સ્વદેશી આંદોલન કેમ શરૂ થયુ અને અત્યારે તેની સ્થિતિ કેવી છે?

    11-Dec-2021   
કુલ દૃશ્યો |

swadeshi movement_1  
 
 

૧૨ ડિસેમ્બર સ્વદેશી દિવસ નિમિત્તે સ્વદેશી અપનાવીએ, આત્મનિર્ભર બનીએ

 
 
કરીએ પ્રતિજ્ઞા સ્વદેશીની,માયા તોડીએ વિદેશીની,
નિદ્રા હરીએ જનજનની, કેડી રચીએ વૈભવની
 
 
તારીખ ૧૨ ડિસેમ્બરનો દિવસ સમગ્ર ભારતમાં સ્વદેશી દિવસ તરીકે મનાવાય છે. ૧૨મી ડિસેમ્બર, ૧૯૩૦ના રોજ બાબુ ગેનુ નામના એક યુવકે લોકમાન્ય ગંગાધર તિલક અને મહાત્મા ગાંધીના સ્વદેશી આંદોલનથી પ્રેરિત થઈને વિદેશી વસ્ત્રો ભરેલી લારીને અટકાવી સ્વદેશીનો જયઘોષ કર્યો હતો અને એ દરમિયાન તેઓ શહીદ થયા હતા. સ્વદેશી માટે શહીદ થયેલા આ અનોખા વીરના બલિદાન દિવસને પછીથી સ્વદેશી દિન તરીકે ઊજવવાનું જાહેર કરાયું અને આજ પર્યંત તેમની યાદમાં આ દિવસ ઊજવાય છે. ઉલ્લેખનીય છે કે ‘સ્વદેશી’ની આ વાત માત્ર ‘વિદેશી’ વસ્તુઓ પૂરતી મર્યાદિત નથી, પરંતુ સ્વ-દેશના, એટલે કે પોતાના દેશના હિતમાં જે કાંઈ હોય તેનો વિચાર કરવાનો છે. દેશના તમામ ક્ષેત્રોમાં ભારતીયતા ઉજાગર થાય તેવો આ વ્યાપક વિચાર છે. આપણી બોલવાની ભાષા, પહેરવેશ, ખાન-પાન વગેરે તમામ બાબતે સ્વદેશી અપનાવાય તેવો ઉચ્ચ આ વિચાર છે. આ સ્વદેશી વિચારને લઇને અનેક લોકો શહીદ થયા, અનેક આંદોલનો થયા, છતાં પણ આ લડત ખૂબ લાંબી ચાલી અને આજે પણ ચાલે છે. સ્વદેશી જાગરણ મંચ જેવી અનેક સંસ્થાઓના પ્રયત્નોથી ઘણેખરે અંશે જાગૃતિ આવી છે. છતાં આઝાદીનાં ૭૫ વર્ષ પછી આ લડત હજુ બંધ નથી થઈ એ પણ સત્ય છે. આગામી ૧૨મી ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ સ્વદેશી દિવસ છે ત્યારે દાયકાઓનાં સ્વદેશી આંદોલનો અને વર્તમાન સ્થિતિની છણાવટ અહીં પ્રસ્તુત છે.
 
