ઉષા અને અનિરુદ્ધ - તેણીએ દ્વારકામાંથી અનિરુદ્ધનું હરણ કરવાનું નક્કી કર્યું.

    28-Oct-2021
કુલ દૃશ્યો |
 
 Usha and Aniruddha Katha
 
 

ઉષા અને અનિરુદ્ધ |  Usha and Aniruddha Katha

 
ઉષાની સહેલી ચિત્રલેખા યોગવિદ્યા જાણતી હતી. તેથી તેણીએ એક યોજના ઘડી. તેણીએ આકાશમાર્ગથી દ્વારકા જવાનું નક્કી કર્યું. તેમજ દ્વારકામાંથી અનિરુદ્ધનું હરણ કરવાનું નક્કી કર્યું.
 
દાનવોના રાજાનું નામ બિલ હતું. ભગવાન શ્રી હરિએ જ્યારે વામન અવતાર ધારણ કર્યો, ત્યારે તેણે રાજા બલિ પાસેથી ત્રણેય લોક દાનમાં લઈ લીધાં હતાં. આમ છતાં રાજા બલિ પૂરી નિષ્ઠાથી ભગવાન શ્રી હરિની ભક્તિ કરતા. આ બલિ રાજાના સો પુત્રો હતા. તેમાંથી સૌથી મોટા પુત્રનું નામ બાણાસુર હતું. બાણાસુર શંકર ભગવાનના મહાન ભક્ત હતા. બાણાસુર જ્ઞાની, બુદ્ધિમાન, સત્યનિષ્ઠ અને ધર્મનિષ્ઠ હતા. બાણાસુરે ભગવાન શંકરનું તપ કરીને તેને પ્રસન્ન કર્યા હતા. તેથી ભગવાન શંકરની કૃપાથી બાણાસુરને હજાર હાથ મળ્યા હતા. એકવાર તો બાણાસુરે તેના હજાર હાથમાં જુદા જુદા પ્રકારનાં વાદ્યો ધારણ કરીને તાંડવ નૃત્ય કર્યું હતું, તેથી ભગવાન શંકર તેના પર પ્રસન્ન થઈ ગયા હતા.
 
તેથી ભગવાન શંકરે બાણાસુરને વરદાન માંગવાનું કહ્યું ત્યારે બાણાસુરે કહ્યું, હે ભગવન! તમે હંમેશા મારા નગરની રક્ષા કરતા રહો. ભગવાન શંકરે કહ્યું, તથાસ્તુ. આમ બાણાસુરને પોતાના હજાર હાથના બળનું અને ભગવાન શંકરના વરદાનનું અભિમાન થવા લાગ્યું હતું. એકવાર બાણાસુર ભગવાન શંકર પાસે ગયા અને અભિમાનથી બોલ્યા, હે ભગવાન! આખા જગતમાં મારી સાથે લડાઈ કરી શકે તેવું કોઈ જ બચ્યું નથી. તેથી તમે મારી સાથે યુદ્ધ કરો. બાણાસુરની મૂર્ખતાભરી વાત સાંભળીને ભગવાન શંક૨ ગુસ્સે થઈ ગયા. તેમણે બાણાસુરને શ્રાપ આપ્યો અને બોલ્યા, હે મૂર્ખ બાણાસુર ! તારી ધજા ભાંગી પડે ત્યારે સમજી લેજે કે તારા અભિમાનનો વિનાશ થશે અને તારી સાથે મારા જેવું જ કોઈ શક્તિશાળી યુદ્ધ કરશે.
 
બાણાસુરનું મન તો અભિમાનમાં છકી ગયું હતું. તે તો પોતાના ઘરે જઈને યુદ્ધ માટેની રાહ જોવા લાગ્યો. બાણાસુરની એક પુત્રી પણ હતી. તેની પુત્રીનું નામ ઉષા હતું. બીજી તરફ યાદવકુળમાં પ્રદ્યુમનનો એક પુત્ર હતો. તેનું નામ અનિરુદ્ધ હતું. એક દિવસ રાત્રીના સમયે ઉષાને સપનામાં અનિરુદ્ધનાં દર્શન થયાં. તેણીએ સપનામાં જોયું કે તેણીનાં લગ્ન અનિરુદ્ધ સાથે થઈ રહ્યાં હતાં. પરંતુ ઉષાએ સપના પહેલાં તો ક્યારેય અનિરુદ્ધને જોયા પણ ન હતા. અચાનક જ ઉષાનું સપનું અધૂરું રહી ગયું અને તેણી જાગી ગયા.
 
ઉષાની અનેક સહેલીઓ હતી. તેમાંથી ઉષાની પ્રિય સહેલીનું નામ ચિત્રલેખા હતું. ચિત્રલેખા મંત્રી કુભાંડની પુત્રી હતી. ઉષા અને ચિત્રલેખા વચ્ચે ગાઢ મિત્રતા હતી. ઉષા આ રીતે અચાનક જ રાત્રીના સમયે ઝબકીને જાગી ગઈ તેથી ચિત્રલેખાએ ચિંતાના સ્વરમાં પૂછ્યું, હે રાજકુમારી! તમને અચાનક શું થઈ ગયું?તમે શા માટે ઝબકીને જાગી ગયાં ? તમે કોનાથી ડરી ગયાં ?
 
