મત્સ્ય અવતાર - મેં હયગ્રીવને મારવા માટે જ મત્સ્ય અવતાર ધારણ કર્યો છે....

    28-Oct-2021
કુલ દૃશ્યો |

Matsya Avatar_1 &nbs 
 

મત્સ્ય અવતાર  | Matsya Avatar

 
હે રાજન ! હયગ્રીવ નામના દાનવે વેદો ચોરી લીધા છે. જગતમાં ચારેબાજુ અજ્ઞાન અને અધર્મનો અંધકાર ફેલાઈ ગયો છે. મેં હયગ્રીવને મારવા માટે જ મત્સ્ય અવતાર ધારણ કર્યો છે.
 
ઘણા સમય પહેલાં એકવાર બ્રહ્માજીની બેદરકારીને કા૨ણે એક દાનવ આવીને વેદ ચોરીને ચાલ્યો ગયો. તે દાનવનું નામ હયગ્રીવ હતું. વેદોની ચોરી થઈ જવાને કા૨ણે જ્ઞાન ગાયબ થઈ ગયું. ચારેબાજુ અજ્ઞાનનો અંધકાર ફેલાઈ ગયો. ચારેબાજુ પાપ અને અધર્મની બોલબાલા વધી ગઈ. ભગવાને ધર્મની રક્ષા કરવા માટે મત્સ્ય અવતાર ધારણ કર્યો. તેમજ હયગ્રીવનો વધ કરી નાખ્યો. આ રીતે ભગવાને વેદોની રક્ષા કરી. ભગવાને કઈ રીતે મત્સ્યરૂપ ધારણ કર્યું તેની કથા ખૂબ જ રોચક છે.
 
એક પુણ્યાત્મા રાજા તપ કરી રહ્યા હતા. તેનું નામ સત્યવ્રત હતું. સત્યવ્રત પુણ્યાત્મા તો હતા, સાથોસાથ તે ઉદાર હૃદયના પણ હતા. એકવાર સવારનો સમય હતો. સૂર્યોદય થઈ ચૂક્યો હતો. સત્યવ્રત કૃતમાલા નદીમાં સ્નાન કરી રહ્યા હતા. તેમણે સ્નાન કર્યા બાદ તર્પણ માટે ખોબામાં પાણી ભર્યું તો પાણીની સાથોસાથ એક નાની એવી માછલી પણ આવી ગઈ. સત્યવ્રતે માછલીને નદીના પાણીમાં છોડી દીધી. ત્યારે માછલી બોલી ઊઠી, હે રાજન! પાણીના મોટા મોટા જીવો નાના નાના જીવોને મારીને ખાઈ જાય છે, તેથી જરૂરથી કોઈ મોટો જીવ મને મારીને ખાઈ જશે. તમે તો ખૂબ જ દયાળુ છો. કૃપા કરીને મારા પ્રાણની રક્ષા કરો.
 
સત્યવ્રતના મનમાં દયા ઉત્પન્ન થઈ. તેણે માછલીને પાણી ભરેલ કમંડળમાં નાખી દીધી. આશ્ર્ચર્યની વાત તો એ થઈ કે એક જ રાતમાં માછલી એટલી મોટી થઈ ગઈ કે તે કમંડળ તેના માટે નાનું પડવા લાગ્યું. તેથી બીજા દિવસે માછલીએ સત્યવ્રતને કહ્યું, હે રાજન! મારા માટે રહેવાનું બીજું સ્થાન શોધો. કારણ કે મારું શરીર વધી ગયું છે. મને હલનચલન કરવામાં મુશ્કેલી થઈ રહી છે.
 
તેથી સત્યવ્રતે માછલીને કમંડળમાંથી કાઢીને એક પાણી ભરેલા માટલામાં રાખી દીધી. ફરી આશ્ર્ચર્યની વાત એ થઈ કે એક જ રાતમાં માછલી માટલામાં પણ ન સમય તેટલી મોટી થઈ ગઈ. તે એટલી મોટી થઈ ગઈ કે માટલામાં તે આરામથી રહી પણ ન શકે. તેથી બીજા દિવસે માછલીએ ફરીથી સત્યવ્રતને કહ્યું, હે રાજન! મારા રહેવા માટેની બીજી કોઈ વ્યવસ્થા કરો. મારા રહેવા માટે આ માટલું પણ હવે નાનું પડી રહ્યું છે.
 
તેથી સત્યવ્રતે માછલીને માટલામાંથી કાઢીને તળાવમાં નાખી દીધી. પરંતુ માછલી માટે તળાવ પણ નાનું પડ્યું. તેથી સત્યવ્રતે માછલીને નદીમાં નાખી દીધી. ત્યારબાદ નદી નાની પડતાં સત્યવ્રતે માછલીને સમુદ્રમાં નાખી દીધી.
 
આશ્ર્ચર્ય! મહાઆશ્ર્વર્ય ! સમુદ્રમાં પણ માછલીનું શરીર ખૂબ જ વધી ગયું. તેનું શરીર એટલું વધી ગયું કે હવે સમુદ્રમાં રહેવું પણ માછલી માટે અઘરું બની ગયું. તેથી ફરીથી માછલીએ સત્યવ્રતને કહ્યું, રાજન! આ સમુદ્ર પણ મારા રહેઠાણ માટે યોગ્ય નથી. મારા રહેવા માટેની બીજી કોઈ વ્યવસ્થા કરો.
 
