સતીનો શરીરત્યાગ - સતી, તમે સીતાનું રૂપ ધારણ કરીને ભગવાન રામની પરીક્ષા લીધી તે જરા પણ

    28-Oct-2021
કુલ દૃશ્યો |

sati sharir tyag_1 & 
 

સતીનો શરીરત્યાગ

 
સતી, તમે સીતાનું રૂપ ધારણ કરીને ભગવાન રામની પરીક્ષા લીધી તે જરા પણ યોગ્ય નથી. હું સીતાને પણ ભજું છું. હવે તમે મારી પત્ની ન રહી શકો. આ જન્મમાં આપણે હવે પતિ અને પત્ની બનીને નહીં રહી શકીએ.
 
પ્રજાપતિ દક્ષની અનેક પુત્રીઓ હતી. તે બધી જ પુત્રીઓ ગુણવાન, ધર્મવ્રતી અને સારા સ્વભાવની હતી. પરંતુ દક્ષનું મન અશાંત હતું. તે એવું ઇચ્છતા હતા કે તેના ઘરમાં એક એવી દીકરીનો જન્મ થાય જે શક્તિસંપન્ન હોય. તેથી દક્ષે એવી પુત્રી માટે તપ કરવાનું શરૂ કર્યું. તપના અનેક દિવસો પછી ભગવતી આદ્યા પ્રગટ થયા અને બોલ્યાં, હું તમારા તપથી પ્રસન્ન થઈ છું. હું પોતે જ તમારી પુત્રીનું રૂપ લઈને જન્મ લઈશ. મારું નામ સતી હશે. હું સતીના રૂપમાં જન્મ લઈને તમારી લીલાનો વિસ્તાર કરીશ.
 
આ રીતે ભગવતી આદ્યાએ દક્ષના ઘરમાં સતી તરીકે જન્મ લીધો. તેણી અલૌકિક હતાં. તેણી ગુણવતી, તેજસ્વિની અને શક્તિસંપન્ન હતાં. તેણીએ બાળપણમાં જ અનેક અલૌકિક પરાક્રમો કરી બતાવ્યાં હતાં. પ્રજાપતિ દક્ષ પણ તેનાં પરાક્રમોથી આશ્ર્ચર્યમાં ડૂબી જતા.
 
સતી જ્યારે લગ્ન કરવાની ઉંમરનાં થયાં ત્યારે દક્ષને તેના માટે વ૨ની પસંદગીની ચિંતા થવા લાગી. તેથી દક્ષે બ્રહ્માજીની સલાહ લીધી. બ્રહ્માજીએ કહ્યું, સતી આદ્યાનો અવતાર છે. આદ્યા એટલે શક્તિ અને શિવ એટલે પુરુષ. તેથી સતીના લગ્ન માટે શિવ જ યોગ્ય વ૨ છે.
 
દક્ષે બ્રહ્માની વાત માનીને સતીનાં લગ્ન શિવ સાથે કરી નાખ્યાં. સતી શિવ સાથે કૈલાશમાં જઈને રહેવા લાગી. દક્ષ ભગવાન શિવને પોતાના જમાઈ માનતા હતા, પરંતુ એક ઘટનાને કા૨ણે દક્ષના મનમાં ભગવાન શિવ માટે વિરોધ અને અણગમો પેદા થઈ ગયો. તે ઘટના કંઈક આવી છે.
 
એકવાર બ્રહ્માજીએ ધર્મચર્ચાનું આયોજન કર્યું. બધા દેવો આ સભામાં ઉપસ્થિત હતા. ભગવાન શિવ પણ સભામાં બેઠા હતા. સભામાં રાજા દક્ષનું આગમન થતા બધા દેવો ઊભા થઈ ગયા, પરંતુ ભગવાન શિવ ઊભા ન થયા. તેમજ તેમણે દક્ષને પ્રણામ પણ ન કર્યાં. દક્ષને પોતાનું અપમાન થયું હોય તેવો અનુભવ થયો. તેને ભગવાન શિવની ઈર્ષા થવા લાગી. તેથી તે તેનો બદલો લેવાની પ્રતિક્ષા કરવા લાગ્યા.
 
