પ્રજાપાલક પૃથુ | મહારાજ પૃથુની યશોગાથા જન્મોજન્મ સુધી પૃથ્વી ૫૨ કહેવાશે અને સંભળાશે.

    28-Oct-2021
કુલ દૃશ્યો |

pruthu_1  H x W
 
 
હે મહારાજ! હું મારી અંદર અન્ન અને ઔષધીને છુપાવી ન લઉં તો શું કરું? મારું અનેક પ્રકારનું અનાજ ખાઈને અને અમૃત સમાન પાણી પીને મનુષ્ય વધુ ને વધુ પાખંડી, અધર્મી અને અત્યાચારી બની રહ્યા છે.
 
ઋષિ-મુનિઓએ તેમની મંત્રશક્તિ દ્વારા પાપી વેન રાજાનો વધ કરી નાખ્યો, તેથી પૃથ્વી રાજાવિહોણી થઈ ગઈ. ચારેબાજુ આતંક ફેલાઈ ગયો અને ડરનું વાતાવરણ છવાઈ ગયું. પૃથ્વી પર ચોર, ડાકુ, આતંકવાદીઓનો ત્રાસ વધી ગયો. પૃથ્વીમાં આવું વાતાવરણ જોઈને ઋષિઓ ખૂબ જ દુખી થઈ ગયા.
 
વહેલી સવારનો સમય હતો. બધા ઋષિઓ સ૨સ્વતી નદીમાં સ્નાન કરીને કિનારે બેઠા હતા. બધા ઋષિઓ એક જ વિચાર કરી રહ્યા હતા. રાજા વગર પૃથ્વીનું પાલન કઈ રીતે થઈ શકશે? પૃથ્વીના પાલન-પોષણ માટે રાજાનું હોવું અતિઆવશ્યક છે. તેથી બધા ઋષિઓએ ભેગા મળીને એક દિવ્ય પુરુષ અને સ્ત્રીને પોતાની યોગશક્તિથી પ્રગટ કર્યાં. ઋષિઓએ દિવ્ય પુરુષનું નામ પૃથુ અને સ્ત્રીનું નામ અર્ચિ રાખ્યું. ઋષિઓએ પૃથુનો રાજ્યાભિષેક કર્યો અને અર્ચિ સાથે તેનાં લગ્ન કરાવ્યાં. આમ રાજા પૃથુ પૃથ્વીનું પાલનપોષણ કરવા લાગ્યા.
 
રાજા પૃથુ ધર્માત્મા અને પુણ્યાત્મા હતા. તે માનવી હોવા છતાં પરમાત્માનો અંશ હતા. તેના અંગ અંગમાં દિવ્ય જ્યોતિ હતી. તે બહાદુરીનું પ્રતીક હતા. તે જ્યારે ધનુષ્ય અને બાણ લઈને નીકળતા, ત્યારે તેના તેજ અને પ્રતાપથી દેવરાજ ઇન્દ્ર પણ ડરી જતા. એકવાર સવારના સમયે પૃથુ રાજા પૂજા કરી રહ્યા હતા, ત્યાં જ તેમના કાને અવાજ પડ્યો, અમારી રક્ષા કરો મહારાજ, અમને ભૂખની આગમાંથી બચાવી લો.
 
રાજાએ પૂજાકક્ષમાંથી બહાર નીકળીને જોયું તો ઘણાં સ્ત્રી-પુરુષો તેના દરવાજે ઊભાં હતાં. રાજાએ પૂછ્યું, શું વાત છે પ્રજાજનો ? તમને શું દુખ આવી પડ્યું ? ક્યા દુશ્મને તમને પીડા આપી?
 
બધા ભેગાં મળીને બોલ્યાં, હે મહારાજ! પૃથ્વીએ પોતાની અંદર બધું જ અન્ન અને ઔષધીઓ છુપાવી લીધી છે. અમારા ખેતરમાં અન્ન પેદા થતું નથી. વૃક્ષમાં ફળો પણ ઊગતાં નથી. કોઈ બીમાર પડે તો ઔષધી પણ મળતી નથી. અમે અને અમારાં પશુઓ અન્ન અને પાણી વિના દમ તોડી રહ્યાં છીએ. અમારી રક્ષા કરો.
 
પ્રજાની દુખકથા સાંભળીને રાજા વ્યાકુળ થઈ ગયા. તેણે પ્રજાજનોને આશ્ર્વાસન આપતાં કહ્યું, હે પ્રિય પ્રજાજનો! તમે પોતપોતાના ઘરે જાઓ. હું જીવિત છું, ત્યાં સુધી તમને કોઈ મુશ્કેલી નહીં પડવા દઉં. તમે જોજો - બહુ જલદી પૃથ્વી અન્ન અને ઔષધીઓનો ભંડાર ફરી ખોલી દેશે."
 