સત્યવ્રત વિસ્મયથી વિચારવા લાગ્યો. તેણે આજ સુધીમાં ક્યારેય આવડી મોટી માછલી નહોતી જોઈ. થોડીવાર પછી સત્યવ્રત બોલ્યો, મેં આજ સુધી આટલી મોટી માછલી જોઈ નથી. મારી બુદ્ધિને વિસ્મયના સાગ૨માં ડુબાડી દેના૨ તમે કોણ છો? તમારું શરીર જે ઝડપથી દર૨ોજ વધી રહ્યું છે, તે જોઈને લાગે છે કે તમે જરૂરથી પરમાત્માનું સ્વરૂપ છો. જો મારી વાત સાચી હોય તો કૃપા કરીને મને જણાવો કે તમે શા માટે મત્સ્યનું રૂપ ધારણ કર્યું છે?
 
હકીકતમાં માછલી બીજું કોઈ નહીં પરંતુ સ્વયં શ્રી હરિ હતા. મત્સ્યરૂપ ધારણ કરનાર શ્રી હરિએ જવાબ આપ્યો, હે રાજન ! હયગ્રીવ નામના દાનવે વેદો ચોરી લીધા છે. જગતમાં ચારેબાજુ અજ્ઞાન અને અધર્મનો અંધકાર ફેલાઈ ગયો છે. મેં હયગ્રીવને મારવા માટે જ મત્સ્ય અવતાર ધારણ કર્યો છે.
 
થોડીવાર પછી શ્રી હરિ બોલ્યા, આજથી સાતમા દિવસે પૃથ્વી પ્રલયની ચક્કીમાં પીસાઈ જશે. સમુદ્રમાં ભરતી આવશે. ભયાનક વરસાદ આવશે. આખી પૃથ્વી પાણીમાં ડૂબી જશે. પાણી સિવાય આખી દુનિયામાં કઈ જ નહીં દેખાય. એ સમયે તમારી પાસે એક હોડી આવશે. તમે બધું અનાજ અને ઔષધીઓને લઈને સપ્ત ઋષિઓની સાથે તે હોડી પર બેસી જજો. તે જ સમયે હું તમને પાછો દેખાઇશ અને તમને આત્મતત્ત્વનું જ્ઞાન પણ આપીશ. સત્યવ્રત તે જ દિવસથી હરિનું સ્મરણ કરતાં કરતાં પ્રલયની રાહ જોવા લાગ્યા. સાતમા દિવસે પૃથ્વી પર પ્રલયનું વાતાવરણ થઈ ગયું. સમુદ્ર પોતાની સીમાથી બહાર નીકળી ગયો. ભયાનક વ૨સાદ વરસવા લાગ્યો. ખૂબ જ જોરથી પવન ફૂંકાવા લાગ્યો. વીજળીની ભયંક૨ ગર્જના થવા લાગી. થોડી જ વારમાં ચારેબાજુ પાણી પાણી થઈ ગયું. આખી પૃથ્વી પાણીમાં સમાઈ ગઈ. તે સમયે જ એક હોડી દેખાઈ. સત્યવ્રત સપ્તઋષિઓની સાથે તે હોડીમાં બેસી ગયો. તેઓએ હોડીની ઉ૫૨ અનાજ અને ઔષધીનાં બીજ પણ ભરી લીધાં.
 
હોડી પ્રલયના સાગરમાં ચાલવા લાગી. પ્રલયના સાગરમાં તે હોડી સિવાય બીજું કઈ જ વધ્યું નહોતું. અચાનક મત્સ્યરૂપ ભગવાન વિષ્ણુ પ્રલયના સાગરમાં દેખાયા. સત્યવ્રત અને સપ્તઋષિઓ મત્સ્યરૂપ ભગવાનની પ્રાર્થના કરવા લાગ્યા, હે પ્રભો ! તમે જ સૃષ્ટિની શરૂઆત છો. તમે જ સૃષ્ટિનો અંત છો. આખું બ્રહ્માંડ તમારામાં સમાયેલું છે. તમે જ પ્રાણીઓના પિતા છો. તમે જ પાલક છો. તમે જ રક્ષક છો. દયા કરીને અમને તમારા શરણમાં લઈ લો. અમારી રક્ષા કરો.
 
સત્યવ્રત અને સપ્તઋષિઓની પ્રાર્થના ૫૨ મત્સ્યરૂપ ભગવાન પ્રસન્ન થઈ ગયા. તેમણે પોતાના વચન મુજબ સત્યવ્રતને આત્મજ્ઞાન આપવાનું શરૂ કર્યું, બધાં પ્રાણીઓમાં હું જ નિવાસ કરું છું. મારા માટે કોઈ ઉચ્ચ જાતિનું નથી. મારા માટે કોઈ નીચ જાતિનું પણ નથી. બધાં પ્રાણીઓ મારા માટે એકસમાન છે. દુનિયા નશ્ર્વર છે. આ નશ્ર્વર જગતમાં મારાથી વધુ કંઈ છે જ નહીં. જે પ્રાણી બધામાં મને જ જોઇને જીવન વ્યતીત કરે છે, તેને અંતમાં પણ હું જ મળું છું.
 
મત્સ્યરૂપ ભગવાનનું આત્મજ્ઞાન મેળવીને સત્યવ્રતનું જીવન ધન્ય થઈ ગયું. તે જીવિત હોવા છતાં જીવનમુક્ત થઈ ગયો. થોડીવાર પછી પ્રલયનો પ્રકોપ શાંત થઈ ગયો. તે સમયે મત્સ્યરૂપ ભગવાન વિષ્ણુએ હયગ્રીવનો વધ કરી નાખ્યો. તેમજ તેની પાસેથી વેદો છીનવી લીધા. ત્યારબાદ ભગવાન વિષ્ણુએ તે વેદો બ્રહ્માજીને પાછા સોંપી દીધા.