ભારતના ભાગલા અને ૧૯૭૧માં પાકિસ્તાનના ભાગલાનું કારણ ઉર્દૂ !

    04-Oct-2021   
કુલ દૃશ્યો |

hindi vs urdu_1 &nbs 
 
 
સેક્યુલર વેબસાઇટ સ્ક્રૉલ પર એક લેખમાં એવો દાવો કરાયો છે કે મહાભારતમાં રાહી માસૂમ રઝાએ પ્રયોજેલા પિતાશ્રી અને માતાશ્રી શબ્દો અબ્બાજાન અને અમ્મીજાન પરથી આવ્યા છે! પૂર્વ પાકિસ્તાનના બંગાળી લોકોએ પોતાના માથે ઉર્દૂ થોપાતાં લડાઈ આદરી અને સ્વતંત્રતા મેળવી. ઉર્દૂને ફગાવી દીધી. ભારત આવું કરી ન શક્યું
 
તાજેતરમાં ૧૪ સપ્ટેમ્બરે હિન્દી દિવસની ઉજવણી થઈ. આ દિવસે કેટલાક કટ્ટર મુસ્લિમોએ ઉર્દૂ વિના હિન્દી અધૂરી છે તેવા સંદેશાઓ સૉશિયલ મીડિયા પર મૂક્યા. એટલું જ નહીં, આગળ જતાં કેટલાકે એવું પણ લખ્યું કે હિન્દી છે જ ક્યાં? જેને આપણે હિન્દી કહીએ છીએ તે તો દેવનાગરી લિપિમાં લખાતી ઉર્દૂ જ છે. હિન્દી ફિલ્મી જગતનો આધાર આજે પણ ઉર્દૂ છે. ન્યાયાલયની કાર્યવાહીમાં પણ આજે પણ શુદ્ધ ઉર્દૂનો પ્રયોગ થતો રહ્યો છે. દક્ષિણ ભારત અને પૂર્વોત્તર ભારતમાં હિન્દી ચલણમાં જ નથી.
 
 
હિન્દીને ઉર્દૂમુક્ત કરો
 
 
સેક્યુલર વેબસાઇટ સ્ક્રૉલનો એ લેખ પણ કેટલાકે શૅર કર્યો જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે મહાભારત ધારાવાહિકના સંવાદો મુસ્લિમ લેખક રાહી માસૂમ રઝાએ લખ્યા હતા. તેમાં પિતાશ્રી અને માતુશ્રી એવાં સંબોધન પિતા-માતાને થતાં હતાં તે મૂળ તો ઉર્દૂમાં પિતા અને માતાને સંબોધન કરાતા શબ્દો અબ્બાજાન અને અમ્મીજાન પરથી પ્રેરિત હતા. આના પરથી એવું લાગે છે કે સાચી હિન્દીની વાત થવી જોઈએ. ઉર્દૂમુક્ત હિન્દીની વાત થવી જોઈએ.
 
પંજાબ યુનિવર્સિટીએ વર્ષ ૨૦૧૯માં એક પ્રસ્તાવ મૂકેલો કે ઉર્દૂને ફ્રેન્ચ, જર્મન, રશિયન, તિબેટિયન અને ચીની ભાષાના વિભાગો સાથે ભેળવી દેવી જોઈએ. જોકે ત્યાં કૉંગ્રેસની કેપ્ટન અમરિન્દરસિંહની સરકાર હતી એટલે થોડો ઊહાપોહ થયો અને કૉંગ્રેસની ટેવ મુજબ મતબૅન્ક દુખી ન થાય એટલે આ પ્રસ્તાવ પડતો મુકાયો હતો. જો ભાજપ સરકારે આવું કર્યું હોત તો?
 