 
સ્વદેશી કોઈ વસ્તુ નહીં પણ ચિંતન છે, સ્વદેશી ક્રાંતિ છે, સ્વદેશી એ ‘સ્વ-દેશ’ના હિતનો વ્યાપક વિચાર છે. સ્વદેશી શોષણ અટકાવનારું કવચ છે. સ્વદેશી પર્યાવરણનું સંરક્ષક છે, સ્વદેશી સાદગી છે. સ્વદેશી કોઈ પણ દેશ માટે સ્વાવલંબન તરફ લઈ જનારું સાધન છે. એક વખત દેશનાં પૂર્વ વિદેશમંત્રી સુષમા સ્વરાજે રાજ્યસભામાં કહ્યું હતું કે દેશની સામરિકી નહીં પણ આર્થિક ક્ષમતા વધારવાની જરૂર છે. એટલે એમ કહી શકાય કે વિશ્ર્વના કોઈ પણ દેશને આર્થિક રીતે, સામાજિક રીતે ટેક્નિકલી કે સુરક્ષાની દૃષ્ટિએ મહાશક્તિ બનવું હશે તો સ્વદેશીનો મંત્ર તેણે જપવો જ પડશે. ભારતમાં આજે ચીન જ્યારે અવળચંડાઈ કરે કે દિવાળી, નવરાત્રી આવે ત્યારે જ સ્વદેશીનો ભાવ લોકોમાં જગાડવાની કોશિશ થાય છે પણ વિશ્ર્વના અનેક શક્તિશાળી દેશો છે જે સ્વદેશીના મંત્ર દ્વારા સમૃદ્ધ થયા છે. પહેલાં જુઓ કેટલાંક ઉદાહરણ....
 
 
#1 અમેરિકાને આજે જગતજમાદાર કહેવાય છે. જરા વિચારો, ભારતની જેમ અમેરિકા પણ ખૂબ લાંબા સમય સુધી અંગ્રેજોનું ગુલામ રહ્યું, પણ પછી જોર્જ વોશિંગ્ટને અહીં ક્રાંતિ કરી લોકોને સ્વદેશીનો મંત્ર આપ્યો. તેણે સ્વદેશી ઉત્પાદન પર જોર આપ્યું અને વિશ્ર્વમાંથી વસ્તુ ખરીદવાને બદલે વેચવાનું શરૂ કર્યું. આજે દુનિયાના બજારમાં અમેરિકાનો સામાન ખૂબ મોટા પાયે વેચાઈ રહ્યો છે, જેના કારણે અમેરિકા આર્થિક રીતે સધ્ધર બન્યું છે.
 
#2 દુનિયાભરમાં પોતાની વસ્તુ વેચતો ચીન પણ સ્વદેશીનો આગ્રહી છે. ચીન પણ અંગ્રેજોનું ગુલામ હતું. અંગ્રેજોએ ચીનના લોકોને અફીણના નશામાં પૂરા કરી દીધા હતા. ૧૯૪૯ સુધી ચીન કંગાળ દેશ હતો. પછી ત્યાં એક સ્વદેશી ક્રાંતિકારી નેતા માઓ-ત્સે-તુંગ ચીનની સ્થિતિ બદલી.
 
 
વાત ભારતની...
 
 
એક વાત તો સ્પષ્ટ છે કે ભારતની આઝાદીની લડાઈમાં સ્વદેશી આંદોલને મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. ભારતમાં સ્વદેશી આંદોલનની શરૂઆત વર્ષ ૧૯૦૫થી જ થઈ ગઈ હતી, પણ એમ કહી શકાય કે સ્વદેશીનો વિચાર દેશમાં આ પહેલાં પણ અનેક મહાનુભાવોએ લોકો સમક્ષ મૂક્યો હતો. ભારતમાં સ્વદેશીનો ઐતિહાસિક સંદર્ભ જોવામાં આવે તો સ્વાતંત્ર્ય આંદોલનની એક પ્રવૃત્તિ રૂપે સ્વદેશીનો ઉલ્લેખ ૧૮૪૯માં પુણેથી પ્રકાશિત થતી પ્રભાકર પત્રિકામાં મળે છે, જેમાં ગોપાલરાવ દેશમુખે દેશવાસીઓ સમક્ષ સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરવાની વાત કરી હતી. ૧૮૫૦માં કૂકા આંદોલનમાં પણ બ્રિટિશ વ્યવસ્થાનો બહિષ્કાર કરી સ્વદેશી વ્યવસ્થાઓ ઊભી કરવાની શરૂઆત થઈ હતી.. ૧૮૬૭માં નવગોપાલ મિત્ર અને ઋષિ રાજનારાયણના પ્રયત્નોથી દેશમાં હિન્દુ મેળાનું આયોજન થયું. આ મેળાઓમાં ભારતીય વસ્તુઓ જેવી કે શિલ્પ, વસ્ત્ર, આભૂષણનું પ્રદર્શન થતું. મેળામાં સંચાલનની ભાષા અને વેશભૂષા પણ ભારતીય જ રાખવામાં આવતી. ૧૮૭૦માં વિશ્ર્વનાથ નારાયણે નેટિવ ઓપિનિયન પત્ર થકી લોકોને મોંઘી હોવા છતાં સ્વદેશી વસ્તુ ખરીદવાની વાત મૂકી હતી. ૧૮૭૨માં મહાદેવ ગોવિંદ રાનડેએ પુણેમાં આર્થિક સ્વતંત્રતા પર એક જાહેર વક્તવ્ય આપ્યું અને દેશને વાસુદેવ બળવંત ફડકે અને ગણેશ વાસુદેવ જોશી જેવા બે ક્રાંતિકારી મળ્યા, જેમણે સ્વયં સ્વદેશી વિચાર અપનાવી લોકો સુધી સ્વદેશી ક્રાંતિનો વિચાર પહોંચાડ્યો. આઝાદી પહેલાં સ્વતંત્રતાની લડાઈ લડતાં અનેક પત્ર-પત્રિકાઓમાં અનેક ક્રાંતિવીર લેખકોએ સ્વદેશી અપનાવવાનું આહ્વાન લોકો સમક્ષ મૂક્યું હતું. રવીન્દ્રનાથ ઠાકુરે સામાન્ય માણસ સુધી સ્વદેશી ઉત્પાદન સરળતાથી પહોંચાડવા સ્વદેશી ભંડાર પણ ખોલ્યો હતો.
 
