ઋષભદેવનો ઉપદેશ

    28-Oct-2021
કુલ દૃશ્યો |
 
rushbhdev_1  H
 
 
ઋષભદેવને રાજ્ય સંભાળવાનો કોઈ મોહ ન હતો. તેમને પૃથ્વી, સાંસારિક સુખો અને પુત્રો પ્રત્યે પણ કોઈ જાતનો મોહ ન હતો.
 
પ્રિયવ્રતના પૌત્ર અને અગ્નિધ્રરાજાના પુત્રનું નામ નાભિ હતું. નાભિ રાજા જ્ઞાની અને ધર્મનિષ્ઠ હતા. તેથી જ અનેક બ્રાહ્મણોએ ભેગા થઈને પોતાની મંત્રશક્તિ દ્વારા રાજા નાભિને ભગવાન શ્રી હરિનાં દર્શન કરાવ્યાં હતાં. રાજા નાભિ પાસે બધા જ પ્રકારની સુખ સમૃદ્ધિ હતી, પરંતુ કોઈ સંતાન ન હતું. તેથી રાજા નાભિ ખૂબ દુખી અને ચિંતિત રહેતા. રાજાએ સંતાનપ્રાપ્તિ માટે અનેક પ્રકારના જપ અને તપ કર્યાં. અનેક બ્રાહ્મણોને દાન અને દક્ષિણા પણ આપી. આમ છતાં રાજા નાભિને સંતાનપ્રાપ્તિ ન જ થઈ. તેથી રાજા નાભિ હતાશ થઈ ગયા.
 
રાજા નાભિએ સંતાનપ્રાપ્તિ માટે અનેક ઋષિઓ અને મુનિઓની સલાહ લીધી હતી. તે ઇચ્છતા હતા કે તેના ઘરમાં દિવ્ય પુરુષ જેવો પુત્ર જન્મ લે. તેથી ઋષિઓએ રાજા નાભિને સલાહ આપી કે તે યજ્ઞ દ્વારા દિવ્ય પુરુષનું આહ્વાન કરે.
 
તેથી રાજાએ એક મહાયજ્ઞનું આયોજન કર્યું. આ યજ્ઞમાં મોટા મોટા વિદ્વાન ઋષિઓ અને મુનિઓ પણ આવ્યા. મહાયજ્ઞ શરુ થઈ ગયો. અને મંત્રો અને આહુતિ સાથે દિવ્ય પુરુષનું આહ્વાન કરવામાં આવ્યું. તેથી દિવ્ય પુરુષ પ્રસન્ન થઈને પ્રગટ થયા. ઋષિઓએ દિવ્ય પુરુષની પ્રાર્થના કરવાનું શરૂ કર્યું, હે પ્રભો! અમે બધા તમારા દાસ છીએ. તમે અમારા સ્વામી છો. અમારા પર કૃપા કરો. અમારી રક્ષા કરો. તેમજ અમારા જીવનની ઇચ્છાઓ પૂરી કરીને અમારું જીવન સાર્થક બનાવો.
 
હે દીનબંધુ! તમે જગતના પાલનહાર છો. જગતમાં જે કંઈપણ થાય છે તે તમારી જ ઇચ્છાથી થાય છે. અમારા રાજા નાભિ તમારા જેવો જ તેજસ્વી પુત્ર ઇચ્છે છે. તેના ૫૨ દયા કરો. તેની મનોકામના પૂરી કરો.
 
ઋષિઓની પ્રાર્થનાથી દિવ્ય પુરુષ પ્રસન્ન થઈ ગયા. તે પ્રસન્ન થઈને બોલ્યા, હે ઋષિઓ! મારા જેવું તો બીજું કોણ હોઈ શકે. તેથી તમારી પ્રાર્થનાથી પ્રસન્ન થઈને હું જ રાજા નાભિના ઘરમાં જન્મ લઈશ.
 
દિવ્ય પુરુષે પોતાના વચન મુજબ રાજા નાભિના ઘરમાં જન્મ લીધો. તેનું ખૂબ જ સુંદર સ્વરૂપ હતું. તેના અંગ અંગમાં જ્યોતિ હતી. તેના અંગ અંગમાં સુંદરતા અને શૌર્ય હતું. તેથી રાજા નાભિએ તેનું નામ ઋષભદેવ રાખ્યું.
 
