પ્રસન્નતા પદાર્થમાંથી નહીં પણ પંડ્યમાંથી પ્રગટે | માનસમર્મ

    06-Oct-2021   
કુલ દૃશ્યો |

moraribapu_1  H
 
 
એક શિકારીએ વાંસની ખપાટને દોરાથી બાંધીને પીંજરું બનાવીને બે પંખીને કેદ કર્યા. બંને મુક્ત આકાશને યાદ કરે છે. છૂટવાનો પ્રયત્ન કરે છે. પણ છૂટી નથી શકતા. એકવાર શિકારી બહાર જાય છે અને બંને પંખી મહેનત કરી પીંજરાની દોરી તોડી નાખે છે. શિકારી બહારથી આવી બારણું ખોલે છે ત્યાં એક પંખી બહાર નીકળી જાય છે. બીજું મોભ પર બેસી રહે છે. ત્યારે પેલું પંખી કહે છે કે ‘જલ્દી બહાર આવી જા’ ત્યારે બીજું પંખી કહે છે કે ‘મારે પીંજરાનો જ નાશ કરવો છે.’
 
આ બે પક્ષીમાં એક સાધુ અને બીજું અસાધુનું પ્રતીક છે. પીંજરાને તોડવાની જરૂર નથી. એક તોડો તો બીજું પીંજરું બનશે. આપણે નવી ઉડાન ભરવાની છે. બદલાની ભાવના છોડો અને બદલાવ લાવો.
 
કોરોનાના સમય પહેલાથી હું કહું છું કે ‘અંતર રાખો’. દરેક સંબંધમાં પણ એક અંતર જરુરી છે. ઘરમાં રહીને સારા સાહિત્યનું વાચન પણ સત્સંગ છે. આ ભવ્ય અને દિવ્ય સાહિત્ય જીવનની ઔષધિઓ છે. સૂર્યનો તાપ, સૂર્યના કિરણો પણ અદભુત ઔષધિ છે. તુલસીપત્રો પણ ઉત્તમ ઔષધિ છે. औषधं जान्हवी तोयं | ગંગાજળ પણ ઔષધિ છે. પરમાત્માનું નામ પણ ઔષધી છે. સાથોસાથ ‘યોગવશિષ્ઠ’ મહારામાયણમાં એવો સંદેશ અપાયો છે કે ‘दारिद्रयं मरणं...’ દરિદ્રતા, મરણ, રોગ, ભ્રમ ઇત્યાદિના શમન માટે ‘साधु संगं औषधि: |’ સાધુસંગ એ ઔષધિ છે.
 
‘બોધમાલિકા’માં વાંચેલું ‘संसार रोगनाशाय पथ्यं साधु समागम:’ વર્ષો પહેલા આપણા ઋષિમુનિઓ અકસીર ઔષધ આપી ગયા છે. આજે કોરોનામાં આયુર્વેદ અકસીર ઈલાજ બનીને આવ્યું છે. સાધુસંગનો મારો મતલબ વેશપૂજા નથી. કોઈ એમ કરે તો એ એની સ્વતંત્રતા છે. સાધુસંગનો મતલબ સાધુના વિચારોની પૂજા છે. આકાશનો ભૂરો રંગ એ વિશાળતાનું પ્રતીક છે. સંસારમાં ભૂરા રંગ જેટલો વિશાળ રંગ બીજો કોઈ નથી. લાલ રંગ એ વીરતાનું પ્રતીક છે. જો કે લાલ રંગને પ્રેમનો રંગ પણ કહેવાય છે. વીરતા વિના પ્રેમ સંભવ નથી. લીલો રંગ સમૃદ્ધિનું પ્રતીક છે. પીળો રંગ એ પવિત્રતાનું પ્રતીક છે. જેવી રીતે સોનું પીળું છે એટલે એને પવિત્ર માનવામાં આવે છે. કેટલાક મહાપુરુષો રુદ્રાક્ષની માળાને સોનામાં મઢીને એટલે રાખતા હશે. કાળો રંગ ઉદાસીનતાનું પ્રતીક છે. એકાંતમાં ઉદાસ ભલે હો પણ જાહેરમાં હંમેશા હસતા રહેવું. સફેદ રંગ શાંતિનું પ્રતીક છે. સાધુમાં બધા રંગો સમાયેલા છે. મતલબ કે આકાશની વિશાળતા પણ હોય અને સફેદ રંગી શાંતિ પણ હોય.
 
સુંદરકાંડના મંગલાચરણમાં કહેવાયું છે કે જે શાંત, શાશ્વત છે એ જ શાંતિપ્રદ છે. જેનામાં ‘શમ’ હોય એ જ બીજાને શાંતિ આપી શકે છે. શાંતિ પમાડે એને સંત કહીએ. સાધુની વ્યાખ્યા સીમિત નથી. કોઈ ઝેન, ફકીર, બાઉલ, રૂખડ કોઈ પણ રૂપમાં બુદ્ધપુરુષ વંદનીય છે. સાધુ વિશ્વમાનુષ છે. એ કોઈ પ્રાંત, ભાષા કે વર્ણ પૂરતા સીમિત હોતા નથી. જેના શ્વાસે શ્વાસે હરિ સ્મરણ છે અને ઉચ્છવાસે લોક કલ્યાણની ભાવના છે એ જ સાચો સાધુ છે. રામચરિતમાનસમાં કહ્યું છે કે ‘प्रथम भगति संतन्ह कर संगा | दूसरी रति मम कथा प्रसंगा || सत संगति दूर्लभ संसारा | निमिष दण्ड भरी एको बारा ||’
 
જગતગુરુ શંકરાચાર્યએ કહ્યું છે કે ‘एकान्ते सुख्मास्यताम् |’ એ સ્થિતિ અનાયાસ આપણને મળી છે. આપણે ચિંતન કરી જાતને પૂછીએ કે ‘આપણી શાંતિ ખુદની છે ?’ શાંતિ તો સ્મશાનમાં પણ હોય છે. મનને મજબૂરીથી ક્યાંક શાંત થવું પડે છે. ક્યારેક ડરને કારણે પણ શાંત રહેવું પડે છે. ‘મૈંને આંખો સે દેખા હૈ, મૈંને કાનો સે સૂના હૈ, શરાફત યે કહેતી હૈ કી મૈં અપની ઝુબાં ન ખોલું.’ ઓશોએ એકાંત વિશે અનેક વ્યાખ્યાનો આપ્યા છે. સુરતની યુનિ.માં ઓશોની ચેર છે. જે એના વિચારો પ્રસરાવવાનું કામ કરે છે. ઓશો એટલે ‘ઓન(own) સાઈલન્ટ હેપીનેસ ઓન–OSHO’. આપણી પોતાની શાંતિ, આપણા ખુદનું મૌન અને ખુશી. જે ભીતરથી પ્રગટ થયા હોય, ઉધાર કે ઉછીના ન હોય. એમાંથી જ પ્રગટે છે આપણી પ્રસન્નતા. બાળકોને રમકડાં આપીએ છીએ તો એ ખુશ થઇ જાય છે. બાળકો જાણતા નથી કે ‘રમકડાં મારા માટે છે હું રમકડા માટે નથી’. આપણે પણ વિચારવું રહ્યું કે આપણી પ્રસન્નતા પદાર્થ આધારિત છે કે પંડ્યમાંથી પ્રગટેલી !
 
 
 
 ( આલેખન  -  હરદ્વાર ગોસ્વામી  )