ગૃહસ્થજીવનનું મહત્ત્વ | ભગવાનની ભક્તિ સાથેનું ગૃહસ્થજીવન ઉત્તમ જીવન છે.

    28-Oct-2021
કુલ દૃશ્યો |

gruhsth jevan_1 &nbs
 
 
જે લોકો ભગવાનની ભક્તિની સાથોસાથ સાંસારિક કામો પણ કરે છે, તેને મૃત્યુ બાદ પ્રિયવ્રતની જેમ દિવ્યધામની પ્રાપ્તિ થાય છે. ભગવાનની ભક્તિ કરવા માટે ગૃહસ્થજીવનનો ત્યાગ ન કરવો જોઈએ. ભગવાનની ભક્તિ સાથેનું ગૃહસ્થજીવન ઉત્તમ જીવન છે.
 
બપોર પછીનો સમય હતો. મનુએ પોતાના પુત્ર પ્રિયવ્રતને બોલાવીને કહ્યું, હે પુત્ર! તું હવે મોટો થઈ ગયો છે, સામર્થ્યવાન થઈ ગયો છે. તારે હવે રાજસિંહાસન પર બેસીને પૃથ્વીનું પાલન કરવું જોઈએ. આ જ રાજાનો ધર્મ છે. જે રાજા પૃથ્વીનું પાલન નથી કરતો, તેણે મર્યાં બાદ યમપુરીમાં અનેક યાતનાઓ ભોગવવી પડે છે.
 
પિતાની વાત સાંભળીને પ્રિયવતે જવાબ આપ્યો, હે પિતૃશ્રેષ્ઠ! હું રાજ્યના પ્રપંચમાં પડવા નથી માંગતો. જો હું રાજ્યના પ્રપંચમાં પડીશ તો શ્રીહરિને ભજવાનું ભૂલી જઈશ. મનુષ્યજીવનની સાર્થકતા શ્રીહરિના ભજનમાં જ છે.
 
હકીકત તો એવી હતી કે પ્રિયવતને દેવર્ષિ નારદે ઉપદેશ આપી દીધો હતો. નારદે ઉપદેશ આપતાં કહ્યું હતું, દુનિયામાં શ્રીહરિનાં ભજન સિવાય બીજું કંઈ જ નથી. દુનિયાનો વૈભવ, દુનિયાનું સુખ અને દુનિયાની સુંદરતા - બધું જ નકામું છે. જો કંઈ સત્ય છે, તો તે માત્ર ભગવાન વાસુદેવનું નામ છે. તેથી માનવજન્મ પામીને પણ ભગવાનના નામ-જપમાં જ સમય વિતાવવો જોઈએ.
 
દેવર્ષિ નારદના ઉપદેશના કારણે પ્રિયવતે સંકલ્પ કર્યો હતો કે તે ક્યારેય લગ્ન નહીં કરે. પુત્રોને જન્મ નહીં આપે, તેમજ રાજસિંહાસન પર બેસીને રાજ્ય પણ નહીં સંભાળે. તે વનમાં ચાલ્યા જશે. તેમજ શ્રીહરિનાં ભજન અને નામ જપમાં જ પોતાના જીવનનો સમય વ્યતીત કરશે.
 
તેથી જ્યારે મનુએ પ્રિયવ્રતને રાજસિંહાસન પર બેસવાનું કહ્યું, ત્યારે પ્રિયવ્રત મૂંઝવણમાં મુકાઈ ગયા. કેટલીકવાર સુધી તે મનોમન વિચારવા લાગ્યા. થોડીવાર પછી તેણે રાજસિંહાસન પર બેસવાની અનિચ્છા વ્યક્ત કરી. પ્રિયવ્રત તેના પિતાનો ખૂબ જ આદર કરતા હતા. પિતાની આજ્ઞાનું પાલન કરવું તેને પોતાનો ધર્મ સમજતા હતા. આમ છતાં તેણે રાજસિંહાસન પર બેસવાની ના પાડી દીધી. કારણ કે ના૨દજીની કૃપાથી ભગવાન વાસુદેવની ભક્તિ તેના રગરગમાં સમાઈ ગઈ હતી.
 
