સત્રાજિતનો સ્યમંતક મણિ

    28-Oct-2021
કુલ દૃશ્યો |

satrajit_1  H x
 
 
બીજી તરફ શ્રી કૃષ્ણના સાથીઓએ ગુફાની બહાર શ્રી કૃષ્ણની ૧૨ દિવસ સુધી રાહ જોઈ. ત્યારબાદ તેઓ દ્વારકા ચાલ્યા ગયા. તેઓએ દ્વારકાવાસીઓને જણાવ્યું કે કઈ રીતે ભગવાન શ્રીકૃષ્ણ એક ગુફાની અંદર ઘૂસી ગયા અને કઈ રીતે તે હજુ સુધી બહાર આવ્યા નહોતા.
 
સત્રાજિતે સૂર્યદેવની ઉપાસના કરીને તેમને પ્રસન્ન કર્યા. તેથી સૂર્યદેવે પ્રસન્નતાના ફળસ્વરૂપે સત્રાજિતને એક મણિ આપ્યો. તે મણિનું નામ સ્યમંતક મણિ હતું. આ સ્યમંતક મણિ સૂર્યની જેમ પ્રભાવમય હતો. મણિ જ્યાં પણ રહેતો, ત્યાં ત્રણેય લોકના એક પણ પ્રકારના તાપની અસ૨ તેને ન થતી.
 
એકવાર સત્રાજિત સ્યમંતક મણિ ગળામાં પહેરીને ભગવાન શ્રી કૃષ્ણની રાજસભામાં ગયા. સ્યમંતક મણિને કારણે સત્રાજિત સૂર્યની જેમ તેજસ્વી લાગી રહ્યા હતા. રાજસભામાં બધા સભ્યો અચાનક ઊભા થઈને બોલ્યા, આ બીજા સૂર્ય ક્યાંથી આવી ગયા ?
 
શ્રી કૃષ્ણ ભગવાને રાજસભાના બધા સભ્યોને કહ્યું, આ બીજા સૂર્ય નથી પરંતુ સત્રાજિત છે. સ્યમંતક મણિ પહેરવાને કારણે તે બીજા સૂર્ય જેવા લાગી રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણે સત્રાજિતને કહ્યું, આ સ્યમંતક મણિ તમારા માટે યોગ્ય નથી. તમે આ સ્યમંતક મણિ મહારાજા ઉગ્રસેનને આપી દો."
પરંતુ સત્રાજીતે સ્યમંતક મણિ આપવાની ના પાડી દીધી.
 
થોડા દિવસો પછી સત્રાજિતનો નાનો ભાઈ પ્રસેનજિત સ્યમંતક મણિ પહેરીને જંગલમાં શિકાર કરવા નીકળ્યો. તે ઘોડા પર સવાર હતો. આશ્ર્ચર્યની વાત એ છે કે એક પર્વતની ગુફા પાસે એક સિંહ રહેતો હતો. તેણે ઘોડા સહિત પ્રસેનજિતને પણ મારી નાખ્યો. સિંહ બંનેનાં મડદાં ગુફાના દરવાજા પાસે જ રાખીને ચાલ્યો ગયો. તે ગુફાની અંદર ઋક્ષરાજ જામ્બવાન રહેતા હતા. જામ્બવાન જ્યારે ગુફામાંથી બહાર નીકળ્યા ત્યારે તેમની નજર સૂર્યની જેમ ચમકતા સ્યમંતક મણિ પર પડી. તેમણે સ્યમંતક મણિ લઈને તેના બાળકોને રમવા માટે આપી દીધો.
 
કેટલાય દિવસો સુધી જ્યારે પ્રસેનજિત જંગલમાંથી પાછા ન આવ્યા ત્યારે સત્રાજિતે આખા દ્વારકામાં સમાચાર ફેલાવી દીધા કે શ્રીકૃષ્ણ ભગવાને તેના ભાઈની હત્યા કરીને સ્યમંતક મણિ લઈ લીધો છે. ભગવાન શ્રીકૃષ્ણને પણ આ સમાચાર મળ્યા. ભગવાન શ્રીકૃષ્ણ પોતાના પર લાગેલ કલંકને દૂર કરવા માટે પ્રસેનજિત અને સ્યમંતક મણિ શોધવા માટે નીકળી પડ્યા. ભગવાન શ્રી કૃષ્ણ સાથે દ્વારકાના કેટલાક શ્રેષ્ઠ નાગરિકો પણ હતા.
 