હિન્દી મનોરંજનમાં ૭૦ ટકા ઉર્દૂ શબ્દો
 
 
વર્ષોથી મનોરંજન જગત ખાસ કરીને ફિલ્મો અને તેના કારણે ધારાવાહિકો તેમજ વેબસીરિઝમાં જે હિન્દી વપરાય છે તે ૭૦ ટકા ઉર્દૂવાળું છે તેવી ઉર્દૂપ્રેમી મુસ્લિમોની વાત સાચી છે. ૨૦૦૦ના વર્ષ પછી ચોવીસ કલાકની થયેલી હિન્દી સમાચાર ચેનલોની અસર હવે ગુજરાતી પત્રકારત્વ અને સાહિત્યમાં પણ ખૂબ જ જોવા મળી રહી છે. અવ્યવસ્થાના બદલે અફરાતફરી, ભયના બદલે દહેશત, મૃત્યુના બદલે મૌત, વરવધૂ માટે દુલ્હા-દુલ્હન આવા શબ્દો ગુજરાતીમાં જે વપરાવા લાગ્યા છે તેનું કારણ કહેવાતી હિન્દી સમાચાર ચેનલો અને હિન્દી વેબસાઇટો પર લખાતી ઉર્દૂપ્રભાવી હિન્દી છે.
 
ઘણા એવું પણ માને છે કે ઉર્દૂ ભારતમાં જ જન્મેલી ભાષા છે. હિન્દુ અને મુસ્લિમની સંયુક્ત સંસ્કૃતિનો ઉત્તમ નમૂનો છે. વળી, ઉર્દૂ શિષ્ટતા, સભ્યતા અને સંસ્કૃતિની પરિચાયક છે. પહેલે આપ, પહેલે આપવાળી સંસ્કૃતિ છે. જાવેદ અખ્તર જેવા ઉર્દૂપ્રેમી ગીતકાર-લેખક એવો પણ દાવો કરે કે શ્રીકૃષ્ણભક્તિનું સાહિત્ય ઉર્દૂમાં લખાયેલું છે.
 

hindi vs urdu_1 &nbs 
 
આ વાત સાચી પણ છે. તેનું કારણ એ હતું કે મોગલોના સમયમાં સત્તાવાર ભાષા ફારસી હતી. (ભલે ૯૦ ટકા લોકો આ ભાષા જાણતા નહોતા તો પણ આ ભાષા હતી. અત્યારે બહુમતી જે ભાષા ઇચ્છે છે તે ભાષા થઈ નથી શકતી.) બીજી ભાષા ઉર્દૂ હતી. અંગ્રેજોએ ઉર્દૂને ચાલુ રાખી. તે પછી સ્વતંત્ર ભારત થયું ત્યારે ગાંધીજીએ આ ઉર્દૂ અથવા તો હિન્દુસ્તાની ભાષાને સત્તાવાર ભાષા બનાવવા આગ્રહ રાખેલો. બાબાસાહેબ આંબેડકર સંસ્કૃત ભાષાને રાષ્ટ્રભાષા બનાવવાના પક્ષધર હતા. નહેરુએ આવી ખીચડી હિન્દીને રાષ્ટ્રભાષા બનાવી. હિન્દીનો વિરોધ થયો એટલે હિન્દીની સાથે અંગ્રેજી રાષ્ટ્રભાષા બની ગઈ. અંગ્રેજી પણ પાંચ-પંદર વર્ષ માટે જ રહેવાની હતી પરંતુ દક્ષિણના રાજકીય પક્ષોના અડંગાના કારણે અંગ્રેજી હજુ પણ ચાલી રહી છે.
 
ભારતના ભાગલાનું એક કારણ ઉર્દૂ હતું
 
ઉર્દૂ એ ભારતના ભાગલાનું એક કારણ બની છે. ૧૮૬૭માં બ્રિટિશ રાજમાં આગરા અને અવધના સંયુક્ત પ્રાંતોમાં ઉર્દૂના સ્થાને હિન્દીને સત્તાવાર ભાષા બનાવવા હિન્દુઓએ માગણી કરી હતી. આ ચળવળ ૨૦મી સદીમાં પણ ચાલી. આની સામે ઉર્દૂને સત્તાવાર ભાષા જાળવી રાખવા માટે મુસ્લિમ સંગઠનો મેદાને આવ્યાં. આ ચળવળો સાંપ્રદાયિક હિંસામાં પરિણમી. દ્વિરાષ્ટ્રની થિયરીના જનક સૈયદ અહમદ ખાનના અનુયાયીઓએ ઉર્દૂને બચાવવા પ્રયાસો આદર્યા. આમાં સૈયદ અહમદ ખાનના મિત્ર મોહસીન ઉલ મુલ્ક (મૂળ નામ સૈયદ મહેંદી અલી)એ ઉર્દૂ ડિફેન્સ એસોસિયેશન રચ્યું. સૈયદ અહમદ ખાન અને મોહસીન ઉલ મુલ્કના પ્રયાસોથી ભારતીય મુસ્લિમોમાં ઉર્દૂનું ચલણ વધી ગયું.
 
