વર્તમાન રાજનીતિ ઝંખે છે તેવા રાજપુરુષ...પંડિત દીનદયાલ ઉપાધ્યાય

    ૧૧-ફેબ્રુઆરી-૨૦૨૧
કુલ દૃશ્યો |

pandit deen dayal upadhya 
 
 
તા. ૧૧ ફેબ્રુઆરી, પંડિત દીનદયાલ ઉપાધ્યાયના જન્મજયંતી નિમિત્તે વિશેષ
વર્તમાન રાજનીતિ ઝંખે છે તેવા રાજપુરુષ...પંડિત દીનદયાલ ઉપાધ્યાય
વાંચો તેમના જીવનના ૧૨ પ્રેરણાત્મક પ્રસંગ 
 
 
રાજપુરુષના વાણી, વર્તન અને વ્યવહાર લોકો પર વિશેષ અસર કરતાં હોય છે. આથી જ રાજપુરુષનું જીવન સમાજસેવક તરીકેનું અને પ્રેરક હોવું જોઈએ. પરંતુ વર્તમાન સમયમાં કેટલાક રાજપુરુષો સમાજસેવકને બદલે માત્ર રાજનેતા જ બની રહ્યા છે. આવા સમયે કેટલાક જૂજ વ્યક્તિત્વો એવાં છે જે આ ક્ષેત્રના તમામ પક્ષના નેતાઓને, પક્ષોને પોતાના જીવન થકી અનોખી પ્રેરણા આપે છે. પંડિત દીનદયાલ ઉપાધ્યાય તેમાંના અગ્રહરોળના રાજપુરુષ છે. તેમના જન્મશતાબ્દી વર્ષે તેમના જીવનકવનમાંથી પ્રેરણા મેળવીએ.
 
પંડિત દીનદયાળજી ઉપાધ્યાય ( Pandit deen dayal upadhyaya ) ભારતીય રાજનૈતિક આકાશના એક દેદીપ્યમાન નક્ષત્ર હતા. સંસ્કારી રાજપુરુષ અને મૂલ્યનિષ્ઠ મંત્રદૃષ્ટા દીનદયાળજી સાદું જીવન અને ઉચ્ચ વિચારોનું મૂર્તિમંત્ર સ્વરૂપ હતા. સુપ્રસિદ્ધ સમાજવાદી સાંસદ બેરિસ્ટર નાથપાઈજીએ દીનદયાળજી માટે ઉચ્ચાર્યું છે : "પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી ભારતીય રાષ્ટ્રીયતાની સનાતન ધારામાં, ટિળક અને બોઝની પરંપરાના રાષ્ટ્રનાયક હતા.
 
૨૫ સપ્ટેમ્બર, ૧૯૧૬ના દિવસે જયપુર-અજમેર રેલવે લાઈન પર આવેલ ધનકિયા ગામે તેમના નાનાજીને ઘેર તેમનો જન્મ થયો હતો. માત્ર સાત જ વર્ષની ઉંમરે દીનદયાળજીએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી. તેમના મામા શ્રી રાધારમણ શુક્લ પાસે તેમનો ઉછેર થયો. બાલ્યકાળમાં જ અનેકવિધ સંકટોને વેઠીને પણ દીનદયાલ તેજસ્વી છાત્ર તરીકે અજમેર બોર્ડની મેટ્રિક પરીક્ષામાં સર્વપ્રથમ આવી સુવર્ણચંદ્રક મેળવવા ભાગ્યશાળી બન્યા.
 
મેટ્રિકની પરીક્ષામાં સમગ્ર બોર્ડમાં સર્વ પ્રથમ આવી સુવર્ણચંદ્રક મેળવનાર અતિ તેજસ્વી દીનદયાલજી ( Pandit deen dayal upadhyaya ) એ પોતાની વ્યક્તિગત કારકિર્દી બનાવવાને બદલે રાષ્ટ્ર માટે જીવન સમર્પિત કરવાના સંકલ્પ સાથે ૧૯૪૨માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક બન્યા.
 