ભગવાન શ્રી કૃષ્ણ પ્રસેનજિતને શોધતા શોધતા પર્વતની ગુફા પાસે પહોંચ્યા. તેમણે ગુફાના દરવાજા પાસે જ પ્રસેનજિત અને ઘોડાનું મડદું જોયું. તેમણે વિચાર્યું, મને લાગે છે સ્યમંતક મણિ લઈ જનાર વ્યક્તિ આ જ ગુફામાં રહેતો હશે.
શ્રી કૃષ્ણ પોતાના સાથીઓને બહાર રાખીને પોતે એકલા જ ગુફાની અંદર ચાલ્યા ગયા. તેમણે પોતાના સાથીઓને કહ્યું, જ્યાં સુધી હું ગુફામાંથી બહાર ન આવું ત્યાં સુધી તમે ગુફાની બહાર રહીને મારી રાહ જોજો.
 
ભગવાન શ્રી કૃષ્ણે ગુફામાં અંદર જઈને જોયું તો કેટલાંક બાળકો સ્યમંતક મણિને એક રમકડું સમજીને રમી રહ્યાં હતાં. તેથી ભગવાન શ્રીકૃષ્ણ બાળકોના હાથમાંથી સ્યમંતક મણિ લેવાનો પ્રયત્ન કરવા લાગ્યા. ત્યાં અચાનક જ ગુફામાં એક વિશાળ દેહધારી પુરુષ આવ્યો. તે ઋક્ષરાજ જામ્બવાન હતો. આ એ જ જામ્બવાન હતા, જેણે રામાવતારમાં ભગવાન રામને લંકાવિજયમાં મદદ કરી હતી. જામ્બવને ભગવાન શ્રી કૃષ્ણને બાળકોથી સ્યમંતક મણિ છીનવતા રોક્યા. તેથી ભગવાન શ્રી કૃષ્ણ અને જામ્બવાન વચ્ચે યુદ્ધ થયું. એકવીસ દિવસ સુધી ઘમસાણ યુદ્ધ થતું રહ્યું, પરંતુ હા૨ કે જીતનો કોઈ નિર્ણય આવ્યો નહીં.
 
બીજી તરફ શ્રી કૃષ્ણના સાથીઓએ ગુફાની બહાર શ્રી કૃષ્ણની ૧૨ દિવસ સુધી રાહ જોઈ. ત્યારબાદ તેઓ દ્વારકા ચાલ્યા ગયા. તેઓએ દ્વારકાવાસીઓને જણાવ્યું કે કઈ રીતે ભગવાન શ્રીકૃષ્ણ એક ગુફાની અંદર ઘૂસી ગયા અને કઈ રીતે તે હજુ સુધી બહાર આવ્યા નહોતા. દ્વારકાવાસીઓ ચિંતામાં પડી ગયા. તેઓ શ્રી કૃષ્ણના કલ્યાણ માટે જાપ અને પ્રાર્થના કરવા લાગ્યા.
 
થોડા દિવસો પછી ભગવાન શ્રી કૃષ્ણ સ્યમંતક મણિ અને જામ્બવતીને લઈને દ્વારકા ગયા. ભગવાન શ્રી કૃષ્ણના દ્વારકામાં પાછા આવવાથી જાણે આનંદનો સાગર ઊમટી પડ્યો. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણે સ્યમંતક મણિ સત્રાજિતને પાછો આપી દીધો. તેમજ પોતાની જાત પરનું કલંક દૂર કરી દીધું. સત્રાજિત શ્રી કૃષ્ણની બહાદુરીથી પ્રભાવિત થઈ ગયા, તેથી સત્રાજિતે સ્યમંતક મણિ ભગવાન શ્રી કૃષ્ણને આપી દીધો તેમજ પોતાની પુત્રી સત્યભામાનાં લગ્ન પણ ભગવાન શ્રી કૃષ્ણ સાથે કરાવી આપ્યાં. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણે સ્યમંતક મણિનો સ્વીકાર કર્યો નહીં. તેમણે સ્યમંતક મણિ સત્રાજિતને પાછો આપી દીધો. સ્યમંતક મણિ પાછો આપવાને કારણે શ્રી કૃષ્ણ બધામાં પૂજ્ય બની ગયા. બધા લોકો તેમની પ્રશંસા કરવા લાગ્યા અને તેમને ખરા અંતરથી પૂજવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણ પર જે કલંક લાગ્યું હતું તે કલંક પણ હવે દૂર થઈ ગયું.
 
આ રીતે ભગવાન શ્રી કૃષ્ણે દ્વારકામાં રહીને અનેક લીલાઓ કરી.