પ્રિયવ્રત શૂરવીર અને ન્યાયપ્રિય હતા. બ્રહ્માજીને હંમેશા એ ચિંતા રહેતી કે તેની સૃષ્ટિમાં બધું કામ સુખ અને શાંતિથી થાય. પૃથ્વીનું પાલન થતું રહે અને પ્રજા સુખેથી જીવન વ્યતીત કરે. બ્રહ્માજીએ પણ ઇચ્છતા હતા કે પૃથ્વી પર જે રાજા હોય, તે બધી જ રીતે યોગ્ય હોય, શૂરવીર હોય અને પ્રજાનું પાલન કરતો હોય. તેથી બ્રહ્માજીએ જ્યારે એ વાત સાંભળી કે પ્રિયવ્રત રાજસિંહાસન પર નહીં બેસે, તો તે પણ ચિંતામાં ડૂબી ગયા. તેણે પ્રિયવ્રત પાસે જઈને તેને સમજાવવાનો નિર્ણય લીધો.
 
એકવા૨ સવારનો સમય હતો. પ્રિયવ્રત ભગવાન વાસુદેવના ચરણોમાં ધ્યાન લગાવીને બેઠા હતા. બ્રહ્માજી તેની સામે પ્રગટ થઈને બોલ્યા, હે પ્રિયવ્રત !
 
પ્રિયવ્રતે આંખો ખોલીને જોયું તો સામે બ્રહ્માજી ઊભા હતા. પ્રિયવ્રતે માથું ઝુકાવ્યું. ત્યારબાદ ખૂબ જ વિનમ્રતાથી બોલ્યા, હે પિતામહ! તમે મને દર્શન આપીને મારું જીવન કૃતાર્થ કરી નાખ્યું.
 
બ્રહ્માજીએ કૃપામયી દૃષ્ટિથી પ્રિયવ્રત સામે જોયું અને બોલ્યા, હે પ્રિયવ્રત ! મેં સાંભળ્યું છે કે તેં રાજસિંહાસન પર ન બેસવાનો નિર્ણય લીધો છે.
 
પ્રિયવ્રતે જવાબ આપ્યો, હા બ્રહ્માજી! તમે સાચું સાંભળ્યું છે. બ્રહ્માજી પ્રિયવ્રતની સામે જોઈને બોલ્યા, પ્રિયવ્રત ! શું હું તારા નિર્ણયનું કારણ જાણી શકું?
 
પ્રિયવ્રતે જવાબ આપ્યો, હે પિતામહ! રાજ્ય અને રાજસિંહાસનનો સંબંધ રાજનીતિ સાથે જોડાયેલો છે. રાજનીતિમાં ખૂબ જ પ્રપંચ હોય છે. રાજનીતિમાં છળ, કપટ, અવિશ્ર્વાસ અને વિશ્ર્વાસઘાતનું પ્રમાણ વધુ જોવા મળે છે. મેં ભગવાન વાસુદેવના ચરણોમાં મન લગાવવાનું મહાવ્રત કરવાનો નિર્ણય લીધો છે. તેથી હું કઈ રીતે છળકપટવાળી રાજનીતિમાં પડું ?
 
પ્રિયવ્રતની વાત સાંભળીને બ્રહ્માજી વિચારમગ્ન થઈ ગયા. તે મનોમન વિચારવા લાગ્યા. થોડીવાર વિચાર્યા પછી બ્રહ્માજી બોલ્યા, હે પ્રિયવ્રત! મને એ જાણીને આનંદ થયો કે તેં ભગવાન વાસુદેવના ચરણોમાં મન લગાવીને વ્રત કરવાનો નિર્ણય કર્યો છે. આ વાતથી વધુ ઉત્તમ વાત શું હોઈ શકે? મનુષ્યએ બધા પ્રપંચો છોડીને ભગવાન વાસુદેવના ચરણોમાં જ ધ્યાન લગાવવું જોઈએ. પરંતુ હે પ્રિયવ્રત! વાસુદેવના ચરણોમાં ધ્યાન લગાવવાની સાથોસાથ પણ રાજસિંહાસન પર બેસી શકે છે ને? જે રાજનીતિને તું છળકપટવાળી માને છે તો તેની બાગડોર જ્યારે તારા હાથમાં આવશે, ત્યારે શું તું તેનું રૂપ નહીં બદલી શકે? હું જાણું છું કે રાજાઓનું જીવન પ્રપંચથી ભરેલું હોય છે, પણ તું એક એવા રાજાના સ્વરૂપમાં રાજસિંહાસન પર બેસીશ કે જે સત્યનો સાથ આપે અને પ્રજાનું ન્યાયથી પાલન કરે. તું મારા માટે અને પ્રજા માટે ગર્વનું પ્રતીક બનીશ.
 
