ગજેન્દ્ર મોક્ષ - આ સમયે મારું બળ કામ કરી રહ્યું નથી. દયા કરીને મારી મદદ કરો. મને આ મગરના મોઢામાંથી છોડાવો.

    28-Oct-2021
કુલ દૃશ્યો |
 
Gajendra Moksha_1 &n
 

ગજેન્દ્ર મોક્ષ | Gajendra Moksha Path Gujarati

 
હે નિર્બળોના બળ! હું નિર્બળ તમારી શરણે આવ્યો છું. આ સમયે મારું બળ કામ કરી રહ્યું નથી. દયા કરીને મારી મદદ કરો. મને આ મગરના મોઢામાંથી છોડાવો.
 
ક્ષીરસાગરમાં એક ત્રિકૂટ નામનો રમણીય પર્વત હતો. આ ત્રિકૂટ પર્વત સમૃદ્ધ અને શોભાયમાન હતો. આ પર્વતનાં ત્રણ શિખરો હતાં. એક શિખર સોનાનું હતું. બીજું શિખર રૂપાનું અને ત્રીજું શિખર લોઢાનું હતું. પર્વતની ટોચ પર વરુણનો આશ્રમ હતો. આશ્રમ પાસે જ એક ઉપવન હતું. આ ઉપવનનું નામ ઋતુમાન હતું. તે ઉપવનમાં અનેક પ્રકારના ફૂલો, ફળો અને વૃક્ષો હતાં. તેથી રાતદિવસ સુગંધિત હવાથી વાતાવરણ મનોહર બની જતું. તે ઉપવનમાં અનેક પ્રકારનાં પક્ષીઓ પણ આવતાં. તેઓ તેના મધુ૨ કલ૨વથી જાણે સ્વર્ગલોક ઊભું કરી દેતા.
 
ઋતુમાન ઉપવનમાં હરણો, નીલગાયો અને હાથી પણ રહેતા. હાથીઓનો એક સમૂહ દિવસરાત બધી તરફ વિચરણ કરતો રહેતો. હાથીઓના સમૂહનો એક આગેવાન પણ હતો. તેને ગજરાજ કે ગજેન્દ્રના નામથી ઓળખવામાં આવતો. ગજેન્દ્ર શક્તિશાળી અને લાંબી સૂંઢવાળો હતો. તે હાથી જ હતો, આમ છતાં ખૂબ જ બુદ્ધિશાળી, જ્ઞાની અને સારા વિચારોવાળો હતો.
ઉપવનની વચ્ચે એક સરોવર પણ હતું. આ સરોવર ચાંદીની જેમ ચોખ્ખા અને ઠંડા પાણીથી ભરાયેલું રહેતું. સરોવરમાં કમળનાં ફૂલો ખીલ્યાં હતાં. આ કમળ પ૨ ભમરાઓ મધુર ગુંજારવ કર્યે રાખતા. આ સરોવ૨ સુંદર કિનારાવાળું અને હજાર પાંખડીવાળાં સોનેરી કમળોથી સુશોભિત હતું.
 
એકવા૨ બપો૨નો સમય હતો. આકરો તડકો હતો. ગજેન્દ્રને ખૂબ જ તરસ લાગી. તેથી તે પાણી પીવા માટે સરોવરના તટ પાસે ગયો. ગજેન્દ્ર સરોવરમાં સૂંઢ નાખીને પાણી પીવા લાગ્યો. ગજેન્દ્રે પાણી પી લીધું પછી તેને પાણીમાં થોડીવાર માટે રમવાનું મન થયું. તેથી ગજેન્દ્ર સરોવરમાં અંદ૨ જઈને રમવા લાગ્યો. ગજેન્દ્ર તેની સૂંઢમાં પાણી ભરીને પોતાના પર નાખવા લાગ્યો. આમ ગજેન્દ્રે સુંદર રીતે નાહી લીધું. ત્યારબાદ સરોવરના કિનારા પાસે અનેક હાથણી ઊભી હતી. ગજેન્દ્ર પોતાની સૂંઢમાં પાણી ભરીને હાથણી પર પાણી ઉડાડવા લાગ્યો. તેને ખબર જ નહોતી કે એક પ્રચંડ મગ૨ તેનો કાળ બનીને ક્યારનો સરોવરના પાણીમાંથી તેની સામે જોઈ રહ્યો છે.
 
