સહસ્રાર્જુન અને પરશુરામ - તેમણે પરશુરામજીને અનેક આશીર્વાદ આપ્યા....

    28-Oct-2021
કુલ દૃશ્યો |

Sahastrarjun and Parshura 
 

સહસ્રાર્જુન અને પરશુરામ | Sahastrarjun and Parshuram in Gujarati

 
પરશુરામજી સહસ્રાર્જુનને મારીને પોતાની કામધેનુ ગાયને લઈને પિતાજી પાસે પહોંચી ગયા. મહર્ષિ યમદગ્નિ કામધેનુને જોઈને ખૂબ જ પ્રસન્ન થઈ ગયા. તેમણે પરશુરામજીને અનેક આશીર્વાદ આપ્યા.
 
હૈહય વંશમાં જન્મેલ અર્જુન પ્રતાપી અને શૂરવીર હતા. તેણે પોતાના ગુરુ દતાત્રેયને પ્રસન્ન કર્યા હતા. તેની પાસેથી અર્જુને વરદાન લઈને હજાર ભુજાઓ મેળવી હતી. તેથી જ અર્જુન સહસ્રાર્જુનના નામે પણ ઓળખાતા.
 
સહસ્રાર્જુનને પોતાના બળ અને વૈભવનું અભિમાન હતું. તે એકવાર ગળામાં વૈજયન્તી માળા પહેરીને નર્મદા નદીમાં સ્નાન કરી રહ્યા હતા. તેણે અચાનક પોતાની બધી ભુજાઓ ફેલાવીને નદીના પ્રવાહને રોકી દીધો. લંકાધિપતિ રાવણને સહસ્રાર્જુનનું આ કામ ખૂબ જ અયોગ્ય અને અન્યાયી લાગ્યું. રાવણને પણ પોતાના બળનું અભિમાન હતું. તે સહસ્રાર્જુન પાસે જઈને ખરાબ વચનો બોલવા લાગ્યા. સહસ્રાર્જુન તેના ખરાબ વચનો સાંભળીને ગુસ્સે થઈ ગયા. તેણે રાવણને બંદી બનાવી લીધો. સહસ્રાર્જુને રાવણને પોતાની જેલમાં નાખી દીધો. પરંતુ પુલત્સ્ય ઋષિ દયાળુ હતા. તેણે રાવણને મુક્ત કરાવી દીધો. આમ છતાં સહસ્રાર્જુનનું અભિમાન દૂર ન થયું. તે અભિમાનના મદમાં ઋષિઓ અને મુનિઓ પર અત્યાચાર કરવા લાગ્યો.
 
 સહસ્રાર્જુનના અભિમાન તો શું કહેવું ? તે તો હંમેશા અભિમાનના યાન ૫૨ બેસીને આકાશમાં ઊડતો રહેતો. એકવાર સહસ્રાર્જુન વનમાં શિકાર કરવા નીકળ્યો. તે વનમાં પરશુરામના પિતા જમદગ્નિનો આશ્રમ હતો. સહસ્રાર્જુન પોતાના સૈનિકો સાથે આશ્રમમાં પહોંચી ગયો.
 
જમદગ્નિજીએ પોતાની ગાય કામધેનુની સહાયતાથી સહસ્રાર્જુન અને તેના સૈનિકો માટે ખાવાપીવાની વ્યવસ્થા કરી. કામધેનુનો ચમત્કાર જોઇને સહસ્રાર્જુન તેનાથી પ્રભાવિત થઈ ગયો. તેણે ઋષિ પાસે કામધેનુ માંગી. પરંતુ જમદગ્નિ પોતાની ગાય સહસ્રાર્જુનને શા માટે આપે? તેથી તેણે ગાય આપવાની ના પાડી દીધી. ઋષિની ના હોવા છતાં સહસ્રાર્જુને તેના સૈનિકોને આદેશ આપ્યો કે બળપૂર્વક તે કામધેનુંને પોતાની સાથે લઈ જાય.
 
