પ્રહ્લાદનો જન્મ

    28-Oct-2021
કુલ દૃશ્યો |
 
Prahlad Katha_1 &nbs
 
કયાધુના ગર્ભમાંથી જન્મેલ બાળક પ્રહ્લાદ નામથી પ્રખ્યાત થયો. આશ્ર્ચર્યની વાત તો એ છે કે દૈત્યવંશમાં જન્મ લેનાર પ્રહ્લાદે ભગવાન વાસુદેવની ભક્તિનો એવો દાખલો બેસાડ્યો કે આટલા યુગો વીતી ગયા હોવા છતાં કોઈ આવું આદર્શ ઉદાહરણ બની શક્યું નથી.
 
દેવો અને દાનવો વચ્ચે લાંબા સમયથી વેરભાવના જ રહી છે. વિચારોમાં તફાવત હોવાને કારણે દેવો અને દાનવો વચ્ચે વારંવાર યુદ્ધ થતું રહે છે. દેવો ધર્મવ્રતી છે, સત્યનિષ્ઠ છે, પરોપકારી છે. જ્યારે દાનવો અધર્મપંથી છે અને બીજા લોકોને દુખ આપનારા છે.
 
એકવા૨ જ્યારે શ્રી હરિના હાથે હિરણ્યાક્ષનો વધ થઈ ગયો, ત્યારે તેનો ભાઈ હિરણ્યકશિપુ અત્યંત ગુસ્સે થઈ ગયો. તેણે નિર્ણય કર્યો, ગમે તે થાય હું મારા ભાઈના મૃત્યુનો બદલો દેવો પાસેથી લઈને જ રહીશ. ત્યારબાદ હિરણ્યકશિપુ વિચારવા લાગ્યો કે તે એવું તો શું કરે જેથી મૃત્યુ પર પણ તેનો અધિકાર થઈ જાય. જ્યાં સુધી તે મૃત્યુ પર પોતાનો અધિકાર ન લઈ લે, ત્યાં સુધી તે દેવો પાસેથી પોતાના ભાઈના મૃત્યુનો બદલો ન લઈ શકે.
 
તેથી હિરણ્યકશિપુ મૃત્યુ પર વિજય મેળવવા માટે વનમાં ચાલ્યો ગયો. હિરણ્યકશિપુ વનમાં જઈને બ્રહ્માજીને પ્રસન્ન કરવા તપ કરવા લાગ્યો. જ્યારે દેવોને એ વાતની જાણ થઈ કે હિરણ્યકશિપુ બ્રહ્માજીને પ્રસન્ન કરવા તપ કરી રહ્યો છે, ત્યારે દેવોએ તપમાં વિઘ્ન ઊભું કરવાનો નિર્ણય લીધો. દેવોએ વિચાર્યું, જો હિરણ્યકશિપુનું તપ પૂરું થઈ જશે તો હિરણ્યકશિપુને અમરતાનું વરદાન મળી જશે. ત્યારબાદ હિરણ્યકશિપુને હરાવવો ખૂબ જ અઘરું કામ સાબિત થશે. તેથી દેવોએ એક સારો મોકો જોઇને હિરણ્યકશિપુની રાજધાની પર હુમલો કરી દીધો. હિરણ્યકશિપુના દાનવ સૈનિકોએ દેવો સામે યુદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો, પણ જેમ સેનાપતિ વિનાની સેનાની હાલત ખરાબ હોય, તેવી જ દશા દાનવ સેનાની હતી. હિરણ્યકશિપુ વગર દાનવ સેના દેવો સામે ટકી ન શકી. તેથી દાનવ સેના હારીને ભાગી ગઈ. આ રીતે હિરણ્યકશિપુની રાજધાની પર દેવોએ પોતાનો અધિકાર જમાવી લીધો.
 
દેવો તો વિજય પ્રાપ્ત થવાથી આનંદિત થઈ ગયા. તેઓ જ્યારે રાજધાની છોડીને જઈ રહ્યા હતા ત્યારે તેઓનું ધ્યાન હિરણ્યકશિપુની પત્ની કયાધુ ૫૨ પડ્યું. તેથી દેવો પોતાની સાથે કયાધુને પણ લઈ ગયા. આ સમયે કયાધુ ગર્ભવતી હતી. આમ તો દેવો સારા વિચારોવાળા હતા, ધર્માત્મા હતા પણ વિજયના મદમાં તેઓની બુદ્ધિ પણ મંદ થઈ ગઈ હતી. તેઓ વિજયના મદમાં છકી ગયા હતા. જ્યારે દેવોની બુદ્ધિ જ મંદ થઈ ગઈ હોય તો મનુષ્યોનું તો શું કહેવું !
 
