દુષ્યંત અને શકુંતલા - તેણીના હાથમાં દુષ્યંતની વીંટી હતી. અચાનક જ તે વીંટી પાણીમાં પડી ગઈ....

    28-Oct-2021
કુલ દૃશ્યો |
 
Dushyant and Shakuntala_1
 

દુષ્યંત અને શકુંતલા | Dushyant and Shakuntala

 
 
શકુંતલા ઋષિના શિષ્યોની સાથે રાજધાની જઈ રહી હતી ત્યારે તેણીને તરસ લાગી. તેથી તેણી એક નદીકિનારે બેસીને પાણી પીવા લાગી. તેણીના હાથમાં દુષ્યંતની વીંટી હતી. અચાનક જ તે વીંટી પાણીમાં પડી ગઈ.
 
 
પુરૂ વંશમાં દુષ્યંત પ્રતાપી અને તેજસ્વી રાજા હતા. તેની કીર્તિ દૂર દૂર સુધી ફેલાયેલી હતી. તે શૂરવીર હતા અને સાથોસાથ પ્રજાપાલક પણ હતા. એકવાર મહારાજ દુષ્યંત વનમાં શિકાર કરવા નીકળ્યા. તે ભ્રમણ કરતા કરતા કણ્વ ઋષિના આશ્રમે પહોંચી ગયા. ઋષિ એ સમયે આશ્રમમાં નહોતા. તે કોઈ કારણોસર બહાર ગયા હતા. મહારાજ દુષ્યંત આશ્રમમાં ફરતા હતા ત્યાં અચાનક તેમની નજર એક અત્યંત સુંદર કન્યા ૫૨ ૫ડી. એ સુંદર કન્યા ફૂલોને પાણી પિવડાવી રહી હતી. દુષ્યંત તેની નજીક જઈને બોલ્યા, હે સુંદરી! તમે કોની પુત્રી છો? આ આશ્રમ કોનો છે ?
 
યુવતીએ જવાબ આપ્યો, આ આશ્રમ કણ્વ ઋષિનો છે. તે મારા પાલક પિતા છે. તે આ સમયે આશ્રમમાં નથી. તે બહાર ગયા છે. મારું નામ શકુંતલા છે. હું વિશ્ર્વામિત્રની પુત્રી છું.
 
યુવતીની વાત સાંભળીને દુષ્યંતે કહ્યું, મારું નામ દુષ્યંત છે. હું શિકાર માટે વનમાં આવ્યો હતો. પરંતુ અત્યારે સંધ્યાનો સમય થઈ ગયો છે. શું આ આશ્રમમાં રાત વિતાવી શકું ?
 
આ રીતે દુષ્યંત મહેમાન બનીને આશ્રમમાં જ રોકાઈ ગયા. તે શકુંતલાના રૂપ અને સૌંદર્યથી મંત્રમુગ્ધ થઈ ગયા હતા. તે શકુંતલાની સેવા અને મહેમાનગતિથી પ્રભાવિત થઈ ગયા. તે ઘણા દિવસો સુધી આશ્રમમાં જ રોકાયેલા રહ્યા. દુષ્યંત અને શકુંતલા વચ્ચે પ્રેમનું બીજ રોપાઈ ગયું. પરિણામે શકુંતલા ગર્ભવતી બની ગઈ. થોડા દિવસો પછી દુષ્યંતને તેના રાજ્યમાંથી તેડું આવ્યું માટે તેના જવાનો સમય થઈ ગયો. મહારાજ દુષ્યંત જ્યારે આશ્રમથી જઈ રહ્યા હતા ત્યારે તેણે પોતાનું નામ લખેલી વીંટી શકુંતલાને આપી અને કહ્યું, શકુંતલા! હું બહુ જલદી પાછો આવીશ. તેમજ કણ્વ ઋષિની સંમતિ લઈને હું તને મારી સાથે લઈ જઈશ. જ્યાં સુધી હું ન આવું ત્યાં સુધી તું આ વીંટીના સહારે તારું જીવન વ્યતીત કરજે. દુષ્યંત શકુંતલાને વીંટી આપીને પોતાની રાજધાનીમાં ચાલ્યા ગયા. શકુંતલા દુષ્યંતના વિયોગમાં વીંટીના સહારે જીવવા લાગી.
 
એકવા૨ સવારનો સમય હતો. શકુંતલા આશ્રમની વાટિકામાં એક પથ્થરના આસન પર બેઠી હતી. તે દુષ્યંતની વીંટી જોઈને તેની યાદોમાં ડૂબેલી હતી. તે જ સમયે આશ્રમમાં દુર્વાસા ઋષિ આવ્યા. શકુંતલા દુષ્યંતના વિચારોમાં ખોવાયેલી હતી. તેથી તેણે દુર્વાસા ઋષિને પ્રણામ પણ ન કર્યા અને તેનું સ્વાગત પણ ન કર્યું તેથી દુર્વાસા ઋષિએ ગુસ્સે થઈને શકુંતલાને શ્રાપ આપ્યો, તું જેની યાદમાં તારું કર્તવ્ય ચૂકી ગઈ છો, તે વ્યક્તિ તને ભૂલી જશે.
 
થોડા દિવસો પછી કણ્વ ઋષિ આશ્રમમાં આવ્યા. શકુંતલાની સહેલીઓ પાસેથી ઋષિને દુષ્યંતની આવવાની, આશ્રમમાં રોકાવાની, બંને વચ્ચે પ્રેમ અને શકુંતલાનું ગર્ભવતી બનવાની વાતની ખબર પડી. કણ્વ ઋષિએ શકુંતલાને દુષ્યંતની રાજધાનીમાં મોકલવાનો નિર્ણય કર્યો.
 