આમ બળજબરીથી સહસ્રાર્જુન કામધેનુંને લઈ ગયા. આ સમયે પરશુરામ આશ્રમમાં નહોતા. જ્યારે પરશુરામજી આશ્રમમાં આવ્યા ત્યારે તેના પિતાજીએ તેને કહ્યું કે કઈ રીતે સહસ્રાર્જુન પોતાના સૈનિકો સાથે આવ્યા હતા અને કઈ રીતે બળજબરીથી કામધેનુ ગાયને પોતાની સાથે લઈ ગયા. આ ઘટના અંગે સાંભળીને પરશુરામજી ખૂબ જ ગુસ્સે થઈ ગયા. તે ખભા પર પોતાનું પરશુ રાખીને માહિષ્મતી તરફ ચાલી નીકળ્યા. સહસ્રાર્જુન માહિષ્મતીમાં રહેતો હતો.
 
સહસ્રાર્જુન હજુ રસ્તામાં જ હતો, ત્યાં પરશુરામ તેની પાસે પહોંચી ગયા. સહસ્રાર્જુને જોયું કે પરશુરામ પ્રચંડ ઝડપથી પોતાની તરફ આવી રહ્યા છે. તેથી તેણે પોતાની સેના પરશુરામ સામે ઊભી કરી દીધી. એક તરફ હજારો સૈનિકો હતા અને બીજી તરફ ૫૨શુરામ એકલા હતા. ઘમસાણ યુદ્ધ થયું. પરશુરામે એકલા હાથે સહસ્રાર્જુનના બધા જ સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધા. જ્યારે સહસ્રાર્જુનની સેનાનો વિનાશ થઈ ગયો, ત્યારે તે પોતે રણમેદાનમાં યુદ્ધ કરવા ઊતર્યો. તે પોતાના હજારો બાજુઓથી પરશુરામ ૫૨ બાણ છોડવા લાગ્યો. પરશુરામ બંને હાથોથી બધાં બાણોને નષ્ટ કરવા લાગ્યા. ત્યારબાદ સહસ્રાર્જુને એક મોટું વૃક્ષ ઉખાડીને પરશુરામ પર ફેંક્યું. પરશુરામજીએ તે વૃક્ષના પણ ટુકડેટુકડા કરી નાખ્યા. અંતમાં ૫૨શુરામજીએ સહસ્રાર્જુનનું મસ્તક કાપી નાખ્યું.
 
પરશુરામજી સહસ્રાર્જુનને મારીને પોતાની કામધેનુ ગાયને લઈને પિતાજી પાસે પહોંચી ગયા. મહર્ષિ જમદગ્નિ કામધેનુને જોઈને ખૂબ જ પ્રસન્ન થઈ ગયા. તેમણે પરશુરામજીને અનેક આશીર્વાદ આપ્યા.
 
***
 
પરશુરામજી તેના પિતાના અનન્ય ભક્ત હતા. પરશુરામજી તેના પિતાને પરમાત્મા માનીને સમ્માન આપતા. યમદિગ્ન ઋષિ પણ મહાન યોગી હતા. મહર્ષિ જમદગ્નિએ યોગ દ્વારા અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી.
 
એક દિવસ વહેલી સવારનો સમય હતો. મહર્ષિ જમદગ્નિની પૂજાનો સમય થઈ ગયો. પરશુરામજીની માતા રેણુકા તેના પતિ માટે સ્નાનનું પાણી લેવા સરોવરે ગયા. સરોવરમાં એક યક્ષ કેટલીક યક્ષિણીઓ સાથે જલક્રીડા કરી રહ્યા હતા. રેણુકાજી આ દૃશ્ય જોવામાં એટલાં મગ્ન થઈ ગયા કે તે ભૂલી ગયા કે તેના પતિ સ્નાન માટે પાણીની રાહ જોઈ રહ્યા છે.
 
થોડીવાર પછી અચાનક જ રેણુકાજીને પોતાનું કામ યાદ આવ્યું. તેથી તેણી ઘડામાં પાણી ભરીને આશ્રમે ગયાં. ઘડાને નીચે રાખીને તેણીએ જમદગ્નિની ક્ષમા માંગી. જમદગ્નિએ પોતાની યોગદૃષ્ટિથી જાણી લીધું કે શા માટે રેણુકાને પાણી લઈ આવવામાં વાર લાગી. જમદગ્નિ ઋષિ રેણુકાજી પર ગુસ્સે થઈ ગયા. તેણે તેના પુત્રોને આજ્ઞા કરી કે પોતાની માતાનું માથું કાપી નાખે. પિતાની આજ્ઞા માની તત્કાળ પરશુરામે માતાનો શિરચ્છેદ કર્યો પરંતુ પરશુરામ સિવાય એક પણ પુત્રે પોતાના પિતાની આજ્ઞાનું પાલન ન કર્યું. તેથી પરશુરામે પોતાના ભાઈઓનાં મસ્તક પણ કાપી નાખ્યાં.
 