ઋષભદેવ અલૌકિક અને ચમત્કારી હતા. ઋષભદેવ ગુરુકુળમાં વિદ્યા ગ્રહણ કરવા ગયા. ગુરુકુળમાં વિદ્યા ગ્રહણ કરીને ઋષભદેવ તો બધાને એમ ઉપદેશ આપવા લાગ્યા કે બધાએ ગુરુકુળને કર્મક્ષેત્ર માનવું જોઈએ અને ગુરુકુળમાં જ વાસ કરવો જોઈએ. ત્યારબાદ તેના ગુરુએ ઋષભદેવને ગૃહસ્થાશ્રમનું મહત્ત્વ સમજાવ્યું. તેમજ ગુરુએ ઋષભદેવને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાની આજ્ઞા આપી. તેથી જ્યારે ઋષભદેવ મોટા થઈ ગયા ત્યારે રાજા નાભિ જંગલમાં ચાલ્યા ગયા. રાજા નાભિએ ઋષભદેવને રાજસિંહાસન સોંપી દીધું. ઋષભદેવે લગ્ન કર્યાં. તેમની પત્નીનું નામ જયંતિ હતું. તેણીએ સો પુત્રોને જન્મ આપ્યો. ઋષભદેવના સો પુત્રોમાં સૌથી મોટો પુત્ર ભરત હતો. ભરત મહાન યોગી હતો અને તે ગુણોમાં પણ શ્રેષ્ઠ હતો. તેથી જ તેના નામ પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું છે.
 
ઋષભદેવને રાજ્ય સંભાળવાનો કોઈ મોહ ન હતો. તેમને પૃથ્વી, સાંસારિક સુખો અને પુત્રો પ્રત્યે પણ કોઈ જાતનો મોહ ન હતો. ઋષભદેવ સંસારી જીવનમાં જે કંઈપણ કામ કરતા, તે એક પણ કામમાં તેમને કોઈ રસ ન હતો. તેમને બધાં જ કામ નકામાં અને નીરસ લાગતાં હતાં.
 
તેથી એક દિવસ ઋષભદેવે તેના બધા પુત્રોને બોલાવીને કહ્યું, હે પુત્રો ! આ રાજ્ય, આ વૈભવ, આ સુખ સમૃદ્ધિ - બધું જ વ્યર્થ છે. આ શરીર, આ શરીરની ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ પણ વ્યર્થ છે. આ બધું જ ખોટું છે. સત્ય માત્ર એક જ છે, તે છે. પરમાત્મા. પરમાત્મારૂપી બ્રહ્મા જ બધું છે તેથી દરેક મનુષ્યએ પરમાત્મારૂપી બ્રહ્મને જાણવાનો, ઓળખવાનો અને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. જ્યાં સુધી મનુષ્ય પરમાત્મારૂપી બ્રહ્મને સમજી નથી લેતો, ત્યાં સુધી તે અહંકારની જાળમાં ફસાયેલો રહે છે. તેથી જ માનવી અનેક પ્રકારનાં કાર્યો પણ ભોગવે છે.
 
થોડીવાર પછી ઋષભદેવ ફરીથી બોલ્યા, આ મનુષ્ય દેહ માત્ર વિષયભોગ માટે નથી. તેથી મનુષ્યે તપ કરવું જોઈએ જેથી તેનું અંતઃકરણ શુદ્ધ થશે. અંતઃકરણની શુદ્ધિથી જ બ્રહ્મસુખ પ્રાપ્ત થાય છે. તેથી અમૂલ્ય માનવદેહ માત્ર વિષયભોગમાં વેડફી નાખવો ન જોઈએ. તમે દરેક જીવમાં પરમાત્માને જોવાનું શરૂ કરી દો. દરેક જીવ પ્રત્યે પ્રેમ અને દયાભાવના રાખો.
 
આ રીતે ઋષભદેવે પોતાના પુત્રોને નિરાસક્ત ભાવનો ઉપદેશ આપ્યો. ઋષભદેવ ઉપદેશ આપીને જંગલમાં તપ કરવા ચાલ્યા ગયા. જે રીતે એક નાનું બાળક ખૂબ જ સ્નેહથી માટીનું ઘર બનાવે છે અને પછી તે ઘરને તોડી પણ નાખે છે તે જ રીતે ઋષભદેવ કોઈપણ પ્રકારના મોહ વગર પોતાનું ઘર અને રાજ્ય છોડીને ચાલ્યા ગયા. હકીકતમાં તો ઋષભદેવ દિવ્ય પુરુષનું જ સ્વરૂપ હતા. તેથી તેમને રાજ્ય કે ઘરનો મોહ તો કઈ રીતે હોઇ શકે? તેથી ઋષભદેવ બધા જ પ્રકારનો મોહ છોડીને ચાલ્યા ગયા.
 
