ધુંધુકારીની મુક્તિ - ધંધુકારી એક વાંસમાં બેસીને કથા સાંભળવા લાગ્યો....

    28-Oct-2021
કુલ દૃશ્યો |

dhundhukari_1   
 
 

ધુંધુકારીની મુક્તિ

 
 
ધંધુકારી એક વાંસમાં બેસીને કથા સાંભળવા લાગ્યો. તે વાંસમાં સાત ગાંઠો હતી. કથાનો પહેલો દિવસ પૂરો થતાં વાંસની પહેલી ગાંઠ તૂટી ગઈ. આ રીતે સાત દિવસમાં સાતેય ગાંઠો તૂટી ગઈ. ધુંધુકારી કથાના અંતના દિવસે દિવ્યરૂપ લઈને પ્રગટ થયો.
 
પ્રાચીનકાળમાં તુંગભદ્રા નદીના કિનારે એક સુંદર નગર હતું. નગરમાં બધા લોકો સુખેથી જીવતા. આ જ નગરમાં એક બ્રાહ્મણ પણ રહેતો. તેનું નામ આત્મદેવ હતું. આત્મદેવ શાસ્ત્રો અને વેદોમાં પારંગત હતો. તેની પત્નીનું નામ ધુંધુલી હતું. આત્મદેવ વિદ્વાન તો હતો, પરંતુ ભિક્ષા ૫૨ જીવતો. ભિક્ષા દ્વારા જ તે જીવનનિર્વાહ કરતો. તેની પત્ની સારા કુળની હતી પરંતુ તેણીને બીજાના દોષની વાતો કરવી ખૂબ જ ગમતી.
 
આત્મદેવને આમ તો કોઈ વાતનું દુખ નહોતું. પરંતુ તેના મનમાં એક વાતનું દુખ હંમેશા રહેતું. આત્મદેવને એક સંતાન હોય તેની ખૂબ જ ઇચ્છા હતી. તે સંતાનના અભાવમાં દુ:ખી રહેતા. આત્મદેવે સંતાનની પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યા, દાન-દક્ષિણા આપી, ગરીબો અને બ્રાહ્મણોને જમાડ્યા, વસ્ત્રદાન કર્યું - આમ છતાં તેની ઇચ્છા પૂરી ન થઈ. આત્મદેવ બધા જ પ્રયત્નો કરીને હારી ગયો. તેથી તે વધુ દુઃખી થઈ ગયા. આત્મદેવને ઘ૨ હવે જંગલ જેવું લાગવા માંડ્યું. તેની આંખોમાં ઉદાસી છવાઈ ગઈ. તેનું શરીર પણ સુકાઈ ગયું. એકવાર આત્મદેવ રસ્તા ૫૨ ચાલતા હતા ત્યારે તેને એક સંન્યાસી મળ્યા. તે સંન્યાસી ૫૨મ સિદ્ધ યોગી હતા. તેણે આત્મદેવને જોઈને પૂછ્યું, કેમ ભાઈ? શું થયું? તમે આટલા બધા ચિંતિત અને ઉદાસ કેમ છો? શું તમારી ચિંતા અને ઉદાસીનું કારણ જાણી શકું?
 
સંન્યાસીની પ્રેમાળ અને મૃદુવાણી સાંભળીને આત્મદેવ દુઃખી થઈને - એક લાંબો નિસાસો નાખીને બોલ્યા, હે મહાત્મા! મારી પાસે જીવનમાં બધું જ છે, પરંતુ સંતાન નથી. સંતાન ન હોવાને કારણે જીવન અંધકારમય લાગે છે.
 
સંન્યાસીને આત્મદેવ ૫૨ દયા આવી ગઈ. તેણે આત્મદેવને સમજાવ્યું અને બોલ્યા, હે બ્રાહ્મણ! આ જીવનમાં જે કંઈપણ છે તે બધું જ નાશવંત છે. પુત્ર, પુત્રી, ધન અને વૈભવ બધું જ નાશવંત છે. તેથી તેના માટે દુઃખી થવું અને ચિંતા કરવી તે અજ્ઞાનતા છે. મનુષ્યને ભગવાનની ભક્તિમાં જ સાચું સુખ પ્રાપ્ત થાય છે. તેથી ભક્તિની ચિંતા કરવી જોઈએ. ધન અને પુત્ર માટે ચિંતા ન કરવી જોઈએ, તેમજ દુઃખી પણ ન થવું જોઈએ.
 
