રાજર્ષિ ભરત અને હરણ

    28-Oct-2021
કુલ દૃશ્યો |
 
bharat _1  H x
 
 
હરણીનું બચ્ચું હજુ નાની ઉંમરનું જ હતું ત્યાં રાજર્ષિ ભરતનો અંતિમ સમય નજીક આવી ગયો. રાજર્ષિ ભરત એક જ વાત વિચારીને દુખી થયે રાખતા કે તેમનું મૃત્યુ થયા પછી હરણીના બચ્ચાનું શું થશે? કોણ હરણીના બચ્ચાનું ધ્યાન રાખશે?
 
ઋષભદેવના પુત્રનું નામ ભરત હતું. ઋષભદેવ વનમાં ચાલ્યા ગયા. ત્યારબાદ ભરત જ રાજ્યનો કારભાર સંભાળતા ભરતે પંચજલી સાથે લગ્ન કર્યાં હતાં. તેણીએ અનેક પુત્રોને જન્મ આપ્યો. તેમાંથી નહુષ નામનો પુત્ર પ્રતાપી અને તેજસ્વી હતો. નહુષે એકવાર સ્વર્ગ પર ચડાઈ કરીને દેવરાજ ઇન્દ્રને પણ હરાવી દીધા હતા, જ્યારે ભરત યોગી હતા. તે નિઃસ્પૃહી હતા. તેમને રાજ્યનો કે રાજ્યના વૈભવનો કોઈ મોહ ન હતો. જેમ પાણીમાં હોવા છતાં કમળ પાણીને સ્પર્શ નથી કરતું, તેમ રાજર્ષિ ભરત વૈભવના ખોળામાં રમતા હોવા છતાં વૈભવનો ઉપભોગ ન કરતા. તેઓ તેમના મનને ચારેબાજુથી ખેંચીને ભગવાન વાસુદેવના ચરણોમાં જ લીન રહેતા.
 
જ્યારે રાજકુમાર નહુષ મોટા થઈ ગયા, ત્યારે ભરતે રાજ્યનો કારભાર તેમને સોંપી દીધો. ભરત રાજ્ય છોડીને ગંડકીના કિનારે હરિહર ક્ષેત્રમાં ચાલ્યા ગયા. તે સેતુહાશ્રમમાં રહીને ભક્તિપૂર્ણ જીવન વ્યતીત કરવા લાગ્યા.
 
એકવાર બપો૨ પહેલાંનો સમય હતો. રાજર્ષિ ભરત પોતાના આશ્રમમાં આસન પર બેઠા હતા. અચાનક જ એક હરણી આવી. તે ગંડકી નદીમાં પાણી પીવા લાગી. હરણી ગર્ભવતી હતી. હરણી જ્યારે પાણી પી રહી હતી, ત્યારે જ તેણીએ સિંહની દહાડ સાંભળી. હરણીએ પાણી પીવાનું છોડી દીધું. તેમજ આશ્ર્ચર્યથી સિંહના અવાજ તરફ જોવા લાગી. સિંહ ગર્જના કરતાં કરતાં તેની નજીક જ આવી રહ્યો હતો. હરણી ખૂબ જ ડરી ગઈ. તેણીને પોતાની ચિંતા તો ઓછી થતી હતી પરંતુ તેણીને તેના બાળકની ચિંતા વધુ હતી.
 
હરણીએ સિંહથી બચવા માટે નદીની સામેની પાર જવા જોરથી છલાંગ મારી, કારણ કે તે કિનારા ૫૨ તો સિંહ તેની નજીક આવી રહ્યો હતો. હરણી છલાંગ મારીને પોતે તો નદીની બીજી પાર પહોંચી ગઈ પરંતુ તેના ગર્ભમાંથી બાળક નીકળીને ગંડકી નદીની ધારામાં પડી ગયું. હરણી બીજી પાર જઈને એક પર્વતની ગુફામાં રહેવા લાગી. તે પછી તેણીએ પીડાથી તડપી તડપીને પોતાનું શરીર છોડી દીધું. આ બાજુ ગંડકી નદીની ધારામાં પડેલું હરણીનું બચ્ચું ડૂબવા લાગ્યું અને તેના ગળામાં પણ પાણીને કારણે ઓતરાસ આવવા લાગી. રાજર્ષિ ભરત આ દૃશ્ય જોઈને દ્રવી ઊઠ્યા. હરણીના બચ્ચાને પાણીમાં ડૂબતું જોઈને તેમના મનમાં હરણીના બચ્ચા માટે દયાભાવના જાગી. તેથી રાજર્ષિ ભરતે તરત જ નદીમાં કૂદીને હરણીના બચ્ચાને બચાવી લીધું.
 