બીજી તરફ ભગવાન શિવ કૈલાશમાં રહીને રામ રામનું રટણ કરતા રહેતા. સતીના મનમાં જિજ્ઞાસા ઉત્પન્ન થઈ. એકવાર તેણે શિવને પૂું - તમે રામ રામનું રટણ કેમ કરો છો? રામ કોણ છે ?’
 
ભગવાન શિવે જવાબ આપ્યો, રામ આદિપુરુષ છે. રામ સ્વયંભૂ છે. તે મારા આરાધ્ય છે. તે સગુણ પણ છે અને નિર્ગુણ પણ છે. તેમણે અયોધ્યાના રાજા દશરથના પુત્ર રામ બનીને અવતાર ધારણ કર્યો છે. સીતા તેમની પત્ની છે.
 
સતીને ભગવાન શિવની વાત ગળે ન ઊતરી. તે વિચારવા લાગ્યાં, અયોધ્યાના રાજા દશરથના પુત્ર રામ કઈ રીતે આદિ પુરુષ હોઈ શકે ? તે આજકાલ તેની પત્ની સીતાના વિયોગમાં જંગલમાં વ્યાકુળ બની ફરી રહ્યા છે. તે તો વૃક્ષો અને ડાળીઓને પણ સીતા વિશે પૂછતા ફરે છે. તે કઈ રીતે આદિપુરુષ હોઈ શકે?
 
તેથી સતીએ ભગવાન રામની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. તેણી સીતાનું રૂપ ધારણ કરીને રામની સામે ગયાં. ભગવાન રામે સીતાના રૂપમાં સતીને જોઈને કહ્યું, હે માતા ! તમે એકલાં કેમ આ જંગલમાં ફરી રહ્યાં છો ? ભગવાન શિવ ક્યાં છે ?
 
રામની વાત સાંભળીને સતીએ કોઈ જવાબ ન આપ્યો અને અદૃશ્ય થઈ ગયાં. તેને પોતાની ભૂલ બદલ પશ્ર્ચાત્તાપ થયો. તેને રામ પર શંકા કરવાની જરૂ૨ નહોતી. રામ ખરેખર આદિ પુરુષનો અવતાર છે. સતી જ્યારે કૈલાશ પહોંચ્યાં એટલે તરત જ ભગવાન શિવે કહ્યું, સતી, તમે સીતાનું રૂપ ધારણ કરીને ભગવાન રામની પરીક્ષા લીધી તે જરા પણ યોગ્ય નથી. હું સીતાને પણ ભજું છું. હવે તમે મારી પત્ની ન રહી શકો. આ જન્મમાં આપણે હવે પતિ અને પત્ની બનીને નહીં રહી શકીએ.
ભગવાન શિવનાં આવાં વચનો સાંભળીને સતી ખૂબ જ દુઃખી થઈ ગયાં. શિવજી સમાધિમાં વ્યસ્ત થઈ ગયા અને સતી તેના દુખના સાગરમાં ખોવાઈ ગયાં. આ જ દિવસોમાં સતીના પિતા દક્ષે બહુ મોટા યજ્ઞનું આયોજન કર્યું. તેમણે બધા જ દેવો અને મુનિઓને આમંત્રણ આપ્યું, પરંતુ શિવજીને આમંત્રણ ન આપ્યું.
 
આ વાતની જાણ સતીને થતાં તે ખૂબ જ હતાશ થઈ ગયાં. સતી વિચારવા લાગ્યાં, યજ્ઞમાં મારી બહેનો પણ આવી હશે. હું તેઓને ઘણા દિવસોથી નથી મળી, તેથી સતીએ શિવને પૂું, હે શિવ! તમારી સંમતિ હોય તો હું મારા પિતા પાસે જવા ઇચ્છું છું. હું યજ્ઞમાં પણ ભાગ લઈશ અને મારી બહેનોને પણ મળી લઈશ.
 