સંન્યાસીની જ્ઞાનભરી વાણીનો આત્મદેવના હૃદય પર કોઈ પ્રભાવ ન પડ્યો. જે રીતે ચીકણા ઘડા પર પાણીનાં ટીપાં લપસી જાય છે તે જ રીતે સંન્યાસીની વાણી પણ આત્મદેવના હૃદય પરથી લપસી ગઈ. તે ખૂબ જ દુઃખી થઈને બોલ્યા, હે મહાત્મા ! ગમે તે થાય તમે મને એક પુત્ર આપો. જો તમે મારા ૫૨ કૃપા નહીં કરો તો તમારી સામે જ મારા શરીરનો ત્યાગ કરીશ.
સંન્યાસી ઊંડા વિચારોમાં ડૂબી ગયા. તેણે થોડીવાર વિચારીને કહ્યું, હે બ્રાહ્મણ ! તમને સાત જન્મો સુધી સંતાન પ્રાપ્તિ થવાની નથી. તેથી જીદ છોડીને ભગવાનના ચરણોમાં મન લગાવો.
 
આત્મદેવે પોતાની જીદ પકડી રાખી. સંન્યાસીને સમજાઈ ગયું કે આત્મદેવ હાર નહીં માને તેથી તેણે કહ્યું, હું તમને એક ફળ આપું છું. જો તમારી પત્ની એક મહિના સુધી વ્રત કરશે, દાન દક્ષિણા ક૨શે અને ત્યારબાદ આ ફળ ખાશે તો તેના ગર્ભમાંથી એક જ્ઞાની અને સદાચારી બાળકનો જન્મ થશે.
 
આત્મદેવ સંન્યાસી પાસેથી ફળ લઈને પોતાના ઘ૨ ત૨ફ પાછો ફર્યો. તેણે તેની પત્નીને ફળ ખાવાની અને વ્રતની વિધિ સમજાવી દીધી. પરંતુ આત્મદેવની પત્ની ખરાબ સ્વભાવની હતી. તે બીજાની વાતો ૫૨ તો શું, પોતાના પતિની વાત પર પણ વિશ્ર્વાસ ન કરતી. તે આ ફળની બાબતને લઈને અનેક તર્ક કરવા લાગી.
 
આ જ સમયમાં ધુંધુલીની નાની બહેન તેને મળવા આવી. તેણી ગર્ભવતી હતી. તેણી ધુંધુલીની સંતાનપ્રાપ્તિની ઇચ્છા વિશે જાણતી હતી. તેણીએ કહ્યું, હે બહેન, મારા પતિને ધનની જરૂરિયાત છે. તમે તેને થોડું ધન આપીને મુક્ત કરી દો. હું તમને મારું જે બાળક જન્મશે, તે તમને આપી દઈશ.
 
ધુંધુલીએ તેની બહેનને ફ્ળ વિશેની વાત કરી. તેની બહેને કહ્યું, તમે શા માટે આ બધી વાતમાં પડો છો? કોને ખબર કે ફળ ખાવાથી બાળક જન્મશે કે નહીં. હું મારું બાળક તમને આપી દઈશ. છોડો આ ફળને અને એવું હોય તો તમે આ ફળ ગાયને ખવડાવી દો.
 
ધુંધુલીએ તે ફળ ગાયને ખવડાવી દીધું. ત્યારબાદ પોતે ગર્ભવતી છે તેવો ઢોંગ કરીને એકાંતમાં રહેવા લાગી. આત્મદેવને ખબર જ નહોતી કે તેની પત્ની તેની સાથે દગો કરી રહી છે. જ્યાં દગો અને છેતરપિંડી હોય ત્યાં દુખ અને અશાંતિ જ જોવા મળે છે.
 