ત્યારબાદ રાજર્ષિ ભરત હરણીના બચ્ચાને પોતાના આશ્રમમાં લઈ ગયા. તે જાણે પોતાનું બાળક હોય તેમ હરણીના બચ્ચાનું પાલન પોષણ કરવા લાગ્યા. રાજર્ષિ ભરતે ભગવાન વાસુદેવના પ્રેમ અને ભક્તિમાં પોતાનું રાજ્ય છોડી દીધું હતું, પરંતુ તેઓ હરણીના બચ્ચાના મોહમાં ભગવાન વાસુદેવને પણ ભૂલી ગયા. તે તપ અને જાપ ભૂલી ગયા. તે ભગવાન વાસુદેવના આચાર-વિચાર જ ભૂલી ગયા. પહેલાં તેમના માટે ભગવાન વાસુદેવ સર્વસ્વ હતા, તેને બદલે હવે હરણીનું બચ્ચું સર્વસ્વ બની ગયું. તેમને હરણીના બચ્ચા સિવાય બીજું કઈ જ સૂઝતું નહીં. મનુષ્યનું મન જ્યારે મોહની જાળમાં ફસાઈ જાય છે, ત્યારે તેની વિવેકબુદ્ધિ નષ્ટ થઈ જાય છે. રાજર્ષિ ભરતની પણ વિવેકબુદ્ધિ નષ્ટ થઈ ગઈ હતી.
 
હરણીનું બચ્ચું હજુ નાની ઉંમરનું જ હતું ત્યાં રાજર્ષિ ભરતનો અંતિમ સમય નજીક આવી ગયો. રાજર્ષિ ભરત એક જ વાત વિચારીને દુ:ખી થયે રાખતા કે તેમનું મૃત્યુ થયા પછી હરણીના બચ્ચાનું શું થશે? કોણ હરણીના બચ્ચાનું ધ્યાન રાખશે? કોણ હરણીના બચ્ચાનું પાલનપોષણ કરશે? આ રીતે રાજર્ષિ ભરતે હરણીના બચ્ચાની ચિંતા કરતાં કરતાં જ પોતાનું શરીર છોડી દીધું.
 
રાજર્ષિ ભરતને બીજા જન્મમાં હરણનું શરીર પ્રાપ્ત થયું. મનુષ્ય જે જીવ વિશે વિચારતાં વિચારતાં કે ધ્યાન ધરતાં શરીર છોડે છે, બીજા જન્મમાં તે જ જીવમાં તેનો જન્મ થાય છે. રાજર્ષિ ભરતે હરણીના બચ્ચા વિશે વિચારતાં વિચારતાં શરીર છોડ્યું હતું, તેથી બીજા જન્મમાં તેમને હરણનું શરીર પ્રાપ્ત થયું. આમ છતાં રાજર્ષિ ભરત તો ભગવાન વાસુદેવના મહાન ભક્ત હતા. તેથી હરણનું શરીર મળવા છતાં તેમને પોતાના પાછલા જન્મની બધી જ વાત યાદ હતી. રાજર્ષિ ભરત એક વાત વિચારીને બહુ દુઃખી થતા, હું હરણીના મોહમાં ફસાઈને ભગવાન વાસુદેવને ભૂલી ગયો. પશ્ર્ચાત્તાપના ભાગરૂપે હરણના રૂપમાં પણ રાજર્ષિ ભરત ધર્મ અને કર્મનું પાલન કરવા લાગ્યા. તેથી હરણનું શરીર છોડ્યા બાદ રાજર્ષિ ભરતને બ્રાહ્મણનું શરીર પ્રાપ્ત થયું. બ્રાહ્મણના શરીરમાં તે જડભરતના નામથી પ્રખ્યાત થયા.
 
મનુષ્યને પોતાનાં કર્મો અનુસાર વિવિધ પ્રકારની યોનિમાં જન્મ મળે છે. તેમજ મનુષ્યએ પોતાના કર્મ અનુસાર ફળ પણ ભોગવવું જ પડે છે. રાજર્ષિ ભરતને પણ પોતાના કર્મ મુજબ હરણનું શરીર પણ પ્રાપ્ત થયું, પરંતુ તેઓ શ્રીહરિને ન ભૂલ્યા અને અંતે તેમની મુક્તિ થઈ.