દેવગુરુ બૃહસ્પતિને દેવોનું આ કામ સારું ન લાગ્યું. તેણે દેવોને ખિજાઈને કહ્યું, તમે બધા કયાધુને બંદી બનાવીને શું કરશો? તે તો સ્ત્રી છે. સ્ત્રી કોઈપણની હોય, તેની સાથે ખરાબ વર્તન ન કરવું જોઈએ. જે લોકો પારકી સ્ત્રીનું અપમાન કરે છે, તેની હંમેશા હાર જ થાય છે.
 
થોડીવાર પછી બૃહસ્પતિએ ફરીથી કહ્યું, કયાધુને છોડી દો. તે આ સમયે ગર્ભવતી છે. તેને દેવર્ષિ નારદના આશ્રમમાં પહોંચાડી દો. નારદજીને જે યોગ્ય લાગશે તે તેઓ કરશે. દેવગુરુની સલાહ માનીને દેવો કયાધુને લઈને નારદજીના આશ્રમમાં મૂકી આવ્યા. આ રીતે કયાધુ નારદજીના આશ્રમમાં રહેવા લાગી. નારદજી દરરોજ તેને ભક્તિ અને પ્રેમનો ઉપદેશ આપતા. નારદજી હંમેશા કહેતા, આ નશ્ર્વર દુનિયામાં ભગવાન વાસુદેવની ભક્તિ સિવાયનું બધું જ નકામું છે. ભગવાન વાસુદેવ જ બધાના આરાધ્ય છે, બધામાં પૂજ્ય છે. મનુષ્ય, દેવો અને દૈત્યો - બધાએ ભગવાન વાસુદેવની ભક્તિમાં જ પોતાનું જીવન વ્યતીત કરવું જોઈએ. વાસ્તવિક સુખ અને શાંતિ ભગવાનની ભક્તિ સિવાય કામનાં નથી.
 
કયાધુ ખૂબ જ ધ્યાનપૂર્વક નારદજીનો ઉપદેશ સાંભળતી. કયાધુની સાથેસાથ તેના ગર્ભમાં રહેલ બાળક પણ નારદજીનો ઉપદેશ સાંભળતું. નારદજીના ઉપદેશ સાંભળી સાંભળીને તે બાળક ગર્ભમાં જ પરમ સાધુ, સદાચારી અને શ્રી હરિનું ભક્ત બની ગયું હતું. તેથી આ બાળક જ્યારે જન્મ્યું ત્યારે શરૂઆતથી જ પોતાના હૃદયનો ભક્તિભાવ પ્રગટ કરવા લાગ્યું.
 
કયાધુના ગર્ભમાંથી જન્મેલ બાળક પ્રહ્લાદ નામથી પ્રખ્યાત થયો. આશ્ર્ચર્યની વાત તો એ છે કે દૈત્યવંશમાં જન્મ લેનાર પ્રહ્લાદે ભગવાન વાસુદેવની ભક્તિનો એવો દાખલો બેસાડ્યો કે આટલા યુગો વીતી ગયા હોવા છતાં કોઈ આવું આદર્શ ઉદાહરણ બની શક્યું નથી. તેથી આજે પણ પ્રહ્લાદનું નામ પ્રેમ અને શ્રદ્ધાની સાથે યાદ કરવામાં આવે છે.
 