થોડા દિવસો પછી ધુંધુલીની બહેને એક બાળકને જન્મ આપ્યો. તેણીએ પોતાના વચન મુજબ બાળક ધુંધુલીને સોંપી દીધું. ધુંધુલીએ પોતાના પતિને એમ કહ્યું કે તે બાળક પોતાનું છે. ફરી એકવાર તેણીએ તેના પતિ સાથે ખોટું બોલીને દગો કર્યો. ત્યારબાદ તેણીએ કહ્યું કે પોતે સ્તનપાન કરાવી શકે તેમ નથી. તેમજ તેની બહેને પણ એક બાળકને જન્મ આપ્યો છે, પરંતુ તે બાળક જન્મીને તરત જ મૃત્યુ પામ્યું છે. તેથી તેની બહેન જ પોતાના બાળકને સ્તનપાન કરાવશે.
 
આત્મદેવે તેની પત્નીની બધી જ ખોટી વાતોને સાચી માની લીધી. બીજી તરફ ગાયે પણ એક બાળકને જન્મ આપ્યો. તે બાળક મનુષ્ય જેવું જ હતું. માત્ર તેના કાન ગાય જેવા હતા. આત્મદેવ તે બાળક પામીને પણ ખૂબ જ પ્રસન્ન થયા. તેણે એ બાળકનું નામ ગોકર્ણ રાખ્યું.
 
ધુંધુલીએ પોતાના પુત્રનું નામ ધુંધુકારી રાખ્યું. સમય જતા બંને બાળકો મોટા થઈ ગયા. ગોકર્ણ જ્ઞાની અને સારા વિચારોવાળો હતો. જ્યારે ધુંધુકારી દુષ્ટ સ્વભાવનો હતો. ધુંધુકારી ખરાબ કર્મોમાં નાણાં ખર્ચવા લાગ્યો. તેના પિતા તેને સમજાવવાનો ખૂબ જ પ્રયત્ન કરતા. ધંધુકારી તેની સાથે પણ ઉદ્ધત વર્તન કરવા લાગ્યો. આત્મદેવે ધુંધુકારીના વર્તનથી ત્રાસીને ઘર છોડીને જંગલમાં રહેવા જવાનો નિર્ણય કર્યો. ત્યારે ગોકર્ણએ તેને સમજાવતાં કહ્યું, પિતાજી! જંગલમાં રહેવા જવાથી કઈ જ નહીં થાય. સાચા મનથી ભગવાનની ભક્તિ કરો. તમારું જીવન તેના ચરણોમાં જ સમર્પિત કરી દો.
 
ગોકર્ણની વાત માનીને આત્મદેવ જંગલમાં જઈને ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ કરવા લાગ્યા. તેના જીવનને શાંતિ મળી. તેમજ મર્યા બાદ સ્વર્ગપ્રાપ્તિ પણ થઈ. બીજી તરફ ગોકર્ણ તીર્થોમાં પરિભ્રમણ કરવા લાગ્યા. પિતા અને ભાઈના ન રહેવાને કા૨ણે ધુંધુકારી ખોટા માર્ગે ચડી ગયો. જુગાર રમવું, મદિરા પીવી અને વેશ્યાનો સંગ કરવો એ એની રોજિંદી પ્રવૃત્તિ બની ગઈ. તેની માએ દુઃખી થઈને કૂવામાં પડીને આપઘાત કરી લીધો. તેથી ધુંધુકારી બેફામ બની વધુ ને વધુ નાણા વેશ્યાઓ પાછળ ખર્ચવા લાગ્યો.
 
એકવાર બધી વેશ્યાઓએ મળીને વિચાર્યું, ધુંધુકારી આપણને દરરોજ નાણાં આપે છે. એકવાર તો તે પકડાઈ જ જશે. તે જ્યારે પકડાશે ત્યારે તેની સાથોસાથ આપણને પણ દંડ મળશે. તેના કરતા આપણે તેને મારી નાખીએ અને બધાં નાણા પોતાની પાસે લઈ લઈએ.
 
તેથી આ રીતે વેશ્યાઓએ ભેગા મળીને ધુંધુકારીને મારી નાખ્યો. તેનું મડદું પણ જમીન નીચે દાટી દીધું. ધુંધુકારી ભૂત બનીને ભટકવા લાગ્યો. ગોકર્ણ પોતાના ભાઈના મૃત્યુની વાત સાંભળીને પોતાના નગરમાં પાછા ફર્યા. એકવાર રાત્રીના સમયે ગોકર્ણ તેના પિતાના ઘરમાં ઊંઘી રહ્યા હતા. ત્યારે ધંધુકારીએ ગોકર્ણને ડરાવવાનું શરૂ કરી દીધું. ગોકર્ણએ ભૂતને પૂછ્યું, તમે કોણ છો ?
 
