રામાવતારની પાવન કથા

    28-Oct-2021
કુલ દૃશ્યો |

ramavarat_1  H
 
 
રામ જ્યારે લગ્ન કરીને અયોધ્યા પહોંચ્યા ત્યારે રાજા દશરથે તેમનો રાજ્યાભિષેક કરવાનો નિર્ણય લીધો. તેથી રાજાએ ગુરુ વશિષ્ઠની સંમતિથી અભિષેકની તૈયારી શરૂ કરી દીધી. અયોધ્યાના ઘ૨ ઘ૨માં ઉમંગનું વાતાવરણ છવાઈ ગયું.
 
સત્યવ્રતના વંશમાં મહારાજા દશરથ પ્રતાપી હતા. તેને ચક્રવર્તીની ઉપાધિ પણ મળી હતી. ચક્રવર્તી તેને કહે છે જે આખા વિશ્ર્વનો સ્વામી હોય. સામાન્ય મનુષ્યો તો શું. પણ સ્વયં ઇન્દ્ર પણ દશરથની મદદ મેળવવા ઇચ્છતા હતા. એકવા૨ દાનવોએ સ્વર્ગલોક પર આક્રમણ કરી દીધું. ઇન્દ્રે દાનવોને હરાવવા માટે રાજા દશરથની મદદ માંગી. તેથી રાજા દશરથ ઇન્દ્રની સહાયતા માટે રણભૂમિમાં યુદ્ધ લડવા ગયા. રાજા દશરથ સાથે તેની પત્ની કૈકેયી પણ હતી. તે વીરાંગના હતી. રાજા દશરથ પણ તેનું સમ્માન કરતા.
 
રણમેદાનમાં મહારાજ દશરથ ખૂબ જ ઝડપથી ૨થ ચલાવી રહ્યા હતા. અચાનક જ રથનું એક પૈડું નીકળી ગયું. દશરથ ચિંતામાં પડી ગયા. પરંતુ કૈકેયીએ તેની ચિંતા દૂર કરી દીધી અને કહ્યું, હું રથને હાથોથી પકડી રાખું છું. તમે ફરીથી પૈડું લગાવી દો.
 
જોતજોતામાં કૈકેયીએ રથ ઉપાડી લીધો અને રાજા દશરથે પૈડું લગાવી દીધું. દશરથ કૈકેયીની બહાદુરીથી ખૂબ જ પ્રસન્ન થયા. તેણે કહ્યું, હે કૈકેયી! તું તારી ઇચ્છા મુજબનાં બે વરદાન મારી પાસેથી માંગી શકે છે.
 
કૈકેયીએ જવાબ આપ્યો, હે સ્વામી ! તમે અત્યારે આ બંને વરદાન તમારી પાસે જ રાખો. મારે જ્યારે જરૂર પડશે ત્યારે હું બે વરદાન માંગી લઈશ.
 
રાજા દશરથની ત્રણ રાણીઓ હતી કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા. કૌશલ્યાના ગર્ભથી રામ, કૈકેયીના ગર્ભથી ભરત અને સુમિત્રાના ગર્ભથી લક્ષ્મણ અને શત્રુઘ્ન જન્મ્યા હતા. ચારે ભાઈઓ સુંદર અને શૂરવીર હતા. ધર્મગ્રંથ મુજબ રામ ભગવાન વિષ્ણુનો અવતાર હતા, કારણ કે રામના જન્મ પહેલાં પૃથ્વી પર દાનવોનો ત્રાસ વધી ગયો હતો, તેથી રામનો જન્મ દાનવોનો નાશ કરવા જ થયો હતો. રામનાં ધર્મપત્ની સીતા લક્ષ્મીજીનો અવતાર હતી. તેણીએ મિથિલાના રાજા જનકના ઘરમાં જન્મ લીધો હતો.
 
