ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મણી - જો તમે નહીં પહોંચો, તો હું મારા પ્રાણનો ત્યાગ કરી દઈશ....

    28-Oct-2021
કુલ દૃશ્યો |
 
Krishna and Rukmani Story
 

ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મણી  | Krishna and Rukmani Story in Gujarati

 
હું પણ લગ્નનાં વસ્ત્રોમાં તૈયાર થઈને ગિરિજાના મંદિરે જઈશ. હું ઇચ્છું છું કે તમે ગિરિજા મંદિર પહોંચીને મને પત્નીના રૂપમાં સ્વીકારી લો. જો તમે નહીં પહોંચો, તો હું મારા પ્રાણનો ત્યાગ કરી દઈશ.
 
દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામની ખ્યાતિ વધતી જતી હતી. મોટા મોટા રાજાઓ પણ તેઓની સામે મસ્તક ઝુકાવતા, તેમના ગુણોનું ગાન કરતા. બલરામના બળ, વૈભવ અને ખ્યાતિથી પ્રભાવિત થઈને રૈવત નામના રાજાએ પોતાની પુત્રી રેવતીના લગ્ન બલરામ સાથે કરાવ્યાં હતાં. બલરામ શ્રીકૃષ્ણથી મોટા હતા. તેથી નિયમાનુસાર બલરામનાં લગ્ન પહેલાં થયાં.
 
એ જ દિવસોમાં વિદર્ભ દેશમાં ભીષ્મક નામના તેજસ્વી અને સદ્ગુણી રાજા રાજ્ય કરતા. કુંડીનપુર તેની રાજધાની હતી. તેના પાંચ પુત્રો અને એક પુત્રી હતી. સૌથી મોટા પુત્રનું નામ રુક્મી અને પુત્રીનું નામ રુક્મણી હતું. રુક્મણી રૂપવતી અને ગુણવાન હતી. લોકો તેને લક્ષ્મીસ્વરૂપા કહેતા. રુક્મણીની વિવાહની ઉંમર થતાં રાજા ભીષ્મક ચિંતા કરવા લાગ્યા. રુક્મણીની પાસે જે કોઈપણ આવતું તે શ્રીકૃષ્ણના વખાણ કરતું. તે બધા લોકો રુક્મણીને કહેતા, શ્રીકૃષ્ણ અલૌકિક છે. આ સમયે આખા સંસારમાં તેમના જેટલા ઉત્તમ પુરુષ કોઈ નથી.
 
ભગવાન શ્રીકૃષ્ણના ગુણો અને તેની સુંદરતાનાં વખાણ પર મુગ્ધ થઈને રુક્મણીએ મનોમન જ નિશ્ર્ચય કરી લીધો હતો કે તે શ્રી કૃષ્ણ સિવાય બીજા કોઈ સાથે લગ્ન નહીં કરે. બીજી તરફ ભગવાન શ્રીકૃષ્ણને પણ ખબર હતી કે વિદર્ભ દેશના રાજા ભીષ્મકની પુત્રી રુક્મણી રૂપવતી અને સુલક્ષણા પણ છે. પરંતુ ભીષ્મકના મોટા પુત્ર રુક્મીને શ્રી કૃષ્ણ સાથે દુશ્મનાવટ હતી. તે તેની બહેનના લગ્ન શિશુપાલ સાથે કરાવવા ઇચ્છતો હતો. કારણ કે શિશુપાલને પણ શ્રીકૃષ્ણ સાથે દુશ્મનાવટ હતી. ભીષ્મકે તેના પુત્રની ઇચ્છા અનુસાર રુક્મણીના લગ્ન શિશુપાલ સાથે કરવાનું નક્કી કર્યું. તેણે શિશુપાલને સંદેશો મોકલીને લગ્નની તિથિ પણ નક્કી કરી લીધી.
 