પ્રજાના ગયા બાદ રાજા પૃથુએ પૃથ્વીને મારવા માટે ધનુષ્ય ધારણ કર્યું. રાજાનું રૌદ્ર રૂપ જોઈને પૃથ્વી ડરી ગઈ. તે ગાયનું રૂપ ધારણ કરીને રાજા સમક્ષ પ્રગટ થઈ. તે રાજાથી ડરીને ભાગવા લાગી. રાજાએ તેનો પીછો કરવાનું શરુ કરી દીધું. પૃથ્વી ભાગતાં ભાગતાં ત્રણેય લોકમાં ગઈ પણ એવું કોઈ જ પૃથ્વીને ન મળ્યું કે જે પૃથ્વીને બચાવી શકે અને પોતાની શરણે લઈ લે, કારણ કે ત્રણેય લોકમાં રાજા પૃથુના તેજ અને પ્રતાપનો પ્રભાવ હતો.
 
જ્યારે પૃથ્વીને કોઈએ ન બચાવી, ત્યારે પૃથ્વી વિવશ બનીને રાજાની સામે ઊભી રહી ગઈ. તેણીએ રાજા પૃથુને પૂછ્યું, હે મહારાજ! તમે શા માટે મારો પીછો કરી રહ્યા છો ? હું જાણવા માંગું છું કે તમે શા માટે મને મારવા માંગો છો?
 
મહારાજ પૃથુએ જવાબ આપ્યો, હે પૃથ્વી, તે તારી અંદર અન્ન અને ઔષધીને છુપાવીને મોટું પાપ કર્યું છે. અન્ન અને ઔષધીના અભાવના કારણે મારી પ્રજા મરી રહી છે. તું તારી અંદરથી અન્ન અને ઔષધી બહાર કાઢ નહીં તો હું તારા ટુકડા કરી નાખીશ.
 
પૃથ્વીરૂપી ગાયે પ્રાર્થના કરી, હે મહારાજ! હું મારી અંદર અન્ન અને ઔષધીને છુપાવી ન લઉં તો શું કરું? મારું અનેક પ્રકારનું અનાજ ખાઈને અને અમૃત સમાન પાણી પીને મનુષ્ય વધુ ને વધુ પાખંડી, અધર્મી અને અત્યાચારી બની રહ્યા છે. તેથી મનુષ્યજાતિને દંડ આપવા માટે જ મેં આવું કર્યું છે. જો તમે એવું ઇચ્છતા હો કે હું અન્ન અને ઔષધીના ભંડાર ખોલી દઉં, તો એક વાછરડાની વ્યવસ્થા કરી દો જે મને દોહી શકે.
 
પૃથ્વીનાં નમ્રતાભર્યા વચનો સાંભળીને મહારાજ પૃથુનો ગુસ્સો શાંત થઈ ગયો. તેણે મનુને વાછરડું બનાવીને ગાયને દોહાવી લીધી. તેના દોહવાથી ફરીથી ખેતરમાં અનાજ ઊગવા લાગ્યું. ફરીથી પીવા માટે ચોખ્ખું અને ઠંડું પાણી મળવા લાગ્યું. રોગીઓને ઔષધીઓ મળવા લાગી. મહારાજ પૃથુ પછી અનેક ઋષિઓ, વિદ્વાનો, બ્રાહ્મણો અને દૈત્યોએ પૃથ્વી રૂપી ગાયને દોહી. તેથી અનેક પ્રકારની વસ્તુઓ પ્રાપ્ત થઈ અને બધા લોકોનું કામકાજ ફરીથી વ્યવસ્થિત ચાલવા લાગ્યું.
 
જ્યારે પૃથ્વીલોક ધન અને ધાન્યથી ભરાઈ ગયો, ત્યારે ચારેબાજુ રાજા પૃથુની યશગાથાનું ગાન થવા લાગ્યું. મનુષ્યો તો રાજા પૃથુનું યશગાન કરી જ રહ્યા હતા, સાથોસાથ દેવો અને દૈત્યો પણ રાજા પૃથુનું યશોગાન કરવા લાગ્યા.
 
