વામન અવતાર - વામન ભગવાને બે જ પગલામાં બલિના ત્રણેય લોક લઈ લીધાં...

    28-Oct-2021
કુલ દૃશ્યો |

vamana avatar_1 &nbs
 
 

વામન અવતાર

 
વામન ભગવાને બે જ પગલામાં બલિના ત્રણેય લોક લઈ લીધાં. તેણે બલિને જોઈને પૂું, હું ત્રીજું પગલું ક્યાં મુકું ? તેં મને ત્રણ પગલાનું દાન આપ્યું છે.
 
બલિ પ્રહ્લાદનો પૌત્ર અને વિરોચનનો પુત્ર હતો. તેનો જન્મ દૈત્ય વંશમાં થયો હોવા છતાં, તેની ભગવાન પ્રત્યેની ભક્તિ અનન્ય હતી. તેની ધર્મનિષ્ઠા પણ ગજબની હતી. તે હંમેશા સત્યના માર્ગે ચાલતો. બલિએ શુક્રાચાર્યના આશ્રમમાં જઈને તેની ખૂબ જ સેવા કરી. શુક્રાચાર્યે તેની સેવાથી પ્રસન્ન થઈને એક યજ્ઞનું આયોજન કર્યું. તે યજ્ઞનું નામ અભિજિત યજ્ઞ હતું. આશ્ર્ચર્યની વાત તો એ હતી કે યજ્ઞકુંડમાંથી અનેક કિંમતી વસ્તુઓ પ્રગટ થઈ જેમ કે કવચ, રથ, ધનુષ અને ક્યારેય ન પૂરું થાય તેવું તીરનું તરકસ. બલિના પિતામહે યજ્ઞમંડપમાં જઈને એક એવી માળા આપી કે જેનાં પુષ્પો ક્યારેય ન કરમાય.
બલિએ શ્રદ્ધાપૂર્વક માળા અને કવચ ધારણ કરી લીધાં. તેણે પૃથ્વી અને પાતાળલોક પર પોતાનું આધિપત્ય જમાવી લીધું. તેની પાસે બહુ મોટી અને બળવાન સેના પણ હતી. પૃથ્વી અને પાતાળલોક જીત્યા પછી બલિએ ઇન્દ્રલોક જીતવાનું વિચાર્યું. તે પોતાની વિશાળ સેના લઈને ઇન્દ્રલોક પહોંચી ગયો, તેમજ ચારેબાજુથી ઇન્દ્રલોકને ઘેરી લીધું.
 
બલિના આક્રમણથી દેવરાજ ઇન્દ્ર વ્યાકુળ થઈ ગયા. તેણે પોતાના ગુરુ બૃહસ્પતિ પાસે જઈને પૂછ્યું, ગુરુવ૨! બલિએ પોતાની વિશાળ સેનાથી ઇન્દ્રલોકને ચારેબાજુથી ઘેરી લીધું છે. હવે મારે શું કરવું જોઈએ?
 
દેવગુરુ બૃહસ્પતિએ જવાબ આપ્યો, દેવરાજ! સમય ખૂબ જ બળવાન છે. સમયની સામે બધા જ આધીન છે. આ સમય બલિનો સમય છે. તેની સાથે યુદ્ધ કરવાથી હાર પણ મળશે અને હાનિ પણ થશે; તેથી જ્યાં સુધી સમય ખરાબ છે, ત્યાં સુધી એ જ યોગ્ય છે કે તમે ઇન્દ્રલોક છોડી દો અને બલિ સાથે યુદ્ધ ન કરો. સમય અનુકૂળ થશે એટલે બધું જ આપોઆપ સરખું થઈ જશે.
 
દેવગુરુ બૃહસ્પતિની વાત માનીને દેવરાજ ઇન્દ્રે ઇન્દ્રલોક છોડ્યું. બલિએ ઇન્દ્રલોક ૫૨ પણ પોતાનું આધિપત્ય જમાવી દીધું. આ રીતે બલિ ત્રણેય લોકનો સ્વામી બની ગયો. ત્રણેય લોકમાં તેના નામ અને પ્રતાપનો ડંકો વાગવા લાગ્યો.
 