ઋષભદેવે જ્યારે ઘરનો ત્યાગ કર્યો ત્યારે તેમણે વસ્ત્રોનો પણ ત્યાગ કરી દીધો. આમ ઋષભદેવ દિગમ્બર બની ગયા. ઋષભદેવ મૌન પાળતા. તે અવધૂત જેવો જ વેશ રાખીને ફરતા. લોકો તેનો ઉપહાસ કરે તો પણ તે વિચલિત ન થતા. ઋષભદેવ દિગમ્બરના રૂપમાં પૃથ્વી પર ભ્રમણ કરવા લાગ્યા. ઋષભદેવ કહેતા, તમે જે કંઈપણ કરી રહ્યા છો તે જરા પણ યોગ્ય નથી. તમારા બધાના દુખનું કારણ જ એ છે કે તમે તમારી જાતને સમજી શક્યા નથી. જે દિવસે તમે તમારી જાતને સમજી લેશો, તે દિવસે તમારાં બધાં જ દુખો દૂર થઈ જશે. તમારી બધી જ મુશ્કેલીઓ પણ દૂર થઈ જશે.
 
ઋષભદેવ કહેતા, મારા આ મનુષ્યરૂપી શરીરને જાણવું ખૂબ જ અઘરું છે. મારું શુદ્ધ સત્ત્વગણ તો મારું હૃદય છે. મારા હૃદયમાં જ ધર્મ રહેલો છે. તેથી જ બધા મને ઋષભ કહે છે. ઋષભનો અર્થ થાય છે - સર્વથી શ્રેષ્ઠ.
 
ઋષભદેવ પૃથ્વી પર ફરતા ફરતા અનેક પ્રકારના ચમત્કાર કરતા. તે ઘણીવાર સિંહને પણ ગળે લગાવી લેતા. તે સાપને ગળાની માળા સમજીને ગળે વીંટાળી લેતા. ઋષભદેવ સાપનું ઝેર પી લેતા. આમ છતાં તે જીવતા જ રહેતા. આમ ઋષભદેવના ચમત્કારોથી સાધારણ મનુષ્યો અત્યંત પ્રભાવિત હતા, સાથેસાથે અનેક મોટા સમ્રાટ અને રાજાઓ પણ ઋષભદેવના ચમત્કારોથી પ્રભાવિત હતા.
 
ઋષભદેવનાં બધાં જ કર્મો પૂરાં થઈ જતાં તેમને શરી૨ છોડવાની ઇચ્છા થઈ. હકીકતમાં તો ઋષભદેવ સૂક્ષ્મ શરી૨થી મુક્ત જ થઈ ગયા હતા. માત્ર તેનું સ્થૂળ શરીર પૃથ્વી પર ફરતું હતું. એકવાર ઋષભદેવ પૃથ્વી ૫૨ ભ્રમણ કરતા કરતા દક્ષિણ દિશામાં કર્ણાટક દેશના એક ઘનઘોર જંગલમાં પહોંચી ગયા. જે સમયે તે ઘનઘોર જંગલ પાસે પહોંચ્યા તે સમયે આખા જંગલમાં ભીષણ આગ લાગી હતી. બધા જીવજંતુઓ વ્યાકુળ થઈને ભાગાભાગી કરી રહ્યાં હતાં. તે સમયે ઋષભદેવ તે ભીષણ આગમાં કૂદી પડ્યા. થોડી જ વારમાં અગ્નિ તો બુઝાઈ ગઈ પરંતુ ઋષભદેવ અદૃશ્ય થઈ ગયા.
 
તેથી જ કહેવાય છે ને કે જે વ્યક્તિ આ નશ્ર્વર જગતમાં જન્મ લે છે, તેણે એક દિવસ તો અદૃશ્ય થવું જ પડે છે. એટલે કે તેનું મૃત્યુ નિશ્ર્ચિત છે. જ્યારે આખું જગત એટલે કે પૃથ્વી જ માટીમાં સમાઈ જતી હોય, તો કોઈ વ્યક્તિ હંમેશા માટે કઈ રીતે આ પૃથ્વી પર રહી શકે? તેથી કહી શકાય કે ઋષભદેવનો અવતાર રજોગુણથી પ્રેરાઈને જીવતા મનુષ્યોને મોક્ષનું શિક્ષણ આપવા થયો હતો.
 
***
 
(સાભાર : ભાગવતની અમરકથાઓ - કે બુક પ્રકાશન, લેખક : દર્શાલી સોની)