૨૧ ઑક્ટોબર, ૧૯૫૧ને દિવસે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી (Shyama prasad Mukherjee) એ ભારતીય જનસંઘ ( Bharatiya Jana Sangh ) ની સંસ્થાપના કરી એ સાથે જ પંડિત દીનદયાળજી ભારતીય જનસંઘના આદ્યસંસ્થાપકો પૈકીના શીર્ષસ્થ આગેવાન બની રહ્યા. ભારતીય જનસંઘના પ્રારંભથી જ તેના અખિલ ભારતીય મહામંત્રી તરીકે દીનદયાળજીએ સંગઠનને પોતાના કૌશલ્ય અને દૃષ્ટિવંત નેતૃત્વથી ઉજાગર કરી દીધું !
 
છેલ્લે ભારતીય જનસંઘ ( Bharatiya Jana Sangh ) ના અખિલ ભારતીય રાષ્ટ્રીય અધિવેશન - કાલિકટમાં ૧૯૬૭માં દીનદયાળજી ( Pandit deen dayal upadhyaya ) પાર્ટી અધ્યક્ષ તરીકે સુપ્રતિષ્ઠ થયા. કેરળમાં મળેલ એ અધિવેશનની પૂર્ણ સફળતાથી ડાબેરીઓ સહિત દેશભરના રાજકીય અગ્રણીઓ તેનાથી ચોંકી ગયા. આ રીતે પક્ષ સંગઠન અને અખિલ ભારતીય રાજનીતિમાં દીનદયાળજી એક મેધાવી રાજપુરુષ તરીકે પૂર્ણ મૂર્તિમંડિત થયા.
 
ભારતીય ચિંતન, ભારતીય દર્શન (Bharatiya Darshan ) , ભારતીય રાષ્ટ્રવાદ ( Rashtravad) અને એકાત્મ માનવદર્શન ( ekatma manav darshan ) ના ભાષ્યકાર એવા દીનદયાળજી માટે અટલજીએ ઊર્મિસભર બયાનમાં ઉચ્ચાર્યું છે, "અમારામાં માત્ર ઉપાધ્યાયજી જ વિચારક હતા. અમે બાકીના સહુ તો તેમના વિચારોના છોટા-મોટા પ્રચારક જ છીએ...! દીનદયાળજી સંસદ સદસ્ય તો નહોતા, પરંતુ અમારા જેવા અનેક સંસદ-સદસ્યોના તેઓ નિર્માતા હતા.
 
આવા ઋષિતુલ્ય આર્ષદૃષ્ટા, અદના શિક્ષક જેવા વિનમ્ર દીનદયાળજી ( Pandit deen dayal upadhyaya ) નું જીવન સદૈવ પ્રેરક બની રહે તેમ છે. આવા પંડિત દીનદયાળજીની મુગલસરાય રેલવે સ્ટેશન નજીક ટ્રેઈન પ્રવાસ દરમ્યાન જ નિર્ઘૃણ્ણ હત્યા કરવામાં આવી. ૧૧ ફેબ્રુઆરી, ૧૯૬૮ની આ દુર્ઘટનાથી એક દંતકથારૂપ આદર્શ રાજપુરુષની જીવનલીલા કરૂણાંતિકા બની રહી, પરંતુ એક રાજનૈતિક મંત્રદૃષ્ટા, અપ્રતિમ સંગઠક, અનન્ય સેવા-સાદગી-શુચિતા અને સમર્પણની પ્રતિમૂર્તિ સમાન દીનદયાળજીના જીવનના અનેકવિધ પ્રેરક પ્રસંગો ભારતીય રાજનીતિ અને જાહેરજીવનમાં આજે પણ દીપસ્તંભ સમાન પ્રેરક અને માર્ગદર્શક બની રહ્યા છે.
 