રામ અને લક્ષ્મણ મોટા થઈને વિશ્ર્વામિત્રની સાથે તેમના યજ્ઞની રક્ષા કરવા ગયા. વિશ્ર્વામિત્રના આશ્રમની આસપાસ દાનવોનો ત્રાસ વધી ગયો હતો. રામે બહાદુરી સાથે તાડકા અને સુબાહુ નામના દાનવનો વધ કર્યો. વિશ્ર્વામિત્ર રામની બહાદુરીથી પ્રસન્ન થયા. તેમણે રામને અસ્ત્રો-શસ્ત્રો પણ આપ્યા. આમ વિશ્ર્વામિત્રના આશ્રમમાં શાંતિ સ્થાપીને રામ અને લક્ષ્મણ વિશ્ર્વામિત્રની સાથે મિથિલા ગયા. મિથિલામાં જનકપુત્રી સીતાનો સ્વયંવર થઈ રહ્યો હતો.
 
રસ્તામાં રામે ગૌતમની પત્ની અહલ્યાનો પણ ઉદ્ધાર કર્યો. અહલ્યા શ્રાપને કારણે પથ્થર બની ગઈ હતી. પરંતુ જ્યારે રામના ચરણનો સ્પર્શ થયો, ત્યારે તેણી ફરીથી સુંદર સ્ત્રી બની ગઈ. રામના જીવનની આ પહેલી ઘટના હતી, જેમાં તેમની દિવ્યતા બધાની સામે આવી. બીજી તરફ વિશ્ર્વામિત્ર સાથે રામ અને લક્ષ્મણ સીતાના સ્વયંવરમાં પહોંચ્યા. રામે શિવજીનું ધનુષ્ય તોડીને વિવાહની શરત પૂરી કરી. તેથી રામ અને સીતાનાં લગ્ન થઈ ગયાં. સીતાજીની પણ ત્રણ બહેનો હતી માંડવી, ઊર્મિલા અને શ્રુતિકીર્તિ. તે ત્રણેયનાં લગ્ન રામના અન્ય ત્રણ ભાઈઓ સાથે થયાં.
 
રામ જ્યારે લગ્ન કરીને અયોધ્યા પહોંચ્યા ત્યારે રાજા દશરથે તેમનો રાજ્યાભિષેક કરવાનો નિર્ણય લીધો. તેથી રાજાએ ગુરુ વશિષ્ઠની સંમતિથી અભિષેકની તૈયારી શરૂ કરી દીધી. અયોધ્યાના ઘ૨ ઘ૨માં ઉમંગનું વાતાવરણ છવાઈ ગયું. પ્રત્યેક મનુષ્ય એ દિવસની ઉત્સુકતાથી રાહ જોવા લાગ્યો જ્યારે શ્રી રામ રાજસિંહાસન પર બેસે. ત્યાં જ એક સંકટ ઊભું થઈ ગયું. મંથરા નામની દાસીએ કૈકેયીના મનમાં દ્વેષ ઊભો કરી દીધો. તેથી કૈકેયી કોપભવનમાં ચાલ્યાં ગયાં. દશરથ તેણીને મનાવવા ગયા ત્યારે કૈકેયી બોલી, સ્વામી, તમે મને બે વરદાન આપવાનું કહ્યું હતું. તેમાંથી મને એક વરદાન એ આપો કે રાજસિંહાસન ૫૨ રામ નહીં ભરત બેસે અને બીજું વરદાન એ આપો કે રામ ચૌદ વર્ષના વનવાસમાં જાય. સાંભળીને દશરથ દુખી થઈ ગયા. તેમણે કૈકેયીને સમજાવવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો, પરંતુ કૈકેયીએ તેની વાત ન જ માની. તેણીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું, કાં તો તમે વચન તોડવાનો અપજશ મેળવો અથવા તો વચનનું પાલન કરો. રામને આ વાતની ખબર પડતાં તે દશરથ પાસે જઈને બોલ્યા, પિતાજી! તમે શા માટે દુખી થાવ છો? હું વનમાં જઈશ, મારા માટે એ ખૂબ જ ખુશીની વાત છે કે ભરત રાજસિંહાસન પર બેસશે.
 