 
બંગ-ભંગ વિરોધી જનજાગરણ અને સ્વદેશી આંદોલન
 
 
સ્વદેશી આંદોલનની શરૂઆત ભારતમાં ૧૯૦૫થી થઈ. જે આંદોલને ભારતની આઝાદીનો પાયો મજબૂત કર્યો. વર્ષ ૧૯૦૩માં બંગાળ વિભાજન વખતે જે બંગ-ભંગ વિરોધી જનજાગરણ થયું તેનાથી ભારતમાં સ્વદેશી આંદોલનને બળ પ્રદાન થયું. ગાંધીજીનું આ દેશમાં આગમન થયું તે પહેલાં જ અરવિન્દ ઘોષ, રવીન્દ્રનાથ ઠાકુર, વીર સાવરકર, લોકમાન્ય તિલક, લાલા લજપતરાય, બિપિનચંદ્ર પાલ જેવા મહાન વ્યક્તિઓ સ્વદેશી આંદોલનના ઉદ્ઘોષક બન્યા. સ્વદેશી આંદોલનના નેતા તે સમયે બાળ ગંગાધર તિલક હતા, જે પૂનાના હતા. તેમણે જ સૌપ્રથમ પૂનાથી આ આંદોલનની શરૂઆત કરી હતી અને પછી આખા દેશમાં આ આંદોલનને વધાવી લેવાયું, જે વર્ષ ૧૯૧૧ સુધી ચાલ્યું. આંદોલનનો મુખ્ય ઉદ્દેશ અંગ્રેજો દ્વારા બનાવેલી વસ્તુનો બહિષ્કાર કરી અંગ્રેજોને આર્થિક રીતે તોડી પાડવાનો હતો. આખા દેશમાં ઢગલો વિદેશી કપડાંની હોળી સળગાવવામાં આવી. લાલા લજપતરાય, તિલક જેવા નેતાઓ તો વિદેશી વસ્તુઓને શોધી-શોધી સળગાવતા અને લોકોને પોતાના ખર્ચે સ્વદેશી વસ્તુ લઈ આપતા. એવું કહેવાય છે કે તે સમયે ૫૦ કરતાં વધુ વિદેશી વસ્તુઓ ભારતમાં વેચાવા આવતી, જેનો સ્વદેશી આંદોલનમાં જોડાયેલા ૧ કરોડ કરતાં વધારે કાર્યકર્તાઓએ બહિષ્કાર કર્યો હતો.
 