ગજેન્દ્ર તો પોતાની આનંદક્રીડામાં જ મસ્ત હતો. અચાનક જ મગરે ગજેન્દ્રની નજીક જવાનું શરૂ કર્યું. મહાકાય મગરે ધીમેથી ગજેન્દ્ર પાસે જઈને ગજેન્દ્રના પગને પોતાના મોઢામાં પકડી લીધો. આ રીતે મગર ગજેન્દ્રનો પગ પકડીને તેને ઊંડા પાણીમાં ખેંચવા લાગ્યો. અચાનક ખેંચાણથી ગજેન્દ્ર આશ્ર્ચર્યચકિત થઈ ગયો. તેને ખબર પડી ગઈ કે કોઈ ભયંકર પાણીનો જીવ તેને ઊંડા પાણીમાં ખેંચી રહ્યો છે. શાસ્ત્રો મુજબ કહેવાય છે કે મગર અને ગજેન્દ્ર હાથીએ એક હજા૨ વર્ષ સુધી યુદ્ધ કર્યું હતું.
 
ગજેન્દ્ર મગરના ખેંચાણથી બચવાનો પ્રયત્ન કરવા લાગ્યો. ગજેન્દ્ર બળ લગાવીને સરોવરના કિનારે પહોંચવાનો પ્રયત્ન કરવા લાગ્યો. પરંતુ મગર પોતાના ઘ૨ - પાણીમાં હતો અને ગજેન્દ્ર પોતાના ઘર - જમીનથી દૂર હતો. તે હાલમાં પાણીમાં જ ફસાઈ ગયો હતો. આમ તો ગજેન્દ્ર ખૂબ જ બળવાન હતો. પરંતુ પાણીમાં હોવાને કારણે ગજેન્દ્રનું બળ ન ચાલ્યું.
 
ગજેન્દ્ર બહુ જ વધારે બળનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો. આમ છતાં તે કંઈ જ કરી શક્યો નહીં. તે ઊંડા પાણીમાં વધુ ને વધુ ખેંચાઈ રહ્યો હતો. સરોવરના કિનારે ઊભી હાથણીઓએ પણ ગજેન્દ્રને બચાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ બધી હાથણીઓ પણ ગજેન્દ્રની મદદ કરવામાં નિષ્ફળ નીવડી. બધી હાથણીઓને ખાતરી થઈ ગઈ કે હવે ગજેન્દ્ર બચી નહીં શકે. તે ડૂબીને મરી જ જશે. બીજી તરફ મગ૨ ગજેન્દ્રને ઊંડા પાણીમાં વધુ ને વધુ ખેંચી રહ્યો હતો. મુશ્કેલીના સમયમાં કોઈએ ગજેન્દ્રનો સાથ ન આપ્યો.
 
ગજેન્દ્રે જ્યારે જોયું કે તે કોઈપણ રીતે મગરથી બચી શકે તેમ નથી ત્યારે તેને ભગવાન યાદ આવ્યા. ગજેન્દ્રે વિચાર્યું, આવા ખરાબ સમયમાં નિર્બળોની સહાય કરનાર ભગવાન જ બચાવી શકશે. ભગવાન સિવાય બીજું કોઈ મને બચાવી નહીં શકે. ગજેન્દ્ર ખૂબ જ દુ:ખી થઈને ભગવાનની પ્રાર્થના કરવા લાગ્યો :
 
હે નિર્બળોના બળ! હું નિર્બળ તમારી શરણે આવ્યો છું. આ સમયે મારું બળ કામ કરી રહ્યું નથી. દયા કરીને મારી મદદ કરો. મને આ મગરના મોઢામાંથી છોડાવો.
 
હે અશરણ-શરણ ! હું અત્યારે નિરાશ્રિત છું. મને શરણ આપવાવાળું કોઈ જ નથી. તમે તો દયાના સાગર છો. મને તમારી શરણમાં લઈ લો. આ મગરરૂપી કાળના મોઢામાંથી મને બચાવી લો.
 
હે દીનબંધુ ! તમે ગરીબોના ભાઈ છો. તમે ગરીબોના મિત્ર છો. હું સૌથી વધારે ગરીબ અને દુઃખી છું. જગતમાં મારું પોતાનું કોઈ જ નથી. હું બધી રીતે હારીને તમારું સ્મરણ કરી રહ્યો છું.
 
હે જગતના સ્વામી! મારી રક્ષા કરો. હું ત્રણેય પ્રકારના દુ:ખોને નાશ કરવાવાળા, મારા દુ:ખનો નાશ કરો. હે નિર્ભય! મને તમારા શરણમાં લઈને ભયમુક્ત કરી દો. હે કાળના વિજેતા ! આ કાળરૂપી મગરથી મારી રક્ષા કરો.
 
