પરીક્ષિતને મળ્યો શ્રાપ - આજથી સાતમા દિવસે તને તક્ષક નામનો નાગ આવીને તને ડંખ મારશે, જેથી તારું મૃત્યુ થશે

    28-Oct-2021
કુલ દૃશ્યો |

parikshit_1  H
 
 
તેમણે રાજા પરીક્ષિતને શ્રાપ આપ્યો અને કહ્યું, હે પરીક્ષિત ! તેં મારા પિતાનું અપમાન કર્યું છે. તારે આ અપમાનનું પરિણામ ભોગવવું પડશે. આજથી સાતમા દિવસે તને તક્ષક નામનો નાગ આવીને તને ડંખ મારશે, જેથી તારું મૃત્યુ થશે.
 
રાજા પરીક્ષિત હસ્તિનાપુરનું રાજસિંહાસન સંભાળતા. રાજા પરિક્ષિતિ ધર્માત્મા, પ્રતાપી અને તેજસ્વી હતા. સૂર્યોદય થતા જે રીતે સૂર્યના કિરણો ચારેબાજુ ફેલાઈ જાય, તેમ રાજા પરીક્ષિતની પ્રતિષ્ઠા ચારેબાજુ ફેલાઈ ગઈ હતી. તેની પત્નીનું નામ ઈરાવતી હતું. તેના ચાર પુત્રો હતા. એકવા૨ રાજા પરીક્ષિતને સમાચાર મળ્યા કે તેમના રાજ્યમાં કલિયુગ પ્રવેશી ચૂક્યો છે. આ વાત સાંભળીને રાજા પરીક્ષિત દુઃખી થઈ ગયા. કારણ કે કલિયુગનો પ્રવેશ એટલે રાજ્યમાં અધર્મ અને હિંસામાં વધારો.
થોડા સમય બાદ રાજા પરીક્ષિતે વિશ્ર્વ વિજયનો વિચાર કર્યો. તેથી તેઓ રથ ૫૨ સવાર થઈ, ધનુષ્ય અને બાણ લઈને વિશ્ર્વ જીતવા નીકળી ગયા. રાજા પરીક્ષિત બહાદુર હતા. રાજા જે રાજ્યમાં જતા, તે રાજ્ય જીતીને જ આવતા. એકવાર રાજા પરીક્ષિતે લોકો પાસેથી સાંભળ્યું કે પાંડવો પ્રતાપી અને બહાદુર હતા. ભગવાન શ્રી કૃષ્ણની તેના પર કૃપા હતી. જ્યારે પાંડવો કોઈ મુશ્કેલીનો સામનો કરતા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ તેઓની રક્ષા કરતા. રાજા પરીક્ષિતે એ વાત પણ સાંભળી કે તેઓ જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ જ તેમને અશ્ર્વત્થામાના બ્રહ્માસ્ત્રથી બચાવ્યા હતા. તેથી રાજા પરીક્ષિતના મનમાં ભગવાન શ્રી કૃષ્ણ માટે પ્રેમ અને ભક્તિની ભાવના જાગી. તેઓ ભગવાન શ્રી કૃષ્ણનું સતત મનન કરવા લાગ્યા.
 
એકવાર રાજા પરીક્ષિત રાત્રીના સમયે આરામ કરતા હતા. ત્યારે તેમણે ગાય અને બળદનો અવાજ સાંભળ્યો. રાજા તે બંનેની વાત સાંભળવા બહાર નીકળ્યા. બળદ ધર્મ અને ગાય પૃથ્વી હતી. ગાય અને બળદ કલિયુગના પાપના કારણે ખૂબ જ દુઃખી હતાં. ધર્મ લંગડો થઈ ગયો હતો અને ગાય નિસ્તેજ થઈ ગઈ હતી. પરીક્ષિત બંનેની વાત સાંભળી રહ્યા હતા ત્યાં જ એક પુરુષ દંડ લઈને આવ્યો. તે બળદ અને ગાયને નિર્દય બનીને દંડથી મારવા લાગ્યો.
 
પરીક્ષિત આ દૃશ્ય જોઈને ગુસ્સે થઈ ગયા. તે બોલ્યા, તું કોણ છે ? આ નિર્દોષ બળદ અને ગાયને શા માટે મારી રહ્યો છે? મને જવાબ આપ નહીં તો હું તારા ટુકડા કરી નાખીશ.
 
પુરુષ રાજાથી ડરી ગયો. તે ડરનો માર્યો ધ્રૂજતાં ધ્રૂજતાં બોલ્યો, હે રાજન! હું કલિયુગ છું. મને ક્ષમા કરી દો.
 
રાજા પરીક્ષિતનો ગુસ્સો શાંત થયો. રાજાએ તેની માફીનો સ્વીકાર કર્યો. થોડીવાર પછી કલિયુગ બોલ્યો, હે રાજન! તમે જ કહો હું ક્યાં રહું. તમે કહેશો ત્યાં હું રહીશ.
 
