જય અને વિજયનું કર્તવ્યપાલન

    28-Oct-2021
કુલ દૃશ્યો |
 
Jay and Vijay katha_1&nbs
 
 

જય અને વિજયનું કર્તવ્યપાલન | Jay and Vijay katha

 
 
જ્યારે ભગવાન વિષ્ણુને ખબર પડી કે જય અને વિજયે સનકાદિ મુનિને દ્વાર પર જ રોકી લીધા છે એટલે ભગવાન વિષ્ણુ તરત જ દ્વાર પર આવ્યા.
 
વૈકુંઠલોકમાં ભગવાન વિષ્ણુના બે અનુચરો હતા. એકનું નામ જય અને બીજાનું નામ વિજય હતું. જે કોઈપણ ભગવાન વિષ્ણુને મળવા આવે તેને જય અને વિજયની સંમતિ લેવી પડતી. ભગવાન વિષ્ણુનો જ એવો આદેશ હતો કે કોઈપણ વ્યક્તિ તેઓની સંમતિ વગર વૈકુંઠલોકમાં પ્રવેશી ન શકે.
 
જય અને વિજય દૃઢતાથી પોતાના કર્તવ્યનું પાલન કરતા. તેઓ એટલા દૃઢ હતા કે ઘણીવાર તો રમા (લક્ષ્મીદેવી)ને પણ સંમતિ વગર વૈકુંઠલોકમાં ન જવા દેતા. એકવાર રમાએ ગુસ્સામાં આવીને જય અને વિજયને શ્રાપ આપી દીધો હતો. આમ છતાં જય અને વિજય તેમના કર્તવ્યનું નિષ્ઠાપૂર્વક પાલન કરતા.
 
એકવાર અચાનક સનકાદિ મુનિ વૈકુંઠલોક પહોંચી ગયા. તેઓ ભગવાન વિષ્ણુના ભક્ત હતા. આ સનકાદિ મુનિ જ્ઞાની હતા. તેઓ બધાના કલ્યાણ માટે ત્રણેય લોકમાં ભ્રમણ કરતા. તેઓ જ્યાં પણ જતા ત્યાં લોકોને મોહ અને આસક્તિનાં બંધનો તોડવાનો ઉપદેશ આપતા. સનકાદિ મુનિ છ દ્વા૨ પસાર કરીને વૈકુંઠલોકમાં અંદર ચાલ્યા ગયા. જેવા તેઓ સાતમા દ્વાર પર પહોંચ્યા ત્યાં જ તેણે જય અને વિજયને ઊભેલા જોયા. જય અને વિજયે કહ્યું, સંમતિ વગર અંદર જવાની મનાઈ છે.
સનકાદિ મુનિ ત્યાં જ ઊભા રહી ગયા. થોડીવાર પછી જય અને વિજયની સામે જોઈને બોલ્યા, હું વિષ્ણુ ભગવાનનો પ્રિય ભક્ત છું, આમ છતાં મને અંદર જવાની મનાઈ છે ?
 
જય અને વિજયે જવાબ આપ્યો, તમે કોઈપણ હો, સંમતિ વગર અંદર નહીં જઈ શકો. સ્વયં ભગવાન વિષ્ણુનો આદેશ છે કે સંમતિ વગર કોઈને અંદર ન આવવા દેવા. ૨માએ પણ આ નિયમનું પાલન કરવું પડે છે.
 
જય અને વિજય તો નિયમનું પાલન કરી રહ્યા હતા. પરંતુ સનકાદિ મુનિને આ નિયમ પાલન નહીં, પરંતુ અપમાન લાગ્યું. તેઓ નારાજ થઈ ગયા. તેઓ જય અને વિજયની સામે જોઈને બોલ્યા, આ વિષ્ણુલોક છે. વિષ્ણુલોકમાં એ ભગવાન વિષ્ણુ રહે છે કે જે ભેદભાવથી ૫૨ છે. તે તો પ્રેમનું પ્રતિબિંબ છે. આ લોકમાં જે કોઈપણ રહે છે તેના મનમાં કોઈપણ જાતનો ભેદભાવ નથી હોતો. તેના માટે બધા સમાન છે. બધા એકરૂપ છે. તમે બંને વૈકુંઠલોકમાં રહેવા લાયક નથી, કારણ કે તમારા હૃદયમાં ભેદભાવ છે. હું તમને શ્રાપ આપુ છું કે તમે દૈત્યલોકમાં જઈને જન્મ લેશો.
 
સનકાદિ મુનિનો શ્રાપ સાંભળીને જય અને વિજય બંને ખૂબ જ દુઃખી થઈ ગયા. બંનેએ ખૂબ જ નમ્રતાપૂર્વક સનકાદિ મુનિને કહ્યું, અમે જે કંઈપણ કર્યું છે તે અમારા કર્તવ્યપાલનના ભાગરૂપે જ કર્યું છે. આમ છતાં અમે તમારા શ્રાપનો સ્વીકાર કરીએ છીએ. પરંતુ અમારા પર એક કૃપા કરો. અમને કોઈ એવો ઉપાય જણાવો જેના દ્વારા અમે ફરીથી વૈકુંઠલોકમાં આવીને ભગવાન વિષ્ણુ પાસે જ રહી શકીએ.
 