  
વિદેશી કપડાંની હોળી
 
 
આંદોલન દરમિયાન સમગ્ર દેશમાં વિદેશી કપડાની હોળી સળગાવવામાં આવી. અહીં વીર સાવરકરને યાદ કરવા પડે. ૧ ઑક્ટોબર, ૧૯૦૫માં તેમણે પૂનાના એક છાત્રાલયમાં વિદ્યાર્થીઓ સામે વિદેશી વસ્ત્રોની હોળી સળગાવવાનો પ્રસ્તાવ મૂક્યો. આ પ્રસ્તાવની પરવાનગી માગવા વીર સાવરકર જ્યારે બાળગંગાધર તિલકને મળ્યા તો તેમણે કહ્યું કે દસ-વીસ કપડાં સળગાવવાથી શું થશે ? જો વિદેશી કપડાંની હોળી જ કરવી હોય તો ઢગલો કપડાં સળગાવવાં પડે. વીર સાવરકરે આ બીડું ઝડપી લીધું અને ૭ ઑક્ટોબર, ૧૯૦૫ના રોજ દસ-વીસ નહીં ઢગલો વિદેશી કપડાંની હોળી સળગાવી, જેની ઊંડી છાપ તે સમયે જનતા પર પડી. અનેક લોકો સ્વદેશી તરફ વળ્યા.
 
 
સ્વદેશી આંદોલનનું નેતૃત્વ મહાત્મા ગાંધીએ સંભાળ્યું
 
 
વર્ષ ૧૯૨૦માં લોકમાન્ય તિલકનું અવસાન થયું અને સ્વદેશી આંદોલનનું નેતૃત્વ ગાંધીજીએ સંભાળ્યું. પછી ૯ ઑક્ટોબર, ૧૯૨૧ના રોજ મુંબઈમાં વિદેશી કપડાંની હોળી સળગાવી હતી. દેશના નામી લોકો, ઉદ્યોગપતિઓ આ આંદોલનમાં જોડાયા અને દેશમાં ચારે તરફ સ્વદેશીની લહેર ચાલી. આ આંદોલનના કારણે પણ અંગ્રેજોને ખૂબ નુકસાન થયું. સ્વદેશી વિશે મહાત્મા ગાંધીનો વિચાર શુ હતો તે પણ જાણવું જરૂરી છે. પૂ. બાપુએ નવજીવનના ૧૯-૬-૧૯૨૭ના અંકમાં સ્વદેશી વિશે લખ્યું હતું કે, સ્વદેશી તો શાશ્ર્વત ધર્મ છે. તેનો વ્યવહાર પ્રત્યેક યુગમાં બદલાતો જ રહેશે અને બદલાવો પણ જોઈએ. સ્વદેશી આત્મા છે અને ભારતમાં આ યુગમાં ખાદી તેનું શરીર છે. યોગ્ય સમયે તેના આ દેહનો નાશ થાય તો ભલે થાય. તે બીજો નવીન દેહ ધારણ કરી લેશે, પરંતુ અંતરમાં સ્થિત આત્મા તો એ જ રહેશે. સ્વદેશી એક સેવાધર્મ છે. આ સેવાધર્મને આપણે પૂરેપૂરો સમજી લઈએ તો આપણું, આપણા પરિવારનું, દેશનું અને સમગ્ર સંસારનું કલ્યાણ થશે. સ્વદેશીમાં સ્વાર્થ નહીં, શુદ્ધ પરમાર્થ છે, તેથી હું તેને યજ્ઞ માનું છું. વિદેશી સોય આપણે અવશ્ય લઈએ કારણ કે તેનો સ્વીકાર કરીને આપણે દેશના કોઈ ઉદ્યોગને હાનિ પહોંચાડતા નથી. તેનો સ્વીકાર કરવાથી દેશમાં બેકારી વધતી નથી, પરંતુ તે સોય તો સેંકડોને ધંધો આપે છે અને તે ધંધો આપણા માટે ઉપયોગી પણ છે. વિદેશી કાપડ ભલે સારું હોય, સસ્તું હોય, કદાચ તેના માટે આપણે એક કોડી પણ આપવી ન પડે, છતાંય તે ત્યજવા યોગ્ય છે, કારણ કે તેનો સ્વીકાર કરવાથી કરોડો લોકો પાયમાલ થઈ ગયા છે. કાપડ તો આપણે આપણાં ગામોમાં જ બનાવતા આવ્યા છીએ.
 