ઉષાએ તેના સપનાની વાત ચિત્રલેખાને કહી જણાવી. ઉષાએ સપનામાં જે પુરુષને જોયો હતો તેનું તેણીએ નખશિખ વર્ણન કર્યું. ચિત્રલેખા ચિત્રકળામાં પાવરધી હતી. તેણીએ ઉષાને સપનાના વર્ણન પરથી અનેક રાજાઓ અને ગાંધર્વોનાં ચિત્રો દોરી આપ્યાં. અનેક ચિત્રો દોર્યા બાદ અંતમાં ચિત્રલેખાએ ભગવાન શ્રી કૃષ્ણ અને પ્રદ્યુમનનું ચિત્ર દોર્યું. આ બંને ચિત્રો જોઈને ઉષા કંઈ જ બોલી નહીં. પરંતુ જેવું ચિત્રલેખાએ અનિરુદ્ધનું ચિત્ર દોર્યું એટલે તરત જ ઉષા બોલી ઊઠી, આ જ છે મારા સપનામાં આવેલ રાજકુમાર. આ જ છે અનિરુદ્ધ. આટલું બોલીને ઉષા શ૨માઈ ગઈ.
 
ઉષાની સહેલી ચિત્રલેખા યોગવિદ્યા જાણતી હતી. તેથી તેણીએ એક યોજના ઘડી. તેણીએ આકાશમાર્ગથી દ્વારકા જવાનું નક્કી કર્યું. તેમજ દ્વારકામાંથી અનિરુદ્ધનું હરણ કરવાનું નક્કી કર્યું. યોજના મુજબ ચિત્રલેખા જ્યારે દ્વારકા પહોંચી તો તેણીએ જોયું કે દ્વારકામાં તો ચારેબાજુ સિપાહીઓનો પહેરો હતો. તેથી ચિત્રલેખા અંદર જવા માટે કોઈ યુક્તિ વિચારવા લાગી. ત્યાં જ ચિત્રલેખાને દેવર્ષિ નારદ મળી ગયા.
 
ચિત્રલેખાએ દેવર્ષિ નારદ પાસેથી અનિરુદ્ધનું હરણ કરવા માટે મદદ માંગી. દેવર્ષિ નારદ પણ ચિત્રલેખાને મદદ કરવા માટે સહમત થઈ ગયા. ત્યારબાદ નારદજીએ દ્વારકાના સિપાહીઓ સાથે વાતો કરવાનો પ્રયત્ન કર્યો.
 
સુદર્શન પહેરો ભરી રહ્યો હતો. નારદજીના વાતો કરવાના પ્રયત્નો જોઈને સુદર્શન બોલ્યો, મારી પાસે તમારી સાથે વાતો કરવાનો સમય નથી. અત્યારે હું પહેરો ભરું છું. તેથી નારદજીએ તરત જ જવાબ આપ્યો, અહીં વળી પહેરો શું ભરવાનો?
 
પહેરો ભરવો એટલે તો રક્ષણ કરવું થાય. આપણા બધાનું તો રક્ષણ ભગવાન શ્રીકૃષ્ણ કરે છે. તું કઈ રીતે ભગવાન શ્રી કૃષ્ણનું રક્ષણ કરવા પહેરો ભરી શકે ? મને લાગે છે તારું આ અજ્ઞાન ક્યારેય દૂર નહીં થાય. તારું અજ્ઞાન દૂર કરવા માટે આપણે સત્સંગ કરવો પડશે. ચાલ આપણે સાથે મળીને સત્સંગ કરીએ અને તારું અજ્ઞાન દૂર કરીએ.
 
આ રીતે દેવર્ષિ નારદે સુદર્શન સાથે અનેક પ્રકારની વાતો કરીને તેનું ધ્યાન ભટકાવી દીધું. આ તકનો લાભ લઈને ચિત્રલેખાએ મહેલમાં પ્રવેશ કરી લીધો. ચિત્રલેખાએ થોડી જ વારમાં અનિરુદ્ધનો કક્ષ શોધી લીધો. ચિત્રલેખાએ યોગવિદ્યાથી અનિરુદ્ધને પલંગ સાથે જ ઉઠાવી લીધા. આમ અનિરુદ્ધ દ્વારકામાંથી ઉષાના મહેલમાં પહોંચી ગયા. સમય જતાં અનિરુદ્ધ અને ઉષા વચ્ચે પ્રેમ થઈ ગયો.
 