આ વર્ષ તેમનું જન્મ શતાબ્દી વર્ષ છે. ૨૫મી સપ્ટેમ્બર-૨૦૧૬ના રોજ તેમના જન્મને સો વર્ષ પૂર્ણ થાય છે ત્યારે તેમના પ્રેરકજીવનના આદર્શરૂપ પ્રસંગો પ્રસ્તુત છે. રાજપુરુષો અને સમાજસેવકો આમાંથી પ્રેરણા લઈ જીવન ધન્ય કરે તે જ અભિલાષા.
 

pandit deen dayal upadhya 

Pandit deen dayal upadhyaya | સાચુકલું સમર્પિત જીવન

 
પ્રચારક ( Pracharak ) હતા ત્યારે શાખામાં પંડિતજી એક ગીત હંમેશા જાતે જ ગવડાવતા. એ ગીત ગવડાવતાં પંડિતજી ( Pandit deen dayal upadhyaya ) ની આંખો આંસુથી ભરાઈ જતી અનેક કાર્યકર્તાઓએ જોયેલી. ‘ભારત માતા કી જય’ તેમની દૃષ્ટિએ માત્ર સંઘપ્રાર્થનાની છેલ્લી પંક્તિ ન હતી પણ ‘ભારત માતા તારો જય હો- વિજય હો’ની જીવનનિષ્ઠા હતી. એકવાર દીનદયાળજી લખીમપુરના કાર્યાલયમાં આવ્યા. પોતાના સામાનમાંથી કેટલાક કાગળો કાઢી તેમણે પોતાના સાથી વૈદ્યજીને સળગાવી મૂકવાની સૂચના આપી. આ કાગળો શાના હતા ? પોતાના વિદ્યાર્થીકાળ દરમિયાન ઉત્તમ ક્રમાંકો સાથે મેળવેલાં પ્રમાણપત્રો હતાં. અનેક પરીક્ષાઓ તેમણે પ્રથમ શ્રેણીમાં પાસ કરી હતી. વૈદ્યજીનું મન પ્રમાણપત્રો સળગાવતાં માનતું ન હતું. તેથી તેમણે પંડિતજીને વિનંતી કરી, ‘પંડિતજી, આ પ્રમાણપત્રોને રહેવા દો ને ! આપની ઉજ્જ્વળ કારકિર્દીના સાક્ષી છે.’
પંડિતજી( Pandit deen dayal upadhyaya ) એ જવાબ આપ્યો, ‘મેં મારું સમસ્ત જીવન માતૃભૂમિના ચરણોમાં સમર્પિત કરી દીધું છે, એટલા માટે આ પ્રમાણપત્રોની મારે કોઈ જરૂર નથી.’

સરકારી વાહનનો ઉપયોગ પોતાના વ્યક્તિગત કામ માટે ના થાય

 
દીનદયાલજી ( Pandit deen dayal upadhyaya ) સંઘના પ્રચારક (Pracharak) હતા ત્યારે મહારાષ્ટ્રના થાણા જિલ્લાના પ્રવાસે ગયા હતા. ત્યાં કાર્યકરોની બેઠક હતી. તે વખતે થાણા નગરપાલિકાના અધ્યક્ષ પાસે સરકારી જીપ હતી, ને તેઓ જીપનો ઉપયોગ નગરપાલિકાનાં કાર્યો માટે કરતા હતા, નગરપાલિકાના અધ્યક્ષે દીનદયાલજીને પોતાના ઘરે ચા-નાસ્તા માટે આમંત્રણ આપ્યું. તેઓ સરકારી જીપ લઈને લેવા આવ્યા ને દીનદયાલજીને પોતાની જીપમાં બેસવાનું કહ્યું, જીપ ઉપર ‘ગવર્નમેન્ટ ઑફ મહારાષ્ટ્ર’ એવું લખેલું હતું. આ વાંચીને દીનદયાલજીએ પૂછ્યું, ‘આ જીપ કોની છે ?’
 
