જરાસંધ અને શ્રીકૃષ્ણ - તને તારા મૃત્યુ ત૨ફ જવાની અધીરાઈ લાગે છે. ચાલ, તૈયાર થઈ જા યુદ્ધ કરવા માટે.

    28-Oct-2021
કુલ દૃશ્યો |

 Jarasandha and Krishna_1 
 

જરાસંધ અને શ્રીકૃષ્ણ | Jarasandha and Krishna Story

 
શ્રી કૃષ્ણે જવાબ આપ્યો, હું તારી બડાઈથી ડરતો નથી. તને તારા મૃત્યુ ત૨ફ જવાની અધીરાઈ લાગે છે. ચાલ, તૈયાર થઈ જા યુદ્ધ કરવા માટે.
 
રાજા કંસની બે પત્નીઓ હતી. એક પત્નીનું નામ અસ્તિ અને બીજી પત્નીનું નામ પ્રાપ્તિ હતું. બંને મગધના રાજા જરાસંધની પુત્રીઓ હતી. શ્રીકૃષ્ણે જ્યારે કંસનો વધ કરી નાખ્યો ત્યારે બંને પત્નીઓ મથુરા છોડીને મગધ તેના પિતા જરાસંધ પાસે ચાલી ગઈ, કારણ કે મથુરામાં અસ્તિ અને પ્રાપ્તિને આશ્રય આપી શકે તેવું કોઈ જ ન હતું. બંને પુત્રીઓ અસ્તિ અને પ્રાપ્તિએ જરાસંધ પાસે જઈને રડતાં રડતાં બધી જ વાત જણાવી. કઈ રીતે વાસુદેવના પુત્રોએ પ્રખ્યાત પહેલવાનોને મારી નાખ્યા, કઈ રીતે વાસુદેવના પુત્રોએ કંસનો વધ કરી નાખ્યો - તે વાત વિસ્તારથી કરી. આમ બંને પુત્રીઓ તેના પતિ કંસના વિયોગમાં આંસુઓ વહાવવા લાગી, તેમજ કરુણ આક્રંદ કરવા લાગી. જરાસંધ પોતાની પુત્રીઓની આવી હાલત જોઈને ગુસ્સે થઈ ગયા. જરાસંધ તેની પુત્રીઓનું દુઃખ ન જોઈ શક્યા. તેણે પોતાના જમાઈના વધનો બદલો લેવાનું નક્કી કર્યું.
 
જરાસંધ ખૂબ જ શૂરવીર અને પ્રતાપી હતા. બધા રાજાઓ જરાસંધનું ખૂબ જ સમ્માન કરતા. જરાસંધ પાસે બહુ મોટી સેના પણ હતી. જરાસંધ તેની પુત્રીઓની વિધવા અવસ્થા જોઈને ખૂબ જ દુઃખી થઈ ગયા હતા. તેથી તેણે યાદવોનો વિનાશ કરવાનું નક્કી કર્યું. જરાસંધ પોતાની ત્રેવીસ અક્ષૌહિણીની સેના લઈને યાદવોનો વિનાશ કરવા માટે મથુરા પહોંચી ગયા. એક અક્ષૌહિણી સેનામાં ૨૧,૮૭૦ હાથી, ૨૧,૮૭૦ ૨થ, ૬૫,૬૧૦ ઘોડેસવાર અને ૧,૦૯,૩૫૦ પાયદળ હોય છે. જરાસંધે તો પોતાની ત્રેવીસ અક્ષૌહિણી સેનાથી મથુરા પહોંચીને આખા નગરને ચારેબાજુથી ઘેરી લીધું. જરાસંધે ઉગ્રસેનને સમાચાર મોકલ્યા, મથુરા મને સોંપી દો. જો તમે મથુરા મને નહીં સોંપો તો હું મથુરાનું નામોનિશાન મિટાવી દઈશ. આમ તો ઉગ્રસેન પાસે પણ બહુ મોટી સેના હતી. આમ છતાં શ્રીકૃષ્ણ અને બલરામે જરાસંધ સાથે યુદ્ધ કરવાનો નિર્ણય લીધો. શ્રી કૃષ્ણે વિચાર્યું, મારી પાસે ત્રણ વિકલ્પો છે એક, જરાસંધનો નાશ કરવો અને તેની સેનાનો પણ નાશ કરી નાખવો. બીજો વિકલ્પ એ છે કે જરાસંધનો નાશ કરી દેવો અને સેનાને કેદ કરી લેવી. ત્રીજો વિકલ્પ એ છે કે જરાસંધની સેનાનો નાશ કરી નાખવો, પણ થોડા સમય માટે જરાસંધને ન મારવો.
 