શિવે જવાબ આપ્યો, અત્યારે ત્યાં જવું યોગ્ય નથી. તમારા પિતાને મારી ઈર્ષા થાય છે. તે તમારું પણ અપમાન કરશે. કોઈ બોલાવે નહીં ત્યાં સુધી કોઈની ઘરે ન જવું જોઈએ.
 
સતીએ વિચારીને પૂછ્યું, શું પિતાના ઘરે જવું પણ અયોગ્ય છે?
 
ભગવાન શિવે કહ્યું, હા, પરિણીત દીકરીએ આમંત્રણ ન હોય તો પિતાની ઘરે પણ ન જવાય. કારણ કે લગ્ન પછી સ્ત્રી તેના પતિની થઈ જાય છે. પિતાના ઘરથી તેનો સંબંધ તૂટી જાય છે.
 
આમ છતાં સતીએ પિયર જવાની જીદ કરી. તેથી ભગવાન શિવે તેને જવાની હા પાડી દીધી. સતી સાથે શિવે પોતાનો એક ગણ મોકલ્યો. તેનું નામ વીરભદ્ર હતું. સતી વીરભદ્ર સાથે પોતાના પિતા પાસે ગઈ. કોઈએ તેની સાથે પ્રેમથી વાતચીત ન કરી. દક્ષે સતીને જોઈને કહ્યું, તું અહીં તારું અપમાન કરાવવા આવી છો? તારી બહેનોને જો. કેવાં સુંદર વસ્ત્રો અને આભૂષણો પહેર્યાં છે ? અને તારાં વસ્ત્રો જો. તારો પતિ તો સ્મશાનવાસી અને ભૂતોનો નાયક છે. તે તો તને આવાં વાઘચર્મના જ વસ્ત્રો પહેરાવી શકે.
 
દક્ષનાં આવાં વચનો સાંભળીને સતી ખૂબ જ હતાશ થઈ ગઈ. તેમને પોતાના અહીં આવવાના નિર્ણય પર દુઃખ થયું. આમ છતાં સતી મૌન રહી. થોડીવાર પછી તેણી યજ્ઞમંડપમાં ગયાં. ત્યાં બધા ઋષિ-મુનિઓ ભેગા થઈને અગ્નિમાં આહુતિઓ આપી રહ્યાં હતાં. સતીએ યજ્ઞમંડપમાં બધા દેવોના ભાગ જોયા, પરંતુ પોતાના પતિ શિવનો યજ્ઞભાગ ન જોયો. તેથી તેણીએ તેના પિતાને પૂછ્યું, હે પિતાશ્રી! યજ્ઞમાં બધાનો ભાગ છે. પરંતુ કૈલાશપતિ શિવનો ભાગ કેમ નથી ? તમે તેનો ભાગ શા માટે ન રાખ્યો?
 
દક્ષે ગર્વથી જવાબ આપ્યો, હું તારા પતિ કૈલાશપતિને દેવ નથી સમજતો. તે ભૂતોનો ભગવાન, નગ્ન રહેવાવાળો અને હાડકાંઓની માળા ધારણ કરનાર છે. તે દેવો સાથે બેસવા યોગ્ય નથી. તેને કોણ ભાગ આપે ?
 