‘નગરપાલિકાની.’
 
‘તો ભાઈ ! નગરપાલિકાની જીપ અને આપના ત્યાં આવવાને કોઈ સંબંધ નથી. આ સરકારી કે નગરપાલિકાનું કાર્ય નથી. મારાથી આ જીપમાં કેવી રીતે બેસાય ? તમારું સરનામું મને આપો. હું ચાલતો આવીશ.’ તેઓ નગરપાલિકાની જીપમાં બેઠા નહીં, ને તેઓના ઘરે ચાલતા ગયા.
 
તેઓની આ પ્રકારની નૈતિકતા જોઈને સંઘના જ કાર્યકરો એકદમ ડઘાઈ ગયા, ને મનોમન વિચાર કરવા લાગ્યા કે સરકારી વસ્તુઓનો ઉપયોગ પોતાનાં કાર્યોમાં કરી ના શકાય. દીનદયાલજીએ જીવનભર આ નિયમ પાળ્યો.

હદ વગરની નિષ્ઠા

 
૧૯૬૬માં દીનદયાલજી ( Pandit deen dayal upadhyaya ) પુનામાં એક વ્યાખ્યાનમાળા અંતર્ગત પોતાનું પ્રવચન આપવા ગયા હતા. ત્યાં તેમને એક ટ્રાન્જિસ્ટર ભેટમાં મળ્યો. દીનદયાજીના ઘરમાં પણ રેડિયો હતો નહીં. ટ્રાન્જિસ્ટર એટલા માટે આપ્યો હતો કે દીનદયાલજીને મુસાફરી ખૂબ કરવી પડતી હતી, ને મુસાફરી દરમિયાન સમાચારો સાંભળી શકે તે સારુ આ ટ્રાન્જિસ્ટર આપેલો. આ ટ્રાન્જિસ્ટરનું લાયસન્સ પૂનાનું હતું. તેને દિલ્હીના નામે બદલાવવું પડે. તે વખતે લાયસન્સ લેવું જ‚રી હતું. લાયસન્સ બદલી આપવાનું કાર્ય ડૉ. અરવિંદભાઈ લેલેએ સ્વીકાર્યું. મહિના પછી ફરી પંડિતજીને પૂના આવવાનું થયું. ત્યારે અરવિંદભાઈએ તેઓને સુધારેલું લાયસન્સ આપ્યું. જ્યારે લાયસન્સ હાથમાં આવ્યું ત્યારે પંડિતજી બોલ્યા, "બસ, આજથી હવે રેડિયો વગાડવાનું શરૂ કરીશ. ત્યારે અરવિંદભાઈએ કહ્યું, ‘આપે છેલ્લા મહિનાથી રેડિયો વગાડ્યો જ નથી ?’
"ના, ના, લાયસન્સ વિના વગાડી કેવી રીતે શકાય ? તેઓની વાતથી બધાને નવાઈ લાગી. તેઓના હાથમાં જ્યાં સુધી લાયસન્સ આવ્યું નહીં ત્યા સુધી રેડિયો ચાલુ જ કર્યો ન હતો. પંડિતજીએ કહ્યું, ‘આપણે નિયમો તો પાળવા જ પડે ને ?’ આજે આવો નિયમ કોઈ પાળે ? એક મહિના સુધી પોતાના હાથમાં ટ્રાન્જિસ્ટર લઈને ફરે, ગાડીમાં પણ સાથે લઈ જાય પણ વગાડે નહીં, કારણ કે લાયસન્સ નથી. આટલી નિયમનિષ્ઠા કદાચ ભાગ્યે જ કોઈ કાર્યકરમાં આજે જોવા મળતી હશે.

