કથા ગંગાવતરણની...

    28-Oct-2021
કુલ દૃશ્યો |

ganga avataran_1 &nb 
 
 

કથા ગંગાવતરણની...

 
તમને સામે જે ઢગલા દેખાય છે, તે તેઓની ભસ્મના જ ઢગલા છે. જો તમે તમારા પૂર્વજોનો ઉદ્ધાર ઇચ્છતા હો, તો તમારે સ્વર્ગ પરથી ગંગાજીને પૃથ્વી પર લાવવાં પડશે.
 
સત્યવ્રતના વંશમાં મહારાજ સગર પ્રતાપી અને પુણ્યાત્મા હતા. સમગ્ર વિશ્ર્વમાં તેમનું રાજ્ય ફેલાયેલું હતું. મોટા મોટા શૂરવીર અને રાજ્યાધિકારી પણ તેની સામે મસ્તક ઝુકાવતા. કહેવાય છે કે મહારાજ સગરના ૬૦,૦૦૦ પુત્રો હતા.
 
મહારાજ સગ૨નું સામ્રાજ્ય આખા વિશ્ર્વમાં ફેલાઈ ગયું, ત્યારે તેમણે અશ્ર્વમેધ યજ્ઞ કરવાનું આયોજન કર્યું. યજ્ઞનો ઘોડો છોડવામાં આવ્યો. રાજા સગરના ૬૦,૦૦૦ પુત્રો ઘોડાની રક્ષા કરવા માટે તેની પાછળ ચાલવા લાગ્યા. જ્યારે મહારાજ સગરે અશ્ર્વમેધ યજ્ઞનું આયોજન કર્યું, ત્યારે ઇન્દ્રના મનમાં ઈર્ષા જાગી. તેણે મનોમન વિચાર્યું, જો સગરનો અશ્ર્વમેધ યજ્ઞ પૂરો થશે, તો તે મારી સમકક્ષનો બની જશે. તેથી મારે તેને આ યજ્ઞ પૂરો ન થવા દેવો જોઈએ.
 
ઇન્દ્રે યજ્ઞમાં મુશ્કેલીઓ ઊભી કરવા માટે ઘોડો ચોરી લીધો. તે ઘોડાને લઈને કપિલ મુનિના આશ્રમે ચાલ્યા ગયા. ત્યાં જઈને ઇન્દ્રે ઘોડો બાંધી દીધો. કપિલ મુનિ તો તપમાં મગ્ન હતા. આજકાલ તે સ્થળને ગંગાસાગરના નામે ઓળખવામાં આવે છે. ઇન્દ્રે જ્યારે ઘોડો ચોરી લીધો ત્યારે ઘોડાની રક્ષા કરવા માટે નિયુક્ત કરવામાં આવેલ સાઈઠ હજાર પુત્રો ઘોડાની શોધ કરવા નીકળી પડ્યા. રાજા સગરના બધા પુત્રો ઘોડો શોધતા શોધતા કપિલ મુનિના આશ્રમે પહોંચ્યા. તેઓએ જોયું તો કપિલ મુનિ ધ્યાનમાં મગ્ન હતા. યજ્ઞનો ઘોડો મુનિની પાસે જ બંધાયેલો હતો.
 
તેથી સગરના પુત્રોએ વિચાર્યું, સાચું છે કે ખોટું તે તો ખબર નહીં, પણ લાગે છે કે આ મનુષ્ય જ ઘોડો ચો૨ના૨ છે. ઘોડો ચોરીને તે હવે મુનિ બનીને ધ્યાન કરવાનો ઢોંગ કરી રહ્યો છે. આટલું વિચારીને સગરના પુત્રો મુનિને ખરાબ શબ્દો કહેવા લાગ્યા. સગરના પુત્રોના ખરાબ શબ્દો સાંભળીને કપિલ મુનિ ક્રોધાયમાન થઈ ગયા. તેણે આંખો ખોલીને ગુસ્સામાં સગરના પુત્રો સામે જોયું. આશ્ર્ચર્યની સાથે સગરના બધા જ પુત્રો કપિલ મુનિના ક્રોધાગ્નિથી બળીને ભસ્મ થઈ ગયા. થોડીવાર પહેલાં જ્યાં સાઈઠ હજાર રાજકુમાર ઊભા હતા ત્યાં રાખના ઢગલા થઈ ગયા. મહારાજ સગરે તેના પુત્રોની ઘણી શોધખોળ કરી પણ તે તેના પુત્રોને ન શોધી શક્યા.
 