મા શ્રી દત્તોપંત ઠેંગડીજીએ પણ સ્વદેશી વિશે ખૂબ ચિંતન કરેલું. તેઓ કહેતાં કે, વિદેશી સહાય દ્વારા આર્થિક વિકાસની વાત કરવી એ કાચી માટીના કૃત્રિમ પગ લગાડી પોતાની વિકલાંગતા દૂર થવાનો સંતોષ મેળવવાની અથવા સમૃદ્ધ થઈ જવાની આત્મવંચના કરવા જેવું છે. દેશને જે આર્થિક સામ્રાજ્યવાદની જાળમાં ફસાવવામાં આવી રહ્યો છે, અમેરિકા તથા અન્ય દેશો જે રીતે પોતાની આર્થિક સમૃદ્ધિ માટે ભારત અને બીજા વિકાસશીલ દેશોનું પ્રત્યક્ષ અને પરોક્ષ શોષણ કરવાની ચાલાકી કરી રહ્યા છે, તેને જો સમયસર સમજવામાં નહીં આવે તો એક દિવસ દેશની રાજકીય આઝાદી પણ ખતરામાં પડી શકે છે. આપણે ત્યારે પશુઓની જેમ માત્ર વપરાશકાર હોઈશું અને વિદેશીઓના ગુલામ તથા બંધનગ્રસ્ત મજૂર બનીને રહેવાનું જ આપણા ભાગ્યમાં હશે. વિદેશી આર્થિક સામ્રાજ્યવાદના આ આક્રમણથી દેશને બીજું કોઈ નહીં, માત્ર સ્વદેશીનું કવચ જ બચાવી શકે છે.
 
 
ઈ.સ. ૧૯૪૭ પછી
 
 
ઈ.સ. ૧૯૪૭માં ભારત વિદેશીઓના પંજામાંથી સ્વતંત્ર થયું. ગાંધીજીની કલ્પના હતી કે દેશમાં સ્વરાજ્ય આવતાં સ્વદેશીની નીતિ અમલમાં મુકાય, પણ ભારતને વિલાયત કે રુસ બનાવી દેવાની ધૂનવાળા આ દેશના શાસકો ગામડાના દેશી ઉદ્યોગોને સજીવન કરવાને બદલે ભારે ઉદ્યોગોની સ્થાપના કરવા તરફ વા, પરિણામે ફાયદો થયો થોડો ને નુકસાની થઈ ભારે. અંગ્રેજોએ જ્યારે આ દેશ છોડ્યો ત્યારે આ દેશને એક પૈસાનું વિદેશી દેવું ન હતું, એટલું જ નહીં પણ આ દેશ પાસે ૩૦૦૦ કરોડ રૂપિયાનું વિદેશી હૂંડિયામણ હતું. નહેરુએ ભારે ઉદ્યોગો સ્થાપી ઝડપી વિકાસ કરવા માટે પ્રથમ પંચવર્ષીય યોજનામાં ૩૦૦૦ કરોડ રૂપિયા વાપરી નાખ્યા અને વધુમાં ૩૦ કરોડ રૂપિયાનું વિદેશી દેવું કર્યું. વિદેશી દેવાનો પ્રારંભ થયો. આ દેવું વધતું જ ગયું, દેવાનું વ્યાજ, પછી ચક્રવૃદ્ધિ વ્યાજ. આમ આ દેશ ઉપર દેવાનો ડુંગર ખડકાઈ ગયો. દેવું ચૂકવવા વિદેશી દેવું કરવું પડયું. દેવાના ચક્રવ્યૂહમાં આપણે ફસાતા જ ગયા. ઈ.સ. ૧૯૮૦માં આ દેવું વધીને ૧૨,૦૦૦ કરોડ રૂપિયાનું થયું. રાજીવ ગાંધી વડાપ્રધાન થયા બાદ દેવું કૂદકે ને ભૂસકે વધવા લાગ્યું. ઈ.સ. ૧૯૯૨-૯૩માં આ દેવું ૨ લાખ ૬૩ હજાર કરોડનું થઇ ગયું હતુ. છેલ્લા થોડાંક વર્ષમાં માથાદીઠ દેવું ઘણે અંશે ઘટ્યું હતું પરંતુ કોરોના મહામારીને કારણે આવેલા ભારે ભરખમ ખર્ચને કારણે માર્ચ - ૨૦૨૧માં પૂર્ણ થયેલ નાણાકીય વર્ષમાં ભારતીયનું માથાદીઠ દેવું વધ્યું છે. આંકડા મુજબ વ્યક્તિદીઠ અંદાજિત ૩૨ હજાર રૂપિયાનું દેવું છે.
 