રુક્મણીને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણી ખૂબ જ દુઃખી થઈ ગઈ. તેણે પોતાની ઈચ્છા ભગવાન શ્રીકૃષ્ણને જણાવવા માટે એક બ્રાહ્મણને દ્વારકામાં મોકલ્યો. તેમણે શ્રી કૃષ્ણને નીચે મુજબનો સંદેશો મોકલ્યો :
 
હે નંદનંદન ! મેં મારા પતિના રૂપમાં તમને જ સ્વીકારી લીધા છે. હું તમારા સિવાય કોઈ અન્ય પુરુષ સાથે વિવાહ નહીં કરી શકું. મારા પિતા મારી ઇચ્છાની વિરુદ્ધ મારાં લગ્ન શિશુપાલ સાથે કરાવવા ઇચ્છે છે. લગ્નની તિથિ પણ નક્કી થઈ ગઈ છે. મારા કુળના રીતિરિવાજ મુજબ લગ્ન પહેલાં કન્યાએ નગ૨ની બહાર આવેલ દેવી ગિરિજાનાં દર્શન કરવા જવાનું હોય છે. હું પણ લગ્નનાં વસ્ત્રોમાં તૈયાર થઈને ગિરિજાના મંદિરે જઈશ. હું ઇચ્છું છું કે તમે ગિરિજા મંદિર પહોંચીને મને પત્નીના રૂપમાં સ્વીકારી લો. જો તમે નહીં પહોંચો, તો હું મારા પ્રાણનો ત્યાગ કરી દઈશ.
 
રુકમણીનો સંદેશ મળતાં જ શ્રીકૃષ્ણ તરત જ રથ પર સવાર થઈને કુંડીનપુર જવા નીકળી પડ્યા. તેણે રુક્મણીના દૂત બ્રાહ્મણને પણ રથમાં બેસાડી દીધા. શ્રી કૃષ્ણના જવાની વાતની ખબર બલરામને પડી. તેને ચિંતા થવા લાગી, કારણ કે શ્રી કૃષ્ણ એકલા કુંડીનપુર ગયા હતા. તેથી તે પણ યાદવોની સેના લઈને કુંડીનપુર જવા નીકળી પડ્યા.
 
બીજી તરફ રાજા ભીષ્મકે શિશુપાલને સંદેશો મોકલી દીધો હતો. તેથી તે પણ કુંડીનપુર જવા નીકળી પડ્યા. શિશુપાલની જાનમાં જરાસંધ, પૌડ્રક, શાલ્વ અને વક્રનેત્ર અને અન્ય રાજાઓ પણ હતા. તે બધા જ શ્રીકૃષ્ણના દુશ્મન હતા.
 
લગ્નનો દિવસ હતો. આખું નગર સુશોભિત હતું. મંગળગાન ગવાઈ રહ્યાં હતાં. વાજિંત્રો વાગી રહ્યાં હતાં. આખા નગરમાં ચહલપહલ થઈ રહી હતી. નગરવાસીઓને જ્યારે ખબર પડી કે શ્રીકૃષ્ણ અને બલરામ નગરમાં આવ્યા છે, ત્યારે તેઓ બધા પણ ખૂબ જ ખુશ થઈ ગયા. તેઓ બધા પણ મનોમન વિચારવા લાગ્યા, જો રુક્મણીના લગ્ન શ્રીકૃષ્ણ સાથે થાય તો તે કેટલી સારી બાબત કહેવાય. શ્રી કૃષ્ણ રુક્મણી માટે યોગ્ય પુરુષ છે.
 
સાંજ પછીનો સમય હતો. રુક્મણી લગ્નનાં વસ્ત્રોમાં તૈયાર થઈને ગિ૨જા મંદિર તરફ જવા લાગ્યા. તેની સાથે તેણીની અનેક સખીઓ અને અંગરક્ષક પણ હતા. રુકમણી ઉદાસ અને ચિંતિત હતી, કારણ કે તેણીએ જે બ્રાહ્મણને સંદેશો આપવા મોકલ્યા હતા, તે હજુ સુધી પાછા આવ્યા નહોતા. રુક્મણીએ મંદિરમાં જઈને પ્રાર્થના કરી, હે મા ! મારી ઇચ્છા પૂરી કરો. હું શ્રીકૃષ્ણ સિવાય બીજા કોઈ પુરુષ સાથે લગ્ન કરવા ઇચ્છતી નથી.
 