પરીક્ષિતે કલિયુગને રહેવા માટે ચાર જગ્યાઓ કહી - જુગાર, દારૂ, બીજી સ્ત્રીઓનો સહવાસ અને હિંસા. કલિયુગ આ ચાર જગ્યા સાંભળીને બોલ્યો, હે રાજન! માત્ર ચાર જગ્યામાં મારો જીવનનિર્વાહ નહીં થાય. મને હજુ એક જગ્યા કહો.
રાજા પરીક્ષિત બોલ્યા, સોનું. તું સોનામાં પણ રહી શકીશ.
 
કલિયુગ દુષ્ટ સ્વભાવનો હતો. રાજા પરીક્ષિતે તેની સાથે ઉદારતાથી વર્તન કર્યું હોવા છતાં તે તેની દુષ્ટતા ન છોડી શક્યો. તે રાજાના સોનાના મુગટમાં રહેવા લાગ્યો. તેથી કલિયુગનો પ્રભાવ રાજા પરીક્ષિત પર પડ્યો. રાજા પરીક્ષિત અહંકારી બની ગયા.
 
એકવાર રાજા પરીક્ષિત જંગલમાં શિકાર કરવા ગયા. તેમને ભૂખ અને તરસ લાગી. તેથી રાજા જંગલમાં આવેલ શમીક ઋષિના આશ્રમમાં ગયા. ઋષિ ધ્યાનમાં મગ્ન હતા. આશ્રમમાં બીજું કોઈ ન હતું. રાજાએ ઋષિની નજીક જઈને કહ્યું, મને તરસ લાગી છે. કૃપા કરીને મને પાણી આપો.
 
ઋષિ ધ્યાનમાં મગ્ન હતા. તેથી તેમણે કોઈ ઉત્તર ન આપ્યો. રાજાને પોતાનું અપમાન લાગ્યું. તેથી તેણે ગુસ્સે થઈને એક મરેલા સાપને ઋષિના ગળામાં નાખી દીધો. ત્યારબાદ રાજા પરીક્ષિત ત્યાંથી ચાલ્યા ગયા. થોડીવાર પછી ઋષિપુત્ર આશ્રમમાં આવ્યો. તેણે પિતાના ગળામાં મરેલો સાપ જોયો. તેને ખબર પડી કે આવું દુષ્કૃત્ય હસ્તિનાપુરના રાજા પરીક્ષિતે કર્યું છે. તેથી તે ખૂબ જ ગુસ્સે થઈ ગયા. તેથી તેમણે રાજા પરીક્ષિતને શ્રાપ આપ્યો અને કહ્યું, હે પરીક્ષિત ! તેં મારા પિતાનું અપમાન કર્યું છે. તારે આ અપમાનનું પરિણામ ભોગવવું પડશે. આજથી સાતમા દિવસે તને તક્ષક નામનો નાગ આવીને તને ડંખ મારશે, જેથી તારું મૃત્યુ થશે.
 
રાજા પરીક્ષિત આ શ્રાપથી ખૂબ જ દુઃખી થઈ ગયા. તે રાજ્ય અને સુખ સુવિધા છોડીને ગંગાકિનારે ચાલ્યા ગયા. ત્યાં જઈને તે શ્રી શુકદેવ મુનિની શ્રીમદ્ ભાગવત કથા સાંભળવા લાગ્યા. તેને લાગ્યું કે આ કથા સાંભળીને મોક્ષ મળશે. આખા રાજ્યમાં એ સમાચાર ફેલાઈ ગયા કે રાજા પરીક્ષિતને તક્ષક નાગ ડંખ મા૨શે. તેમજ રાજા પરીક્ષિત ગંગાકિનારે જઈને શ્રીમદ્ ભાગવતની કથા સાંભળી રહ્યા છે. તેથી ઘણા ઋષિઓ અને કથાપ્રેમીઓ પણ ગંગાકિનારે પહોંચી ગયા.
 
બીજી ત૨ફ ઋષિના શ્રાપથી પ્રભાવિત થઈને તક્ષક નાગ રાજા પરીક્ષિતને ડંખ મારવા નીકળી પડ્યો. આ સમાચાર બ્રહ્મર્ષિ કાશ્યપને મળ્યા. તે રાજા પરીક્ષિતના મૃત્યુની વાત જાણીએ વ્યાકુળ થઈ ગયા. તે જાણતા હતા કે રાજા પરીક્ષિત તેજસ્વી, ધર્માત્મા અને પ્રજાપાલક છે. તેથી તેમણે નિશ્ર્ચય કર્યો કે પોતે રાજાને નહીં મરવા દે. તે પોતાની મંત્રવિદ્યા દ્વારા નાગના વિષનો પ્રભાવ દૂર કરી દેશે.
 
એક તરફ તક્ષક નાગ રાજાને ડંખ મારવા નીકળી પડ્યો અને બીજી તરફ ઋષિ કાશ્યપ રાજાને બચાવવા નીકળી પડ્યા. રસ્તામાં જ બંને એકબીજાને મળ્યા. તક્ષકે ઋષિ કાશ્યપને પૂછ્યું, હે ઋષિવ૨! તમે ક્યાં જઈ રહ્યા છો ?
 