 
ડંકેલ કરાર બાદ
 
 
હજી બાકી હોય તેમ ૧૫ ડિસેમ્બર, ૧૯૯૩ના રોજ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરસિંહરાવે ડંકેલ કરા૨ ૫૨ સહી સિક્કા કર્યા અને આર્થિક ગુલામીના એક વધુ દસ્તાવેજનું લખાણ કર્યું. બહુરાષ્ટ્રીય કંપનીઓ માટે આપણા દેશનાં દ્વાર ખોલી નાખ્યાં. હવે વિદેશી કંપનીઓ ભારતમાં આવી રહી છે. તેમની નજર છે ભારતના કરોડો મધ્યમવર્ગી ગ્રાહક ૫૨. ભારતમાં અમેરિકાના રાજદૂત થોમસ પિકરીંગે ભારતમાં આવતાં પહેલાં અમેરિકી ઉદ્યોગપતિઓ અને વ્યાપારીઓની એક સભામાં કહ્યું હતું કે ભારતમાં આપના સામાન અને સેવાઓ માટે ૨૦ કરોડનો મધ્યમવર્ગ ગ્રાહક છે. આ બજાર કંઈ નાનું બજાર ન ગણાય. યુરોપના કેટલાય દેશોની કુલ વસ્તી કરતાં ભારતના આ ગ્રાહકોની સંખ્યા વધી જાય છે. ડૅકેલ પ્રસ્તાવનો સ્વીકાર કર્યા બાદ વિદેશી કંપનીઓનું આક્રમણ આ દેશની સ્વદેશી કંપનીઓ ૫૨ થઈ રહ્યું છે. ૫૧% શૅર ખરીદી બિરલા, યામાહા, લિપ્ટન ઇન્ડિયા, કૉલગેટ પામોલીવ, કેડબરી ઇન્ડિયા, હિન્દુસ્તાન સીબા ગાયગી, હિન્દુસ્તાન લીવર, ફિલિપ્સ આદિ વિદેશી કંપનીઓ અનેક ભારતીય ઉદ્યોગોને ગળી રહી છે. પરંતુ તેમ છતાં આઝાદી મળ્યા પછી સ્વદેશી આંદોલન થોડું મંદ પડી ગયું હતું તે સત્ય છે. લોકો સ્વદેશી વિચાર પાછા ભૂલી ગયા, પણ ૧૯૯૦માં દેશમાં ઉદારીકરણની નીતિ અપનાવાઈ, એટલે કેટલાક લોકોને લાગ્યું કે દેશની આર્થિક સ્થિતિ હવે વિદેશીઓના હાથમાં જતી રહેશે એટલે સ્વદેશી આંદોલનનો ફરી એકવાર જન્મ થયો અને ૧૯૯૦ પછી આઝાદી બચાવો આંદોલન શરૂ થયું. અહીં મહત્ત્વની વાત એ છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા તથા તેની સાથે જોડાયેલી સ્વદેશી જાગરણ મંચ જેવી સંસ્થાઓએ હંમેશા સ્વદેશી વિચાર માટે લડત આપી છે જે વર્તમાનમાં પણ ચાલુ જ છે. આજે આ લડાઈ ચીન વિરુદ્ધ લડવામાં આવી રહી છે. અને વસ્તુઓનો આધાર બનાવીને આપણા દેશનાં દરેક ક્ષેત્રોને ખોખલાં કરી ‘ભારતીયતા’ પર પ્રહાર કરવાનો પ્રયત્ન કર્યો છે. ચીજોનાં આધારે તેણે સ્વદેશીનાં વિચાર વિરુદ્ધ ફુંફાડા માર્યા છે. ચીન સામેની આ લડાઈ સમજતા પહેલાં ચીનની આપણા જીવનમાં થયેલી ઘૂસણખોરી વિશે થોડું સમજી લઈએ...
 