જે લોકો સત્તાને પ્રિય થવા માગતા હતા તેવા હિન્દુઓએ અંગ્રેજી અને ઉર્દૂને અપનાવી લીધી. એક વ્યવસ્થિત આયોજન રૂપે હિન્દી ફિલ્મોમાં ઉર્દૂ ભાષામાં સંવાદો અને ગીતોનું ચલણ શરૂઆતથી જ રહ્યું. પંડિત નરેન્દ્ર શર્મા, ગોપાલદાસ નીરજ, ઈન્દીવર, ભરત વ્યાસ, વગેરે અપવાદોને બાદ કરતાં, શૈલેન્દ્ર, હસરત જયપુરી, શકીલ બદાયૂંની, સાહિર લુધિયાનવી, મઝરુહ સુલતાનપુરી, રાજેન્દ્ર કૃષ્ણ, ગુલઝાર, આનંદ બક્ષી, સમીર, વગેરે અનેક ગીતકારોએ ઉર્દૂપ્રચુર હિન્દીમાં ગીતો લખ્યાં. સંવાદોમાં પણ આવું થયું. ઉર્દૂ અને અંગ્રેજીનું પ્રભુત્વ રહ્યું.
 
ઉર્દૂ શા માટે ન વાપરવી જોઈએ? પહેલું કારણ એ છે કે ઉર્દૂને મોગલવાદી મુસ્લિમો સત્તાની ભાષા માને છે. ભારતની જ નહીં, પાકિસ્તાનની પ્રજા પર ઉર્દૂ થોપીને મુસ્લિમોની સત્તા હોવાનો ગર્વ અનુભવે છે. ઉર્દૂના કારણે જ ભારતના જ નહીં, પાકિસ્તાનના પણ ભાગલા થયા!
 
ભારતના ભાગલામાં ઉર્દૂની ભૂમિકા વિશે તો ઉપર આપણે વાંચ્યું. પરંતુ પાકિસ્તાનના ભાગલામાં ઉર્દૂની ભૂમિકા શું રહી? હકીકતે, પાકિસ્તાન રચાયું ત્યારે તેમાં પંજાબી, સિંધી, પશ્તો, સરાઇકી, બલોચી, કાશ્મીરી, ગુજરી, હરિયાનવી, મારવાડી વગેરે અનેક ભાષાઓ બોલાતી હતી. પરંતુ ૨૧ ફેબ્રુઆરી ૧૯૪૮એ મોહમ્મદ અલી ઝીણા (જે મૂળ ગુજરાતી વંશના હતા-ગુજરાતી ભાષાના હતા)એ બાંગ્લાદેશના ઢાકામાં જઈને જાહેરાત કરી કે પાકિસ્તાનની રાષ્ટ્રભાષા ઉર્દૂ રહેશે. આ ઉર્દૂ પોતાના માથે થોપાતા બાંગ્લાદેશના મુસ્લિમો સહિતની પ્રજાને આ કઠોર ઘા લાગ્યો. ત્યારથી જ પાકિસ્તાનના ભાગલાનાં બીજ રોપાઈ ગયાં હતાં. ઝીણાની આ ઘોષણાનો બાંગ્લાદેશમાં વિરોધ થયો. તેમના વિરોધમાં સૂત્રોચ્ચાર થયા. હદ તો જુઓ, પાકિસ્તાને વર્તમાન બાંગ્લાદેશના લોકોને બાંગ્લા ભાષા વાપરવાની છૂટ તો આપી પણ શરત મૂકી કે બાંગ્લા અરબી લિપિમાં લખવાની!
 
