ધ્રુવલોકની પ્રાપ્તિ | શ્રી હરિ તેનાથી પ્રસન્ન થઈને પ્રગટ થશે એટલે ધ્રુવ પાછો આવી જશે....

    28-Oct-2021
કુલ દૃશ્યો |
 
Dhruv Lok_1  H
 

ધ્રુવલોકની પ્રાપ્તિ | Dhruv Lok

 
હે રાજન! તમારે ધ્રુવની ચિંતા ન કરવી જોઈએ. ધ્રુવ પરમ તેજસ્વી અને પ્રતાપી છે. તે મધુવનમાં શ્રી હરિને પ્રસન્ન કરવા તપ કરી રહ્યો છે. શ્રી હરિ તેનાથી પ્રસન્ન થઈને પ્રગટ થશે એટલે ધ્રુવ પાછો આવી જશે.
 
મનુના પુત્ર ઉત્તાનપાદની બે રાણીઓ હતી - સુરુચિ અને સુનીતિ. ઉત્તાનપાદ સુરુચિને વધુ પ્રેમ કરતા. આમ છતાં સુનીતિ ખોટું ન લગાડતી. તેણી ઉદાર મનની ધાર્મિક વિચારોવાળી શ્રેષ્ઠ સ્ત્રી હતી. સુરુચિ અને સુનીતિના બે પુત્રો હતા. સુરુચિના પુત્રનું નામ ઉત્તમ અને સુનીતિના પુત્રનું નામ ધ્રુવ હતું. બંને સમાન વયના હતા. ઉત્તાનપાદ ઉત્તમને વધુ પ્રેમ કરતા.
એકવાર સાંજનો સમય હતો. ઉત્તાનપાદ અને સુરુચિ ઉત્તમને રમાડી રહ્યાં હતાં. ત્યાં જ ધ્રુવ ૨મતો રમતો તેના પિતા પાસે ગયો અને તેના ખોળામાં બેસવા માટે પ્રયત્ન કરવા લાગ્યો. સુરુચિએ તેને ઉત્તાનપાદના ખોળામાં ન બેસવા દીધો. તેણીએ ધ્રુવનો હાથ ખેંચીને કહ્યું, તું મહારાજના ખોળામાં નહીં બેસી શકે. જો તું મહારાજના ખોળામાં બેસવા માંગતો હો તો તપ ક૨. શ્રી હરિને પ્રસન્ન કર. તેની પાસે મારા ગર્ભમાંથી જન્મવાનું વરદાન લે. મારા ગર્ભમાંથી જન્મીશ ત્યારે જ તું મહારાજના ખોળામાં બેસી શકીશ.
ધ્રુવ સુરુચિનાં કડવાં વચનો સાંભળીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. આમ છતાં ઉત્તાનપાદ કંઈ જ ન બોલ્યા. તેણે ધ્રુવને છાનો રાખવાનો પ્રયત્ન પણ ન કર્યો. જ્યારે માનવી કોઈના મોહમાં ખોવાઈ ગયો હોય ત્યારે તે યોગ્ય અને અયોગ્ય વચ્ચેનો ભેદ પારખી શકતો નથી. ધ્રુવ રડતાં રડતાં તેની માતા પાસે ગયો. સુનીતિએ સાંત્વના આપતાં કહ્યું, બેટા ! જે રીતે હું તારી મા છું તે જ રીતે સુરુચિ પણ તારી માતા છે. તેથી તું ખોટું ન લગાડ. કોઈ મનુષ્ય આપણી સાથે ખરાબ વર્તન કરે તો પણ આપણે સારું વર્તન જ કરવું જોઈએ. તે જ મનુષ્યજીવનનો ધર્મ છે. જે મનુષ્ય શ્રી હરિને નથી ભજતો તેનું જીવન વ્યર્થ છે.
