સર્વકાલીન ભાગવતની પ્રભાવકતા સૂર્ય જેવી છે : પૂજ્ય મોરારિબાપુ

    28-Oct-2021
કુલ દૃશ્યો |

moratibapu_1  H
 
 
સવારના પહોરમાં શ્રીકૃષ્ણ પ્રભુની સવારી હસ્તિનાપુરમાં દાખલ થઈ. ધૃતરાષ્ટના રાજમેલ પાંહે રથ ઊભો રિયો. પ્રભુએ રથમાંથી ધરતી પર પગ મૂક્યો ને ભીષ્મ, દ્રોણ, ધૃતરાષ્ટ, ગાંધારી, વિદુરજી, દુર્યોધન સામે લેવા હાલ્યા. પીળાં પીતાંબર, ગળામાં વૈજયંતિમાળા. વિદુરજી સાત્યકિને ખભે હાથ મૂકીને હાલ્યા. રાજમેલના પગથિયે પગ મૂક્યો ત્યાં શંખ ધણેણી ઊઠ્યા. મહેલમાં સોનાના સિંહાસન ઉપર બેહાડ્યા. ખબરઅંતર પૂછ્યા. ધૃતરાષ્ટ કે આપના ઉતારાની સગવડ દુશાસનના મેલમાં રાખી છે. આજનું ભોજન આપે દુર્યોધનના મેલમાં લેવાનું છે. શ્રીકૃષ્ણ બોલ્યા: હું રાજા નથી, મહેમાન નથી. પાંડવોનો દૂત છું. દૂતનું કામ પૂરું થાય ત્યાં સુધી ક્યાંય જમાય નંઇ. દુર્યોધન કે અમે તમારા મિત્ર નથી ? શ્રીકૃષ્ણે કીધું અત્યારે તો પાંડવના મિત્ર ઇ મારા મિત્ર અને દુશ્મન એ મારાય... એમ બોલતા ઊભા થિયા અને વિદુરજીનો હાથ ઝાલીને એમની ઝૂંપડીએ પહોંચ્યા.
 
વિદુરજીનાં પત્ની સુલભાજી તો પગમાં પડ્યા ને રોવા માંડ્યાં. શ્રીકૃષ્ણ ભગવાને સીધું કીધું: મા ! મને ભૂખ લાગી છે. સુલભાજીના હાથમાં એક કેળું આવ્યું એટલે છાલ્ય કાઢીને શ્રીકૃષ્ણને આપી અને કેળું નાખી દીધું. આટલા ભાવવિભોર થઈ ગયેલાં. દર્શનમાં બેભાન છે અને શ્રીકૃષ્ણ છાલ્ય પણ પ્રેમથી ખાઇ ગ્યા. ભગતીની વાતું કરતાં કરતાં ત્રણેય જણાએ મીઠા વગરની ભાજી પ્રેમથી ખાધી. શ્રીકૃષ્ણ ભગવાનના મુખ ઉપર છપ્પન ભોગ આરોગ્યાની તૃપ્તિ દેખાણી.
 
મનુભાઈ ગઢવીના કંઠે લોક-ભાગવત સાંભળવી એક લહાવો છે. જેમ જુદા જુદા પ્રદેશ પ્રમાણે રામાયણની અભિવ્યક્તિ જુદી જુદી છે એમ ભાગવતની અભિવ્યક્તિ પણ જુદી છે. આ બંને મહાગ્રંથો ભારતીય સંસ્કૃતિના પ્રવેશદ્વાર છે. આ બંને મહાગ્રંથ દ્વારા સંસ્કૃતિનું ઘડતર થયું છે. સદ્સાહિત્ય આપણા અસમયનો મિત્ર છે. મને મારા દાદા કહેતા કે ભાગવત અને માનસ એ આપણા બે હાથ છે એ શીખવે છે કે સત્ય પ્રિય હોય એવું બોલવું. અહંકારથી સાવધ રહેવું. કયા દરવાજેથી અહંકાર આવી જાય એની ખબર ન પડે. તમોગુણી અહંકાર તો પકડમાં આવે પણ રજોગુણી અહંકારને પકડવો મુશ્કેલ છે. હું સૌથી ઉપર છું એ તામસી અહંકાર છે. ઈર્ષાથી દૂર રહેવું. ઈર્ષા તમારી ગતિ-પ્રગતિને રોકે છે.
 