સતીની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ. તેણી ગુસ્સામાં બોલ્યાં, ઓહ! હું આ કેવા શબ્દો સાંભળી રહી છું? મને ધિક્કાર છે. હે દેવો! તમને પણ ધિક્કાર છે. તમે કૈલાશપતિ વિશે આવા શબ્દો કઈ રીતે સાંભળી શકો છો ? કૈલાશપતિ મંગલના પ્રતીક છે. તે ક્ષણભરમાં જ સમગ્ર સૃષ્ટિનો વિનાશ કરવાની શક્તિ ધરાવે છે. તે મારા સ્વામી છે. તે મારું સર્વસ્વ છે. કોઈ સ્ત્રી માટે તેનો પતિ જ તેનું સ્વર્ગ હોય છે. જે સ્ત્રી પોતાના પતિની વિરુદ્ધ અપમાનજનક શબ્દો સાંભળે, તેને નર્કમાં જવું પડે છે. હે પૃથ્વી, તમે સાંભળો! હે આકાશ! હે દેવો ! તમે પણ સાંભળો. મારા પિતાએ મારા પતિનું અપમાન કર્યું છે. મારે હવે એક ક્ષણ માટે પણ જીવતા નથી રહેવું.
 
આટલું બોલીને સતી યજ્ઞકુંડમાં પડી ગયાં. આહુતિઓની સાથોસાથ તેનું શરીર પણ બળવા લાગ્યું. યજ્ઞમંડપમાં હાહાકાર થઈ ગયો. દેવો અને ઋષિમુનિઓ ઊભા થઈ ગયા. વીરભદ્ર પણ ગુસ્સાથી કંપી ઊઠ્યો. યજ્ઞમંડપમાં નાસભાગ મચી ગઈ. વીરભદ્રએ ગુસ્સામાં આવીને દક્ષનું માથું ઉડાવી દીધું. ભગવાન શિવને આ વાતના સમાચાર મળતાં જ તેઓ વાવાઝોડાની માફક યજ્ઞમંડપમાં પહોંચી ગયા.
 
સતીનું બળેલું શરીર જોઈને શિવ પોતાની જાતને ભૂલી ગયા. સતીના પ્રેમ અને ભક્તિના કારણે શિવનું મન વ્યાકુળ બની ગયું. જેણે કામ પર વિજય પ્રાપ્ત કર્યો હતો, જેનામાં સૃષ્ટિનો વિનાશ કરવાની શક્તિ હતી; તે શિવ સતીના પ્રેમમાં ખોવાઈ ગયા. ભગવાન શિવે ઉન્મત્ત બની સતીના બળેલા શરીરને પોતાના ખભા પર રાખી દીધું. તે બળેલા શરીરને લઈને શિવ આઠે દિશાઓમાં ભ્રમણ કરવા લાગ્યા. શિવ અને સતીનો અલૌકિક પ્રેમ જોઈને પૃથ્વી થંભી ગઈ, પવન થંભી ગયો, જળનો પ્રવાહ પણ ઊભો રહી ગયો અને દેવોના શ્ર્વાસ પણ થંભી ગયા. બધા ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા.
 
ત્યારબાદ સૃષ્ટિના પાલક ભગવાન વિષ્ણુ આગળ આવ્યા. તેમણે પોતાના ચક્ર દ્વારા સતીના શરીરના ટુકડા કરીને પૃથ્વી પર નાખવાનું શરુ કર્યું. આ રીતે ધરતી પર સતીના શરીરના એકાવન ટુકડા અલગ અલગ જગ્યાએ પડ્યા. જ્યારે સતીના શરીરના બધા જ ટુકડા ધરતી પર પડી ગયા ત્યારે ભગવાન શિવ સ્વસ્થ થયા. ફરીથી સૃષ્ટિ પહેલાંની જેમ કામ કરવા લાગી.
ધરતી પર જે જે જગ્યાએ સતીના શરીરનાં અંગો પડ્યાં હતાં તે આજે શક્તિપીઠના નામે ઓળખાય છે. આજે એ સ્થળોએ સતીની પૂજા થાય છે, ઉપાસના થાય છે. શિવ અને સતીના પ્રેમને ધન્ય છે. શિવ અને સતીના પ્રેમે બંનેને અમર બનાવી દીધા.