મહારાજ પૃથુ ત્રણેય લોકમાં પૂજાવા લાગ્યા. તેથી રાજા પૃથુએ અશ્ર્વમેધ યજ્ઞ કરવાનો વિચાર કર્યો. તેણે વારાફરતી નવ્વાણું અશ્ર્વમેધ યજ્ઞ કર્યા. જ્યારે રાજા પૃથુ ૧૦૦મો અશ્ર્વમેધ યજ્ઞ કરી રહ્યા હતા, ત્યારે દેવરાજ ઇન્દ્રના મનમાં ઈર્ષા જાગી. તેણે વિચાર્યું, જો રાજા પૃથુ ૧૦૦મો યજ્ઞ પણ કોઈ જ મુશ્કેલી વગર પૂર્ણ કરી લેશે, તો બની શકે તે ઇન્દ્રલોક પર પોતાનો અધિકાર માની લે. તેથી દેવરાજ ઇન્દ્રે ૧૦૦મા અશ્ર્વમેઘ યજ્ઞમાં મુશ્કેલીઓ ઊભી કરવાનું નક્કી કર્યું.
 
બીજી તરફ રાજા પૃથુએ પોતાના પુત્રની દેખરેખ હેઠળ ૧૦૦મા યજ્ઞનો ઘોડો છોડી દીધો. ઘોડો પૃથ્વીના અનેક દેશોમાં ભ્રમણ કરવા લાગ્યો. પૃથુકુમાર ખૂબ જ લગનથી ઘોડાનું ધ્યાન રાખી રહ્યા હતા. આમ છતાં મોકો જોઈને દેવરાજ ઇન્દ્રે ઘોડો ચોરી લીધો. ઘોડો ચોરાઈ જવાથી પૃથુકુમાર ચિંતામાં પડી ગયા. તે ચારેબાજુ ઘોડાને શોધવા લાગ્યા. અચાનક જ તેણે એક મનુષ્ય સાથે પોતાના ઘોડાને જોયો. આ મનુષ્ય બીજું કોઈ નહીં પરંતુ દેવરાજ ઇન્દ્ર હતા, જેણે મનુષ્યનો વેશ ધારણ કર્યો હતો.
 
પૃથુકુમારે તે મનુષ્યને યુદ્ધ માટે લલકાર્યા. પરંતુ તે માણસે યુદ્ધ ન કર્યું, તે ઘોડો છોડીને ભાગી ગયો. ત્યારબાદ પૃથુકુમાર ઘોડાને લઈને રાજધાની તરફ ગયા. ત્યાં પણ ઇન્દ્રે વચ્ચેથી જ ઘોડાને ચોરી લીધો. પૃથુકુમારે ફરીથી દેવરાજ ઇન્દ્રને યુદ્ધ માટે લલકાર્યા. પરંતુ ફરીથી દેવરાજ ઇન્દ્ર યુદ્ધ કરવાના બદલે અદૃશ્ય થઈ ગયા. પૃથુકુમાર ફરીથી પોતાનો ઘોડો લઈને રાજધાની પાછા ફર્યા.
 
તેણે રાજધાની જઈને પોતાના પિતાને દેવરાજ ઇન્દ્રે બે વાર ઘોડો ચોર્યો, તે વાત જણાવી. મહારાજ પૃથુ દેવરાજ ઇન્દ્ર પર ગુસ્સે થઈ ગયા. તેણે ઇન્દ્રલોક પર આક્રમણ કરીને ઇન્દ્રને મારી નાખવાનો નિર્ણય લીધો. મહારાજ પૃથુના આ નિર્ણયથી ત્રણેય લોકમાં ખળભળાટ મચી ગયો. છેવટે આકાશવાણી થઈ, હે મહારાજ પૃથુ ! તમે દેવરાજ ઇન્દ્રને મારી નાખવાનો નિર્ણય માંડી વાળો. ઇન્દ્ર બીજું કોઈ નહીં પણ શ્રીહરિનો જ વંશ છે. તમે ૧૦૦મો યજ્ઞ ન કરો. તમને સો યજ્ઞ ક૨વાથી જે ફળ મળવાનું હતું તે ફળ નવ્વાણું યજ્ઞથી જ મળી જશે.
 
આકાશવાણી સાંભળીને મહારાજ પૃથુએ ૧૦૦મો યજ્ઞ કરવાનો નિર્ણય માંડી વાળ્યો. તેમણે અનેક વર્ષો સુધી સફળતાથી રાજ કર્યું. પ્રજાને સુખી કરી. ત્યાર બાદ રાજા પૃથુ તેના પુત્રને રાજસિંહાસન સોંપીને વનમાં તપ કરવા ચાલ્યા ગયા. વનમાં તપ કરતાં કરતાં જ તેઓ દિવ્યલોકમાં ચાલ્યા ગયા. મહારાજ પૃથુની યશોગાથા જન્મોજન્મ સુધી પૃથ્વી ૫૨ કહેવાશે અને સંભળાશે.