રામની વાત સાંભળી દશરથ રડવા લાગ્યા. પરંતુ તે રામને રોકી ન શક્યા. રામ, સીતા અને લક્ષ્મણ ચૌદ વર્ષ માટે વનમાં ચાલ્યાં ગયાં. રામના વિયોગમાં દશરથે પણ શરીર છોડી દીધું. રામ, લક્ષ્મણ અને સીતા પંચવટી પહોંચ્યાં. તેઓ ત્યાં જ એક નાની પર્ણકુટિર બનાવીને રહેવા લાગ્યાં. તેઓએ પંચવટીની આસપાસ ઋષિઓ અને મુનિઓનાં હાડકાં જોયાં. તેમણે પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી તેઓ દાનવોનો વિનાશ નહીં કરી નાખે, ત્યાં સુધી તેમને શાંતિ નહીં મળે.
 
પંચવટીમાં રાવણની બહેન શૂર્પણખાને કારણે રામ અને રાવણ વચ્ચે પહેલો ઝઘડો થયો. ખરદૂષણ અને ત્રીશિરા રાક્ષસોએ રામ ૫૨ હુમલો કરી દીધો. રામે પોતાનાં બાણોથી રાક્ષસોની સેનાનો નાશ કર્યો. મોટા મોટા રાક્ષસ સેનાપતિઓને પણ મારી નાખ્યા.
 
તે દિવસોમાં લંકામાં રાવણનું રાજ ચાલતું. રાવણ ખૂબ જ અત્યાચારી હતો. તેને જ્યારે ખરદૂષણ અને અન્ય વીરોના મરવાના સમાચાર મળ્યા ત્યારે તે ખૂબ જ ક્રોધિત થઈ ગયો. તેણે પોતાના મામા મારીચને રામના વિરોધમાં ષડયંત્ર રચવાનું કહ્યું. મારીચ ખૂબ જ માયાવી હતો. તેણે સોનાના હરણનું રૂપ ધારણ કરીને ષડયંત્ર રચ્યું. સીતાના કહેવાથી રામ અને લક્ષ્મણ સોનાના હરણની પાછળ ગયા, ત્યારે રાવણે બીજો વેશ ધારણ કરીને સીતાનું બળજબરીથી અપહરણ કરી લીધું.
 
સીતાના અપહરણથી રામ દુખી થઈ ગયા તેમજ સીતાની શોધખોળ કરવા લાગ્યા. રસ્તામાં રામ શબરી નામની ભીલની કુટીરમાં ગયા. શબરી રામની ભક્ત હતી. રામે શબરીનાં એઠાં બોર ખાઈને શબરીનું જીવન ધન્ય કરી દીધું. થોડીવાર પછી રામ જટાયુ નામના ગરુડને મળ્યા. તેણે સીતાને રાવણથી છોડાવવાનો પ્રયત્ન કર્યો હતો. તે રાવણનું ઠેકાણું કહેવા જતો હતો, ત્યાં જ તેનું મૃત્યુ થયું. રામે તેનો અગ્નિસંસ્કાર કર્યો.
 
ત્યાંથી આગળ ચાલીને રામ ઋષ્યમૂક પર્વત પર પહોંચ્યા. ત્યાં રામ હનુમાન, સુગ્રીવ અને વાલીને મળ્યા. સુગ્રીવ અને વાલી બંને ભાઈઓ હતા. વાલીએ સુગ્રીવ પાસેથી તેનું રાજ્ય અને પત્ની છીનવી લીધી હતી. રામે વાલીને મારીને સુગ્રીવને પોતાનું રાજ્ય પાછું અપાવ્યું. સુગ્રીવ વાંદરાઓ અને રીંછનો રાજા હતો. તેણે તેની સેનાને સીતાનું ઠેકાણું શોધવા મોકલી. હનુમાનજીને સીતાનું ઠેકાણું મળી ગયું.
 