મહારાજ સગ૨ની એક બીજી રાણી હતી. તેનું નામ કેશિની હતું. મહારાજ સગરના મૃત્યુ બાદ કેશિનીના પુત્ર અસમંજસે પણ તેના ભાઈઓને શોધવાનો ખૂબ પ્રયત્ન કર્યો. પરંતુ તેઓ નિષ્ફળ નીવડ્યા. આ ઉપરાંત અસમંજસના પુત્ર અંશુમાન અને અંશુમાનના પુત્ર દિલીપે પણ ખૂબ જ પ્રયત્નો કર્યા. તેઓ પણ નિષ્ફળ નીવડ્યા. દિલીપના પુત્રનું નામ ભગીરથ હતું. ભગીરથ પ્રતાપી અને પુણ્યાત્મા હતો. આખી ઘટના જાણ્યા બાદ તેણે નિર્ણય લીધો કે ગમે તે થાય તે પોતાના પૂર્વજોને શોધીને જ રહેશે. મહારાજ ભગી૨થ ૨થ પર સવાર થઈને પોતાના પૂર્વજોને શોધવા નીકળી પડ્યા.
 
મહારાજ ભગીરથ ફરતા ફરતા કપિલ મુનિના આશ્રમે પહોંચ્યા. આશ્રમની બહાર મુનિ તપમાં મગ્ન હતા. યજ્ઞનો ઘોડો પણ તેમની પાસે જ બાંધેલો પડ્યો હતો. કપિલ મુનિ પાસે યજ્ઞનો ઘોડો જોઈને મહારાજ ભગી૨થે વિચાર્યું, મને લાગે છે કે મારા પૂર્વજો અહીં આવ્યા જ હશે. મહારાજ ભગીરથ સાધુ પ્રકૃતિના માનવી હતા. તે પોતાના પૂર્વજો અંગે જાણવા માટે કપિલ મુનિને પ્રાર્થના કરવા લાગ્યા.
 
મહારાજ ભગીરથની પ્રાર્થનાથી કપિલ મુનિ પ્રસન્ન થયા. તેમણે આંખો ખોલીને પ્રસન્નતાથી કહ્યું, હે રાજન! હું તમારી સજ્જનતાને કારણે તમારા પર પ્રસન્ન થયો છું. તમારા પૂર્વજો તેના ખરાબ વર્તનને કારણે મારા ક્રોધાગ્નિથી ભસ્મ થઈ ગયા છે. તમને સામે જે ઢગલા દેખાય છે, તે તેઓની ભસ્મના જ ઢગલા છે. જો તમે તમારા પૂર્વજોનો ઉદ્ધાર ઇચ્છતા હો, તો તમારે સ્વર્ગ પરથી ગંગાજીને પૃથ્વી પર લાવવાં પડશે. ગંગાજીના પવિત્ર પાણીના સ્પર્શથી જ તમારા પૂર્વજોનો ઉદ્ધાર થશે.
 
કપિલ મુનિ દ્વારા પોતાના પૂર્વજોની દશા જાણીને મહારાજ ભગીરથને ખૂબ જ દુ:ખ થયું. તેણે મનોમન જ પ્રતિજ્ઞા લીધી, મારા શ્ર્વાસ ખૂટી જાય, તો પણ ગમે તેમ કરીને હું ગંગાજીને પૃથ્વી પર લઈ જ આવીશ અને મારા પૂર્વજોની સદ્ગતિ થશે જ.
 
મહારાજ ભગીરથ રાજ્યનો કારભાર મંત્રીઓને સોંપીને હિમાલયમાં જઈને અન્ન અને પાણીનો પણ ત્યાગ કરીને કઠોર તપ કરવા લાગ્યા. પ્રચંડ તોફાન આવ્યું, પ્રલય આવ્યો, પથ્થરો વરસ્યા, વીજળીના કડાકા થયા - આમ છતાં મહારાજ ભગીરથ હિમાલયની જેમ અડગ રહીને તપ કરતા રહ્યા. તેના કઠોર તપથી ગંગાજી પ્રસન્ન થયા. ગંગાજી પ્રગટ થઈને બોલ્યા, હે રાજન! હું તમારા તપથી પ્રસન્ન થઈને ધરતી પર આવવા તૈયાર છું, પરંતુ મારો એક પ્રશ્ર્ન છે. જ્યારે મારી પ્રચંડ ધારા સ્વર્ગ પરથી પૃથ્વી પર પડશે, ત્યારે આ ધારાને રોકશે કોણ? જો ધારાને રોકવામાં નહીં આવે, તો તે પૃથ્વીને ચીરીને પાતાળલોકમાં ચાલી જશે. ગંગાજીની વાત સાંભળીને મહારાજ ભગીરથ ચિંતા કરવા લાગ્યા. તે બોલ્યા, તો હવે શું કરશું મા?
 
ગંગાજી મહારાજ ભગીરથના સાહસ અને પુરુષાર્થથી પ્રસન્ન હતાં. તેથી તેણી પ્રસન્નતાથી બોલ્યા, મારી ધારાને રોકવાની શક્તિ ભગવાન શિવ સિવાય કોઈનામાં નથી. તેથી તમે તપ કરીને શિવજી પ્રસન્ન કરો. જો તે મારી ધારા ઝીલવા તૈયાર થશે, તો હું જરૂરથી ધરતી પર આવવા તૈયાર છું.
 
