વસુદેવ અને દેવકીનાં લગ્ન

    28-Oct-2021
કુલ દૃશ્યો |

vasudev_1  H x
 
 
કંસે અચાનક જ રથ રોકી દીધો. તે હાથમાં ખડગ લઈને ૨થ પરથી નીચે ઊતરી ગયો. તેણે વસુદેવને કહ્યું, હે વસુદેવ ! હમણાં જે આકાશવાણી થઈ તે તમે સાંભળી ?
 
દાનવો મોટાભાગે દેવોની સામે યુદ્ધમાં હારી જ જતા. તેથી તેઓએ એક નવો રસ્તો અપનાવ્યો. તે રાજાના રૂપમાં પૃથ્વી પર જન્મ લેતા અને ઋષિઓ અને મુનિઓને હેરાન કરતા. તેઓ યજ્ઞમાં પણ અનેક પ્રકારની મુશ્કેલીઓ ઊભી કરતા. તેથી પૃથ્વી ૫૨ ચારેબાજુ અધર્મનું વાતાવરણ ફેલાઈ ગયું. ચારેબાજુ અત્યાચાર થવા લાગ્યો. પૃથ્વી આ અત્યાચાર અને અધર્મથી હેરાન થઈ ગઈ. તેથી પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરીને દેવો પાસે ગઈ. પૃથ્વી રડતાં રડતાં દેવો પાસે જઈને બોલી, હું આ પાપ અને અધર્મથી દુખી થઈ ગઈ છું. મારી રક્ષા કરો.
 
તેથી દેવો ગાયરૂપી પૃથ્વીને લઈને બ્રહ્માજી પાસે ગયા. તેઓએ બ્રહ્માજીને જણાવ્યું કે પૃથ્વી પર અનેક દાનવોએ જન્મ લઈ લીધો છે. આ દાનવો ભક્તો, સંતો અને ધર્મપ્રેમીઓને હેરાન કરી રહ્યા છે. જો આ દાનવોને સજા કરવામાં નહીં આવે, તો ધર્મનો નાશ થઈ જશે. આ વાત સાંભળીને બ્રહ્માજી ગાયરૂપી પૃથ્વીને લઈને ભગવાન વિષ્ણુ પાસે ગયા. બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી. તેથી ભગવાન વિષ્ણુ બોલ્યા, હે દેવો અને પૃથ્વી ! મને તમારા દુ:ખ અને ચિંતા વિશે જાણ છે જ. હું પૃથ્વીના દુ:ખને દૂર કરવા માટે બહુ જલદીથી વાસુદેવની પત્ની દેવકીના ગર્ભમાં જન્મ લઈશ. મારું નામ કૃષ્ણ હશે. હું જન્મ લઈને તરત જ ગોકુળ ચાલ્યો જઈશ. હું ગોકુળમાં અનેક બાળલીલાઓ કરીશ અને કંસનો વધ કરીને પૃથ્વી પરનો ભાર ઓછો કરી નાખીશ.
 
ભગવાન શ્રી વિષ્ણુની વાત સાંભળીને બ્રહ્માજી, દેવો અને પૃથ્વીના હૈયામાં ધરપત થઈ. બધાં પોતપોતાના લોકમાં પાછાં ફર્યાં. તેમજ બધા દેવો અને પૃથ્વી ઉત્સાહથી ભગવાનના અવતારની રાહ જોવા લાગ્યાં. તે દિવસોમાં મથુરામાં ઉગ્રસેન નામના રાજા રાજ્ય કરતા. ઉગ્રસેન સાધુ પ્રકૃતિના માનવી હતા, પરંતુ ઉગ્રસેનનો પુત્ર કંસ અત્યાચારી અને અધર્મી હતો. તેણે ઉગ્રસેન સાથે બળજબરી કરીને રાજ્ય પોતે સંભાળી લીધું હતું, તે બધા જ ભક્તો, સંતો અને ધર્મપ્રેમીઓ પર અત્યાચાર કરતો. મથુરાવાસીઓ તેના અત્યાચારથી ત્રાહિમામ્ પોકારી ગયા હતા.
 