જમદગ્નિજી પરશુરામજીના આજ્ઞાપાલનથી ખૂબ જ ખુશ થઈ ગયા. તેણે પરશુરામને વરદાન માંગવાનું કહ્યું. ત્યારે પરશુરામજીએ કહ્યું, હે પિતૃશ્રેષ્ઠ! તમે ખરેખર મારા પર પ્રસન્ન હો તો મારી માતા અને ભાઈઓને જીવિત કરી દો.
 
જમદગ્નિજીએ તેની માતા અને ભાઈઓને જીવિત કરી દીધાં. કામધેનુને પામીને જમદગ્નિ ખૂબ જ ખુશ થયા હતા પણ તેને એ વાતનું દુઃખ થયું હતું કે પરશુરામે સહસ્રાર્જુનનો વધ કરી નાખ્યો. એકવાર જમદગ્નિજીએ પરશુરામને કહ્યું, બેટા ! તેં સહસ્રાર્જુનનો વધ કરીને યોગ્ય કામ નથી કર્યું. આપણા બ્રાહ્મણોની શોભા ક્રોધથી નહીં, પણ ક્ષમાથી વધે છે. ક્ષમાથી જ બ્રહ્મ પદ પ્રાપ્ત થાય છે. રાજા બ્રાહ્મણ સમાન હોય છે. સહસ્રાર્જુનનો વધ કરીને એક બ્રાહ્મણની હત્યા જેટલું જ તેં પાપ કર્યું છે. તારે હત્યાના પાપમાંથી મુક્તિ મેળવવા માટે એક વર્ષ સુધી તીર્થોમાં ભ્રમણ કરવું જોઈએ.
 
પિતાજીની આજ્ઞાનું પાલન કરીને પરશુરામ તીર્થોની યાત્રા પર જવા નીકળી પડ્યા. તે આખા વર્ષ દરમિયાન તીર્થભ્રમણ કરતા રહ્યા. તેથી તેના પિતાજી પરશુરામથી ખુશ થયા અને તેણે પરશુરામને અનેક આશીર્વાદ પણ આપ્યા.
 
બીજી તરફ સહસ્રાર્જુનના પુત્રો પોતાના પિતાના વધનો બદલો લેવાનો મોકો શોધી રહ્યા હતા. એકવાર જ્યારે પરશુરામજી અને તેના ભાઈઓ આશ્રમમાં નહોતા ત્યારે સહસ્રાર્જુનના પુત્ર આશ્રમમાં પહોંચી ગયા. આ સમયે જમદગ્નિ યજ્ઞમંડપમાં બેસીને ધ્યાન ધરી રહ્યા હતા. ત્યારે જ સહસ્રાર્જુનના પુત્રોએ જમદગ્નિનું મસ્તક કાપી નાખ્યું અને મસ્તક પોતાની સાથે લઈ ગયા.
 
રેણુકાજી આક્રંદ ક૨વા લાગ્યાં. તે જ સમયે પરશુરામજી પણ આશ્રમમાં આવી પહોંચ્યા. તે પોતાની શોકમગ્ન માતાને જોઇને અને પોતાના પિતાના વધની સાંભળીને ખૂબ જ ગુસ્સે થઈ ગયા. તે પોતાનું પરશુ લઈને માહિષ્મતી તરફ દોડવા લાગ્યા. પરશુરામે આખા માહિષ્મતીનો વિનાશ કરી નાખ્યો. તેમજ તેણે સહસ્રાર્જુનના બધા જ પુત્રોનો પણ વધ કરી નાખ્યો. પરશુરામે પોતાના પિતાનું મસ્તક લાવીને તેની માતા રેણુકાને આપી દીધું. રેણુકાજી તેના પતિનું મસ્તક લઈને સતી થઈ ગયાં.
 
આ ઘટના પછી પરશુરામજીએ એકવીસ વાર પૃથ્વીને ક્ષત્રિયવિહોણી કરી નાખી. ભગવાન રામે પરશુરામજીના ગુસ્સાને શાંત કર્યો. તેથી પરશુરામજી એક પર્વત પર જઈને તપ કરવા લાગ્યા. ૫રશુરામજીની શૂરવીરતાએ તેમને અમર બનાવી દીધા.