્વામી છે. જે મનુષ્ય નારાયણના નામના જાપ કરે છે - તે બધા પ્રકારનાં પાપો અને શ્રાપોમાંથી છૂટી જાય છે.
 
અજામિલની આ વાર્તા પરથી એ જ બોધપાઠ મળે છે કે પ્રેમ અને ભક્તિનો માર્ગ જ સર્વશ્રેષ્ઠ માર્ગ છે. તેમજ ભગવાન નારાયણના ચરણોમાં મન લગાવવું જોઈએ.