પ્રહ્લાદની દૃઢતા | તે મારો પુત્ર નથી...

    28-Oct-2021
કુલ દૃશ્યો |

Prahlad Katha_1 &nbs
 
 

પ્રહ્લાદની દૃઢતા | Prahlad Katha

 
તમે હારી ગયા છો, પરંતુ હું હાર્યો નથી. તમે કહો છો ને કે વિષ્ણુની ભક્તિ તેની રગ રગમાં સમાઈ ગઈ છે. તો હું તેનું શરીર જ નષ્ટ કરી નાખીશ. જે શરી૨માં વિષ્ણુની ભક્તિ નિવાસ કરતી હોય તેનો નાશ જ ક૨વો જોઈએ. તે મારો પુત્ર નથી.
 
હિરણ્યકશિપુના ચાર પુત્રો હતા. તેના સૌથી નાના પુત્રનું નામ પ્રહ્લાદ હતું. પ્રહ્લાદ નાનપણથી જ સાધુપ્રકૃતિનો હતો, શ્રી હરિને ભજનારો હતો, સત્ય બોલતો અને હંમેશા ધર્મનું આચરણ ક૨તો. જ્યારે જુઓ ત્યારે તે શ્રી હરિની જ ચર્ચા કર્યે રાખતો. એકવાર હિરણ્યકશિપુએ પ્રહ્લાદને ખોળામાં બેસાડીને પૂછ્યું, બેટા! તને જીવનમાં કઈ વસ્તુ સૌથી પ્રિય છે? પ્રહ્લાદે જવાબ આપ્યો, પિતાજી! મને સૌથી વધારે પ્રિય ભગવાન શ્રી હરિની ભક્તિ લાગે છે. હું ઇચ્છું છું કે દિવસરાત હું શ્રી હરિના પ્રેમ અને ભક્તિનું રસપાન જ કર્યે રાખું.
 
પ્રહ્લાદની આ વાત સાંભળીને હિરણ્યકશિપુ ખૂબ જ ગુસ્સે થઈ ગયા. તેણે પ્રહ્લાદને ખોળામાંથી નીચે ઉતારી દીધો અને કહ્યું, હે દુષ્ટ! તને આવું કોણે શીખવાડ્યું? તને એ શ્રી હરિની ભક્તિ વહાલી લાગે છે, જે શ્રી હરિએ તારા કાકાનો વધ કર્યો છે? તું મારા કુળનું કલંક છે. મારે તારી બુદ્ધિને ઠીક કરવી પડશે. આટલું કહીને હિરણ્યકશિપુએ તરત જ પોતાની પાઠશાળાના ગુરુઓને બોલાવ્યા. ગુરુઓમાં એકનું નામ સંડ અને બીજાનું નામ અમર્ત્ય હતું. બંને શુક્રાચાર્યના પુત્ર હતા. બંને હિરણ્યકશિપુની પાઠશાળામાં શિક્ષણનું કામ કરતા હતા.
 
હિરણ્યકશિપુએ પ્રહ્લાદને ગુરુઓને સોંપી દીધો અને કહ્યું, તેને તમારી સાથે લઈ જાવ. તેને એવી શિક્ષા આપો કે જેથી તે કુળધર્મનું પાલન કરી શકે અને મારા પથ પર ચાલી શકે. ગુરુઓએ પાઠશાળામાં જઈને પ્રહ્લાદને ભણાવવાનું શરૂ કર્યું. પરંતુ ગુરુઓ જે કંઈપણ ભણાવતા તેના પર પ્રહ્લાદ કોઈ ધ્યાન ન આપતો અને વારંવાર શ્રી હરિનું નામ લેવા માંડતો. પ્રહ્લાદ કહેતો, હું શ્રી હરિના નામ સિવાય કઈ જ નહીં ભણું. ગુરુઓએ પ્રહ્લાદને ડરાવ્યો, ધમકાવ્યો - આમ છતાં પ્રહ્લાદ તેઓની વાત ન માન્યો. તે ખૂબ જ દૃઢતાથી ભગવાનની પ્રેમ અને ભક્તિનાં વખાણ કર્યે રાખતો.
 