તેથી તેઓએ જરાસંધને જવાબ મોકલ્યો, જે વીર હોય તે બડાઈ હાંકતા નથી. કંઈક કરીને દેખાડે છે. જો તમારામાં સાહસ હોય તો અમારી પાસેથી મથુરા છીનવીને દેખાડો. અમે અમારું વહાલું મથુરા તમને શા માટે આપી દઈએ ?
 
જરાસંધે શ્રી કૃષ્ણને સંબોધીને સંદેશો મોકલ્યો, હે કૃષ્ણ! તું તો બાળક છે. તેથી હું તારી સાથે યુદ્ધનહીં કરું. તું અહીંથી અત્યારે જ ચાલ્યો જા. હે બલરામ! જો તારામાં હિંમત અને સાહસ હોય તો મારી સામે લડવા આવ.
 
શ્રી કૃષ્ણે જવાબ આપ્યો, હું તારી બડાઈથી ડરતો નથી. તને તારા મૃત્યુ ત૨ફ જવાની અધીરાઈ લાગે છે. ચાલ, તૈયાર થઈ જા યુદ્ધ કરવા માટે. શ્રીકૃષ્ણનો જવાબ સાંભળીને જરાસંધે મથુરા ૫૨ આક્રમણ કરી દીધું. જરાસંધની આટલી મોટી સેના સામે યુદ્ધ કરવા માટે શ્રી કૃષ્ણ અને બલરામ રથ પર સવાર થઈને નીકળી પડ્યા. શ્રીકૃષ્ણ અને બલરામ પાસે નાની સેના હતી. તેઓ પાસે અસ્ત્રો અને શસ્ત્રો પણ ઓછા હતા. જરાસંધની સેના હજારોની સંખ્યામાં બાણ છોડવા લાગી. બલરામે પણ નીડરતાથી યુદ્ધ કરીને લોહીની નદીઓ વહાવી દીધી. જરાસંધની સેના અતિ ભયંકર હતી. આમ છતાં શ્રીકૃષ્ણ અને બલરામે ભેગા મળીને જરાસંધને હરાવી દીધો.
 
જરાસંધની સેનાનો નાશ થઈ ગયો. પરંતુ ઉગ્રસેને જરાસંધ સાથે સજ્જનતાથી વર્તન કર્યું. ઉગ્રસેને જરાસંધને મુક્ત કરી દીધો.
 
સજ્જન લોકો તેના દુશ્મન સાથે પણ સારું વર્તન જ કરે છે. ઉગ્રસેને જરાસંધને મુક્ત કરી દીધો હોવા છતાં જરાસંધના મનમાં યદુવંશીઓ માટે વેરભાવના હતી. જરાસંધને મુક્ત કરી દીધા પછી પણ જરાસંધે સત્તર વખત મથુરા પર આક્રમણ કર્યું. દરેક વખતે જરાસંધ હારી જ ગયો. આટલી બધી વાર હારવાને કા૨ણે જરાસંધ ખૂબ જ દુઃખી થઈ ગયો. તેથી એક દિવસ જરાસંધે રાજસિંહાસન છોડીને તપ કરવાનો નિર્ણય લીધો. પરંતુ તેના મિત્રો અને સંબંધીઓએ જરાસંધને તપ કરવા જતાં રોકી લીધો. તેઓએ જરાસંધને ધીરજ આપતાં કહ્યું, આજની હાર આવતીકાલે વિજયમાં પણ પરિણમી શકે.
 
તેથી જરાસંધે મથુરા ફરી એકવાર આક્રમણ કરવાનું નક્કી કર્યું. જરાસંધ ફરીથી આક્રમણની તૈયારી કરવા લાગ્યો. તે નવી નવી શક્તિઓ ભેગી કરવા લાગ્યો. જરાસંધ કોઈપણ હાલતમાં મથુરાનો વિનાશ કરવા ઇચ્છતો હતો. તેમજ જરાસંધ શ્રી કૃષ્ણ અને બલરામને પણ બંદી બનાવવા ઇચ્છતો હતો તેથી તપ કરવા જવાનો નિર્ણય પડતો મૂકી જરાસંધ ફરી યુદ્ધની તૈયારી કરવા લાગ્યો.