 
ચીનની ભારતીય જીવનશૈલીમાં ઘૂસણખોરી
 
 
આપણે વાત કરી કે સ્વદેશી એ ‘સ્વ-દેશ’નો એક વ્યાપક વિચાર છે. આ વ્યાપક વિચારના આધારને તોડી પાડવા આપણી જિંદગીના મોટા ભાગ પર ચીની વસ્તુઓએ ઘૂસણખોરી કરી દીધી છે. આપણા ઘરથી લઈને ઑફિસ સુધી જ્યાં જુઓ ત્યાં ચીન જ ચીન છે. ચીન આપણી સાથે સવારથી લઈ સાંજ સુધી રહે છે. આપણા બેડમાં અને બાથ સુધી ચીન ઘૂસણખોરી કરી ચૂક્યું છે. સવારે જે એલાર્મની ઘંટડીએ આપણે ઊઠીએ છીએ એમાંથી મોટાભાગની ચીની બનાવટની હોય છે. જ્યારે આપણે સવારે ઊઠી નહાવા જઈએ છીએ તો બાથમમાં લાગેલી ટાઈલ્સ, શેવિંગ કિટ અને બ્રશ પણ મેઈડ ઈન ચાઈનાનાં હોય છે. ત્યાર બાદ આપણે ભગવાનની પૂજા કરી પરિવાર અને દેશની સમૃદ્ધિની પ્રાર્થના કરીએ છીએ ત્યારે ભલું તો ચીનનું જ થયું હોય છે, કારણ કે હવે તો ભગવાનની પ્રતિમાઓ પણ મેઈડ ઈન ચાઈના આવવા લાગી છે. ત્યાર બાદ જ્યારે આપણે નાસ્તો કરીએ છીએ ત્યારે તે માટેનો કટલરી સામાન એટલે કે ગેસ, સ્ટવ, ડીસ, પ્યાલા સુધીનો સામાન ચીનની બનાવટનો આવવા લાગ્યો છે. આપણે જ્યારે ઑફિસ જવા નીકળીએ છીએ ત્યારે કાર એસેસરિઝ, તેની અંદરનાં સ્પીકર, ત્યાં સુધી કે આપણી કાર બાઈકની ચાવીના કિચેઈન પર પણ મેઈડ ઈન ચાઈનાનો સિક્કો હોય છે. આપણે જ્યારે ઑફિસ પહોંચીએ છીએ ત્યારે કમ્પ્યુટર, લેપટોપ સ્કેનર અને સ્ટેશનરીનો મોટા ભાગનો સામાન મેઈડ ઈન ચાઈનાનો હોય છે. આપણે જે મોબાઈલ ફોન્સ, ટેબ્લેટ, પ્રોજેક્ટ કેમેરા અને હેડ ફોનનો ઉપયોગ કરીએ છીએ, તેમાં પણ ચીને ઘૂસણખોરી કરી છે. જ્યારે તમે ઑફિસથી ઘરે જઈ જીમ જાઓ છો, ત્યાં પણ ચીની બનાવટનાં કસરતનાં સાધનો તમારી રાહ જોતાં હોય છે. આપણા ઘરની સાજસજાવટનો મોટાભાગનો સામાન પણ મેઈડ ઈન ચાઈનાનો જ હોય છે. ઘરની લાઈટ્સ, દીવાલ ઘડિયાળ, ડિજિટલ ફોટો ફ્રેમ પણ ચીની બનાવટની વાપરીએ છીએ. આપણે આપણાં બાળકોને જે ડાઈપર પહેરાવીએ છીએ, જે રમકડાં રમવા માટે આપીએ છીએ તે પણ ચીની બનાવટનાં જ હોય છે. જ્યારે આપણે સૂવા માટે આપણા બેડરૂમમાં જઈએ છીએ ત્યારે એયર પ્યોરિફાયર, રૂમ ફ્રેશનર, બ્લોઅર હિટરથી માંડી નાઇટ લેમ્પ સુધી ચીને મોટા પાયે ઘૂસણખોરી કરી છે. આ સિવાય ખેતીમાં આપણે જે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરીએ છીએ, બીમારીઓથી બચવા માટે વપરાતી અનેક દવાઓ અને મકાન બનાવવા માટે વપરાતું સ્ટીલ પણ મેઈડ ઈન ચાઈનાનું હોય છે. આ પરથી એટલું ચોક્કસ છે કે જો આપણે ચીનને સબક શીખવાડવો હશે તો આપણે આપણી સમગ્ર જીવનશૈલીને ધરમૂળથી બદલવી પડશે અને આ માત્ર આપણા પૂરતું જ નથી, ચીન હવે વિશ્ર્વના લગભગ તમામ દેશોની જીવનશૈલી બની ગયું છે. હવે વિચારો, ચીન સામે કઈ રીતે લડાય ?
 