ગુરુઓ પ્રયત્ન કરી કરીને થાકી ગયા તેથી તેઓ પ્રહ્લાદને હિરણ્યકશિપુ પાસે લઈ ગયા. તેઓએ હિરણ્યકશિપુ પાસે જઈને કહ્યું, હે મહારાજ! અમે પ્રહ્લાદને બધી જ પ્રકારની શિક્ષા આપી દીધી છે. હવે તમે તેને સંભાળો.
 
હિરણ્યકશિપુએ ગુરુઓની સામે જ પ્રહ્લાદને પૂછ્યું, બેટા! તારા ગુરુઓએ તને શું ભણાવ્યું?
 
પ્રહ્લાદે જવાબ આપ્યો, પિતાજી! હું જે કંઈપણ ભણ્યો તેનો સાર કંઈક આવો છે - ભગવાન શ્રી હરિ જ ત્રણેય લોકમાં સૌથી મોટા છે. તે જ બધા પ્રાણીઓના સ્વામી છે. તેથી પ્રાણીઓએ તેમની જ ભક્તિ કરવી જોઈએ. તેની ભક્તિ અને પ્રેમ સિવાયનું બધું જ નકામું છે.
 
પ્રહ્લાદનો જવાબ સાંભળીને હિરણ્યકશિપુ ગુસ્સે થઈ ગયા. તેણે ક્રોધિત થઈને ગુરુઓની સામે જોયું અને પૂછ્યું, શું તમે મારા પુત્રોને આવું જ શીખવાડ્યું છે? તમને નાણા મારી પાસેથી મળે છે અને તમે મારા પુત્રને મારા દુશ્મન વિષ્ણુનાં ગુણગાન ક૨વાનું શીખવો છો? તમે બંને વિશ્ર્વાસઘાતી છો. તમારે બન્નેએ દંડ ભોગવવો પડશે.
 
ગુરુઓએ આજીજી કરી અને બોલ્યા, મહારાજ ! અમારો કોઈ વાંક નથી. તમારા પુત્રની રગે રગમાં ભગવાન વિષ્ણુની ભક્તિ સમાયેલી છે. જે વસ્તુ રગ રગમાં સમાઈ ગઈ હોય તેને અમે કઈ રીતે દૂર કરી શકીએ? અમે ખૂબ જ પ્રયત્ન કર્યો. પરંતુ અમારી વાતોનો કોઈ પ્રભાવ પ્રહ્લાદના હૃદય પર ન પડ્યો. અમે હારી ગયા.
 
ગુરુઓની વાત સાંભળી હિરણ્યકશિપુ ક્રોધિત થઈ બોલ્યા, તમે હારી ગયા છો, પરંતુ હું હાર્યો નથી. તમે કહો છો ને કે વિષ્ણુની ભક્તિ તેની રગ રગમાં સમાઈ ગઈ છે. તો હું તેનું શરીર જ નષ્ટ કરી નાખીશ. જે શરી૨માં વિષ્ણુની ભક્તિ નિવાસ કરતી હોય તેનો નાશ જ ક૨વો જોઈએ. તે મારો પુત્ર નથી. તે મારો દુશ્મન છે. જે પુત્ર કુળધર્મને ન અનુસરે, તેનો નાશ કરી નાખવો જોઈએ.
 
હિરણ્યકશિપુએ તરત જ પોતાના દૈત્ય સૈનિકોને બોલાવીને કહ્યું, આ રાજકુમારને લઈ જાવ. તેને મારી નજર સામેથી દૂર કરી દો. તેને એટલું કષ્ટ આપો કે તે વિષ્ણુનું નામ જ ભૂલી જાય.
 
દૈત્ય સૈનિક નિર્દયતાથી પ્રહ્લાદનો હાથ ખેંચીને લઈ ગયા. તેઓ પ્રહ્લાદને અનેક પ્રકારની યાતનાઓ આપવા લાગ્યા. પહેલાં તેણે પ્રહ્લાદને ડરાવ્યો, પછી ધમકાવ્યો. પણ તેની પ્રહ્લાદ પર કોઈ અસર ન પડી. પછી તેઓએ પ્રહ્લાદને એક કોટડીમાં બંધ કરી દીધો. તે કોટડીમાં ઝેરિલા સાપ છોડી દીધા. પરંતુ ઝેરીલા સાપ પણ પ્રહ્લાદનું કઈ જ બગાડી ન શક્યા. પ્રહ્લાદે ઝેરીલા સાપોને જાણે પુષ્પોની માળા હોય તે રીતે પોતાના ગળામાં નાખી દીધા.
 