કાર્યકર પહેલાં, પછી અધ્યક્ષ

 
૧૯૬૭ના કાલીકટ અધિવેશનમાં અધ્યક્ષસ્થાને દીનદયાલજી ( Pandit deen dayal upadhyaya ) ચૂંટાઈ આવ્યા હતા. અધ્યક્ષનું સ્થાન સૌથી મોટું ગર્વિષ્ઠ સ્થાન છે. કાલીકટનું જનસંઘનું અધિવેશન સમગ્ર દેશમાં છવાઈ ગયું હતું. જ્યારે અધિવેશનના સ્થાને પહોંચવાનું હતું ત્યારે તેઓ મોટરમાં બેસીને આવ્યા નહીં, પણ ચાલતા જ અધિવેશનના સ્થાને આવ્યા ને જ્યાં પ્રતિનિધિઓ પોતાનું ફોર્મ ભરીને નામ નોંધાવતા હતા ત્યાં દીનદયાલજી જઈને કાઉન્ટર ઉપર ઊભા રહ્યા ને એક ફોર્મ લીધું ને ત્યાં ઊભા રહીને ફોર્મ ભર્યું ને કાઉન્ટર ઉપર બીજા પ્રતિનિધિઓની જેમ જ આપ્યું, ને ત્યાર પછી જ તેઓ અધિવેશનના સ્થાને જતા હતા, ત્યારે પ્રવેશ દરવાજા ઉપર ઊભેલા સ્વયંસેવકો જે પ્રવેશપત્ર ચકાસીને અંદર જવા દેતા હતા તેઓને પોતાનું પ્રવેશપત્ર બતાવ્યું ને ત્યાર પછી જ તેઓ અધિવેશનમાં મંચ ઉપર ગયા.
 
આપણને કલ્પના પણ ના આવે કે જનસંઘના અધ્યક્ષ સ્થાને ચૂંટાઈ આવેલ વ્યક્તિ એક સામાન્ય કાર્યકરની જેમ પોતાની વિધિ પૂરી કરીને મંચ પર આવશે. કેટલું અદ્ભુત વ્યક્તિત્વ ! નેતૃત્વનો જરાયે અહંકાર નહી. આજે આપણા નેતાઓમાં જે અહંકારની વિકૃતિઓ જોવા મળે છે તેઓએ દીનદયાલજીને સમજી લેવા જોઈએ.

પંડિત દીનદયાલજી ( Pandit deen dayal upadhyaya ) ચૂંટણી હારી ગયા

 
પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી વ્યક્તિત્વ પ્રભાવી, સેવાભાવી હતા. તેઓ એક રાજનેતા પણ હતા, પણ આનાથી પણ વધારે તેઓ એક મૌલિક વિચારક, સક્રિય કાર્યકર્તા, કુશળ સંગઠક પણ હતા. દેશનો એક પણ વ્યક્તિ કદાચ આવો નહીં હોય કે એક સાથે સમાજશાસ્ત્રી, અર્થશાસ્ત્રી, રાજનૈતિક, વૈજ્ઞાનિક તેમજ દાર્શનિક હોય ! દીનદયાલજીમાં આ બધા જ ગુણો હતા.
તેઓ જે કહેતા તે કરતા, કાર્યકર્તાઓને પણ વાણી-વર્તનમાં સમાનતા રાખવાનું કાયમ માટે શીખવતા.
 