આમ મહારાજ ભગીરથે શિવજીને પ્રસન્ન કરવા પણ કઠોર તપ કર્યું. તેથી શિવજી પ્રસન્ન થયા. તેમણે ભગી૨થને કહ્યું, હું ગંગાની પ્રચંડ ધારાને મારા મસ્તક પર લેવા તૈયાર છું.
 
કોઈ કહેતું કે ગંગા સ્વર્ગમાં મંદાકિનીના નામથી વહે છે. તો કોઈ કહેતું કે ગંગા બ્રહ્માજીના કમંડળમાંથી વહે છે. તો કોઈ કહેતું કે ગંગા ભગવાન વિષ્ણુના પગના નખમાંથી વહે છે. આમ છતાં ગંગા તો ધરતી પર જવા નીકળી પડી. ભગવાન શંકર તેના બંને પગ બરાબર ધરતી પર રાખીને ઊભા રહી ગયા અને આકાશ તરફ જોવા લાગ્યા. તેમની જટા ખુલ્લી હતી. ગંગાજી ભગવાન શિવના મસ્તક ૫૨ ૫ડ્યાં અને તેમની જટાઓમાં સમાઈ ગયા. ગંગાજીનું એક ટીપું પણ ધરતી પર ન પડ્યું. ગંગાજીને શિવજીની જટામાં એટલું ગમવા લાગ્યું કે તે પૃથ્વી ૫૨ જવાનું જ ભૂલી ગયાં. તેથી જ શિવ ગંગાધરના નામથી પણ ઓળખાવા લાગ્યા.
 
મહારાજ ભગીરથ ફરીથી મૂંઝાઈ ગયા. હવે તે શું કરે? કઈ રીતે ગંગાજીને ધરતી પર આવવાનું કહે ? મહારાજ ભગીરથ શિવજીને પ્રસન્ન કરવા માટે ફરીથી તપ કરવા લાગ્યા. કઠોર તપ પછી શિવજી પ્રસન્ન થયા. તેમણે ગંગાજીને પોતાની જટામાંથી મુક્ત કરી દીધા.
 
આમ ગંગાજી હિમાલયના ગોમુખમાંથી બહાર નીકળીને ધરતી પર વહેવા લાગ્યાં. તેનો પ્રચંડ પ્રવાહ પથ્થરોને તોડતો, શિલાઓને પીસતો વહેવા લાગ્યો. રસ્તામાં જહુ મુનિની કુટીર આવી. ગંગાના પ્રવાહમાં તે કુટીર પણ તણાઈ ગઈ. તેથી જહુ મુનિ ગુસ્સે થઈ ગયા. તેણે ગંગાના પ્રવાહને રોકી લીધો. તેથી મહારાજ ભગીરથે જહનુ મુનિને પ્રસન્ન કરવા માટે ફરીથી તપ કરવું પડ્યું. જહનુ મુનિ પ્રસન્ન થતા ફરીથી ગંગા વહેવા લાગી. આમ ગંગા વહેતી વહેતી બંગાળની ખાડી સુધી પહોંચી ગઈ. તેથી જ ગંગાજીને જહાન્વી પણ કહેવામાં આવે છે.
 
એક લોકકથા પ્રમાણે મહારાજ ભગીરથ ઘોડો દોડાવતા દોડાવતા આગળ જતા અને ગંગા તેની પાછળ પાછળ વહેતી. જે જે રસ્તાઓ પરથી ભગીરથ નીકળ્યા, તે તે રસ્તાઓ પરથી ગંગા વહેવા લાગી. મહારાજ ભગીરથ ગંગાને તે જગ્યાએ લઈ ગયા જ્યાં તેના પૂર્વજોની ભસ્મ પડી હતી. ગંગાજીના પવિત્ર પાણીના સ્પર્શથી તેના પૂર્વજોનો ઉદ્ધાર થઈ ગયો. તેથી રાજાના પૂર્વજો સ્વર્ગમાં ચાલ્યા ગયા.
 
આ રીતે ગંગા હજારો કિલોમીટર વહીને બંગાળની ખાડીમાં જઈને સમુદ્રમાં મળી ગઈ. ગંગા જે જે સ્થળે સમુદ્રમાં મળી, તે તે સ્થળ આજે ગંગાસાગરના નામે ઓળખાય છે. ત્યાં કપિલ મુનિનું મંદિર પણ બનેલું છે. દર વર્ષે મકર સંક્રાતિનાં રોજ લાખો શ્રદ્ધાળુઓ ત્યાં જાય છે અને ગંગાસાગરમાં સ્નાન કરે છે, કપિલ મુનિના દર્શન કરે છે; તેમજ ગંગાવતરણની કથા કહે છે અને સાંભળે છે. વ્યાસજીના કહેવા મુજબ જે વ્યક્તિ ગંગાવતરણની કથા કહે છે અને સાંભળે છે, તે બધાં પાપોથી મુક્ત થઈ જાય છે.