તો ભારતની રાષ્ટ્રભાષા ઉર્દૂ હોત
 
આમ, પાકિસ્તાનના લોકો જે એક સમયે હિન્દુ જ હતા તે પંથાંતરિત થયા એટલે બધું ગયું. ભાષા પણ ગઈ અને લિપિ પણ ગઈ! જો સ્વતંત્રતા સમયે મોહસિન ઉલ મુલ્ક, સૈયદ અહમદ ખાનનું ચાલ્યું હોત અને અંગ્રેજો ગયા પછી આ મોગલવાદી માનસિકતાવાળા મુસ્લિમોને સત્તા મળી હોત (ગાંધીજીએ તો ભાગલા ન પડે તે માટે ઝીણાને અખંડ ભારતના વડા પ્રધાન બનાવવા પ્રસ્તાવ પણ કર્યો હતો. જો તેઓ વડા પ્રધાન થયા હોત તો) આપણા માથે સત્તાવાર રીતે ઉર્દૂ થોપાઈ હોત અને આપણે હિન્દી, ગુજરાતી, પંજાબી, રાજસ્થાની, મરાઠી, કન્નડ, તેલુગુ, તમિલ, મલયાલમ, આસામી વગેરે ભાષા વગેરે મૃતપ્રાય થઈ હોત અથવા તે ભાષા અરબી લિપિમાં લખવાની આપણને ફરજ પડત.
 
તેનાં ચાર વર્ષ પછી ૧૯૫૨માં ઢાકા યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન ચાલુ હતું. હથિયારધારી સુરક્ષા કર્મચારીઓએ આ નિ:શસ્ત્ર વિદ્યાર્થીઓ પર ગોળીબાર કરવા લાગ્યો. ૧૨ યુવકો આ ગોળીબારમાં માર્યા ગયા! તે પછી બાંગ્લાદેશ સ્વતંત્ર થયું. તેણે તેની સત્તાવાર ભાષા તરીકે બાંગ્લા અપનાવી. હવે તો ૨૧ ફેબ્રુઆરીએ સંયુક્ત રાષ્ટો આંતરરાષ્ટીય માતૃભાષા દિવસ મનાવે છે. પરંતુ આ દિવસ બાંગ્લાદેશના ઇતિહાસમાં કાળા દિવસ તરીકે અંકિત છે.
 
બાંગ્લાદેશે જે કર્યું તે ભારત ન કરી શક્યું
 
બાંગ્લાદેશ જેવા ટચૂકડા દેશે પોતાના પ્રદેશની સંસ્કૃતિ, ભાષા પ્રત્યે પ્રેમ દેખાડ્યો અને ઉર્દૂને ફગાવી દીધી પણ પાકિસ્તાનનાં અન્ય પ્રાંતો આ ન કરી શક્યાં. પરિણામે, સિંધી, પંજાબી, બલોચ વગેરે ભાષા ત્યાં લગભગ રહી જ નથી અને રહી હોય તો પણ તે ૯૦ ટકા ઉર્દૂ પ્રભાવી જ છે. બાંગ્લાદેશ જે કરી શક્યું તે ભારત પણ નથી કરી શક્યું, ઊલટું, ભારતમાં સરકારી કચેરીઓ, ન્યાયાલયો, ફિલ્મ જગત, સમાચાર માધ્યમો, સામયિકો, સાહિત્ય વગેરે અનેકમાં ઉર્દૂનું પ્રભુત્વ દેવનાગરી લિપિમાં દેખાઈ રહ્યું છે.
 