શકુંતલા ઋષિના શિષ્યોની સાથે રાજધાની જઈ રહી હતી ત્યારે તેણીને તરસ લાગી. તેથી તેણી એક નદીકિનારે બેસીને પાણી પીવા લાગી. તેણીના હાથમાં દુષ્યંતની વીંટી હતી. અચાનક જ તે વીંટી પાણીમાં પડી ગઈ. એક માછલી વીંટીને કંઈક ચમકતી ખાવાની વસ્તુ સમજીને ગળી ગઈ.
 
આ જ માછલી એક માછીમારના જાળમાં ફસાઈ ગઈ. જ્યારે માછીમારે તે માછલીનું પેટ કાપ્યું ત્યારે તેને તે વીંટી મળી જેમાં દુષ્યંતનું નામ લખેલું હતું. બીજી તરફ શકુંતલા વીંટી વગર દરબા૨માં પહોંચી. પરંતુ દુષ્યંત તેને દુર્વાસાનાં શાપના કારણે ઓળખી ન શક્યા. શકુંતલાએ દુષ્યંતને તે બંનેની પ્રેમની યાદો યાદ કરાવવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો. આમ છતાં દુષ્યંત એક જ વાક્યનું રટણ કરતા રહ્યા, હું તો તમને ઓળખતો પણ નથી.
 
શકુંતલા મુશ્કેલીમાં મુકાઈ ગઈ. તેણી કરે તો શું કરે, જાય તો ક્યાં જાય ? તે મનોમન વિચારવા લાગી. શકુંતલાએ કણ્વ ઋષિની આજ્ઞા વગર જ પોતાના જીવનની બાગડોર દુષ્યંતના હાથમાં આપી દીધી હતી, તેથી તેણી હવે કણ્વ ઋષિના આશ્રમે પણ ન જઈ શકે. તેથી તેણી એક વનમાં વનવાસીની જેમ રહેવા લાગી. એક ઝૂંપડીમાં શકુંતલાએ એક બાળકને જન્મ આપ્યો. તેણીએ પોતાના બાળકનું નામ ભરત રાખ્યું. ભરત અત્યંત તેજસ્વી હતો.
 
બીજી તરફ માછીમા૨ દુષ્યંતની વીટીં જોઈને ડરી થયો. તેણે વિચાર્યું કે જો કોઈને ખબર પડશે કે તેની પાસે દુષ્યંત લખેલી વીંટી છે તો તેના પર ચોરીનો આરોપ લાગશે. તેથી તેણે રાજા દુષ્યંતને બધી સાચી વાત જણાવીને વીંટી પાછી આપવાનો નિર્ણય લીધો. આમ માછીમારે દ૨બા૨માં જઈને દુષ્યંતને વીંટી પરત આપી દીધી. દુષ્યંતે જેવી વીંટી જોઈ એટલે તરત જ તેને શકુંતલા યાદ આવી ગઈ. તેને એ વાત જાણીને ખૂબ જ દુઃખ થયું કે શકુંતલા રાજદરબારમાં આવી હતી આમ છતાં તે શકુંતલાને ઓળખી ન શક્યો. દુષ્યંતનું મન વ્યાકુળ થઈ ગયું. તે મનોમન પશ્ર્ચાત્તાપ કરવા લાગ્યો. તે વિચારવા લાગ્યો, શકુંતલા ક્યાં હશે? કેવી પરિસ્થિતિમાં હશે ?
 
દુષ્યંત રથ પર બેસીને શકુંતલાને શોધવા નીકળી પડ્યો. કેટલાક મહિનાઓ સુધી તે શકુંતલાને શોધતો રહ્યો. અંતમાં તે વનવાસીની વસ્તીમાં પહોંચ્યો, જ્યાં શકુંતલા તેના બાળક સાથે ઝૂંપડીમાં રહેતી હતી. ભરત ત્યારે ૬ કે ૭ વર્ષનો થઈ ગયો હતો. તે બાળસૂર્ય જેટલો તેજોમય હતો. જ્યારે પહેલી વાર દુષ્યંતે ભરતને જોયો ત્યારે તે સિંહનું મોઢું ખોલીને તેના દાંત ગણી રહ્યો હતો. આવા અદ્ભુત બાળકની દુષ્યંતે કયારેય કલ્પના પણ નહોતી કરી. ભરતને જોઇને દુષ્યંતે વિચાર્યું, જરૂ૨ આ બાળક રાજવંશનું હશે. દુષ્યંતે જ્યારે બાળકને તેનાં માતાપિતાનું નામ પૂછ્યું ત્યારે બાળકે ગર્વથી કહ્યું, મારું નામ ભરત છે. મારા પિતાનું નામ દુષ્યંત છે અને મારી માતાનું નામ શકુંતલા છે. આ સાંભળીને દુષ્યંત ખૂબ જ ખુશ થઈ ગયો. દુષ્યંત ખૂબ જ સન્માન સાથે શકુંતલા અને ભરતને પોતાની રાજધાનીમાં લઈ ગયો. તેણે શકુંતલા સાથે વિધિવત્ લગ્ન કરીને શકુંતલાને મહારાણી બનાવી અને ભરતને યુવરાજનું પદ આપ્યું.
 
અનેક વર્ષો સુધી દુષ્યંતે રાજ્ય પર શાસન કર્યું. ત્યારબાદ તેણે ભરતને રાજસિંહાસન સોંપી દીધું. ભરત પ્રતાપી અને શૂરવીર હતો. તેણે તેના નામ ૫૨થી આર્યાવર્તનું નામ ભારત પડ્યું.