અંબરીષ અને ઋષિ દુર્વાસા | તમારે મારા અપમાનનું ફળ ભોગવવું જ પડશે.

    28-Oct-2021
કુલ દૃશ્યો |

Ambarish and Rishi Durvas 
 
 

અંબરીષ અને ઋષિ દુર્વાસા | Ambarish and Rishi Durvasa

 
 
હે અંબરીષ! તમે મારું અપમાન કર્યું છે. હું તમારો મહેમાન છું. તમે મને ભોજન કરાવ્યા વગર જ મારી પહેલાં પોતે ભોજન કરી લીધું છે. તમારે મારા અપમાનનું ફળ ભોગવવું જ પડશે.
 
વૈવસ્વત મનુના વંશજમાં અનેક પ્રતાપી અને તેજસ્વી રાજાઓએ જન્મ લીધો. તેમાંના એક તેજસ્વી અને પ્રતાપી રાજાનું નામ અંબરીષ હતું. રાજા અંબરીષ ધર્માત્મા અને પુણ્યાત્મા હતા. તે પ્રજાને પોતાના સંતાન માનીને જ તેનું પાલન અને પોષણ કરતા. તેનું રાજ્ય ખૂબ જ મોટું હતું. રાજાનો વૈભવ પણ પુષ્કળ હતો. રાજા અંબરીષ પાસે ખૂબ જ મોટી સેના હતી. પરંતુ રાજા અંબરીષને રાજ્ય અને વૈભવ પ્રત્યે કોઈ આસક્તિ ન હતી. રાજા અંબરીષ તો ભગવાનના અનન્ય ભક્ત હતા.
રાજા અંબરીષ ખૂબ જ મોટા રાજા હોવા છતાં પણ એક સાધારણ કુટીરમાં રહેતા હતા. તે સ૨ળ અને સાદું જીવન વ્યતીત કરતા. રાજા અંબરીષ રાત-દિવસ ભગવાનનું નામ-સ્મરણ કરતા રહેતા. તેમને ભગવાનના નામ-સ્મરણ સિવાય બીજું કંઈ જ ગમતું નહીં.
 
રાજા અંબરીષનાં પત્ની પણ ભગવાનના ચરણોમાં જ લીન રહેતાં. તેઓ પણ રાત-દિવસ ભગવાનના નામને જપતાં રહેતાં અને ભગવાનની સેવામાં જ મગ્ન રહેતાં. પતિ અને પત્નીનો ભગવાન પ્રત્યેનો પ્રેમ જોઈને ભગવાન તેમના પર પ્રસન્ન થઈ ગયા. તેથી ભગવાને પતિ અને પત્નીને દર્શન આપીને બંનેનું જીવન કૃતાર્થ કરી દીધું. ભગવાને રાજા અંબરીષ અને તેની પત્નીની રક્ષા માટે પોતાના સુદર્શન ચક્રને નિયુક્ત કરી દીધું.
 
એકવાર રાજા અંબરીષ અને તેની પત્નીએ આખા વર્ષ દરમિયાન અગિયારસના વ્રતનું અનુષ્ઠાન નક્કી કર્યું. ધર્મશાસ્ત્ર મુજબ જે વ્યક્તિ આ પ્રકારનું અનુષ્ઠાન કરે છે, તેને પરમપદની પ્રાપ્તિ થાય છે.
 
કારતક મહિનો હતો. શુક્લ પક્ષની બારસ હતી. રાજા અંબરીષનું અનુષ્ઠાન પૂરું થઈ ગયું હતું, તેથી રાજા અંબરીષને બારસના દિવસે પારણું કરવાનું હતું. પરંતુ તે દિવસે બા૨સ થોડી જ વાર માટે હતી. ત્યારબાદ તેરસ બેસી જતી હતી. વ્રતના નિયમ મુજબ તેરસના દિવસે પારણું કરવું અયોગ્ય માનવામાં આવે છે.
 
રાજા અંબરીષ જ્યારે પારણું ક૨વા બેઠા ત્યારે અચાનક જ દુર્વાસા ઋષિ આવી ગયા. દુર્વાસા ઋષિ મહેમાન હતા. ધર્મશાસ્ત્ર મુજબ મહેમાનને દેવ સમાન ગણવામાં આવે છે. દુર્વાસા ઋષિના આવવાથી રાજા અંબરીષ પારણું કરતા અટકી ગયા, કારણ કે પારણું કર્યા પહેલાં મહેમાનને ભોજન કરાવવું આવશ્યક છે. તેથી રાજા અંબરીષે મુનિને ભોજન કરવાની પ્રાર્થના કરી. તેથી દુર્વાસા ઋષિએ કહ્યું, હે રાજન ! હું યમુના નદીમાં સ્નાન કરવા જઈ રહ્યો છું. તેથી હું સ્નાન કર્યા બાદ જ ભોજન ગ્રહણ કરીશ.
 