બલિ જ્યારે ત્રણેય લોકના અધિપતિ બની ગયા ત્યારે શુક્રાચાર્યએ તેને અશ્ર્વમેધ યજ્ઞ કરવાની સલાહ આપી. શુક્રાચાર્યની સલાહથી બલિએ અશ્ર્વમેધ યજ્ઞનું આયોજન કર્યું. મોટા મોટા વિદ્વાન બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા. યજ્ઞ માટે નર્મદા પાસે આવેલ ભૃગુકચ્છ નામની જગ્યા પસંદ કરવામાં આવી. તે જગ્યા યજ્ઞ માટે ઉત્તમ જગ્યા હતી. યજ્ઞ શરૂ થઈ ગયો. મંત્રોના ઉચ્ચારણ સાથે યજ્ઞકુંડમાં આહુતિઓ આપવાનું શરૂ થઈ ગયું.
 
બીજી તરફ બલિએ ઇન્દ્રલોક પર આધિપત્ય જમાવી લીધું હતું તેથી દેવો સંકટમાં મુકાઈ ગયા હતા. તેઓ આમ તેમ ફરતા પોતાનું દુઃખી જીવન વ્યતીત કરતા હતા. દેવમાતા અદિતિને જ્યારે પોતાના પુત્રોની દુખદ પરિસ્થિતિની જાણ થઈ, ત્યારે તેણી પણ દુઃખી થઈ ગયાં. તેણી દિવસ-રાત વિચારવા લાગ્યાં કે એવું તો શું કરવામાં આવે જેથી તેના પુત્રોની મુશ્કેલી દૂર કરી શકાય ?
 
એકવાર અદિતિના મુખ પર નિરાશા અને ચિંતા જોઈને મહર્ષિ કશ્યપે પૂછ્યું, હે અદિતિ! આજકાલ તમારા મુખ ૫૨ હંમેશા નિરાશા અને ચિંતા જ જોવા મળે છે. શું હું આ નિરાશા પાછળનું કારણ જાણી શકું?
 
અદિતિએ જવાબ આપ્યો, સ્વામી! તમે ત્રિકાળજ્ઞાની છો. તમે બધું જ જાણો છો. તો શા માટે અજાણ્યા બનો છો ? આમ છતાં હું તમને જણાવું છું. સાંભળો, દૈત્યોએ મારા પુત્રો પાસેથી રાજ્ય છીનવી લીધું છે. મારા પુત્રો સંકટમાં છે. કૃપા કરીને એવો કોઈ ઉપાય બતાવો જેથી મારા પુત્રોનું સંકટ દૂર થાય.
 
મહર્ષિ કશ્યપ બોલ્યા, અદિતિ! મને બધી જ વાતની ખબર છે. મને પણ તારા પુત્રો માટે સહાનુભૂતિ છે, કારણ કે તેઓ ધર્માત્મા છે અને પુણ્યાત્મા છે. આ સમયે બલિ દૈત્યોનો રાજા છે. તે ભગવાનનો મહાન ભક્ત છે. તેથી હાલમાં ભગવાન સિવાય કોઈપણ બલિને હરાવી ન શકે તેથી તું ભગવાન વાસુદેવના ચરણોમાં જા. તેમની આરાધના કર. હું તને મંત્ર અને નિયમ જણાવું છું. તે જરૂર તારા પુત્રોની મદદ કરશે.
 
મહર્ષિ કશ્યપના કહેવા મુજબ અદિતિ ભગવાનની આરાધના કરવા લાગી. તેણીએ ખૂબ જ નિષ્ઠાથી આરાધના કરી. તેણીએ પુત્રોના કલ્યાણ માટે ખાવા-પીવાનું પણ છોડી દીધું. માત્ર વાયુના આધારે જીવવા લાગી. અદિતિની ભક્તિથી ભગવાન પ્રભાવિત થઈ ગયા. ભગવાન અદિતિની સમક્ષ પ્રગટ થઈને બોલ્યા, અદિતિ! હું તારી પ્રેમ અને ભક્તિથી પ્રસન્ન થયો. બોલ, તારે શું જોઈએ છે ? અદિતિ રડતાં રડતાં બોલવા લાગી, હે પ્રભો! જો તમે મારા પર પ્રસન્ન હો તો મારે બીજું શું જોઈએ? બસ તમારો પ્રેમ અને ભક્તિ આપતા રહો.
 