ઘણા મુસ્લિમો દુખ વ્યક્ત કરે છે કે ઉર્દૂ નામશેષ થઈ રહી છે, પરંતુ આ વાત સત્ય નથી. ઉર્દૂ જીવી રહી છે દેવનાગરી લિપિમાં લખાતી, કહેવાતી હિન્દીમાં. જાવેદ અખ્તરના ઉર્દૂના પ્રચાર કરતા અનેક વિડિયો યૂટ્યૂબ પર જોવા મળશે. એક વિડિયોમાં તેઓ કહે છે, ૭૦-૮૦ના દાયકા સુધી સંવાદ લેખકો અને ગીતકાર ઉર્દૂના જ રહ્યા છે. મને નવાઈ લાગે છે કે ઉર્દૂપ્રેમીઓએ શા માટે દાવો ન કર્યો કે આ હિન્દી ફિલ્મો નથી, આ તો ઉર્દૂ ફિલ્મો છે. જાવેદ અખ્તર એવી પણ દલીલ કરે છે કે ભાષા તો પ્રદેશની હોય, ધર્મની નહીં. તેમની આ દલીલમાં જ ઉર્દૂની પોલ ખુલ્લી પડી જાય છે. એ વાત સાચી કે ભાષા પ્રદેશની હોય છે. પંજાબની પંજાબી, ગુજરાતની ગુજરાતી, મહારાષ્ટ્રની મરાઠી, તમિલનાડુની તમિલ&વગેરે. પણ એ કહો કે ઉર્દૂ કયા પ્રદેશની ભાષા છે? તમિલ પરથી ખ્યાલ આવે કે તે પ્રદેશનું નામ તમિલનાડુ છે. શું ઉર્દૂ નામનો કે ઉર્દૂસ્તાન નામનો કોઈ પ્રદેશ છે ખરો? કડવી હકીકત એ જ છે કે ઉર્દૂને કટ્ટર મુસ્લિમો પોતાની ભાષા માને છે. હિન્દુવાદીઓને ઉર્દૂનો કેમ વિરોધ છે તેવો પ્રશ્ર્ન કરવા કરતાં કટ્ટર મુસ્લિમોને હિન્દી કે સંસ્કૃત જે તેમના પૂર્વજો બોલતા જ હતા તેનો વિરોધ કેમ છે તે પ્રશ્ર્ન પુછાવો જોઈએ.
 
વળી, દેવનાગરી લિપિ ભારતમાં વર્ષોથી સંસ્કૃત-હિન્દીના કારણે જાણીતી છે. પરંતુ અરબી લિપિ તો કેટલા મુસ્લિમો જાણતા હશે તે પણ સંશોધનનો વિષય છે. શું અરબી લિપિ વગર ઉર્દૂને ઉર્દૂ આ મુસ્લિમો ગણશે?
 
ઉર્દૂનો વિરોધ એટલા માટે છે કારણ કે તે આપણે ત્યાં હિંસા કરનારા, આપણને દાસ બનાવનારા લોકોની લિપિમાં લખાતી ભાષા છે તેમ જાણીતા મુસ્લિમ વિદ્વાન અને વક્તા તારિક ફતેહ કહે છે. વાત સાચી છે. ઉર્દૂએ ભારતના અને પાકિસ્તાનના ભાગલાનો પાયો નાખ્યો છે. આને કઈ રીતે સર્જનની ભાષા કહી શકાય? વળી આપણે ત્યાં તો વિશ્ર્વની મહાનતમ ભાષા અને અનેક ભાષાની જનની સંસ્કૃત છે જેનો શબ્દવૈભવ અપાર છે. શુદ્ધ હિન્દી અને ગુજરાતીના પોતાના શબ્દો પણ છે. આપણે શા માટે પારકી ભાષાના એવા શબ્દો લેવા જોઈએ જે આપણી ભાષામાં છે જ અને લોકપ્રિય છે. મૃત્યુ શબ્દ શું આપણે ત્યાં વ્યાપક રીતે નથી બોલાતો? તો મૌત શા માટે લખવું જોઈએ? ભયના બદલે દહેશત શા માટે બોલાવું અને લખવું જોઈએ? શહીદ એટલે ઇસ્લામ માટે મરનાર એવો અર્થ થાય છે. તો પછી આપણા સૈનિકોને શહીદ કહેવાના બદલે વીરગતિ પ્રાપ્ત અથવા હુતાત્મા કહેવા જોઈએ. જે શબ્દોના પર્યાય આપણે ત્યાં નથી તેના પર્યાય બનાવી શકાય.
 