આટલું કહીને દુર્વાસા ઋષિ સ્નાન કરવા ચાલ્યા ગયા. રાજા અંબરીષે ઘણીવાર સુધી દુર્વાસા ઋષિની રાહ જોઈ. પરંતુ દુર્વાસા ઋષિ આવ્યા નહીં. તેથી રાજા અંબરીષની સમક્ષ સંકટ ઊભું થઈ ગયું. રાજા અંબરીષ હવે કરે તો પણ શું કરે ? પારણાનો સમય થઈ ગયો હતો. જો રાજા અંબરીષ તે સમયે પારણું ન કરે તો તેના અનુષ્ઠાનનો ભંગ થઈ જાય. તેમજ જો તે દુર્વાસા ઋષિના આવ્યા પહેલાં જ ભોજન ગ્રહણ કરી લે, તો મહેમાનધર્મનો ભંગ થાય. બંને તરફથી મુશ્કેલી જ હતી. હવે રાજા અંબરીષ શું કરી શકે?
 
થોડીવાર પછી રાજા અમ્બરીષે આ બાબત માટે વિદ્વાન બ્રાહ્મણો સાથે ચર્ચા કરી. રાજા અમ્બરીષે પોતે હવે શું કરવું જોઈએ તે માટે સલાહ માંગી. ત્યારે વિદ્વાન બ્રાહ્મણોએ સલાહ આપી, હે રાજન ! ધર્મગ્રંથો મુજબ પાણી પીવું ભોજન ગણાય પણ છે અને નથી પણ ગણાતું, તેથી તમારે પાણી પીને પારણું કરી લેવું જોઈએ. જેથી તમારો પારણાનો નિયમ પૂરો થશે.
 
આ રીતે રાજા અમ્બરીષે બ્રાહ્મણોની વાત માની લીધી. તેમજ દુર્વાસા ઋષિના આવ્યા પહેલાં થોડું પાણી પી લીધું. થોડીવાર પછી દુર્વાસા ઋષિ સ્નાન કરીને પાછા આવ્યા. દુર્વાસા ઋષિને રાજા અંબરીષના રંગઢંગ પરથી ખબર પડી ગઈ કે તેના આવ્યા પહેલાં જ રાજા અમ્બરીષે કંઈક ખાઈ લીધું છે. તેથી દુર્વાસા ઋષિ ખૂબ જ ગુસ્સે થઈ ગયા. તેમણે ક્રોધિત થઈને રાજા અંબરીષની સામે જોયું અને બોલ્યા, હે અંબરીષ! તમે મારું અપમાન કર્યું છે. હું તમારો મહેમાન છું. તમે મને ભોજન કરાવ્યા વગર જ મારી પહેલાં પોતે ભોજન કરી લીધું છે. તમારે મારા અપમાનનું ફળ ભોગવવું જ પડશે.
 
રાજા અમ્બરીષે હાથ જોડીને નમ્રતાથી કહ્યું, હે દુર્વાસા ઋષિ ! મેં ભોજન કર્યું નથી. મેં બ્રાહ્મણોની સલાહથી માત્ર થોડું પાણી ગ્રહણ કર્યું છે. મને માફ કરો પણ પારણાનો સમય થઈ ગયો હતો. તેમાં પણ આજે બારસ માત્ર થોડીવાર માટે જ છે. પછી તેરસનો દિવસ ચાલુ થઈ જાય છે. તેરસના દિવસે પારણું કરવું અયોગ્ય કહેવાય છે. તેથી જ મેં માત્ર પાણી પીને પારણું કર્યું. મને માફ કરો. હું મજબૂર હતો."
 
આમ છતાં દુર્વાસા ઋષિનો ગુસ્સો શાંત ન થયો. તે ક્રોધિત થઈને બોલ્યા, હે રાજા અંબરીષ! તમારામાં અભિમાન આવી ગયું છે. તમારે મારા અપમાનનું ફળ ભોગવવું જ પડશે. હું તમારા અભિમાનનો નાશ કરી નાખીશ.
 