ધ્રુવ માતાના શ્રી હરિ વિશેનાં વચનો સાંભળીને વધુ પ્રોત્સાહિત થઈ ગયો. તે માતા-પિતા અને સંબંધીઓને છોડીને વનમાં તપ કરવા ચાલ્યો ગયો. આ સમયે તેની ઉંમર માત્ર ૫ થી ૬ વર્ષની જ હતી. રસ્તામાં ધ્રુવને દેવર્ષિ નારદ મળ્યા. ધ્રુવે બધી જ વાત નારદને જણાવી. દેવર્ષિ નારદે કહ્યું, હે રાજકુમા૨! શ્રી હરિને પ્રસન્ન કરવા કંઈ નાના બાળકની રમત નથી. તમે હજુ ખૂબ જ નાની વયના છો. તમે જે શ્રી હરિને પ્રસન્ન કરવા માંગો છો, તેને મોટા મોટા યોગીઓ પણ કઠોર તપ કરીને પ્રસન્ન નથી કરી શક્યા. વનમાં હિંસક પશુઓ પણ રહે છે. વનમાં ટાઢ તડકો અને વ૨સાદ પણ થશે. તમે આ બધું કઈ રીતે સહન કરશો ? તમે ઘરે ચાલ્યા જાવ.
ધ્રુવે કહ્યું, મેં દૃઢ નિશ્ર્ચય કર્યો છે. હું મારા લક્ષ્યથી પીછેહઠ નહીં કરું. જે કોઈપણ મુશ્કેલી આવશે તેનો હું સામનો કરીશ. હું મૃત્યુ પામીશ તો પણ શ્રી હરિને પ્રસન્ન કરવાનો પ્રયત્ન અવશ્ય કરીશ.
દેવર્ષિ નારદ ધ્રુવના મનની દૃઢતા જોઈને પ્રસન્ન થઈ ગયા. તે બોલ્યા, હે રાજકુમા૨! હું તમારી દૃઢતાથી પ્રસન્ન થયો છું. તમને જરૂર સફળતા મળશે. જે મનુષ્યમાં લગન હોય તે ક્યારેય અસફળ નથી થતો. યમુના નદીના કિનારે એક વન છે. તેનું નામ મધુવન છે. ત્યાં જઈને તમે તપ કરો. તેમજ ઓમ નમ: ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. તમને જરૂર સફળતા મળશે. શ્રી હરિ તમારા પર ચોક્કસ પ્રસન્ન થશે.
ધ્રુવ મધુવનમાં જઈને તપ કરવા લાગ્યો. બીજી તરફ દેવર્ષિ નારદ ઉત્તાનપાદ પાસે જઈ પહોંચ્યા. ઉત્તાનપાદ ખૂબ જ હતાશ થઈને બેઠા હતા. દેવર્ષિ નારદે તેની ઉદાસીની કારણ પૂછ્યું તો રાજા ઉત્તાનપાદ બોલ્યા, હે મહર્ષિ ! નાની વયમાં ધ્રુવ દુઃખી થઈને વનમાં ચાલ્યો ગયો. હું તેને રોકી પણ ન શક્યો. કોને ખબર તે ક્યાં છે? જીવે છે કે મૃત્યુ પામ્યો છે. હું દિવસ-રાત તેની જ ચિંતા કરું છું.
દેવર્ષિ નારદ બોલ્યા, હે રાજન! તમારે ધ્રુવની ચિંતા ન કરવી જોઈએ. ધ્રુવ પરમ તેજસ્વી અને પ્રતાપી છે. તે મધુવનમાં શ્રી હરિને પ્રસન્ન કરવા તપ કરી રહ્યો છે. શ્રી હરિ તેનાથી પ્રસન્ન થઈને પ્રગટ થશે એટલે ધ્રુવ પાછો આવી જશે. તે ભગવાનનું વરદાન મેળવીને ધન્ય બની જશે અને તમે પણ તેના વરદાનથી ધન્ય થઈ જશો.
મધુવનમાં ધ્રુવ પૂરી નિષ્ઠાથી તપ કરવા લાગ્યો. તડકો હોય, છાંયો હોય, વરસાદ હોય, વીજળી કડકતી હોય, કે સિંહ ગરજતા હોય - તો પણ ધ્રુવ ધ્યાનભંગ ન થતો. તે પોતાના શ્ર્વાસ રોકીને પણ શ્રી હરિનું ધ્યાન કરવા લાગતો.