શુદ્ધ હિન્દી બોલનારાની મજાક બનાવાય છે
 
ટેક્નૉલૉજી, મેડિકલ, કાયદા વગેરે અનેક ક્ષેત્રના શબ્દો આપણે જેમના તેમ વાપરવા જોઈએ તેવો એક વર્ગ આગ્રહ રાખે છે અને કહે છે કે જો તેના ગુજરાતી કે હિન્દી શબ્દ વાપરીએ તો ભદ્રંભદ્ર લાગે. હિન્દી ફિલ્મોમાં શુદ્ધ હિન્દી બોલનારાની મજાક ઉડાવાઈ છે જેમ કે ચૂપકે ચૂપકેમાં ઓમપ્રકાશ અને ધર્મેન્દ્રની કૉમેડી જોઈ લો. વિનોદ ખન્ના પર પ્રિય પ્રાણેશ્ર્વરી ગીત ફિલ્માવાયું છે તે પણ રમૂજની રીતે જ છે. તેમાં કપડાં પણ એક પંડિત કે હિન્દુવાદી વ્યક્તિ પહેરે તેવાં ધોતી-ઝભ્ભો પહેરાવાયાં છે અને તિલક કરાયું છે. તાજેતરમાં હપ્પુ કી ઉલટન પલટન નામના ધારાવાહિકમાં પણ શુદ્ધ હિન્દી અને ચીન તેમજ ઇસ્લામિક ત્રાસવાદ સામે ઝીંક ઝીલનાર અમેરિકાના પૂર્વપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પની મજાક ઉડાવાઈ હતી.
 
ઉર્દૂ ભાષા દ્વારા ઇસ્લામ પંથ અને સંસ્કૃતિ થોપવાના પ્રયાસો થઈ રહ્યા છે. આપણી પાસે નમસ્તે કરવાની અદ્ભુત પરંપરા છે જેને કોરોના કાળમાં પ્રિન્સ ચાર્લ્સથી લઈને ડૉનાલ્ડ ટ્રમ્પ સુધીના વિશ્ર્વ નેતાઓએ સ્વીકારી હતી, કોઈ સારા કાર્ય માટે આપણે વંદન પણ કરી શકીએ, બોલી શકીએ પછી સલામ શા માટે બોલવું અને લખવું જોઈએ? આપણી પાસે માનવતા શબ્દ હોય તો પછી ઇન્સાનિયત શા માટે બોલવું અને લખવું જોઈએ? પ્રમાણિક શબ્દ હોય તો પછી ઈમાનદાર શા માટે ? નિષ્ઠાવાન હોય પછી વફાદાર શા માટે? પવિત્ર શબ્દ છે પછી પાક શબ્દ શા માટે વાપરવો જોઈએ? બુદ્ધિ શબ્દ છે પછી અક્લ શા માટે?
 
ગીત સંવાદો દ્વારા ઇસ્લામને ઠોકી બેસાડાયો છે
 
ગુલઝાર સહિત અનેક ગીતકારોએ ઉર્દૂ ભાષા દ્વારા ફિલ્મી ગીતોમાં ઇસ્લામ થોપ્યો છે જેમ કે દિલ સે ફિલ્મના છૈંયા છૈંયા ગીતમાં હિન્દુ નાયક અમરકાંત વર્મા (શાહરુખ ખાન) પોતાની હિન્દુ પ્રેમિકા મેઘનાનું વર્ણન કરતાં ગાય છે - વો યાર હૈ જો ખુશ્બૂ કી તરહ, જિસ કી ઝુબાં ઉર્દૂ કી તરહ. શા માટે સંસ્કૃત કે શુદ્ધ હિન્દી નહીં અને ઉર્દૂ જ? આ જ ગીતમાં ગુલઝાર લખે છે, તાબિઝ બના કે પહેનૂં ઉસે આયત કી તરહ મિલ જાયે કહીં. અહીં આયત એટલે કુર્આનની આયત. અહીં શ્ર્લોક કે ઋચા શબ્દ વાપરી શકાયો હોત. ગુલઝારનાં ગીતો ધૂનના કારણે ગમે છે, ભાવના પણ સારી છે, પરંતુ આ રીતે હિન્દુ પાત્રો દ્વારા ઉર્દૂ અને ઇસ્લામ થોપવાનું ગમતું નથી. (મુસ્લિમ પાત્રો હોય તો વાંધો ન જ હોય.) આ ઉર્દૂના કારણે જ ફિલ્મી ગીતોમાં મૌલા, અલી, અલ્લાહ, દુઆ, બંદગી, ઇશ્ક, રવાયત, ઇનાયત, પનાહ, શિકાયત વગેરે અનેક શબ્દો પ્રચલિત બની ગયા અને તારક મહેતા& સિરિયલમાં એક દૃશ્યમાં આત્મારામ ભીડે જેવા શિક્ષક ગણેશજીને દુઆ કરવી છે તેમ બોલતા દેખાડાય છે.
 