ત્યારબાદ પ્રહ્લાદને પીવા માટે ઝેર આપી દીધું. પ્રહ્લાદ ઝેરને પણ અમૃત માનીને પી ગયો. તેના પર ઝેરનો પણ કોઈ પ્રભાવ ન પડ્યો. પ્રહ્લાદને હાથીના પગ નીચે કચડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. તો હાથીના પગ પ્રહ્લાદ માટે ફૂલ બની ગયા. એકવાર તો પ્રહ્લાદને પર્વતની ટોચ પરથી સમુદ્રમાં નાખવામાં આવ્યો, ત્યાં પણ શ્રી હરિએ તેને બચાવી લીધો. જ્યારે સમુદ્રમાં નાખવાથી પણ પ્રહ્લાદને કોઈ નુકસાન ન થયું તો તેના પર અસ્ત્રો અને શસ્ત્રોથી પ્રહાર કરવામાં આવ્યો. તો વળી અસ્ત્ર અને શસ્ત્ર પણ તેના માટે ફૂલ બની ગયા. ભગવાનની ભક્તિ અને પ્રેમ જાણે તેના માટે કવચ બની ગયા.
 
જ્યારે પ્રહ્લાદને કોઈપણ યાતનાથી નુકસાન ન પહોંચ્યું તો હિરણ્યકશિપુએ તેની બહેન હોલિકાને પ્રહ્લાદને બાળીને ખાક કરી નાખવા આજ્ઞા આપી. હોળીકાને એવું વરદાન હતું કે અગ્નિ એને બાળી ન શકે. હોલિકા પ્રહ્લાદને ખોળામાં લઈને અગ્નિમાં બેઠી, પરંતુ આ યુક્તિ પણ નિષ્ફળ નીવડી. હોલિકા પોતે આગમાં ભસ્મ થઈ ગઈ પરંતુ પ્રહ્લાદને કંઈ જ ન થયું.
 
બધા પ્રયાસો નિષ્ફળ જતાં હિરણ્યકશિપુએ પ્રહ્લાદને શુક્રાચાર્યના આશ્રમમાં મોક્લવાનો નિર્ણય લીધો. શુક્રાચાર્ય તે સમયે આશ્રમમાં નહોતા. તેથી ફરીથી હિરણ્યકશિપુએ ગુરુઓને પ્રહ્લાદ સોંપી દીધો અને કહ્યું, ગમે તે કરો પણ આ પ્રહ્લાદને સાચા માર્ગ ૫૨ લાવો.
 
ગુરુઓએ ફરીથી પ્રયત્ન કરવાનો શરૂ કરી દીધો. પરંતુ આ વખતે તો પ્રહ્લાદે ચમત્કાર કર્યો. તેણે પાઠશાળામાં ભણતા બધા જ બાળકો પર પોતાનો પ્રભાવ પાડી દીધો. આમ દૈત્ય બાળકો પણ શ્રી હરિની ભક્તિ કરવા લાગ્યા. તે પણ શ્રી હરિના ગુણગાન ગાવા લાગ્યા. હિરણ્યકશિપુને આ વાતની જાણ થતાં જ તેઓ અત્યંત ક્રોધિત થઈ ગયા. તેમજ પ્રહ્લાદને એક થાંભલા સાથે બાંધીને બેફામ યાતના આપવા લાગ્યા. તે પ્રહ્લાદને કહેવા લાગ્યા, શ્રી હરિનું નામ લેવાનું છોડી દે. તેને બદલે મારું નામ લે. શ્રીહરિ મારા દુશ્મન છે. તેના ગુણોનું ગાન ન કર. મારા ગુણગાન કર.
 