રુક્મણી જેવાં મંદિરની બહાર નીકળ્યાં, તરત જ તેમને બ્રાહ્મણ દેખાયો. બ્રાહ્મણે રુક્મણીને કઈ જ કહ્યું નહીં આમ છતાં રુક્મણી બ્રાહ્મણને જોઈને ખુશ થઈ ગઈ. તેણીને સમજાઈ ગયું કે ભગવાન શ્રી કૃષ્ણ તેણીને સ્વીકારવા તૈયાર છે. રુક્મણી તેના રથ પર બેસવા જતી જ હતી ત્યાં જ શ્રીકૃષ્ણ વીજળીની માફક તેની પાસે આવ્યા અને તેણીનો હાથ પકડી લીધો.
 
ભગવાને રુક્મણીને ખેંચીને પોતાના રથમાં બેસાડી દીધી. આમ શ્રીકૃષ્ણ રુક્મણીને રથમાં બેસાડીને દ્વારકા તરફ ચાલી નીકળ્યા. થોડી જ વારમાં કુંડીનપુરમાં વાત ફેલાઈ ગઈ કે શ્રીકૃષ્ણ રુક્મણીનું અપહરણ કરીને તેણીને પોતાની સાથે દ્વારકા લઈ ગયા છે.
 
શિશુપાલને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તે ખૂબ જ ગુસ્સે થઈ ગયા. તેણે પોતાના મિત્રરાજાઓ અને સેના સાથે શ્રીકૃષ્ણનો પીછો કર્યો. પરંતુ વચ્ચે જ બલરામ અને યદુવંશીઓએ શિશુપાલને રોકી લીધો. બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું. બલરામ અને યદુવંશીઓએ વીરતા અને બહાદુરી સાથે શિશુપાલ અને તેની સેનાને હરાવી દીધી. તેથી શિશુપાલ અને તેની સેના નિરાશ થઈને કુંડીનપુર પરત ફરી.
 
રુક્મી આ ઘટના જાણીએ ગુસ્સે થઈ ગયો. તેણે બહુ જ મોટી સેના લઈને શ્રીકૃષ્ણનો પીછો કરવાનો શરૂ કર્યો. રુક્મીએ પ્રતિજ્ઞા લીધી કે તે શ્રીકૃષ્ણને બંદી બનાવીને જ પાછા ફરશે, નહીં તો તે ક્યારેય કુંડીનપુર પાછા નહીં જાય.
 
રુક્મી અને શ્રીકૃષ્ણ વચ્ચે ઘમસાણ યુદ્ધ થયું. શ્રીકૃષ્ણએ રુક્મીને યુદ્ધમાં હરાવી દીધા. તેમજ તેણે રુક્મીને પોતાના રથ સાથે બાંધી દીધા. પરંતુ બલરામે રુક્મીને રથમાંથી છોડાવી લીધા. બલરામે શ્રીકૃષ્ણને સમજાવતાં કહ્યું, રુક્મી અને આપણે સંબંધી થયા. કોઈ સંબંધીને આ રીતે સજા આપવી જરા પણ યોગ્ય નથી.
 
રુક્મી પોતાની પ્રતિજ્ઞા અનુસાર ક્યારેય કુંડીનપુર પાછા ન ફર્યા. તે એક નવું નગર વસાવીને તે નગરમાં જ રહેવા લાગ્યા. કહેવાય છે કે રુક્મીના વંશજો હજુ પણ તે નગરમાં રહે છે.
 
ભગવાન શ્રીકૃષ્ણ રુક્મણીને દ્વારકા લઈ ગયા. ત્યાં જઈને શ્રીકૃષ્ણ અને રુક્મણીએ વિધિપૂર્વક લગ્ન કર્યાં. રુક્મણીએ એક પુત્રને પણ જન્મ આપ્યો. તેનું નામ પ્રદ્યુમન હતું. તે કામદેવનો અવતાર હતા. શ્રીકૃષ્ણની અનેક પટરાણીઓમાં રુક્મણીનું સ્થાન મહત્ત્વપૂર્ણ છે. તેમની પ્રેમ અને ભક્તિ પર ભગવાન શ્રીકૃષ્ણ મુગ્ધ હતા. શ્રીકૃષ્ણ અને રુક્મણીના પ્રેમ અને ભક્તિની અનેક કથાઓ છે. આ બધી જ કથાઓ ખૂબ જ સુંદર અને રસપ્રદ છે.