કાલયવન અને જરાસંધ - કાલયવને વિચાર્યું, લાગે છે કે આ જ કૃષ્ણ છે. મને દગો આપવા માટે ચાદર ઓઢીને સૂઈ ગયો છે.

    28-Oct-2021
કુલ દૃશ્યો |

kavl_1  H x W:
 
 
કાલયવને વિચાર્યું, લાગે છે કે આ જ કૃષ્ણ છે. મને દગો આપવા માટે ચાદર ઓઢીને સૂઈ ગયો છે.
 
જરાસંધ સત્તર વખત હારી ગયો હોવા છતાં મથુરા પણ આક્રમણ કરવા ઇચ્છતો હતો. તે દિવસોમાં ઉત્તર-પશ્ર્ચિમમાં ભારતની સીમાની પાર એક રાજા રાજ્ય કરતો હતો. તે રાજાનું નામ કાલયવન હતું. કાલયવન વિધર્મી, ક્રૂર અને અત્યાચારી હતો. તેની પાસે પણ બહુ મોટી સેના હતી. જરાસંધ કાલયવનનો મિત્ર હતો. તેથી જરાસંધે કાલયવન પાસે પોતાનો દૂત મોકલ્યો અને મથુરા ૫૨ આક્રમણ કરવાની પ્રેરણા આપી. તેણે કાલયવનને કહેવડાવ્યું કે જો તે મથુરાને નષ્ટ કરવામાં મદદ કરશે, તો જરાસંધ મથુરાનું રાજ કાલયવનને આપી દેશે.
 
જરાસંધ અને કાલયવન બંનેએ સાથે મળીને મથુરા ૫૨ આક્રમણ કરવાની યોજના બનાવી. બંનેએ આક્રમણ કરવાની એક તિથિ નક્કી કરી લીધી. કાલયવન તો નક્કી કરેલી તિથિએ પોતાની મોટી સેના લઈને મથુરા પહોંચી ગયો. પરંતુ કોઈ કારણોસ૨ જરાસંધ પહોંચી ન શક્યો. તે થોડો મોડેથી મથુરા પોતાની સેના સાથે પહોંચ્યો.
 
કાલયવને મથુરાની સીમા પર પોતાનો કબજો જમાવી લીધો. તેની સાથે તેની ખૂબ જ મોટી સેના હતી. તે ઊંટો, ખચ્ચરો અને ઘોડા ૫૨ અનેક મહિનાઓનો ખાવા પીવાનો સામાન લઈને મથુરા આવી ગયો હતો. તે મથુરાનો જડમૂળથી વિનાશ કરી નાખવા માંગતો હતો.
 
યદુવંશીઓએ જરાસંધની જેમ કાલયવન સાથે પણ યુદ્ધ કરવાનો નિર્ણય લીધો. પરંતુ શ્રી કૃષ્ણ ભગવાને આ નિર્ણયનો વિરોધ કર્યો. તેણે કહ્યું, જરાસંધ પણ કાલયવનની મદદ કરવા આવશે. તેથી જરાસંધ અને કાલયવન બંનેની સેનાનો સામનો કરવો આપણને અઘરો પડી જશે. તેથી આપણે આ સમયે યુદ્ધ ન કરવું જોઈએ. આપણે મથુરાને ખાલી કરી દેવું જોઈએ. તેથી સૌથી મોટો ફાયદો એ થશે કે મથુરાનો વિનાશ નહીં થાય.
 
બલરામ અને ઉગ્રસેન શ્રી કૃષ્ણના વિચારથી સહમત ન હતા આમ છતાં જેવું શ્રી કૃષ્ણ ઇચ્છતા હતા તેવું જ થયું. મથુરા નગરી ખાલી કરી દેવામાં આવી. શ્રી કૃષ્ણ અને બલરામ સિવાયના બધા જ નગરવાસીઓ મથુરા છોડીને દ્વારકા ચાલ્યા ગયા. મથુરામાં સન્નાટો છવાઈ ગયો. મથુરા ખાલી થઈ જતાં શ્રી કૃષ્ણે બલરામને કહ્યું, ભાઈ ! હું જ્યાં સુધી પાછો ન આવી જાઉં, ત્યાં સુધી તમે મથુરામાં જ રહો. હું એકલો કાલયવનને હરાવી દઈશ.
 