ભગવાન બોલ્યા, અદિતિ ! હું તારી પીડા જાણું છું. હું બહુ ત્વરાથી તારા ખોળે વામન અવતાર લઈને જન્મીશ. તેમજ તારા પુત્રોને પણ સંકટમાંથી ઉગારી લઈશ.
 
* * *
 
સવારનો સમય હતો. સૂર્યોદય થઈ રહ્યો હતો. પક્ષી મધુર અવાજમાં કલબલાટ કરી રહ્યા હતા. ધીમો ધીમો પવન વાઈ રહ્યો હતો. ભગવાન વાસુદેવ અદિતિના ખોળામાં પ્રગટ થઈ ગયા. તેનું સુંદર શ્યામ શરી૨ હતું. મોટી મોટી આંખો હતી. ચમકતું મુખ હતું. તે જોવામાં જાણે બાળસૂર્ય લાગતા હતા.
 
આ રીતે વામન ભગવાનનો જન્મ થતાં દેવોએ તેમની વંદના કરી. અનેક પ્રકારનાં આયુધ પણ ભેટમાં આપ્યાં. ત્યારબાદ તેનાં માતા-પિતાએ વામનનો ઉપનયન સંસ્કાર કર્યો. પછી વામન ભગવાન તેના માતાનો આશીર્વાદ લઈને નર્મદાના તટ પર જવા નીકળી પડ્યા, જ્યાં બલિનો અશ્ર્વમેધ યજ્ઞ થઈ રહ્યો હતો.
 
વામન જ્યારે નર્મદા તટે પહોંચ્યા ત્યારે બધાએ તેમનું સ્વાગત કર્યું. બલિએ તેમને શ્રદ્ધાપૂર્વક પ્રણામ કરીને પૂું, બ્રહ્મચારીના અનુપમ વેશમાં તમે કોણ છો? એવું લાગે છે જાણે સ્વયં નારાયણ જ યજ્ઞમંડપમાં પધાર્યા હોય. તમારા આગમનથી મને બધાં જ પુણ્યોનું ફળ મળી ગયું. હજુ સુધી યજ્ઞ સમાપ્ત નથી થયો આમ છતાં મને યજ્ઞનું ફળ મળી ગયું હોય તેવું અનુભવાય છે. તમે અહીં આવીને મારું જીવન ધન્ય કરી નાખ્યું.
 
આટલું કહીને બલિએ વામનને સુંદર આસન પર બેસાડયા. તેમજ તેમના ચરણ ધોયા. થોડીવાર પછી બલિએ પૂછ્યું, જરૂરથી તમે કોઈ કારણોસર અહીં આવ્યા છો. તમે જે ઇચ્છો તે માંગી શકો છો. હું તમને બધું જ આપી શકીશ.
 
વામન ભગવાને કહ્યું, હે મહારાજ ! તમે જે કંઈ બોલ્યા, તે તમારી કુળની પરંપરા મુજબ જ બોલ્યા છો. તમારા પિતામહ પ્રહ્લાદ દાની અને ધર્માત્મા હતા. તમારા પિતા વિરોચન પણ ઉત્તમ દાની હતા. તમે પોતે પણ ધર્માત્મા અને પુણ્યાત્મા છો. હું બ્રહ્મચારી છું. મારે ધન કે વૈભવની લાલસા નથી. હું માત્ર ત્રણ પગલાં ધરતીના તમારી પાસે માંગવા ઇચ્છું છું. તેથી જ હું અહીં આવ્યો છું.
 