દુર્વાસા ઋષિએ ગુસ્સામાં આવીને પોતાની જટામાંથી એક વાળ કાપીને જમીન પર ઘા કરી દીધો. દુર્વાસાના એક વાળમાંથી એક ભયાનક કૃત્યા પ્રગટ થઈ. તે કૃત્યા રાજા અંબરીષને મારવા માટે દોડવા લાગી. તે કૃત્યા રાજા અંબરીષ ૫૨ આક્રમણ કરે તે પહેલાં જ રાજા અંબરીષની રક્ષા માટે સુદર્શન ચક્ર આવી ગયું. સુદર્શન ચક્રએ કૃત્યાનો વિનાશ કરી નાખ્યો.
 
ભગવાનનું સુદર્શન ચક્ર કૃત્યાને મારીને દુર્વાસા ઋષિ તરફ આગળ વધ્યું. દુર્વાસા ઋષિ સુદર્શન ચક્રના ડરથી તેનાથી દૂર ભાગવા લાગ્યા. સુદર્શન ચક્રે દુર્વાસા ઋષિનો પીછો ક૨વાનું શરૂ કરી દીધું. તે જ્યાં પણ જતા સુદર્શન ચક્ર તેની પાછળ પાછળ જ આવતું. દુર્વાસા ઋષિ ત્રણેય લોક ફરી વળ્યા, આમ છતાં કોઈપણ દુર્વાસા ઋષિને સુદર્શન ચક્રથી બચાવી ન શક્યું. દુર્વાસા ઋષિ ભગવાન શિવ અને બ્રહ્માના શરણે પણ ગયા. તે બંને પણ દુર્વાસા ઋષિને ન બચાવી શક્યા. ભગવાન શિવ અને બ્રહ્માજીએ દુર્વાસા ઋષિને કહ્યું, ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્રથી રક્ષા ભગવાન શ્રી વિષ્ણુ સિવાય બીજું કોઈ ન કરી શકે. તેથી તમે ભગવાન વિષ્ણુ પાસે જાવ.
 
દુર્વાસા ઋષિ બીજું તો શું કરે? તેથી તે ભગવાન વિષ્ણુ પાસે ગયા. તેમણે ભગવાન વિષ્ણુને કહ્યું, હે પ્રભો ! તમારા સુદર્શન ચક્રના તેજથી મારું શરીર બળી રહ્યું છે. કૃપા કરીને મારી રક્ષા કરો.
 
ભગવાન વિષ્ણુએ જવાબ આપ્યો, હે દુર્વાસા ઋષિ! હું તો મારા ભક્તોના વશમાં રહું છું. તમે મારા ભક્ત અંબરીષનું અપમાન કર્યું છે, તેથી હું પણ સુદર્શન ચક્રથી તમારી રક્ષા નહીં કરી શકું. તમે રાજા અંબરીષ પાસે જ જાવ. તે ભક્ત છે, તે દયાળુ છે. તે જરૂરથી તમારી રક્ષા કરશે.
 
દુર્વાસા ઋષિ કરે તો પણ શું કરે? તે રાજા અંબરીષ પાસે ગયા. તેણે અંબરીષને કહ્યું, હે મહારાજા અંબરીષ! મારાથી ભૂલ થઈ ગઈ. હું તમારી શરણમાં આવ્યો છું. કૃપા કરીને મારી રક્ષા કરો.
 
અંબરીષ તો ખૂબ જ દયાળુ હતા. તેનું હૃદય દ્રવી ઊઠ્યું. તેમણે સુદર્શન ચક્રની વંદના કરી, તમે ખૂબ જ તેજસ્વી છો. તમારા તેજથી જ સૂર્ય તેજસ્વી છે. અગ્નિ તેજસ્વી છે. તમે દુર્વાસા ઋષિ ૫૨ દયા કરો. તેને તમારી શરણમાં લઈને નિર્ભય બનાવી દો.
 
રાજા અંબરીષની પ્રાર્થના સાંભળીને સુદર્શન ચક્ર અદૃશ્ય થઈ ગયું. દુર્વાસા ઋષિ ભયમુક્ત થઈ ગયા. તે દિવસથી ચારેબાજુ એ વાત પ્રખ્યાત થઈ ગઈ કે ભગવાન પોતાના ભક્તોની રક્ષા માટે પોતાની મર્યાદા પણ છોડી દે છે.