સવા૨નો સમય હતો. સૂર્યોદય થઈ ચૂક્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણ ગળામાં પુષ્પમાળા નાખીને કાલયવનની છાવણી પાસે પહોંચી ગયા. તેમના હાથમાં શસ્ત્રો કે અસ્ત્રો ન હતા. કાલયવન શ્રી કૃષ્ણને જોઈને વિસ્મિત થઈ ગયો. ભગવાન શ્રી કૃષ્ણના શરીરની અદ્ભુત શોભા જોઈને તે મનોમન વિચા૨વા લાગ્યો, મને તો લાગે છે કે આ જ શ્રી કૃષ્ણ છે. તેનો રંગ પણ શ્યામ છે. અદ્ભુત કાંતિધારી પણ છે. માળા પણ ધારણ કરેલી છે. પરંતુ શસ્ત્રો કે અસ્ત્રો તેની સાથે નથી. તેથી મારે પણ અસ્ત્રો અને શસ્ત્રો વગર જ યુદ્ધ કરવું જોઈએ.
 
કાલયવને એકલા જઈને શ્રી કૃષ્ણને પૂછ્યું, તમે કોણ છો? શું તમે જ કૃષ્ણ છો ?
 
ભગવાન શ્રી કૃષ્ણે જવાબ આપ્યો, હા, હું જ કૃષ્ણ છું. કહો, શું કહેવા માંગો છો ?
 
શ્રી કૃષ્ણની વાત સાંભળીને કાલયવન ગુસ્સે થઈ ગયો અને તેમના ૫૨ આક્રમણ કરી દીધું. ભગવાન શ્રી કૃષ્ણે તેની સાથે યુદ્ધ ન કર્યું અને પોતાની યોજના મુજબ ત્યાંથી ભાગી ગયા. આગળ આગળ શ્રી કૃષ્ણ અને પાછળ પાછળ દોડતો કાલયવન. બંને એક પહાડની ગુફામાં પહોંચી ગયા. ગુફાની અંદર પહેલેથી જ એક વ્યક્તિ ચાદર ઓઢીને નિદ્રાવસ્થામાં પડ્યો હતો.
 
કાલયવન પણ શ્રી કૃષ્ણની પાછળ પાછળ ગુફામાં ઘૂસી ગયો. શ્રી કૃષ્ણ ગુફામાં છુપાઈ ગયા. તેથી કાલયવને શ્રી કૃષ્ણને ન જોયા. તેણે તો એક જ મનુષ્યને જોયો કે જે ચાદર ઓઢીને નિદ્રાવસ્થામાં પડ્યો હતો. કાલયવને વિચાર્યું, લાગે છે કે આ જ કૃષ્ણ છે. મને દગો આપવા માટે ચાદર ઓઢીને સૂઈ ગયો છે.
 
તેથી કાલયવને સૂઈ રહેલા વ્યક્તિને પાટું માર્યું અને બોલ્યા, હે દુષ્ટ ! હે પાપી! હવે અહીં ચાદર ઓઢીને સૂઈ ગયો છે. હું તને નહીં છોડું.
 
પ્રહાર લાગવાને કારણે સૂતેલો વ્યક્તિ જાગી ગયો. તેણે ચાદર ઊંચી કરીને કાલયવન સામે જોયું. આશ્ર્ચર્યજનક ઘટના એ ઘટી કે તેણે જેવી કાલયવન ૫૨ દૃષ્ટિ કરી કે તરત જ કાલયવન બળીને ભસ્મ થઈ ગયો.
 
તે ઊંઘી રહેલા વ્યક્તિ મહાન તપસ્વી હતા. તેનું નામ મુચુકુન્દ હતું. તે માંધાતાના પુત્ર હતા. તેઓએ દેવો અને દાનવોના યુદ્ધમાં ખૂબ જ મદદ કરી હતી. દેવોએ તેના પર પ્રસન્ન થઈને વરદાન આપ્યું હતું કે, તેઓ હંમેશા માટે સૂઈ શકશે અને સાથોસાથ જે વ્યક્તિ તેની ઇચ્છા વિરુદ્ધ કઈ કર્મ ક૨શે, તેના પર માત્ર દૃષ્ટિ કરવાથી તે વ્યક્તિ બળીને ભસ્મ થઈ જશે.
 