ધર્મ, અર્થ, કામ અને મોક્ષની ઇચ્છાવાળા મનુષ્યો જે શ્રી હરિનું રટણ કરીને પોતાની મનોકામના પૂર્ણ કરે છે, તેવા શ્રી હરિ, કૃપા કરીને મને આ બંધનમાંથી મુક્ત કરો.
 
સમયાંતરે લોકોની ઉત્પત્તિ તથા નાશ માટે જન્મ, કર્મ, નામ ધારણ ક૨ના૨, હે અનંતશક્તિવાળા પરબ્રહ્મ પરમેશ્ર્વર, હું તમને વંદન કરું છું.
 
આટલી દુ:ખદ ભરી પ્રાર્થનાનો અવાજ ભગવાનના કાને પડ્યો. તેથી ભગવાન શ્રીહરિ ગરુડ પર સવાર થઈને વાવાઝોડાની ઝડપથી નીકળી પડ્યા. તેમને તરત જ પાણીમાં મૃત્યુથી ઝૂઝતો ગજેન્દ્ર દેખાયો. ગજેન્દ્રે પોતાની સૂંઢથી સરોવરમાંથી એક કમળ તોડ્યું. ગજેન્દ્રે આ કમળ ભગવાન શ્રી હરિના ચરણોમાં ધરતાં કહ્યું : હે નારાયણ! હે શ્રીહરિ ! હે સર્વના ગુરુ ! હે ભગવન ! હું તમને નમસ્કાર કરું છું. કૃપા કરીને મને આ મગરરૂપી કાળથી બચાવી લો. હે નારાયણ ! કૃપા કરીને મારા જીવનનો ઉદ્ધાર કરો. હે પ્રભો ! મારા જેવા નિર્બળના કમળનો સ્વીકાર કરો. મને આ મગરથી બચાવી લો.
 
ગજેન્દ્રની આંખોમાંથી આંસુ સરી રહ્યાં હતાં. શ્રી હરિને ગજેન્દ્ર પર દયા આવી. તેથી શ્રી હરિ ગરુડ પરથી નીચે ઊતરી ગયા. ત્યારબાદ ભગવાન શ્રીહરિ તરત જ પાણીમાં કૂદી પડ્યા. થોડી જ વારમાં શ્રીહરિએ મગરને મારી નાખ્યો. ગજેન્દ્ર મગરના મોઢામાંથી છૂટીને સરોવરના કિનારે પહોંચી ગયો. તેમજ ભગવાન શ્રીહરિને શોધવા લાગ્યો. ભગવાન શ્રીહરિ ક્યાં છે? પરંતુ શ્રીહરિ તો ગજેન્દ્રને મગ૨ના મોઢામાંથી છોડાવીને અદૃશ્ય થઈ ગયા હતા.
 
મગર તેના પહેલાંના જન્મમાં એક ગંધર્વ હતો. તેનું નામ હૂહૂ હતું. દેવલ ઋષિના શ્રાપને કારણે તે મગ૨ના રૂપમાં જન્મ્યો હતો. તે જ રીતે ગજેન્દ્ર પણ પોતાના પહેલાંના જન્મમાં ઇન્દ્રધ્યુમન નામનો રાજા હતો. પરંતુ ગજેન્દ્ર પણ અગત્સ્ય ઋષિના શ્રાપને કારણે હાથીની યોનિમાં જન્મ્યો હતો. મગર અને હાથી બંનેને પોતાના પહેલાંના જન્મ યાદ હતા.
 
ભગવાન શ્રી હરિનો સ્પર્શ થવાને કારણે બંને જન્મ-મરણનાં બંધનોમાંથી મુક્ત થઈ ગયા. આ રીતે મગર ભગવાન શ્રી હરિના દિવ્યધામમાં ચાલ્યો ગયો તેમજ ભગવાનના સ્પર્શના કારણે હૂહૂ ફરીથી પોતાના ગંધર્વપણાને પામ્યો. ભગવાન શ્રીહરિની કૃપા હોય તો મનુષ્યને પણ મુક્તિ મળી જાય છે, મનુષ્યને પણ દિવ્યધામની પ્રાપ્તિ થાય છે. તેથી દરેક મનુષ્યે ભગવાન શ્રીહરિની કૃપા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.