બ્રહ્માજીની વાત સાંભળીને પ્રિયવ્રત ચૂપ થઈ ગયો. તે મનોમન વિચારવા લાગ્યો. થોડીવાર વિચાર્યા બાદ તે બોલ્યો, હે પિતામહ! મેં બધું જ છોડીને વનમાં જવાનો નિર્ણય લીધો છે. તેમજ મેં એમ પણ નિર્ણય લીધો છે કે હું મારું આખું જીવન ભગવાનની ભક્તિમાં પસાર કરીશ.
 
બ્રહ્માજી બોલ્યા, તારો નિર્ણય ખૂબ જ પવિત્ર છે, તેમજ મંગલમય પણ છે. પરંતુ હે પ્રિયવ્રત! આ આખી સૃષ્ટિ ભગવાનની જ છે. સૃષ્ટિના તમામ પ્રાણી ભગવાનનાં જ પ્રાણી છે. પ્રજા, સ્ત્રી, પુત્ર, પૌત્રો - આ બધાં પણ ભગવાનના જ છે. આ બધાંની સેવા કરવી અને તેમનું પાલનપોષણ કરવું -તે જ ભગવાનની જ ભક્તિ કહેવાય. મનુષ્ય જો ભગવાનને યાદ કરીને ગૃહસ્થજીવન વ્યતીત કરે, તો ગૃહસ્થજીવનથી શ્રેષ્ઠ જીવન કોઈ નથી. તું વનમાં જરૂરથી જા. પરંતુ પહેલાં તારા જીવનનાં સાંસારિક કર્મો તો પૂરાં કરી લે. ગૃહસ્થજીવનના સુખ તો ભોગવી લે. નહીં તો તને સાંસારિક સુખની મજા શું છે, તે કેવી રીતે ખબર પડશે?
 
બ્રહ્માજીના તર્કથી પ્રિયવ્રત મૌન થઈ ગયો. તેથી તેણે માથું ઝુકાવીને કહ્યું, હે પિતામહ ! તમારી આજ્ઞા શિરોધાર્ય છે.
 
બ્રહ્માજી અદૃશ્ય થઈ ગયા. પ્રિયવ્રત રાજસિંહાસન પર બેસીને રાજ્ય સંભાળવા લાગ્યા. તેણે લગ્ન પણ કર્યાં. તેની પત્નીનું નામ બર્હિષ્મતિ હતું. તેણીએ દસ પુત્રો અને એક પુત્રીને જન્મ આપ્યો. પુત્રીનું નામ ઉર્જસ્વતી હતું. તેણીએ દાનવોના ગુરુ શુક્રાચાર્ય સાથે લગ્ન કર્યાં. સ્ત્રીઓમાં ઉત્તમ દેવયાનીની માતા એટલે ઉર્જસ્વતી.
 
પ્રિયવ્રત રાજ્ય અને પુત્રોના પાલનપોષણની સાથોસાથ વાસુદેવના ચરણોમાં પોતાનું મન લગાવીને રાખતા. તે રાજ્ય સંભાળવાના કાર્યને પણ ભગવાનનું કાર્ય જ માનતા. જ્યારે તેમનાં બધાં જ કામ પૂરાં થઈ ગયાં એટલે જેમ લોકો જૂના કપડાને છોડી દે છે, તેમ પ્રિયવ્રત બધાને છોડીને વનમાં ચાલ્યા ગયા. તેમણે વનમાં જઈને ભગવાનની ભક્તિ કરી. ભગવાનની ભક્તિ કરતા કરતા જ પ્રિયવ્રતે પોતાનો જીવ છોડ્યો. પ્રિયવ્રતને દિવ્યધામની પ્રાપ્તિ થઈ.
 
જે લોકો ભગવાનની ભક્તિની સાથોસાથ સાંસારિક કામો પણ કરે છે, તેને મૃત્યુ બાદ પ્રિયવ્રતની જેમ દિવ્યધામની પ્રાપ્તિ થાય છે. ભગવાનની ભક્તિ કરવા માટે ગૃહસ્થજીવનનો ત્યાગ ન કરવો જોઈએ. ભગવાનની ભક્તિ સાથેનું ગૃહસ્થજીવન ઉત્તમ જીવન છે.