બલિએ નમ્રતાથી કહ્યું, તમે નાના બાળક જેવી માંગણી કરી. હું ત્રણેય લોકનો સ્વામી છું. તમારે સોનું, ચાંદી, હીરા અને મોતી માંગવાની જરૂર હતી. તમે માત્ર ત્રણ પગલાં ધરતી જ માંગી? મને તમારી ઇચ્છા પર હસવું આવે છે.
 
વામન ભગવાને ગંભીર થઈને કહ્યું, મહારાજ બલિ! જરૂર કરતાં વધુ ન માંગવું જોઈએ. મારે માત્ર ત્રણ પગલાં જેટલી જ પૃથ્વીની જરૂર છે.
 
બલિ બોલ્યા, ઠીક છે. તમે ત્રણ પગલાં પૃથ્વી લઈ લો. જેવા બલિ ત્રણ પગલાં પૃથ્વી આપવાનો સંકલ્પ કરી રહ્યા હતા ત્યાં જ શુક્રાચાર્યએ તેને રોકી લીધા અને કહ્યું, થોભી જા બલિ ! આ વામન અવતારમાં સાક્ષાત્ વિષ્ણુ આવ્યા છે. તે ત્રણ પગલાંમાં તારાં ત્રણેય લોક લઈ લેશે. તે દેવોને મદદ કરવા અહીં આવ્યા છે. તું ભિક્ષુક બનીને રસ્તા પર આવી જઈશ.
 
બલિએ જવાબ આપ્યો, હે ગુરુવ૨! મેં આજ સુધીમાં ક્યારેય કોઈને ના નથી પાડી. ભલે આ બ્રહ્મચારી સ્વયં વિષ્ણુ હોય. ભલે તે ત્રણ પગલાંમાં મારાં ત્રણેય લોક લઈ જાય. ભલે હું ભિક્ષુક બની જાઉં. આમ છતાં હું તેને ત્રણ પગલાં ધરતીનું દાન કરીશ. મારા માટે મહત્ત્વની વાત એ છે કે સ્વયં ભગવાન વિષ્ણુ મારા યજ્ઞમંડપમાં પધાર્યા છે.
 
શુક્રાચાર્યની વાત બલિ ન માન્યા. તેથી તે યજ્ઞમંડપ છોડીને ચાલ્યા ગયા અને તેને શ્રાપ આપતા ગયા કે બલિનું તેજ ક્ષીણ થઈ જશે. બલિએ ત્રણ પગલાં દાન આપતાં જ વામન ભગવાને વિરાટ રૂપ ધારણ કરી લીધું. એટલું વિરાટ રૂપ જાણે તેમાં આખું બ્રહ્માંડ સમાઈ જાય. વામન ભગવાને બે જ પગલામાં બલિના ત્રણેય લોક લઈ લીધાં. તેણે બલિને જોઈને પૂું, હું ત્રીજું પગલું ક્યાં મુકું ? તેં મને ત્રણ પગલાનું દાન આપ્યું છે.
 
બલિ બોલ્યા, તમે બે પગલામાં મારી પાસેની બધી જ ધરતી લઈ લીધી. હવે મારી પાસે ધરતી નથી. તેથી તમે મારા મસ્તક ૫૨ ત્રીજું પગલું મૂકી દો. ભગવાન વામન બલિની પ્રેમ અને ભક્તિથી પ્રસન્ન થઈ ગયા. તે બોલ્યા, હે બલિ ! હું તને પાતાળલોક સોંપી રહ્યો છું. તારા વંશજો પણ પાતાળલોક પર રાજ કરશે.
 
આ રીતે ભગવાને વામન અવતાર ધારણ કરીને અદિતિનું અને તેના પુત્રોનું દુઃખ દૂર કરી દીધું. સ્વર્ગ પર દેવો રાજ કરવા લાગ્યા. ભગવાન આ જ રીતે ધર્મની અને સજ્જનોની રક્ષા માટે જન્મ લે છે, કારણ કે તેમને ધર્મ પ્રિય છે, તેમજ તેનાથી પણ પ્રિય ધર્મનું આચરણ કરનાર મનુષ્ય છે.