 
વિદેશી વસ્તુને ટક્કર આપે તેવી સ્વદેશી વસ્તુ બનાવવી પડશે !
 
 
સ્થિતિ આવી છે તો પછી ચીનની આ ઘૂસણખોરીને ડામવાનો ઉપાય શો ? જવાબ છે ભારતે વિશ્ર્વનું સૌથી મોટું બજાર બનવાની સાથે સાથે વિશ્ર્વનું સૌથી મોટું ઉત્પાદક પણ બનવું પડશે. એટલે કે આપણે આપણી ઉત્પાદનક્ષમતા વધારવી પડશે. બાબા રામદેવ જે કરી રહ્યા છે તે દેશની દરેક ઉત્પાદન કંપનીએ કરવું પડે. એવી સ્વદેશી વસ્તુ બનાવવી પડે જે વિદેશી વસ્તુને પણ ટક્કર આપે. બીજી આપણે એક ભૂલ કરીએ છીએ કે આપણે પેપ્સી, કોકાકોલાના ઓપ્શનમાં છાશ, નાળિયેર પાણી, લીંબુ પાણી આપવાની વાત કરીએ છીએ. જે આજના યુવાનોને ગમે તેવી નથી. આપણે પેપ્સી, કોકાકોલાના ઓપ્શનમાં તેવું જ સ્વદેશી પીણું બનાવીને આપવું જોઈએ. લોકો સ્વદેશી વસ્તુ ખરીદવા તૈયાર જ છે. બસ, શરત એ કે એ સારી ગુણવત્તાયુક્ત હોવી જોઈએ. આજે સ્વદેશી વસ્તુનું બ્રાન્ડિંગ કરી તેનું ઉત્પાદન વધારવાની જરૂર છે. વર્તમાન સરકારે મેઈક ઇન ઇન્ડિયા થકી જ આવું અભિયાન શરૂ કર્યું છે. વર્તમાન સરકાર ભારતમાં રોકાણ લાયક વાતાવરણ ઊભું કરવાના પ્રયાસો કરી રહી છે. ટેક્સ સિસ્ટમને ઉદાર બનાવાઈ છે, જેના આધારે દેશનાં તમામ ક્ષેત્રોમાં સ્વદેશી ભાવ કેળવાય તેનો પ્રારંભ થયો છે. હવે જનતાએ આ ભાવ જગાવવો પડશે.