જય અને વિજય સનકાદિ મુનિ એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા ત્યાં જ ભગવાન વિષ્ણુ આવી ગયા. જ્યારે ભગવાન વિષ્ણુને ખબર પડી કે જય અને વિજયે સનકાદિ મુનિને દ્વાર પર જ રોકી લીધા છે એટલે ભગવાન વિષ્ણુ તરત જ દ્વાર પર આવ્યા. સનકાદિ મુનિએ ભગવાન વિષ્ણુના ચરણોમાં વંદન કર્યાં.
 
ભગવાન વિષ્ણુ સનકાદિ મુનિઓને જોઈને બોલ્યા, હે મુનિશ્રેષ્ઠ ! તમે મારા અનુચરોને શ્રાપ આપીને ખૂબ જ સારું કામ કર્યું છે. મારા અનુચરોએ તમારું અપમાન નહોતું કરવું જોઈતું. તમારું અપમાન એ મારું અપમાન છે.
 
ભગવાન વિષ્ણુની નમ્રતા અને વિનય જોઈને સનકાદિ મુનિનું હૃદય પ્રસન્નતાથી ભરાઈ ગયું. તેઓ ખૂબ જ પ્રસન્ન થઈને બોલ્યા, ભગવાન ! તમે ધન્ય છો. તમે તમારા વિનય અને નમ્રતાને કારણે જ મહાન છો. તમે ભેદભાવથી ૫૨ છો, તમે વિકારરહિત છો, તમે પ્રેમનો સમુદ્ર છો. હું તમારાં દર્શન કરીને કૃતાર્થ થઈ ગયો.
 
આ રીતે સનકાદિ મુનિ ભગવાન વિષ્ણુની વંદના કરીને ચાલ્યા ગયા. થોડીવાર પછી ભગવાન વિષ્ણુ તેના અનુચરો સામે જોઈને બોલ્યા, તમે બંને ચિંતા ન કરો. આ પહેલાં શ્રી લક્ષ્મી પણ તમને શ્રાપ આપી ચૂક્યાં છે. તેથી હવે તમે જાવ. દૈત્ય વંશમાં જન્મ લો. થોડા દિવસો પછી તમે ફરીથી મારી પાસે આવી જજો. વૈકુંઠનાથ ભગવાન વિષ્ણુના આશ્ર્વાસનથી બંને અનુચરોના મનનું દુઃખ દૂર થઈ ગયું. બંને અનુચરો વૈકુંઠલોક છોડીને દાનવલોકમાં ચાલ્યા ગયા.
 
આ જ દિવસોમાં એક બહુ મોટા ઋષિ થઈ ગયા. તે ઋષિનું નામ કાશ્યપ હતું. ઋષિ કાશ્યપની બે પત્ની હતી. એક પત્નીનું નામ દિતિ હતું અને બીજી પત્નીનું નામ અદિતિ હતું. દિતિનો સ્વભાવ ખૂબ જ ચંચળ હતો. જ્યારે અદિતિ ખૂબ જ શાંત, મૃદુ અને ક્ષમાશીલ હતી.
 
એકવાર સાંજનો સમય હતો. ઋષિ કાશ્યપ સંધ્યાવંદનાની તૈયારી કરી રહ્યા હતા. ત્યાં જ દિતિ ઋષિ કાશ્યપ પાસે
જઈ પહોંચ્યા. તેણીએ ઋષિ કાશ્યપ પાસે જઈને તેનો હાથ પકડી લીધો અને કહ્યું, હે ઋષિ ! મારું મન ખૂબ જ ચંચળ થઈ ગયું છે. તમે મારા પતિ છો. કૃપા કરીને મારા મનની ચંચળતાને શાંત કરો.
 
ઋષિ કાશ્યપ બોલ્યા, હે દિતિ ! તમારા મનની ચંચળતા તો શાંત થઈ જશે, પરંતુ તમારા ગર્ભમાંથી જે બાળક જન્મ લેશે તે દૈત્ય હશે. ઋષિ કાશ્યપની વાત સાચી પડી. નવ માસ પૂરા થતાં દિતિએ બે જોડિયા બાળકોને જન્મ આપ્યો. બંને જોડિયા બાળકો દૈત્ય હતા. બંને બાળકો જન્મતાં જ દૈત્યોની જેમ મોટા થઈ ગયા. દિતિએ આ બંને દૈત્યપુત્રને હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ નામ આપ્યું. આ બંને ભાઈઓમાં મોટો ભાઈ જય અને નાનો ભાઈ વિજય હતો. હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ બંનેનો ભગવાનના હાથે વધ કરવામાં આવ્યો. તેથી બંને જય અને વિજય વૈકુંઠલોકમાં જઈ પહોંચ્યા. તેમજ ફરીથી ભગવાનના અનુચર બની ગયા. જય અને વિજયની કથા પરથી આપણને એ શીખવા મળે છે કે કર્તવ્ય પાલન કરતી વખતે પણ યોગ્ય અને અયોગ્યનો વિચાર કરવો જોઈએ.