તેથી રામે વાંદરાઓની અને રીંછની સેના ભેગી કરી. સુગ્રીવ, જાંબુવન, નલ, નીલ, અને અંગદ - આ સેનાના સેનાપતિ હતા. આમ રામ તેમની વિશાળ સેના લઈને સમુદ્રતટ પર પહોંચી ગયા. તેમણે સમુદ્રને સામેના કિનારે જવા દે, તે માટે પ્રાર્થના કરી. પરંતુ રામની પ્રાર્થનાનો પ્રભાવ સમુદ્ર પર ન પડ્યો. તેથી સમુદ્ર પર સેતુ બનાવવાની યોજના ઘડવામાં આવી. આમ આખી સેના તે સેતુ પરથી ચાલીને લંકા પહોંચી. સેતુ બનાવતા પહેલાં રામે શિવજીની પૂજા કરી હતી અને તે સ્થળે શિવલિંગની સ્થાપના કરી હતી. તેથી તે સ્થળ રામેશ્ર્વરના નામથી પણ પ્રખ્યાત છે.
 
રાવણનો નાનો ભાઈ વિભીષણ પણ રાવણના અત્યાચારથી દુ:ખી હતો. તેણે પણ રામની સેનામાં રહીને યુદ્ધ જીતવામાં મદદ કરી. રામે પહેલાં રાવણને સમજાવવાનો પ્રયત્ન કર્યો. આમ છતાં રાવણ ન માન્યો. અંતમાં રામ અને રાવણ વચ્ચે ભીષણ યુદ્ધ થયું. રામને હરાવવા માટે રાવણે શસ્ત્રોની સાથોસાથ માયાનો પણ ઉપયોગ કર્યો હતો. આમ છતાં રાવણ હારી ગયો. તેમજ રામે લંકા રાવણના ભાઈ વિભીષણને સોંપી દીધી.
 
લંકા પછી રામ, સીતા, લક્ષ્મણ, હનુમાન અને સુગ્રીવ અયોધ્યા તરફ ગયાં. બીજી તરફ ભરત રામની ચરણપાદુકા રાખીને રાજ્ય સંભાળતા હતા. તે પોતે અયોધ્યાની બહાર તપસ્વી જેવું જીવન વિતાવતા હતા. ભરત રામને પાછા લઈ આવવા ગયા હતા પણ રામે ચૌદ વર્ષ પહેલાં પાછા આવવાની ના પાડી હતી. ચૌદ વર્ષ પછી રામ, સીતા અને લક્ષ્મણ પાછાં અયોધ્યા ગયા ત્યારે બધાએ તેનું ધામધૂમથી સ્વાગત કર્યું. રામે રાજસિંહાસન સંભાળી લીધું. થોડા જ દિવસો પછી એક ધોબીએ રામના મનમાં સીતાના ચારિત્ર્ય અંગે શંકા ઠસાવી દીધી. તેથી સીતાજીએ અયોધ્યાનો ત્યાગ કરવો પડ્યો. તે સમયે સીતા ગર્ભવતી હતાં.
 
સીતા વાલ્મીકિના આશ્રમમાં રહેવા લાગ્યાં. તેણીએ બે બાળકોને જન્મ આપ્યો - લવ અને કુશ. વાલ્મીકિએ તેને શિક્ષણ આપીને શૂરવીર બનાવ્યા. એકવા૨ શ્રી રામે અશ્ર્વમેધ યજ્ઞનું આયોજન કર્યું. વાલ્મીકી સીતા અને લવ-કુશને લઈને યજ્ઞમંડપમાં ગયા. રામે લવ અને કુશનો તો સ્વીકાર કર્યો, પરંતુ સીતાજીને પરીક્ષા આપવાનું કહ્યું. સીતાજીના એક અવાજ પર પૃથ્વી ફાટી અને તેણી હંમેશા માટે પૃથ્વીમાં સમાઈ ગયાં.
 
રામને આ ઘટનાથી ખૂબ જ દુઃખ થયું. તે સીતાના વિયોગમાં અસ્થિર થઈ ગયા. તેથી તે સંસાર છોડીને પોતાના લોકમાં પાછા ચાલ્યા ગયા. રામની વાર્તા જન્મોજન્મ સુધી અમર બની ગઈ. ઘણા યુગો વીતી ગયા. આમ છતાં હજુ પણ લોકો પ્રભુ શ્રીરામના ચરિત્રનું ગુણગાન શ્રદ્ધાથી કરે છે.