ભગવાન શ્રી કૃષ્ણને આ વરદાન વિશે જાણ હતી. તેથી જ ભગવાન શ્રી કૃષ્ણ કાલયવનને ગુફાની અંદર લઈ ગયા. કાલયવન જ્યારે બળીને ભસ્મ થઈ ગયો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ મુચુકુન્દની સમક્ષ પ્રગટ થઈ ગયા. તે ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી તપ કરવા ચાલ્યા ગયા. તેમના અઘોર તપના કારણે મુચુકુન્દ અમર થઈ ગયા.
 
કાલયવનના બળી ગયા પછી ભગવાન શ્રી કૃષ્ણ મથુરા પાછા ફર્યા. કાલયવનની સેનાને જ્યારે તેના મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે ચારેબાજુ નાસભાગ થઈ ગઈ. બલરામે કાલયવનની ભાગતી સેનાને લૂંટવાનો વિચાર કર્યો. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણે બલરામને રોકી લીધા અને કહ્યું, જરાસંધ પોતાની સેનાને લઈને અહીં પહોંચતો જ હશે. તેથી આપણે અહીંથી વહેલામાં વહેલી તકે ભાગી જવું જઈએ.
 
શ્રી કૃષ્ણ અને બલરામ મથુરાથી ભાગી ગયા. જરાસંધે પોતાની સેના સાથે શ્રી કૃષ્ણ અને બલરામનો પીછો કર્યો. ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ પ્રવર્ષણ પર્વતમાં છુપાઈ ગયા. જરાસંધે શ્રી કૃષ્ણ અને બલરામને શોધવાના અનેક પ્રયત્નો કર્યા. આમ છતાં તે બંનેને શોધી ન શક્યા. તેથી જરાસંધે પર્વતની ચારેબાજુ લાકડાં ગોઠવી દીધા. ત્યારબાદ જરાસંધે આખા પર્વતને જ સળગાવી દીધો. શ્રી કૃષ્ણ અને બલરામ લાકડાને કૂદીને બહાર નીકળી ગયા. જરાસંધની સેનાને આ બાબતની જાણ નહોતી. તેથી જરાસંધે માની લીધું કે શ્રી કૃષ્ણ અને બલરામ પર્વતની અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગયા હશે. તેથી જરાસંધ પોતાના દેશ મગધ પોતાની સેના સાથે પાછા ફર્યા. હકીકતમાં તો શ્રી કૃષ્ણ અને બલરામ ત્યાંથી ભાગી ગયા હતા.
 
ભગવાન શ્રી કૃષ્ણે આ બધા યુદ્ધ પહેલાં વિશ્ર્વકર્માને પોતાની પાસે બોલાવ્યા હતા અને કહ્યું હતું, તમે સમુદ્રની વચ્ચે એક કિલ્લો બનાવો. તેમજ તેની અંદર એક નગરી બનાવો. વિશ્ર્વકર્માએ સુંદર નગરી તો બનાવી નાખી પણ લોકોને બહારથી નગરીમાંથી બહાર જવાનો રસ્તો ન મળતો. તેથી લોકો કહેતા, દ્વાર ક્યાં ? દ્વાર ક્યાં તેથી તે નગરીનું નામ દ્વારકા પડી ગયું. ઉપનિષદમાં કા શબ્દનો અર્થ બ્રહ્મ થાય તેવું કહેલું છે. તેથી દ્વારકા માટે કહેવાતું - પ્રત્યેક દ્વારે જ્યાં ૫રમાત્મા છે તેવી નગરી એટલે દ્વારકા. આમ ભગવાને મથુરાથી ભાગી જઈ દ્વારકા વસાવ્યું, તેથી તેઓ રણછોડ અને દ્વારકાધીશ તરીકે પણ ઓળખાયા.