આમ ઉષા અને અનિરુદ્ધ છુપાઈ છુપાઈને પ્રેમાલાપ કરવા લાગ્યાં. બંનેનું બ્રહ્મચર્ય પણ તૂટી ગયું હતું. એક દિવસ ઉષા ગર્ભવતી થઈ ગઈ. ગર્ભ રહેવાના કારણે ઉષાના શરી૨માં ફેરફાર થવા લાગ્યા. ઉષાના રાજમહેલના દ્વા૨પાળોએ ઉષાના શરીરના ફેરફારોનું નિરીક્ષણ કરી લીધું હતું. તેથી બધા દ્વા૨૫ાળોને રાજકુમારી ઉષાના ચારિત્ર્ય ૫૨ શંકા ગઈ.
 
દ્વા૨પાળોએ બાણાસુર પાસે જવાનો નિર્ણય લીધો. તેથી એક દ્વારપાળે જઈને બાણાસુરને કહ્યું, હે મહારાજ! અમને એવી શંકા છે કે કોઈ પરપુરુષ રાજકુમારી ઉષાના મહેલમાં આવે છે. અમે તો કાળજીપૂર્વક ચોકીદારી કરીએ જ છીએ, આમ છતાં અમને શંકા છે કે રાજકુમારી ઉષા અને આ પ૨પુરુષ વચ્ચે પ્રેમસંબંધો છે. આપની રાજકુમારી ઉષાની હાલની અવસ્થા જોતા એવું લાગે છે કે તમારા કુળ પ૨ કલંક લાગવાનું છે. આજે જ અમે રાજકુમારી ઉષાના રંગઢંગ અને શરીરમાં અમુક ચિહ્નો જોયાં છે.
 
દ્વારપાળના મુખે આવી વાત સાંભળીને બાણાસુ૨ ખૂબ જ ગુસ્સે થઈ ગયો અને ગભરાઈ પણ ગયો. બાણાસુરે તરત જ તેના સૈનિકોને ઉષાના મહેલમાં તપાસ કરવા મોકલ્યા. સૈનિકોએ ઉષાના મહેલમાં જઈને જોયું તો અનિરુદ્ધ ઉષાના કક્ષમાં હતા. સૈનિકો તરત જ અનિરુદ્ધને પકડવા લાગ્યા. તે સમયે અનિરુદ્ધ પાસે કોઈ હથિયાર કે અસ્ત્ર-શસ્ત્ર ન હતાં. તેથી અનિરુદ્ધ પોતાનો બચાવ કરવા માટે કોઈ પ્રકારનું હથિયાર શોધવા લાગ્યો. અચાનક જ તેણે દરવાજાની ભોગળ ઉઠાવી લીધી. તેમજ અનિરુદ્ધ તે ભોગળથી સૈનિકોને મારવા લાગ્યો. સૈનિકો ઘવાયેલી હાલતમાં રાજા બાણાસુર પાસે પાછા ફર્યા.
 
તેથી બાણાસુર અત્યંત ક્રોધિત થઈ ગયા. તેણે અનિરુદ્ધને નાગપાશમાં બાંધી લીધો. અનિરુદ્ધની આવી ખરાબ હાલત જોઈને ઉષા કરુણ આક્રંદ કરવા લાગી. બીજી ત૨ફ દ્વારકામાં અનિરુદ્ધની શોધખોળ ચાલુ થઈ ગઈ. નારદજીએ ભગવાન શ્રી કૃષ્ણને અનિરુદ્ધના હરણ અને ઉષાના પ્રેમાલાપની વાત કહી જણાવી. તેથી ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામ સેના લઈને બાણાસુર સાથે યુદ્ધ કરવા પહોંચી ગયા. ભગવાન શ્રીકૃષ્ણ અને બાણાસુર વચ્ચે ભયંકર યુદ્ધ થયું. બાણાસુરે પોતાના હજાર હાથમાં અનેક આયુધો ધારણ કરીને ભગવાન તરફ ફેંકવાનું શરૂ કરી દીધું. ભગવાન શ્રીકૃષ્ણે પોતાના સુદર્શન ચક્ર દ્વારા બાણાસુરના બધા હાથ કાપી નાખ્યા.
 
ભગવાન શ્રીકૃષ્ણનો ગુસ્સો જોઈને ભગવાન શંકર તેની પાસે આવ્યા અને કહ્યું, તમે ધર્મની રક્ષા માટે આ અવતાર ધારણ કર્યો છે. આ બાણાસુર મારો ભક્ત છે. તમે જે રીતે પ્રહ્લાદની રક્ષા કરી છે તે રીતે હું પણ મારા ભક્ત બાણાસુરની રક્ષા કરવા આવ્યો છું. કૃપા કરીને બાણાસુરને છોડી દો.
 
ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા, હા, હું બાણાસુરનો વિનાશ નહીં કરું. આ તો મેં તેનું અભિમાન ઉતારવા માટે જ તેના હાથ કાપી નાખ્યા છે.
 
અંતમાં બાણાસુ૨ શ્રીકૃષ્ણના શરણે ગયા. તેણે શ્રીકૃષ્ણને પ્રણામ કર્યા, તેમજ અનિરુદ્ધને છોડી દીધો. બાણાસુરે ઉષા અને અનિરુદ્ધને રથમાં બેસાડીને દ્વારકા રવાના કર્યાં.