સને ૧૯૬૩માં જૌનપુર લોકસભાની પેટા ચૂંટણી આવી. જનસંઘના ઉમેદવાર તરીકે પાર્ટીએ પંડિત દીનદયાલજીને ઊભા રાખવાનો નિર્ણય કર્યો. કારણ કે દીનદયાળજી અત્યંત લોકપ્રિય હતા. આ ચૂંટણી પ્રદેશમાં જ્ઞાતિવાદનું સામ્રાજ્ય હતું. કાર્યકર્તાઓને જ્ઞાતિવાદ ઉપર ચૂંટણી જીતવાનું નક્કી કર્યું. ને જ્ઞાતિના આગેવાનોને બોલાવીને બેઠક કરી, ને તે સભામાં દીનદયાળલને લઈ ગયા. તો દીનદયાલજીનો શાંત ચહેરો એકદમ ઉશ્કેરાઈ ગયો. ગરમ થઈ ગયા ને બોલ્યા, ‘મારે આવો વિજય જોઈતો નથી, આનાથી હારી જવું વધારે સારું છે. જ્ઞાતિવાદના નામે હું સિદ્ધાંતોનું બલિદાન આપવા માગતો નથી. કોઈપણ રાજકીય પાર્ટીના જીવનમાં પેટા ચૂંટણી બહુ મહત્ત્વની નથી. મહત્ત્વના છે પાર્ટીના સિદ્ધાંતો. જો આપણે બધા ચૂંટણીઓમાં જાતિવાદના ભૂતને મહત્ત્વ આપીશું તો ભાવિમાં હિન્દુ સમાજને એક તખતા ઉપર નહીં લઈ જઈ શકીએ. ને આમ કરવાથી કદાચ વિજય મળશે પણ દેશને સૌથી મોટું નુકસાન કરીશું. કાર્યકર્તાઓને મારી નમ્ર વિનંતિ છે કે જ્ઞાતિના નામે મત માંગવા કરતાં પક્ષને બંધ કરી દેવો સારો છે.’
 
છેલ્લે પરિણામ એ આવ્યું કે દીનદયાલજી ચૂંટણીમાં હારી ગયા. ને જાતિવાદના જોર ઉપર જ સામેનો ઉમેદવાર જીતી ગયો.
પંડિત દીનદયાલજી ( Pandit deen dayal upadhyaya ) રાજકીય દાવપેચોથી દૂર રહેતા હતા ને ગરીબો પ્રત્યે તેઓના મનમાં સ્પષ્ટ ખ્યાલ હતો. તેઓ માનતા હતા કે, ‘ગંદા કપડાં પહેરીને ઝૂંપડપટ્ટીઓમાં રહેતા આ ગરીબ, અભણ લોકો આપણા ભગવાન છે. આપણે તેઓની પૂજા કરવી જોઈએ. આ જ આપણો સામાજિક અને માનવધર્મ છે. જે દિવસે આપણે તેઓને નાનું સરસ ઘર બનાવીને આપીશું, તેઓનાં બાળકોને શિક્ષણ આપીશું, તેઓને જીવન જીવવાનું જ્ઞાન આપીશું ને કોઈ ધંધા રોજગારમાં રોકીશું ત્યારે તેઓ સાચા માનવી બનશે, ને આ કાર્ય આપણે જ કરવાનું છે.’

રાષ્ટ્ર પ્રત્યેની પ્રામાણિકતા

 
એક વખતે તેઓ કાશીથી બલિયાનો પ્રવાસ કરી રહ્યા હતા. અખિલ ભારતીય નેતા હતા, છતાં પણ તેઓ હંમેશા ત્રીજા વર્ગની જ મુસાફરી કરતા હતા. કાશીથી ગાડી ઊપડતી હતી. રાતનો સમય હતો. ત્રીજા વર્ગની ટિકિટ લઈને તેઓ બેસી ગયા, પણ ત્રીજા વર્ગના ડબ્બામાં બેસવા જેટલી જગ્યા ન મળી જેથી કાર્યકરો તેઓની બીજા વર્ગના ડબ્બામાં લઈ ગયા ને ત્યાં શેતરંજી પાથરીને સુવાડી દીધા. સવારે ગાડી બલિયા પહોંચી ગઈ. ને ત્યાં ઊતરીને ટિકિટ ચેકર પાસે જઈને કહ્યું, ‘મારી ટિકિટ ત્રીજા વર્ગની છે, ને હું બીજા વર્ગના ડબ્બામાં સૂઈ ગયો હતો, તો તમે વધારાની ટિકિટ મને બનાવી આપો.’ ત્યારે ટિકિટ ચેકરે કહ્યું, ‘ચાલશે, આપ જાઓ.’ પણ દીનદયાલજીનું મન માન્યું નહીં ને તેઓ સ્ટેશન માસ્તર પાસે ગયા ને વધારાના ભાડાની ટિકિટ બનાવવાની વાત કરી. સ્ટેશન માસ્તર હસવા લાગ્યા ને બોલ્યા, ‘હું ત્રીસ વર્ષથી રેલવેમાં નોકરી કરું છું, પણ મને આજ સુધી એક પણ વ્યક્તિ આપના જેવો મળ્યો નથી કે જે પાછળથી ટિકિટ લેવા માટે આવ્યો હોય, આપનો આગ્રહ છે તો હું ટિકિટ બનાવી આપું છું.’ ને તેઓએ ટિકિટ બનાવી ને તે લઈને જ તેઓ ગયા.