એકવાર ધ્રુવે શ્ર્વાસ રોકી લીધા તેથી હવાની ગતિ પણ બંધ થઈ ગઈ. દેવો અને પ્રાણીઓને શ્ર્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. દેવો શ્રી હરિ પાસે પહોંચી ગયા. શ્રી હરિએ દેવોને આશ્ર્વાસન આપતાં કહ્યું, હે દેવો ! તમે વ્યાકુળ ન થાવ. ઉત્તાનપાદના પુત્રએ પ્રાણાયામ દ્વારા પોતાના શ્ર્વાસ રોકીને મારું ધ્યાન ધરવાનું ચાલુ રાખ્યું છે. હું બહુ જલદી તેને દર્શન આપીશ. તેથી તમારાં સંકટો દૂર થઈ જશે. થોડીવાર પછી શ્રી હરિ ગરૂડ પર સવાર થઈને ધ્રુવ પાસે પહોંચી ગયા. ધ્રુવે આંખો ખોલીને જોયું તો શ્રી હરિ તેની સામે ઊભા હતા. ધ્રુવે ઊભા થઈને શ્રી હરિને પ્રણામ કર્યાં. તે શ્રી હરિને જોઈને ગદ્ગદિત થઈ ગયા, અવાચક થઈ ગયા. તેથી શ્રી હરિની પ્રાર્થના કરવા માંગતા હતા તો પણ કંઈ ન બોલી શક્યા.
શ્રી હરિએ ધ્રુવની વિવશતા જોઈ. તેણે પોતાનો શંખ ધ્રુવના કંઠને અડાડ્યો અને વાણીની ધારા છૂટી. ધ્રુવ શ્રી હરિની પ્રાર્થના કરવા લાગ્યો, હે પ્રભો! તમે જગતના પાલક છો. મારું પણ પાલન કરો. હે પ્રભો ! તમે દુઃખીના ભાઈ છો. હું સૌથી મોટો દુઃખી છું. મારા ભાઈ બનીને મારી મદદ કરો. હે પ્રભો ! મને તમારા શરણે લઈ લો. હે પ્રભો ! તમે ભયનું હરણ કરનાર છો. મારા પણ સાંસારિક ભયને દૂર કરો.
ધ્રુવની પ્રાર્થના સાંભળીને શ્રી હરિ પ્રસન્ન થઈ ગયા. તે બોલ્યા, હે ધ્રુવ! હું તારા પર ખૂબ જ પ્રસન્ન થયો છું. હું તને મારું ધ્રુવલોક આપી રહ્યો છું. ત્યાં સપ્તઋષિઓ પણ પહોંચી શકતા નથી. હવે તું ઘરે જા. તારું રાજ્ય સંભાળ, પછી ધ્રુવલોકમાં જઈને રહેજે. જન્મોજન્મ સુધી તારી યશગાથા ગવાશે.
ભગવાન હરિનું વરદાન લઈને ધ્રુવ પાછો તો ફર્યો. પણ તેના મનમાં એક દુઃખ હતું. તેણે વિચાર્યું, મને તો માત્ર શ્રી હરિનાં દર્શન થયાં. હું શા માટે શ્રી હરિમાં સમાઈ ન ગયો ? મારે હજુ પણ ઘણા દિવસો સુધી રાજ્ય સંભાળવું પડશે. ભગવાનથી અલગ રહેવું પડશે. હું સાગરકિનારા સુધી પહોંચ્યો તો પણ તરસ્યો જ રહી ગયો.
આમ છતાં ધ્રુવ પોતાના રાજ્ય તરફ પાછો ફર્યો. ઉત્તાનપાદને ધ્રુવના પાછા આવવાના સમાચાર મળતાં જ તેઓ ખૂબ જ પ્રસન્ન થઈ ગયા. ઉત્તાનપાદ, રાણીઓ અને સંબંધીઓ ધ્રુવને નગરના દરવાજે તેડવા ગયાં. ઉત્તાનપાદ ધ્રુવને જોઇને રથ પરથી ઊતરી ગયા. તેમજ ધ્રુવને ભેટી પડ્યા. ચારેબાજુ ધ્રુવનો જયજયકાર થઈ ગયો.
સમય જતાં ધ્રુવ મોટો થયો એટલે ઉત્તાનપાદે ધ્રુવનો રાજ્યાભિષેક કર્યો. તે ધ્રુવને રાજસિંહાસન સોંપીને તપ કરવા વનમાં ચાલ્યા ગયા. ધ્રુવ રાજ્ય સંભાળવા લાગ્યા. તેમના બે પુત્રો હતા - કલ્પ અને વત્સર. એકવાર ધ્રુવના ભાઈ ઉત્તમ પોતાની માતા સાથે હિમાલય ગયો. ત્યાં એક યક્ષે ઉત્તમ અને તેની માને મારી નાખ્યાં. ધ્રુવને આ વાતના સમાચાર મળતાં જ પોતાના ભાઈના મૃત્યુનો બદલો લેવા યક્ષોના દેશમાં જઈ પહોંચ્યા.