ધુંધુકારીએ જવાબ આપ્યો, હું તારો ભાઈ ધુંધુકારી છું. હું પ્રેતયોનિમાં બહુ જ પીડા ભોગવી રહ્યો છું. મારો ઉદ્ધાર કરો. મને આ દુખનાં બંધનોમાંથી છોડાવો. ગોકર્ણને તેના ૫૨ દયા આવી. તે બોલ્યા, તમે ચિંતા ન કરો. હું ગયામાં જઈને પિંડદાન કરીશ, તેથી તમને દુખમાંથી છુટકારો મળશે.
 
ધુંધુકારીએ કહ્યું, પિંડદાનથી મારો ઉદ્ધાર નહીં થાય. મારો પાપનો ઘડો ભરાઈ ગયો છે. તમે ગમે તેટલીવાર પિંડદાન કરશો તો પણ મને મુક્તિ નહીં મળે. કૃપા કરીને તમે બીજો કોઈ ઉપાય વિચારો.
 
ગોકર્ણએ સૂર્યદેવને પ્રાર્થના કરી અને કહ્યું, હે પ્રભો! તમે પૂરા વિશ્ર્વનું કલ્યાણ કરો છો. કૃપા કરીને મારા ભાઈનું પણ કલ્યાણ કરો.
 
સૂર્યદેવે જવાબ આપ્યો, જો તમારો ભાઈ પૂરી નિષ્ઠાથી શ્રીમદ્ ભાગવતની કથા સાંભળશે તો તેને પ્રેતયોનિમાંથી મુક્તિ મળશે.
 
ગોકર્ણએ બીજા જ દિવસે શ્રીમદ્ ભાગવતની સપ્તાહનું આયોજન કર્યું. તે પોતે વ્યાસના આસન પર બેસીને લોકોને કથા સંભળાવવા લાગ્યા. ધંધુકારી એક વાંસમાં બેસીને કથા સાંભળવા લાગ્યો. તે વાંસમાં સાત ગાંઠો હતી. કથાનો પહેલો દિવસ પૂરો થતાં વાંસની પહેલી ગાંઠ તૂટી ગઈ. આ રીતે સાત દિવસમાં સાતેય ગાંઠો તૂટી ગઈ. ધુંધુકારી કથાના અંતના દિવસે દિવ્યરૂપ લઈને પ્રગટ થયો. તેણે પોતાના ભાઈને કહ્યું, હું તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલી શકું.
 
થોડી જ વારમાં સ્વર્ગના દૂત વિમાન લઈને ધુંધુકારીને લેવા આવી ગયા. દૂતે આવીને ધુંધુકારીને કહ્યું, આ વિમાન તમારા માટે છે.
 
ગોકર્ણને આશ્ર્ચર્ય થયું. તેણે સ્વર્ગના દૂતોને પૂછ્યું, શ્રીમદ્ ભાગવતની કથા ધુંધુકારીની સાથોસાથ અન્ય લોકોએ પણ સાંભળી છે. તો શા માટે માત્ર ધુંધુકારીને જ સ્વર્ગનું વિમાન લેવા માટે આવ્યું છે ?
 
દૂતોએ જવાબ આપ્યો, કથાનો લાભ એ જ મનુષ્યને મળે છે, જે શ્રદ્ધાપૂર્વક ચિત્તને સ્થિર કરીને કથા સાંભળે છે. જેટલી એકાગ્રતા અને શ્રદ્ધાથી ધુંધુકારીએ કથા સાંભળી છે તે રીતે બીજા કોઈએ કથા સાંભળી નથી.
 
આમ ધુંધુકારી સ્વર્ગના વિમાન પર બેસીને ચાલ્યો ગયો. જે વ્યક્તિ પૂરી શ્રદ્ધા અને એકાગ્રતાથી શ્રીમદ્ ભાગવતની કથા સાંભળે છે તે બધાં દુઃખનાં બંધનોમાંથી છૂટી જાય છે.