ઉગ્રસેનના નાના ભાઈનું નામ દેવક હતું. દેવકની એક પુત્રી હતી. તેનું નામ દેવકી હતું. ગર્ગમુનિની સલાહથી દેવકીનાં લગ્ન શૂરસેનના પુત્ર વસુદેવ સાથે કરવામાં આવ્યા હતા. લગ્ન બાદ વસુદેવ તેની પત્નીની સાથે રથ પર બેસીને પોતાની ઘરે જઈ રહ્યા હતા. કંસ રથ ચલાવી રહ્યો હતો. તે ખૂબ જ પ્રેમથી પોતાની બહેનને સાસરે મૂકવા જઈ રહ્યો હતો. કંસ યમુના નદીના કિનારાના રસ્તા પર રથ ચલાવી રહ્યો હતો. જ્યારે રથ મથુરાની સીમાથી થોડો જ દૂર હતો, ત્યારે કંસને એક આકાશવાણી સંભળાઈ, હે કંસ ! આજે તું જે પ્રેમથી પોતાની બહેનને સાસરે મૂકવા જઈ રહ્યો છે, તે જ બહેનના ગર્ભથી જન્મેલ આઠમો પુત્ર તારો કાળ બનશે.
 
આકાશવાણી સાંભળીને કંસ આશ્ર્ચર્યચકિત થઈ ગયો, અરે આ શું ? દેવકીના ગર્ભથી જન્મેલ આઠમો પુત્ર મારો કાળ બનશે? આ આકાશવાણી ક્યારેય સાચી પડવી ન જોઈએ.
 
કંસે અચાનક જ રથ રોકી દીધો. તે હાથમાં ખડગ લઈને ૨થ પરથી નીચે ઊતરી ગયો. તેણે વસુદેવને કહ્યું, હે વસુદેવ ! હમણાં જે આકાશવાણી થઈ તે તમે સાંભળી ?
 
વસુદેવે જવાબ આપ્યો, હા, મેં આકાશવાણી સાંભળી. પરંતુ તમે મને શા માટે પૂછી રહ્યા છો?
 
કંસ બોલ્યો, વસુદેવ ! આકાશવાણી મુજબ દેવકીના ગર્ભમાંથી જન્મેલ આઠમો પુત્ર મારો કાળ બનશે. આટલું બોલીને કંસ ઊંડા વિચારોમાં ડૂબી ગયો. વસુદેવ ધ્યાનથી કંસને સમજવાનો પ્રયત્ન કરવા લાગ્યા.
 
થોડીવાર પછી કંસ બોલ્યો, જો દેવકીનો આઠમો પુત્ર મારો કાળ બનવાનો હોય તો હું દેવકીને જીવતી ન રાખી શકું. વસુદેવ ચિંતિત થઈને બોલ્યા, આ તમે શું કહી રહ્યા છો? દેવકી તમારી નાની બહેન છે. શું તમે તમારી નાની બહેનનો વધ કરી નાખશો ?
કંસ ગુસ્સે થઈને બોલ્યો, વસુદેવજી ! જેના ગર્ભનો આઠમો પુત્ર મારા જીવનનો કાળ બનવાનો હોય, તે સ્ત્રી મારી બહેન કઈ રીતે હોઈ શકે? તેણી તો મારી શત્રુ કહેવાય. હું તેણીને ક્યારેય જીવતી ન રાખી શકું. જો દેવકી જ જીવતી નહીં હોય તો તેના ગર્ભમાંથી જન્મેલ આઠમો પુત્ર મારો કાળ કઈ રીતે થઈ શકે?
 
કંસે ગુસ્સાથી ખડગ ઉગામ્યું. વસુદેવે તેની સામે જોઈને કહ્યું, હે કુમા૨ ! શું તમે એ બહેનનો વધ કરી નાખશો જેના હાથ અને પગની મહેંદીનો રંગ પણ હજુ નથી ગયો ? સંસારના લોકો તમારા વિશે શું કહેશે કુમા૨?
 
કંસ દૃઢતાથી બોલ્યો, હા, વસુદેવ! હું મારી બહેન દેવકીને જીવતી નહીં જ રહેવા દઉં. સંસારના લોકો કંઈપણ કહે, મને તેની કોઈ પરવા નથી.
 
કંસ દેવકીનો વધ કરવા માટે દૃઢ હતો. તેથી વસુદેવ કોઈ ઉપાય વિચારવા લાગ્યા. થોડીવાર પછી વસુદેવ બોલ્યા, હે રાજન! તમારો કાળ દેવકી નથી. તમારો કાળ દેવકીનો પુત્ર છે. તેથી તમે દેવકીનો વધ ન કરો. હું તમને વચન આપું છું કે દેવતીના ગર્ભમાંથી જેટલા પુત્રો જન્મશે તે બધા જ પુત્રો હું તમને આવીને આપી દઈશ. તમે તે દરેક પુત્રની હત્યા કરીને પોતાની ઇચ્છા પૂરી કરી શકો છો.
 
