શ્રીકૃષ્ણના પરમ ભક્તો : વિદુરજી અને ઉદ્ધવ

    28-Oct-2021
કુલ દૃશ્યો |

vidur ji_1  H x
 
ધૃતરાષ્ટ વિદુરજીની વાત સમજવાને બદલે ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, તમે તો દાસીપુત્ર છો. તમે મારું અન્ન ખાઓ છો, છતાં મને જ શિખામણ આપવા આવી ગયા? હું મારા પુત્ર દુર્યોધનને જ સાથ આપીશ.
 
મહાભારતના યુદ્ધ પહેલાંની વાત છે. યુદ્ધને ટાળવાના હેતુથી ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોના દૂત બનીને હસ્તિનાપુર ગયા. ધૃતરાષ્ટ રાજાએ તો શ્રી કૃષ્ણના સ્વાગત માટે અનેક પ્રકારની તૈયારીઓ કરી રાખી હતી. શ્રી કૃષ્ણના આવવાની આનંદમાં આખું હસ્તિનાપુર શણગારવામાં આવ્યું હતું. જેવો ભગવાન શ્રી કૃષ્ણનો ૨થ હસ્તિનાપુરમાં પ્રવેશ્યો કે તરત જ બધા નગરજનો તેના દર્શન માટે દોડવા લાગ્યા. રાજા ધૃતરાષ્ટે શ્રી કૃષ્ણનું સ્વાગત કર્યું. શ્રી કૃષ્ણે પાંડવો વતી રાજા સાથે ચર્ચા કરવાનું શરૂ કર્યું. ત્યારે રાજા બોલ્યા, તે ભાઈઓના ઝઘડામાં તમે ન પડો. તમે આરામથી ભોજન ગ્રહણ કરો. મેં તમારા માટે છપ્પનભોગ બનાવડાવ્યા છે.
 
શ્રી કૃષ્ણે જવાબ આપ્યો, હું અહીં પાંડવોના દૂત તરીકે આવ્યો છું. તેમજ હું આજે તમારા છપ્પન ભોગને પણ ગ્રહણ નહીં કરી શકું. કારણ કે મારે મારા એક ભક્તના ઘરે જમવા જવાનું છે.
 
શ્રી કૃષ્ણે રાજા ધૃતરાષ્ટ અને દુર્યોધન સાથે ચર્ચા પૂરી કરીને સારથિને તેના ભક્ત વિદુરના ઘરે લઈ જવાનો આદેશ આપ્યો. શ્રી કૃષ્ણના ભક્ત વિદુરજી એક નાની એવી ઝૂંપડીમાં રહેતા હતા. વિદુરજીની પત્નીનું નામ સુલભા હતું. વિદુરજી અને સુલભા સાથે મળીને ભગવાન શ્રી કૃષ્ણનાં ભજન કીર્તન ગાઈ રહ્યાં હતાં. તેઓને એ વાતની ખબર નહોતી કે જેના તેઓ કીર્તન ગાઈ રહ્યા છે તે ભગવાન શ્રી કૃષ્ણ તેના ઘર આંગણે જ ઊભા છે. ભગવાન શ્રી કૃષ્ણે વિદુરજીની ઝૂંપડીએ પહોંચીને દરવાજો ખખડાવ્યો. વિદુરજીએ દરવાજો ખોલ્યો. તેણે જોયું કે શંખ, ચક્ર, ગદા, પદ્મ અને સુંદર વસ્ત્રો ધારણ કરીને ભગવાન શ્રી કૃષ્ણ ઊભા છે. વિદુરજી ભગવાન શ્રી કૃષ્ણને જોઇને એટલા આનંદિત થઈ ગયા કે તે ભગવાનનું સ્વાગત કરવાનું પણ ભૂલી ગયા. તેથી ભગવાન જાતે આસન ગ્રહણ કરીને વિદુરજી પાસે બેસી ગયા. થોડીવાર પછી ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે વિદુરજી! મને ખૂબ જ ભૂખ લાગી છે. મને કંઈક ખાવાનું આપો. વિદુરજી બોલ્યા, તમે દુર્યોધનને ત્યાં છપ્પનભોગ ખાઈને નથી આવ્યા ?
 
શ્રી કૃષ્ણ બોલ્યા, હે વિદુરજી ! જે ઘરનું તમે કંઈ ખાતા-પીતા ન હો તે ઘરનું હું કઈ રીતે ખાઈ પી શકું? તેથી વિદુરજીએ ભગવાન શ્રી કૃષ્ણને તાંદળજાની ભાજી ખવડાવી. ભગવાન શ્રી કૃષ્ણને વિદુરજીની ભક્તિ અને પ્રેમને કારણે ભાજીમાં પણ છપ્પનભોગનો જ સ્વાદ મળ્યો. શ્રી કૃષ્ણ વિદુરજીને મળીને પોતાના ધામ પાછા ફર્યા. બીજી તરફ વિદુરજીએ વિચાર્યું, જો ભગવાન શ્રી કૃષ્ણે ધૃતરાષ્ટના ઘરનું પાણી પણ ન પીધું હોય, તો જરૂરથી હવે તે કૌરવોનો વિનાશ કરશે. મારે પણ એકવાર ધૃતરાષ્ટને સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.
 
તેથી વિદુરજી ધૃતરાષ્ટને મળવા ગયા અને તેને સમજાવતાં બોલ્યા, હે ધૃતરાષ્ટ ! તમે યુધિષ્ઠિરને તેનો રાજ્યભાગ આપી દો. પાંડવો કૌરવોના અત્યાચા૨ને પણ સહન કરે છે. યુદ્ધ ન જ કરવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ પણ તમને પાંડવો વતી એ જ સમજાવવા આવ્યા હતા. તમે ભગવાન શ્રી કૃષ્ણની પણ વાત ન માની. તમે જાણો જ છો કે શ્રી કૃષ્ણ યાદવકુળના ઉત્તમ યાદવ છે. તે પણ પાંડવોના પક્ષમાં છે. દેવરાજ ઇન્દ્ર પણ તેમને પૂજે છે. તમે તમારા અધર્મી પુત્ર દુર્યોધનની વાત જ સાંભળી રહ્યા છો. જો તમે દુર્યોધનનું માનતા રહેશો તો વિનાશ સર્જાશે.
 
ધૃતરાષ્ટ વિદુરજીની વાત સમજવાને બદલે ક્રોધિત થઈ ગયા અને બોલ્યા, તમે તો દાસીપુત્ર છો. તમે મારું અન્ન ખાઓ છો, છતાં મને જ શિખામણ આપવા આવી ગયા? હું મારા પુત્ર દુર્યોધનને જ સાથ આપીશ. ત્યારબાદ ધૃતરાષ્ટે વિદુરજીને હસ્તિનાપુરમાંથી કાઢી મૂકવાનો આદેશ આપ્યો. ધૃતરાષ્ટનાં કડવા વચનો સાંભળવા છતાં વિદુરજી હતાશ ન થયા. તેઓ જાણતા હતા કે ધૃતરાષ્ટનાં આવાં વચનોમાં માયાનો પ્રભાવ છે. તેની બુદ્ધિ બગડી ગઈ છે. આમ તો વિદુરજી પાસે એવી શક્તિ હતી કે જો તે ગુસ્સામાં દુર્યોધનની સામે જુએ તો દુર્યોધન તરત જ બળીને ભસ્મ થઈ જાય આમ છતાં વિદુરજી અધર્મી દુર્યોધન ૫૨ ગુસ્સે ન થયા.
 
અંતમાં વિદુરજીએ ઘર ત્યાગવાનો નિર્ણય લીધો. વિદુરજી ઘરનો ત્યાગ કરીને તીર્થયાત્રા પર નીકળી ગયા. તેઓ પોતાની પાસે હંમેશા રાજપુરુષના ચિહ્નસ્વરૂપ ધનુષ્યને રાખતા. વિદુરજીએ ભગવાન શ્રીહરિનાં અનેક તીર્થોમાં ભ્રમણ કર્યું. તે દરરોજ જમીન ૫૨ જ શયન કરતા. વિદુરજીએ એક અવધૂત જેવો વેશ ધારણ કરી લીધો હતો. તે હંમેશા શ્રીહરિને પ્રસન્ન કરવા માટે અનેક પ્રકારના વ્રતો કરતા રહેતા. એવું કહેવાય છે કે વિદુરજીએ છત્રીસ વર્ષો સુધી તીર્થયાત્રા કરી હતી.
 
વિદુરજીએ સરસ્વતી નદી ૫૨ ત્રિત, શુક્રાચાર્ય, મનુ, પૃથુ, અગ્નિ, અસિત, વાયુ, સુદાસ, ગોતીર્થ, કાર્તિક સ્વામી અને શ્રાદ્ધદેવ એમ અગિયાર તીર્થોના દર્શન કર્યાં હતાં. ત્યારબાદ વિદુરજી ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા કરતા એકવાર યમુના નદીના કિનારે પહોંચી ગયા. ત્યાં વિદુરજી ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત ઉદ્ધવને મળ્યા.
 
ઉદ્ધવજી પાંચ વર્ષના હતા ત્યારથી ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત હતા. તેઓ નાનપણથી શ્રી કૃષ્ણની લીલાઓ જાણીને તેમના જેવી લીલાઓ કરવાનો પ્રયત્ન કરતા. વિદુરજી જ્યારે ઉદ્ધવજીને મળ્યા ત્યારે તેમણે પૂછ્યું, હે ઉદ્ધવજી! ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ કુશળ મંગળ તો છે ને? ઉગ્રસેન, શ્રી કૃષ્ણના પુત્ર સામ્બ, સાત્યકિ, વિદ્વાન અક્રૂર, દેવકીજી અને અન્ય કુટુંબીઓ કુશળ તો છે ને?
 
થોડીવાર પછી વિદુરજીને પાંડવો યાદ આવતાં તેણે ફરીથી પૂછ્યું, હે ઉદ્ધવ! ધર્મરાજ યુધિષ્ઠિર ધર્મની મર્યાદાનું રક્ષણ કરે છે? શું ભીમસેને તેના ક્રોધનો ત્યાગ કરી દીધો છે? અતિ બુદ્ધિમાન અર્જુન, નકુલ અને સહદેવ કુશળ તો છે ને? મારો ભાઈ ધૃતરાષ્ટ હજુ જીવે છે, પણ મને તેના પર દયા આવે છે. કારણ કે તેણે પોતાના ભાઈ પાંડુના પુત્રો સાથે યુદ્ધ થવા દીધું. મને પણ હસ્તિનાપુરમાંથી કાઢી મૂક્યો. પરંતુ હું તો આ બાબતને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા જ સમજુ છું. ભગવાન શ્રી કૃષ્ણ મારા ઘરે પધાર્યા તે પહેલાં દુર્યોધન અને ધૃતરાષ્ટને સમજાવવા જ ગયા હતા. ભગવાન શ્રી કૃષ્ણની ઇચ્છા હોત તો તેમણે ત્યારે જ દુર્યોધનને મારી નાખ્યો હોત. પણ ભગવાન શ્રી કૃષ્ણની લીલાને સમજવી અઘરી છે. તેમને સમજવા અઘરા છે. ભગવાન શ્રી કૃષ્ણ તો અજન્મા છે. તમે મને જણાવો ને બધા કુશળ મંગળ છો ને ?
 
ઉદ્ધવજી બોલ્યા, હે વિદુરજી ! ભગવાન શ્રી કૃષ્ણ તો તેની લીલા સંકેલીને પોતાના ધામમાં પહોંચી ગયા. હું હજુ સુધી ભગવાન શ્રી કૃષ્ણના અંતિમ દર્શનનું દૃશ્ય ભૂલી શક્યો નથી. દુર્ભાગી યાદવો ક્યારેય ભગવાન શ્રી કૃષ્ણને સમજી શક્યા નહીં. તેઓ ક્યારેય ભગવાન શ્રી કૃષ્ણના સાચા રૂપને ઓળખી શક્યા નહીં.
 
આટલી વાત કરીને ઉદ્ધવજીએ વિદુરજીને ભગવાન શ્રી કૃષ્ણની અનેક નાનપણની લીલાઓ વિશે સંભળાવ્યું. જેમ કે યમુના નદીના કિનારે ભગવાન શ્રી કૃષ્ણની કાલીય-નાગની લીલા, ભગવાન શ્રી કૃષ્ણની તેના ગુરુ સાંદીપનિ સાથેની લીલા, કંસવધની લીલા, જરાસંધ સાથેના યુદ્ધની લીલા - આવી તો અનેક લીલાઓનું ઉદ્ધવજીએ વર્ણન કર્યું.
 
અંતમાં ઉદ્ધવજી બોલ્યા, તમારે તત્વજ્ઞાન મેળવવા માટે મૈત્રેય ઋષિ પાસે જવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણે પોતાનું શરી૨ ત્યજતા પહેલાં મને તમને ઉપદેશ આપવાની આજ્ઞા કરી હતી. તેથી જ હું તમને મળ્યો. હવે કૃપા કરીને તમે મૈત્રેય ઋષિ પાસે જાવ. વિદુરજી રડવા લાગ્યા અને બોલ્યા, હું કેટલો ભાગ્યશાળી છું. ભગવાને મને ખરેખર યાદ કર્યો હતો તે જાણીને મારું જીવન ધન્ય થઈ ગયું. મને એ વાતની ખાતરી થઈ ગઈ કે ભગવાન શ્રી કૃષ્ણ મારા જેવા નાના ભક્તને પણ ભૂલતા નથી. બીજા દિવસે વિદુરજી યમુના નદીમાં સ્નાન કરીને ફરીથી તીર્થયાત્રા પર નીકળી ગયા.