ભગવાન કૃષ્ણએ લીલાને સમેટતાં પોતાની વસ્તુઓ પોતીકાઓને આપી છે. ઉદ્ધવને પાદુકા આપી, રાધાને ઉપવસ્ત્ર આપ્યું, મીરાંને કામળી આપી. રાધાના અનેક રંગ છે, મીરાંનો એક જ રંગ છે, રાધા સિતાર છે, મીરાં એકતારો છે. કૃષ્ણે ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઊંચક્યો હતો. ટચલી આંગળી બહુ નાજુક હોય છે, એનાથી આપણે બહુ કામ લેતા નથી. એ ટચલી આંગળી રાધા છે. કૃષ્ણ વેદસ્વરૂપ છે અને રાધિકા વેદિકાસ્વરૂપ છે. જ્યાં આપણે વેદને સ્થાપિત કરીએ છીએ એ પીઠિકા વેદિકા કહેવાય છે. કાગબાપુએ દ્વારકાધીશનાં દર્શન કર્યા બાદ દ્વારકાને દેવળે નમણું સુંદર પદ લખે છે. કૃષ્ણ અને દ્રૌપદીનો સખ્યભાવ હતો. દ્રૌપદીનું વસ્ત્રહરણ થયું ત્યારે સભામાં મોટાં માથાંઓ બેઠાં હતાં. દ્રૌપદીની કેવી સંવેદના અનુભવતા હશે ! ઉઠતી હૈ હર નિગાહ ખરીદાર કી તરાહ દ્રૌપદીએ જ્યારે બધા પ્રયાસ છોડી દીધા ત્યારે પહેલીવાર કૃષ્ણને ભગવાન સંબોધન કર્યું અને કૃષ્ણ વહારે આવ્યા.
 
ગીતકાર કહે છે કે ઘણા લોકો દ્રવ્યયજ્ઞ કરે છે. દ્રવ્ય એટલે સ્થૂળ છે એ અને યજ્ઞ એટલે સ્વાહા. બીજાને માટે આપવાની દરેક પ્રવૃત્તિ દ્રવ્યયજ્ઞ છે. એ પણ એક પ્રકારનું ભજન છે. ભજ ધાતુનો અર્થ ભોજન પણ થાય છે.
 
આપણી આસપાસ કોઈ ભૂખ્યું ન રહી જાય. જે લોકો આખી જિંદગી સેવાના કાર્યમાં સમર્પિત કરી છે એમને મારા સહૃદયી સાધુવાદ. માણસ વિચાર ગમે તેટલો કરે પણ ક્યાંય પહોંચી શકતો નથી. એમાં વિશ્ર્વાસ ઉમેરાય તો વાત બને..પુષ્ટિમાર્ગમાં શ્રીમન ભગવાન વલ્લભની પરંપરામાં સૂરદાસજીનું આ પદ મને ખૂબ જ પ્રિય છે... ભરોસો દૃઢ ઇન ચરનન કેરો... યોગયજ્ઞ પણ જીવનમાં ઉતારવા જેવો છે. યોગેશ્ર્વરે જે યોગના અર્થ કર્યા છે એમાંથી એકાદનું પાલન થાય તો પણ જીવન મોરલી જેવું મધુર બની જાય. મારી દૃષ્ટિએ યોગનો એક અર્થ આપણી ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ કરીએ. શાસ્ત્ર દરેક કાળમાં પોતાનો નવો અર્થ પ્રસ્તુત કરે છે, એને જ સદ્ગ્રંથ કહેવાય છે. સદ્ગ્રંથ સર્વકાલીન હોય છે. ભાગવત સર્વકાલીન છે એટલે આજે પણ એ પ્રસ્તુત છે, એની પ્રભાવકતા સૂર્ય જેવી છે.
 
***
 
આલેખન : હરદ્વાર ગોસ્વામી