ઋષિ કાશ્યપ બોલ્યા, હું રાજા પરીક્ષિતને જીવનદાન આપવા જઈ રહ્યો છું. ઋષિકુમારના શ્રાપને કારણે તક્ષક નાગ તેને ડંખ મારવાનો છે. હું મારી મંત્રવિદ્યાથી રાજાને બચાવી લઈશ. મારા હાથમાં અમૃત છે. હું ઘા પર હાથ ફેરવીશ ત્યાં જ વિષનો પ્રભાવ દૂર થઈ જશે.
 
ઋષિ કાશ્યપની વાત સાંભળી તક્ષકના મનમાં અહંકાર પેદા થઈ ગયો. તે ગર્વથી બોલ્યો, હે ઋષિ ! હું જ તક્ષક છું. તમે મારા વિષનો પ્રભાવ દૂર નહીં કરી શકો. તમારું અપમાન થાય તેવું ન કરો. તમે અહીંથી જ પાછા ચાલ્યા જાવ.
 
કાશ્યપે જવાબ આપ્યો, તું જ્યારે રાજાને ડંખ મારીશ, ત્યારે હું મારું કામ કરીશ. તું મારા માન-અપમાનની ચિંતા ન કર.
આ સાંભળી તક્ષક બોલ્યો, તમને તમારી શક્તિ ૫૨ તેટલું જ અભિમાન હોય, તો આપણે એક પરીક્ષા જ કરી લઈએ. હું મારા વિષના પ્રભાવથી એક વૃક્ષને સૂકવી નાખીશ. તમે તમારા મંત્રના પ્રભાવથી વૃક્ષને પાછું હરિયાળું બનાવી આપજો.
 
આટલું કહીને તક્ષક વૃક્ષના મૂળ પાસે ગયો. તેણે પોતાની અંદરનું વિષ તે મૂળમાં ઠાલવી દીધું. થોડીવાર જ વારમાં લીલુંછમ વૃક્ષ સુકાઈ ગયું. વૃક્ષની ડાળ પર બેઠેલાં પક્ષીઓ પણ મરી ગયાં. તક્ષક અભિમાનથી બોલ્યો, મારા વિષનો પ્રભાવ જોયો ? આ જ રીતે હું પરીક્ષિતના પ્રાણ પણ હરી લઈશ.
 
ત્યારબાદ ઋષિ કાશ્યપ વૃક્ષ પાસે ગયા અને પ્રેમથી બે-ત્રણ વાર વૃક્ષના મૂળ પર હાથ ફેરવ્યો. થોડી જ વારમાં વૃક્ષ લીલુંછમ થઈ ગયું. તેમજ પક્ષીઓ પણ જીવતાં થઈ ગયાં. તક્ષકનું માથું શરમનું માર્યું ઝૂકી ગયું. તે બોલ્યો, હે ઋષિવ૨ ! હું હારી ગયો. તમે ખરેખર મારા વિષનો પ્રભાવ દૂર કરી શકો છો. મારી તમને એક જ પ્રાર્થના છે. તમે પરીક્ષિતને બચાવવા ન જાવ. મને ઋષિકુમા૨ના શ્રાપનું પાલન કરવા દો. તેના બદલામાં હું તમને માંગો તેટલું ધન આપીશ.
 
ઋષિ કાશ્યપે કહ્યું, તમે હારી ગયા તેથી મને લાલચથી જીતવા માંગો છો? હું રાજા પરીક્ષિતને એટલે નથી બચાવી રહ્યો કા૨ણ કે તે રાજા છે - તે પ્રતાપી, ધર્માત્મા અને પ્રજાપાલક છે, તેથી હું તેને બચાવવા માંગું છું.
 
તક્ષક અને ઋષિ કાશ્યપ વાત કરી રહ્યા હતા ત્યારે જ આકાશવાણી થઈ, હે મહર્ષિ! પરીક્ષિતના જીવનનો અધ્યાય હવે પૂરો થઈ ચૂક્યો છે. તેને હવે બીજા લોકમાં જવાનું છે. તેથી તમે પરીક્ષિતને બચાવવાનો પ્રયત્ન ન કરો. તક્ષકને પોતાનું કામ કરવા દો.
 
આકાશવાણી સાંભળીને ઋષિ કાશ્યપ પોતાના આશ્રમમાં ચાલ્યા ગયા. તક્ષક સાતમા દિવસે ગંગાતટે ગયો. રાજા પરીક્ષિતને ડંખ માર્યો. વિષના પ્રભાવના કારણે રાજા પરીક્ષિત મૃત્યુ પામ્યા. તે બીજા લોકમાં ચાલ્યા ગયા.
 
મનુષ્યએ કોઈપણ કામ કરતા પહેલાં વિચાર કરવો જોઈએ. કલિયુગમાં ભલભલા મહાત્માઓની બુદ્ધિ પણ બગડી જાય છે. કલિયુગમાં ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિથી જ સુખ પ્રાપ્ત થાય છે, તેમજ શ્રીમદ્ ભાગવતની કથા સાંભળવાથી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે.