જડભરતની કથા - હું સજા અને ઈનામથી ૫૨ છું. સજાની આપવાની વાત તો બાજુ પર રહી, તમે મને અડી પણ ન શકો.

    28-Oct-2021
કુલ દૃશ્યો |
 
Jad Bharat Katha_1 &
 

જડભરતની કથા Jad Bharat Katha in Gujarati

 
 
તમે શરીરને સજા આપી શકશો, મને નહીં. હું શરીર નથી. હું આત્મા છું. હું સજા અને ઈનામથી ૫૨ છું. સજાની આપવાની વાત તો બાજુ પર રહી, તમે મને અડી પણ ન શકો.
 
રાજર્ષિ ભરતે જ્યારે હરણરૂપી શરીરનો ત્યાગ કરી દીધો ત્યારે પછીના જન્મમાં તેને બ્રાહ્મણનું શરી૨ પ્રાપ્ત થયું. બ્રાહ્મણનું શરીર પ્રાપ્ત કરતી વખતે પણ ભરતને પોતાના પાછલા જન્મોનું જ્ઞાન હતું. તેણે વિચાર્યું, આ જન્મમાં કોઈ મુશ્કેલીઓ કે સંકટ નથી જોઈતાં. તેથી પહેલેથી જ સજાગ બની જવું જોઈએ. તે પોતાના કુટુંબીજનો સાથે પાગલ જેવું વર્તન કરવા લાગ્યા, જેથી તેના કુટુંબીઓને એવું લાગે કે ભરતના મગજમાં કંઈક તકલીફ છે.
 
જડભરતના પિતા તેને પંડિત બનાવવા માંગતા હતા. પરંતુ અનેક પ્રયત્નો કરવા છતાં ભરત એક પણ શ્ર્લોક પણ યાદ રાખી શકતો નહીં. તેથી તેના પિતાએ ભરતને જડ અને મૂર્ખ સમજી લીધો. પિતાના મૃત્યુ બાદ ભરતની માતાનું પણ મૃત્યુ થઈ ગયું. ભરતના કુટુંબમાં હવે માત્ર તેના ભાઈ અને ભાભી જ બચ્યાં. ભાઈ અને ભાભી પણ જડભરત સાથે ખૂબ જ ખરાબ વર્તન કરતાં. તેથી જડભરત મજૂરીનું કામ કરતા. જે કંઈપણ મળે તે ખાઈ લેતા, જ્યાં જગ્યા મળે ત્યાં સૂઈ જતા. તેના માટે સુખ-દુઃખ, માન-સમ્માન બધું જ સરખું હતું.
 
એકવા૨ ભરતના ભાઈઓએ વિચાર્યું કે ભરતના કારણે તેની પ્રતિષ્ઠા ઘટી રહી છે, તેથી તેણે ભરતને ખેતીકામ સોંપી દીધું. જડભરત દિવસ રાત ખેતરની દેખરેખ કરતા. તે શરીરથી ખૂબ જ સ્વસ્થ હતા.
 
એ જ દિવસોમાં એકવાર એક ડાકુ સંતાનપ્રાપ્તિ માટે ભદ્રકાલીને મનુષ્યની બલી દેવા જઈ રહ્યો હતો. પરંતુ જ્યારે બલીનો સમય આવ્યો ત્યારે તે મનુષ્ય ડરીને ભાગી ગયો. તેથી ડાકુએ તેના સાથીઓને બીજો મનુષ્ય બલી માટે શોધી લાવવાનું કહ્યું. તેથી ડાકુના સાથીઓ બલી માટે મનુષ્યની શોધમાં નીકળી પડ્યા. ફરતા ફરતા તેની નજર ભરત પર પડી. ડાકુના સાથીઓએ ભરતને પકડી લીધો.
 
ડાકુએ ભરતનું ખૂબ જ સુંદર ભોજન જમાડ્યું. પછી તેને માળા પહેરાવીને ભદ્રકાલીની સામે બેસાડી દીધા. જેવું ડાકુએ ખડગ ઉપાડ્યું એટલે તરત જ એક હુંકાર સાથે દેવી પ્રકટ થઈ ગયા. તેણે ડાકુ પાસેથી ખડગ છીનવી લીધું. તેમજ તે જ ખડગથી ડાકુનું મસ્તક કાપી નાખ્યું. જડભરત ફરીથી ખેતરમાં જઈને બેસી ગયા, તેમજ ખેત૨ની સંભાળ રાખવા માંડ્યા.
 
એક દિવસ રાજા રહૂગણ પાલખી પર બેસીને આત્મજ્ઞાનની શિક્ષા મેળવવા માટે કપિલ મુનિ પાસે જઈ રહ્યા હતા. રસ્તામાં પાલખીના એક સેવકનું મૃત્યુ થઈ ગયું. તેથી રાજા રહૂગણે બીજા સેવકને શોધી લાવવાનો આદેશ આપ્યો. રહૂગણના સેવક બીજા સેવકની શોધમાં નીકળી પડ્યા. ત્યારે તેઓની દૃષ્ટિ જડભરત પર પડી. તેઓ ભરતને પકડીને લઈ આવ્યા.
 
જડભરતે કોઈપણ જાતના સંકોચ વગર પાલખી પોતાના ખભા પર રાખી દીધી. તે જ્યારે પાલખી લઈને ચાલી રહ્યા હતા ત્યારે ખૂબ જ ધ્યાન રાખી રહ્યા હતા. કોઈ તેના પગ નીચે કચડાઈ ન જાય તેનું ભરત ધ્યાન રાખતા હતા, તેથી તેના પગ ડગમગી રહ્યા હતા. તેથી રાજા રહૂગણને આંચકો લાગતો હતો.
 
થોડીવાર પછી રાજા રહૂગણ બોલ્યા, તમે કઈ રીતે પાલખી ઉપાડી રહ્યા છો? સંભાળીને સાવધાનીથી શા માટે નથી ચાલતા? ત્યારે એક સેવકે જવાબ આપ્યો, હે મહારાજ! અમે તો શાંતિથી જ ચાલી રહ્યા છીએ. પણ આ નવો સેવક ચાલવામાં ભૂલ કરી રહ્યો છે. તેના પગ ડગમગી રહ્યા છે.
 
રાજા રહૂગણે જડભરતને કહ્યું, કેમ? તું સરખી રીતે નથી ચાલી શકતો? દેખાવમાં તો સ્વસ્થ લાગે છે. શા માટે પાલખી લઈને સરખી રીતે નથી ચાલતો? સાવધાનીથી મારા આદેશનું પાલન કર, નહીં તો હું તને સજા આપીશ.
 
રહૂગણની વાત સાંભળીને જડભરત હસવા લાગ્યા અને બોલ્યા, તમે શરીરને સજા આપી શકશો, મને નહીં. હું શરીર નથી. હું આત્મા છું. હું સજા અને ઈનામથી ૫૨ છું. સજાની આપવાની વાત તો બાજુ પર રહી, તમે મને અડી પણ ન શકો.
 
જડભરતની જ્ઞાનરૂપી વાણી સાંભળીને રહૂગણ ઊંડા વિચારમાં ડૂબી ગયા. તેણે આજ્ઞા આપીને પાલખી નીચે રખાવી દીધી. તે પાલખીથી નીચે ઉતરીને જડભરતના ચરણોમાં પડી ગયા. ત્યારબાદ તે બોલ્યા, હે મહાત્મન! મને માફ કરો. કૃપા કરીને મને જણાવો. તમે કોણ છો ? શું તમે જ કપિલ મુનિ છો? હું તેની પાસે જ આત્મજ્ઞાન મેળવવા જઈ રહ્યો હતો.
 
જડભરતે જવાબ આપ્યો, હે રાજન ! હું કપિલ મુનિ નથી અને હું કોઈ ઋષિ પણ નથી. હું મારા પહેલાંના જન્મમાં એક રાજા હતો. મારું નામ ભરત હતું. મેં ભગવાન વાસુદેવના પ્રેમ અને ભક્તિ માટે ઘર છોડી દીધું હતું. તેમજ હું રિહર ક્ષેત્રમાં જઈને રહેવા લાગ્યો હતો. ત્યારે હું એક હરણીના બચ્ચાના મોહમાં બંધાઈ ગયો. તેમજ ભગવાનને ભૂલી ગયો. મેં હરણીના બચ્ચા વિશે વિચારતાં વિચારતાં શરીરનો ત્યાગ કર્યો. તેથી મને નવા જન્મમાં હરણનું શરીર પ્રાપ્ત થયું. હરણનું શરીર પ્રાપ્ત કરવા છતાં મારો ભગવાન માટેનો પ્રેમ અટલ જ રહ્યો. હું એ જાણીને ખૂબ દુઃખી થયો કે એક હરણીના મોહમાં હું શ્રી હરિને ભૂલી ગયો હતો.
 
હે રાજન ! મેં જ્યારે હરણનું શરીર ત્યાગ કરી દીધું ત્યારે મને આ બ્રાહ્મણનું શરી૨ પ્રાપ્ત થયું. બ્રાહ્મણનું શરી૨ પ્રાપ્ત કર્યું હોવા છતાં મને મારા પહેલાંના જન્મો હજુ પણ યાદ છે. મારો આ જન્મ વ્યર્થ ન જાય તેથી હું પોતાની જાતને છુપાવીને રાખું છું. હું આખો દિવસ ૫રમાત્મારૂપી આત્મામાં લીન રહું છું. હું શરીર પર જરા પણ ધ્યાન નથી આપતો. જડભરત આગળ બોલ્યા, હે રાજન! આ જગતમાં કોઈ રાજા નથી, કોઈ પ્રજા નથી. કોઈ અમીર નથી, કોઈ ગરીબ નથી. કોઈ તગડું નથી, કોઈ પાતળું નથી. કોઈ મનુષ્ય નથી, કોઈ પ્રાણી નથી. બધા જ બ્રહ્મ છે. રાજન ! મનુષ્યએ બ્રહ્મની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ. તે જ માનવજીવનની ખરી સાર્થકતા છે. તે જ શ્રેષ્ઠ જ્ઞાન છે. તે જ શ્રેષ્ઠધર્મ છે.
 
રહૂગણ જડભરત પાસેથી અમૃતજ્ઞાન મેળવીને ધન્ય થઈ ગયા. તેણે જડભરતને નિવેદન કર્યું, હે મહાત્મન! મને તમારા ચરણોમાં સ્થાન આપો. મને તમારો શિષ્ય બનાવી લો. જડભરતે જવાબ આપ્યો, રાજન! જે હું છું, તે જ તમે પણ છો. કોઈ ગુરુ નથી, કોઈ શિષ્ય નથી. બધા આત્મા છે. બધા બ્રહ્મ છે. જડભરત જ્યાં સુધી સંસારમાં રહ્યા ત્યાં સુધી પોતાના આચરણ અને વ્યવહારથી પોતાનું જ્ઞાન પ્રગટ કરતા રહ્યા. જ્યારે તેમનો અંતિમ સમય આવ્યો ત્યારે તે ચિરનિદ્રામાં સૂઈ ગયા. તે બ્રહ્મમાં સમાઈ ગયા.