યક્ષોએ ધ્રુવને ચારેબાજુથી ઘેરી લીધા. ધ્રુવ અને યક્ષો વચ્ચે ઘમસાણ યુદ્ધ થયું. ધ્રુવની બહાદુરી આગળ કોઈ ના ટક્યું. યક્ષોની સેના નાસભાગ કરવા લાગી. ધ્રુવને લાગ્યું કે યક્ષની સેના હારીને ભાગી ગઈ. હકીકતમાં યક્ષની સેના છુપાઈ ગઈ હતી. તેણે ધ્રુવને પોતાની માયાથી હરાવવાનો પ્રયત્ન કર્યો. કોઈવા૨ અંધકાર થઈ જતો, તો કોઈવા૨ અગ્નિવર્ષા થવા લાગતી. તો ક્યારેક વળી લોહી અને હાડકાંઓની વર્ષા થવા લાગતી. કોઈવાર આકાશમાંથી ભયંકર અવાજ આવવા લાગતો તો ક્યારેક સ્મશાન જેવી શાંતિ થઈ જતી.
ધ્રુવે યક્ષનો વિનાશ કરવા માટે નારાયણ શસ્ત્રનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. જેવું ધ્રુવે નારાયણ શસ્ત્ર હાથમાં લીધું કે તરત જ મનુ આકાશમાં પ્રગટ થયા અને બોલ્યા, બેટા ધ્રુવ ! આવું ન કર. આ શસ્ત્રથી આખી યક્ષ જાતિનો વિનાશ થઈ જશે. આટલો ગુસ્સો હાનિકારક છે. દુશ્મનની સાથે પણ દયા અને ક્ષમાનો ભાવ રાખવો જોઈએ. ઉત્તમ અને તેની માતાનું મૃત્યુ યક્ષના કારણે નહીં પણ તેનાં કર્મોના કારણે થયું છે. તેથી તું ગુસ્સામાં આવીને યક્ષોનો નાશ ન કર.
ધ્રુવ મનુની વાત સાંભળીને શાંત થઈ ગયા. તે યુદ્ધ છોડીને પોતાના રાજ્યમાં પાછા ફર્યા. ધ્રુવની સજ્જનતા જોઈને યક્ષોના રાજા કુબેર તેના ૫૨ પ્રસન્ન થઈ ગયા. તેથી કુબેરે ધ્રુવને વરદાન માંગવાનું કહ્યું. ત્યારે ધ્રુવે કહ્યું, હે યક્ષાધિપતિ! મારે કંઈ જ જોઈતું નથી. તમે મારી પર એવી કૃપા કરો કે મારો શ્રી હરિ પ્રત્યેનો પ્રેમ જરા પણ ઓછો ન થાય. શ્રી હરિને ક્યારેય પણ ભૂલી ન શકું. કુબેર ‘તથાસ્તુ’ કહીને ચાલ્યા ગયા.
ધ્રુવ પૂરી નિષ્ઠાથી પ્રજાનું પાલન કરવા લાગ્યા. એકવાર શ્રી હરિના દૂત વિમાન લઈને ધ્રુવ પાસે પહોંચી ગયા. તેમણે કહ્યું, હે મહારાજ ધ્રુવ! તમે ભગવાન શ્રી હરિનું સ્મરણ કર્યું છે. તેથી તમે હવે આ પૃથ્વીને છોડીને શ્રી હરિના લોકમાં ચાલો. અમે તમને લેવા આવ્યા છીએ.
ધ્રુવ ખુશ થઈને શ્રી હરિ પાસે પહોંચી ગયા. શ્રી હરીએ ધ્રુવને ધ્રુવલોકમાં રહેવાની સંમતિ આપી દીધી. ધ્રુવ આજે પણ ધ્રુવલોકમાં રહે છે. જે વ્યક્તિ સાચા હૃદયથી શ્રી હરિના ચરણોમાં સમર્પિત થઈ જાય છે, શ્રી હરિને પોતાનું સર્વસ્વ માની લે છે, તેને ધ્રુવની જેમ સુખ અને શાંતિ મળે છે.