જે વ્યક્તિ આ મંત્રોને જીવનમાં ઉતારી લે છે, સફળતા સામેથી તેને શોધતી આવે છે.

    04-Oct-2021
કુલ દૃશ્યો |

gujarati suvichar _1  
 
 

જે ઇચ્છશો તે મેળવશો...

 
એક સાધુ એક ઘાટના કિનારે ધૂણી ધખાવી બેઠા હતા. તે વારંવાર મોટેથી લલકારી રહ્યા હતા. જે ઇચ્છશો તે મળશે. રસ્તા પરથી પસાર થતા લોકો તેને જોઈ સાંભળી હસતા અને કહેતા - લાગે છે કે મહાત્માજીનું મગજ ચસકી ગયું છે માટે જ આ પ્રકારના લવારા કર્યા કરે છે. એક દિવસ એ રસ્તા પરથી એક બેરોજગાર યુવક પસાર થઈ રહ્યો હતો. પેલા સાધુના શબ્દો તેના કાને પડ્યા. પેલો યુવક ઉત્સુકતાવશ તેમની પાસે ગયો અને કહ્યું, મહારાજ, શું ખરેખર હું જે ઇચ્છું તે તમે મને આપી શકશો ? સાધુએ કહ્યું, બિલકુલ આપી શકું છું. બોલ તારે શું જોઈએ છે ? યુવકે કહ્યું, મારે ખૂબ જ મોટો હીરાનો વ્યાપારી બનવું છે. બસ એટલી જ વાત ? હું તને બે અણમોલ હીરા આપું છું તેની મદદથી તું જોઈએ તેટલા હીરા બનાવી શકીશ. સાધુએ કહ્યું.
 
યુવકે ખુશ થતાં પોતાના હાથ સાધુ તરફ ધર્યા. સાધુએ પોતાનો હાથ યુવકની હથેળી પર મૂકતાં કહ્યું, લે, આ દુનિયાનો સૌથી અણમોલ હીરો ‘સમય’, તેને તારા હાથમાંથી ક્યારેય છોડતો નહીં. તેની મદદથી તું ઇચ્છીશ તેટલા હીરા બનાવી શકીશ. ત્યાર બાદ સાધુએ પોતાનો બીજો હાથ યુવકની હથેળી પર મૂકતાં કહ્યું, લે આ બીજો મૂલ્યવાન હીરો જેને ‘ધૈર્ય’ કહેવાય છે. જ્યારે લાંબો સમય મહેનત કર્યા બાદ પણ સફળતા ન મળે ત્યારે આ હીરાનો ઉપયોગ કરજે. જ્યાં સુધી આ હીરો તારી પાસે છે ત્યાં સુધી દુનિયાની કોઈ પણ તાકાત તને ઇચ્છિત ફળ મેળવવાથી રોકી નહીં શકે.
 
યુવકે સાધુની વાત ધ્યાનથી સાંભળી અને આભાર માની ત્યાંથી ચાલતો થયો. સફળતા મેળવવા માટેના તેની પાસે બે ગુરુમંત્ર હતા. તેણે નિશ્ર્ચય કરી લીધો હતો કે, તે ક્યારેય પોતાનો સમય બરબાદ નહીં કરે અને હંમેશા ધૈર્યથી કામ લેશે. તેણે હીરાના એક મોટા વેપારીને ત્યાં સામાન્ય નોકરી સ્વીકારી અને વ્યવસાયના ગુણ શીખતો ગયો. એક સમયે તેણે હીરા વ્યવસાયમાં કુશળ બની પોતાનો વ્યવસાય શરૂ કર્યો અને મહેનત અને ધૈર્યથી હીરાનો મોટો વ્યાપારી બની ગયો. લક્ષ્યપ્રાપ્તિ માટે સમય અને ધૈર્ય જરૂરી છે. જે વ્યક્તિ આ મંત્રોને જીવનમાં ઉતારી લે છે, સફળતા સામેથી તેને શોધતી આવે છે.