કંસને એ વાતની ખબર હતી કે વસુદેવ તેના વચનના પાક્કા વ્યક્તિ છે. આમ છતાં કંસ જાણે વસુદેવ પર ઉપકાર કરતો હોય તેમ બોલ્યો, વસુદેવજી ! હું તમારી વાત પર વિશ્ર્વાસ રાખીને દેવકીને છોડી દઉં છું. પરંતુ જો તમે તમારું વચન ન નિભાવ્યું તો મહાઅનર્થ થશે.
 
વસુદેવે પણ દૃઢતાથી કહ્યું, હે રાજન! મારા પર વિશ્ર્વાસ રાખો. એવું ક્યારેય નહીં થાય. હું મારું વચન ક્યારેય નહી તોડું. હું જરૂર દેવકીના ગર્ભમાંથી જન્મેલ દરેક બાળક તમને સોંપી દઈશ.
 
આમ તો કંસને વસુદેવની વાત પર વિશ્ર્વાસ હતો આમ છતાં તેણે દેવકી અને વસુદેવને નજરકેદ કરી દીધાં. તેમજ તેમને ત્યાં પોતાના સૈનિકોને બેસાડી દીધા. થોડા સમય બાદ દેવકીના ગર્ભથી પહેલા પુત્રનો જન્મ થયો. વસુદેવ તરત જ પહેલો પુત્ર લઈને કંસને સોંપી આવ્યા. કંસ વસુદેવની સત્યનિષ્ઠા ૫૨ પ્રસન્ન થયો. પરંતુ કંસે તેના પહેલા પુત્રનો વધ કરતા વિચાર્યું કે વસુદેવનો પહેલો પુત્ર તો તેનો કાળ નથી, તો શા માટે તેના પહેલા પુત્રને મારવો જોઈએ ?
 
તેથી કંસે વસુદેવના પહેલા પુત્રનો વધ ન કર્યો. કંસે વસુદેવને તેનો પહેલો પુત્ર પાછો આપી દીધો. જ્યારે કંસે વસુદેવને પહેલો પુત્ર પાછો આપી દીધો, ત્યારે દેવર્ષિ નારદ કંસ પાસે ગયા અને તેને સમજાવતાં બોલ્યા, તમે વસુદેવને પહેલો પુત્ર આપીને સારું કામ કર્યું નથી. કોને ખબર વસુદેવનો પહેલો પુત્ર જ તેનો આઠમો પુત્ર હોય? જો તમે આઠ ગણવાનું શરુ કરો તો બની શકે ને કે આઠમો અથવા આઠ પહેલાંનો પુત્ર તમારો કાળ હોય.
 
દેવર્ષિ નારદની વાત સાંભળીને કંસ વિચારમાં પડી ગયો. તેથી તેણે વસુદેવને પોતાનો પહેલો પુત્ર લઈને પાછા બોલાવ્યા. કંસે વસુદેવના પહેલા પુત્રની હત્યા કરી નાખી. એટલું જ નહીં કંસે તો દેવકી અને વસુદેવને મથુરાની જેલમાં બંધ કરી દીધાં. તેમજ કંસે બંનેના હાથમાં કડાં પણ પહેરાવી દીધાં. કંસના પિતા ઉગ્રસેને દેવકી અને વસુદેવને જેલમાં ન રાખવાં જોઈએ, એ બાબતે ખૂબ જ વિરોધ કર્યો. આમ છતાં કંસ તેના પિતાની વાત ન માન્યો. કંસે પોતાના પિતા ઉગ્રસેન પાસેથી રાજ્ય તો છીનવી જ લીધું હતું, હવે તેમને પણ જેલમાં પૂરી દીધા. કંસ ઉગ્રસેનને જેલમાં પૂરીને તેના પર પણ અત્યાચાર કરવા લાગ્યો. કંસે મથુરામાં દરેક પ્રકારના પૂજા-પાઠ બંધ કરાવી દીધાં. કંસે પોતાની જાતને ભગવાન ઘોષિત કરી દીધી. તે સમયે મથુરામાં કંસથી બધા ખૂબ જ ડરતા. તેથી કોઈપણ વ્યક્તિ ક્યારેય કંસનો વિરોધ ન કરતું.
 
પરંતુ કહેવાય છે ને કે દરેક પાપી અને અધર્મીના વિનાશનો અંત આવે જ છે. તે જ રીતે કંસના વિનાશ રૂપે ભગવાન શ્રી કૃષ્ણે જન્મ લીધો. ભગવાન શ્રી કૃષ્ણે કંસનો વધ કર્યો. તેમજ મથુરાને કંસના અત્યાચારોથી મુક્ત કરી. આમ ભગવાન વિષ્ણુએ કહ્યું હતું, તે મુજબ તેમણે બધા દેવો અને પૃથ્વીના દુખનો અંત આણ્યો.