શ્રીમદ્ ભાગવત આકાશ છે : પૂ. રમેશભાઈ ઓઝા ‘ભાઈશ્રી’

    28-Oct-2021
કુલ દૃશ્યો |
 
bhai shri ramesh bhai oza
 
 
વૃંદાવનના પ્રતાપી પ્રજ્ઞાચક્ષુ સંત ગુરુ શરણાનંદજી મહારાજની પ્રવચનમાળા ચાલતી હતી એમાં એક શ્રોતાની ચિઠ્ઠી આવી કે હું પૂછું એનો સાચો જવાબ આપશો ? તમે જેના ઘરે ઉતારો કર્યો છે એ તો ગામનો ઉતાર છે. કોઈ પાપ એવું નહીં હોય જે એણે નહીં કર્યું હોય.
 
ત્યારે શરણાનંદજી મહારાજે જવાબ આપ્યો કે જે મહાનુભાવે ચિઠ્ઠી લખી છે એમાં પોતાનું નામ નથી લખ્યું. મારી પાસે સત્યની અપેક્ષા રાખે છે પણ પોતે પોતાનું નામ લખવાની હિંમત કરી શકતા નથી. સત્ય અને સાધુ એક સિક્કાની બે બાજુ છે. મારે માત્ર એટલું જ કહેવું છે બગડેલા સુધરશે કે સુધરેલા સુધરશે ? સારા માણસોને વધારે સારા કરવા એના કરતાં ખરાબ માણસને સારા કરવા વધારે સારું છે. સ્કૂલમાં ઠોઠ વિદ્યાર્થી પાછળ શિક્ષક વધારે સમય આપતો હોય છે. એ સભામાં જેના ઘરે ઊતર્યા હતા એ માણસ પણ બેઠો હતો. એ ઊભો થઈ રડવા લાગ્યો અને કહ્યું કે મહારાજ, આજથી હું પાણી લઉં છું કે કોઈ ખોટાં કામ નહીં કરું. એ જ સભામાં ચિઠ્ઠી લખનાર પણ બેઠો હતો. એ ઊભો થઇને બોલ્યો કે મહારાજ, આ ચિઠ્ઠી લખનાર હું જ છું. ઈર્ષાભાવથી મેં આ ચિઠ્ઠી લખી હતી, પણ હવેથી આવું કૃત્ય કદી નહીં કરું.
 
માણસ માત્રમાં અપાર સંભાવનાઓ પડેલી છે. કોડિયું, દિવેલ અને વાટ તૈયાર છે. જરૂર છે એક ચિનગારીની. ભાગવત પણ એક એવી ચિનગારી છે જે માણસને ઝળાંહળાં કરી શકે છે. એક જ દે ચિનગારી દયામય, એક જ દે ચિનગારી જીવન એક રાસ છે. દેહ ગોપી છે અને અંદરનું ચૈતન્ય કૃષ્ણ છે. આપણું જીવન કૃષ્ણકૃપાથી ચાલે છે. જેણે જીવન આપ્યું છે એણે જીવન ચાલતું રહે એ માટે પણ વ્યવસ્થા કરી છે. યોગક્ષેમ વહામ્યહમ્. પત્નીની બધી જવાબદારી ઉપાડે એને પતિ કહેવાય. એમ આખા જગતની જવાબદારી ઉપાડે એને જગતપતિ કહેવાય છે. ગીતામાં કહેવાયું છે કે આ ધરતી આપણને ધારણ કરે છે. સ્વામી રામતીર્થ કહે છે કે હું ભગવાનનો દીકરો છું. આ પક્ષીઓ મારા ગીત ગાય છે. આ વાદળ મને નવડાવે છે. પવન વાયુ ઢોળે છે. ધરતીને ખોળે હું રમું છું, ધરતી માતા મને લાડ લડાવે છે અને હું પૃથ્વીનો પુત્ર છું. ઈશ્ર્વરે તો બહુ સરસ વ્યવસ્થા કરી છે. પરંતુ આપણે પ્રકૃતિ પ્રમાણે નથી ચાલતા ત્યારે દુ:ખી થઈએ છીએ. પ્રદૂષણ વધારીને મનોરમ્ય ધરતીને બગાડી નાખી છે. ઈશ્ર્વરે જગત બનાવ્યું અને આપણે લોકોને બનાવીએ છીએ. જીવન સદ્ગુણોથી શોભે છે અને સદ્ગુણોનાં ઘરેણાં તમને કથા દ્વારા મળે છે. જીવન એક યાત્રા છે એનો પથ એ કલ્યાણનો પથ છે. જીવન એટલે ઈશ્ર્વર દ્વારા રચાયેલું કાવ્ય. ફૂટ પ્રિન્ટ્સ નામની અંગ્રેજી કવિતામાં રણમાં એક વ્યક્તિ ચાલી જાય છે, એનાં પગલાં રેતીમાં પડે છે અને બાજુમાં પણ બીજાં પગલાં પડતાં જાય છે, જે ઈશ્ર્વરનાં પગલાં હતાં. થોડા સમય બાદ બાજુના પગલાં ગુમ થઈ જાય છે. ત્યારે માણસ ભગવાનને કહે છે કે ઈશ્ર્વર, હું તારા ભરોસે તને સાથે લઈને જીવનના આ માર્ગ પર ચાલી નીકળ્યો હતો પણ મારો સંકટનો સમય આવ્યો ત્યારે માણસોએ તો સાથ છોડ્યો, તેંય સાથ છોડી દીધો, ત્યારે અદૃશ્ય અવાજ આવે છે કે મેં તારો સાથ કદી નથી છોડ્યો. તો માણસ કહે છે કે તો ભગવાન, તમારાં પગલાં કેમ દેખાતાં નથી ? ત્યારે ભગવાન કહે છે કે જે પગલાં પડે છે એ તારાં છે જ નહીં પણ મારાં છે. સંકટથી તું એટલો ઘેરાયેલો છે કે ચાલી શકે એમ જ નથી એથી હું તને તેડીને ચાલું છું.
 
 જીવન જીવથી શિવ સુધી પહોંચવાની એક યાત્રા છે. પૈસાદાર બનવું સહેલું છે પણ શ્રીમંત બનવું અઘરું છે. કૃષ્ણનું સંગીત હૃદયની ધડકનમાં ભળે તો જ જીવન સાર્થક થાય. ભાગવત આકાશ છે. તમારી તાકાત પ્રમાણે ઊર્ધ્વ જઈ શકો છો. બાકી તો જે પંખીએ પીંજરાને જ પોતાનું ઘર માની લીધું હોય એને આકાશની વિશાળતા ક્યારેય સમજાશે નહીં.
 
***
 
આલેખન : હરદ્વાર ગોસ્વામી