પ્રહ્લાદ દરેક યાતના ૫૨ જવાબ આપતો, ભગવાન શ્રીહરિ ત્રણેય લોકના સ્વામી છે. તે મારા પિતા છે. તે મારા પાલક છે. તે જ મારા રક્ષક છે. હું તેનું નામ છોડીને બીજા કોઈનું નામ નહીં લઉં. હું તેના સિવાય બીજા કોઈનાં ગુણગાન નહીં ગાઉં.
પ્રહ્લાદની દૃઢતાથી હિરણ્યકશિપુ અધીરા બની ગયા. તેણે વિચાર્યું, હવે મારે મારા હાથે જ પ્રહ્લાદને મારી નાખવો જોઈએ. તે પહેલાં તેના રક્ષક સાથે એકવા૨ યુદ્ધ કરવું જોઈએ. જો હું તેના રક્ષક વિષ્ણુને હરાવી દઈશ તો પ્રહ્લાદ આપોઆપ મારી વાત માની જશે.
 
એકવાર દિવસનો પણ સમય નહોતો અને રાત પણ નહોતી પડી. રાત અને દિવસ વચ્ચેનો સમય હતો. ત્યારે રાજા તલવાર લઈને પ્રહ્લાદની સામે ઊભા રહી ગયા અને બોલ્યા, તને તારા ભગવાનનો બહુ ગર્વ છે ને. ચાલ મને કહે, તારો ભગવાન ક્યાં છે? જોઉં છું, તે કઈ રીતે મારા હાથથી બચી શકે છે.
 
પ્રહ્લાદે જવાબ આપ્યો, હે  પિતાજી ! મારો ભગવાન બધામાં છે. તે સર્વત્ર છે. તે પૃથ્વીમાં છે. તે આકાશમાં પણ છે. તે ચંદ્રમાં છે. તે સૂર્યમાં પણ છે. તે તારામાં છે, તે ગ્રહો અને ઉપગ્રહોમાં પણ છે. તે મારામાં છે. તે તમારામાં છે - શ્રી. હરિ બધાં જ પ્રાણીઓમાં છે.
 
હિરણ્યકશિપુએ ગુસ્સે થઈને કહ્યું, આ જે થાંભલામાં મેં તને બાંધ્યો છે, તારો ભગવાન તેમાં પણ છે?
 
પ્રહ્લાદે જવાબ આપ્યો, હા પિતાજી ! મારા ભગવાન આ થાંભલામાં પણ છે. આ ત્રણેય લોકમાં એવી કોઈ વસ્તુ નથી જેમાં ભગવાન ન હોય.
 
પ્રહ્લાદની વાત સાંભળી હિરણ્યકશિપુ ગુસ્સે થઈ ગયા અને જોરથી બોલ્યા, અચ્છા. તારા ભગવાન આ થાંભલામાં પણ છે. જો હું હમણાં જ તારા ભગવાનનો નાશ કરી નાખીશ. આટલું બોલીને હિરણ્યકશિપુએ તલવારથી થાંભલા ૫૨ પ્રહાર કર્યો. આશ્ર્ચર્યની સાથે આખું આકાશ ભયંકર અવાજથી ગુંજી ઊઠ્યું. તે અવાજની સાથે ભગવાન વિષ્ણુ થાંભલામાંથી પ્રગટ થયા. તેમનું શરીર મનુષ્ય જેવું જ હતું. પરંતુ તેમનું મુખ સિંહ જેવું હતું. તેના મોટા મોટા નખ હતા. ભગવાન વિષ્ણુ મનુષ્ય અને સિંહના આકારના કારણે જ નૃસિંહ અવતારથી પણ ઓળખાય છે. આ રીતે નૃસિંહ ભગવાને પ્રગટ થઈને હિરણ્યકશિપુને પકડી લીધા. તેણે હિરણ્યકશિપુને ધરતી પણ પાડીને તેની છાતી પર બેસી ગયા. જોતજોતામાં તેમણે પોતાના નખથી તેના શરીરને ફાડી નાખ્યું. આ રીતે હિરણ્યકશિપુનો અંત થયો.
 
હિરણ્યકશિપુના વધથી પૃથ્વીલોકમાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું. દેવોએ આકાશમાંથી ફૂલોની વર્ષા કરી. ચારે તરફ નૃસિંહ ભગવાનનો જયજયકાર થવા લાગ્યો.