પ્રહ્લાદની જીવનકથા પરથી અનેક બોધપાઠ શીખવા મળે છે. તેમાંનો એક બોધપાઠ એ છે કે જો ગર્ભવતી માતા ગર્ભની સ્થિતિમાં ધર્મની કથા વાંચે કે સાંભળે તો તેણીના ગર્ભમાંથી જન્મ લેનાર બાળક પણ ધર્માત્મા અને સદાચારી બને છે. બીજી તરફ હિરણ્યકશિપુ અમરતાનું વરદાન મેળવવા માટે ઘોર તપમાં લીન હતો. દાનવોની હાર થઈ, કયાધુને બંદી બનાવવામાં આવી, આકાશમાંથી અગ્નિના ગોળા વરસ્યા, ભીષણ વાવાઝોડું આવ્યું, વીજળીની ગર્જના થઈ - આમ છતાં હિરણ્યકશિપુનું તપ ભંગ ન થયું. હિરણ્યકશિપુની દૃઢતા જોઈને બ્રહ્માજી તેની સમક્ષ પ્રગટ થવા માટે મજબૂર થઈ ગયા. આમ બ્રહ્માજી હિરણ્યકશિપુ સમક્ષ પ્રગટ થયા અને પ્રસન્ન થઈને બોલ્યા, હે હિરણ્યકશિપુ! હું તારા તપથી પ્રસન્ન થયો છું. તેથી તારે જે જોઈતું હોય તે વરદાન માંગ.
 
હિરણ્યકશિપુએ આંખો ખોલીને બ્રહ્માજીને શ્રદ્ધાપૂર્વક પ્રણામ કર્યાં. તેણે વિનમ્રતાથી કહ્યું, હે પિતામહ ! મને અમરતાનું વરદાન આપો. ત્યારબાદ બ્રહ્માજીએ તેને વરદાન આપ્યું હતું કે, ન તો મનુષ્ય તેને મારી શકશે કે ન પશુ, ના દૈત્ય મારી શકશે, ના દેવતા, ન સાપ મારી શકશે કે ન ગંધર્વ, ન તો પોતાના મહેલમાં મારી શકાશે, ન તો બહાર, ન તો દિવસે તેનો વધ થઈ શકશે કે ન તો રાત્રે, ન તો અસ્ત્ર તેને હણી શકશે કે ન શસ્ત્ર, ન તો પૃથ્વી પર તેનું મૃત્યુ થશે કે આકાશમાં.
 
બ્રહ્માજી તથાસ્તુ કહીને અદૃશ્ય થઈ ગયા. હિરણ્યકશિપુની ખુશીની કોઈ સીમા નહોતી. આમ હિરણ્યકશિપુ બ્રહ્માજી પાસેથી અમરતાનું વરદાન પ્રાપ્ત કરીને પોતાની રાજધાની પાછો ફર્યો. હિરણ્યકશિપુ વધુ ક્રૂર થઈને બધા પર અત્યાચાર કરવા લાગ્યો. તે સાધુઓ, સંતો, સજ્જનો અને ઋષિમુનિઓને કષ્ટ આપવા લાગ્યો. બધા જ લોકો તેના ત્રાસથી ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા. હિરણ્યકશિપુને એ વાતની નહોતી ખબર કે બ્રહ્માજીએ તેને જે વરદાન આપ્યું હતું, તેનો કોઈ અર્થ નહોતો. જો ભગવાન વાસુદેવ હિરણ્યકશિપુને મારવા માંગે, તો એક ક્ષણમાં તે તેનો વધ કરી શકે, હિરણ્યકશિપુને મારવાના બીજા અનેક રસ્તાઓ હતા. હિરણ્યકશિપુ આ વાતથી અજાણ હતો. તે તો પોતાની તાકાતના ગુમાનમાં બધા લોકો પર અત્યાચાર કરી રહ્યો હતો. સમગ્ર ધરતી પર તેણે કાળો કેર વર્તાવી દીધો હતો.
 
બધા લોકો હિરણ્યકશિપુથી ત્રાસી ગયા. તેથી ભગવાન વાસુદેવ હિરણ્યકશિપુના અત્યાચારથી ખૂબ જ ગુસ્સે થઈ ગયા. ભગવાન વાસુદેવે નૃસિંહ અવતાર ધારણ કરીને હિરણ્યકશિપુનો વધ કરી નાખ્યો. હિરણ્યકશિપુના વધના કારણે એ વાત સાબિત થઈ કે દુનિયામાં કોઈપણ વ્યક્તિ મૃત્યુથી બચી શકતું નથી. તેથી મનુષ્યજાતિએ મૃત્યુનો કોઈ ઉપાય ન શોધવો જોઈએ. મનુષ્યજાતિએ મૃત્યુનો ઉપાય શોધવાને બદલે ભગવાન વાસુદેવની ભક્તિ પ્રાપ્ત કરવા માટેના ઉપાય શોધવા જોઈએ.