જેઠાલાલ પણ અવારનવાર ભાંગ્યુતૂટ્યું ઉર્દૂ બોલીને પ્રભાવ છાંટવાનો પ્રયાસ કરતો હોય તેવું દર્શાવાય છે. જેમ કે તહેદિલ સે શુક્રિયા. (અંતકરણ સે ધન્યવાદ). આ ઉપરાંત આ ઉર્દૂ અને મોગલ શાસનની દાસતાના કારણે જેઠાલાલ અને દયા જહાંપનાહ અને કનીઝ જેવા ભારેભરખમ શબ્દો પણ વાપરે છે.
 
ઇતિહાસ અને સંસ્કૃતિનું વહન માત્ર માતૃભાષામાં જ
 
આપણો ઇતિહાસ અને સંસ્કૃતિ-પરંપરા જાણવી હોય તો આપણી ભાષા શીખવી જરૂરી છે. સ્ક્રૉલનો લેખ છપાયો ત્યારે તો હજુ આપણે ત્યાં સંસ્કૃત અને ભારતીય સાચો ઇતિહાસ જાણનારા ઉપસ્થિત છે. આવા લોકોએ કહ્યું કે મહાભારતના સંવાદો એકલા રાહી માસૂમ રઝાએ જ નથી લખ્યા, પંડિત નરેન્દ્ર શર્મા જેમણે હિન્દી ફિલ્મોમાં શુદ્ધ હિન્દીમાં ગીતો આપ્યાં તેમણે સલાહકાર તરીકે રાહી માસૂમ રઝાને માર્ગદર્શન આપ્યું હતું. રાહી માસૂમ રઝા પોતે જ કહેતા કે મહાભારત કી ભૂલભૂલૈયા મેં મૈં પંડિત જી કી અંગૂલી થામે આગે બઢતા ગયા. અને તો પણ આ સેક્યુલર-લિબલર પત્રકારો આપણા મનમાં ઠસાવવા માગે છે કે મહાભારત ધારાવાહિકમાં પ્રયોજાયેલા પિતાશ્રી, માતાશ્રી જેવા શબ્દો ઉર્દૂ અબ્બાજાન અને અમ્મીજાન પરથી આવ્યા હતા! આજે જે રીતે ઉર્દૂનો પ્રયોગ હિન્દીમાં વધી રહ્યો છે તે જોતાં ન કરે નારાયણ અને વર્ષો પછી શુદ્ધ હિન્દીમાં લખાયેલું સાહિત્યને ખિલજીની જેમ નાશ કરાય કે તે આપણી ઉપેક્ષાથી નષ્ટ પામે, અને ઉર્દૂપ્રચુર હિન્દીમાં લખાયેલું સાહિત્ય-ફિલ્મો-ધારાવાહિકો વગેરે રહી ગયાં તો વર્ષો પછી જિહાદીઓ દ્વારા એવો દાવો પણ થઈ શકે કે આ તો બધી ઉર્દૂની દેણ છે અને એટલે હિન્દુ ધર્મનો જન્મ ઇસ્લામ મઝહબમાંથી થયો છે.
 
આથી જ આપણે જે કોઈ ભારતીય ભાષા બોલીએ તેમાંથી દાસતાની નિશાની જેવી આ ભાષાઓ - અંગ્રેજી, ઉર્દૂ અને ફારસી શબ્દોને મહત્તમ ઓછા વાપરીએ. જ્યાં વાપરવા પડે તેવા હોય ત્યાં તેના ભારતીય ભાષીય પર્યાય બનાવીએ. ચીન, રશિયા વગેરે અનેક દેશોએ અમેરિકા, બ્રિટન વગેરે દેશોમાં શોધાયેલી ટેક્નૉલૉજી, મેડિકલ, એન્જિનિયરિંગ પરિભાષા વગેરેને પોતાની ભાષામાં પરિવર્તિત કર્યા જ છે. શ્રીલંકાએ પોતાની ભાષા સિંહાલી અપનાવી છે. ઇઝરાયેલે મૃતપ્રાય થયેલી હિબ્રૂને જીવંત કરી સત્તાવાર અને બોલચાલની ભાષા બનાવી છે. આપણે ભારતીય ભાષાઓનું ગૌરવ પુનઃ ન સ્થાપી શકીએ ?