"રાષ્ટ્ર સર્વશ્રેષ્ઠ છે, સંસ્થા નહીં

 
પંડિતજી ( Pandit deen dayal upadhyaya ) ના અમેરિકાના પ્રવાસમાં ‘ફ્રેન્ડઝ ઑફ ઇન્ડિયા કમિટી’એ તેઓના સ્વાગત સમારોહના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ સમિતિના અધ્યક્ષ ડૉ. નોર્મન ડી. પામર હતા ને તેઓએ પંડિતજીના મૃત્યુ પછી લખ્યું છે- "આ વ્યક્તિ વિશ્ર્વકલ્યાણ માટે જન્મી હતી. તેઓએ પોતાનું મન સંકુચિત બનાવી દીધું ને તે એક પાર્ટીના હાથોમાં આપી દીધું કે જે પાર્ટી માનવજાતિ માટે હતી.
 
જ્યારે પંડિતજી અમેરિકાથી ભારત આવ્યા ત્યારે ડૉ. શ્યામબહાદુર વર્માજીએ એક પ્રશ્ર્ન પૂછ્યો હતો, "દીનદયાલજી ! આપને એવું લાગે છે કે સત્તા મળ્યા પછી કોંગ્રેસ જે રીતે ભ્રષ્ટ બની ગઈ છે, તે રીતે ભારતીય જનસંઘ સત્તા મળ્યા પછી ભ્રષ્ટ નહીં બને તેની ખાત્રી શી ? પંડિતજીએ ઉત્તર આપ્યો, ‘સત્તા સામાન્ય રીતે ભ્રષ્ટ કરે છે. આપણી પૂરી કાળજી રાખવા છતાં પણ જનસંઘમાં જો ભ્રષ્ટાચાર આવશે તો આપણે તેનું વિસર્જન કરી દઈશું ને નવા જનસંઘની સ્થાપના કરીશું, ને નવો જનસંઘ પણ ભ્રષ્ટાચારી બનશે તો ત્રીજો જનસંઘ બનાવીશું. આ ક્રમ ચાલતો રહેશે. ભગવાન પરશુરામે ૨૧ વાર રાજાઓનો સંહાર કરેલ ને છેલ્લે આદર્શ રાજાના રૂપમાં ભગવાન રામચંદ્ર મળ્યા ત્યારે રામરાજ્યની સ્થાપના કરીને પરશુરામ વનમાં ચાલ્યા ગયા. આપણે પણ આપણા દ્વારા સ્થાપેલી સંસ્થા પ્રત્યે મોહ શા માટે રાખવો ? નાનું બાળક ગાજર સાથે રમે છે ને તેનો રમકડા તરીકે ઉપયોગ કરે છે. રમકડા તરીકેનો તેનો ઉપયોગ પૂરો થઈ જાય છે ત્યારે તે પોતે જ તેને ખાઈ જાય છે. પોતાના હાથો વડે ઊભી કરેલી સંસ્થા જ્યારે રાષ્ટ્રહિતના વિરોધમાં કાર્ય કરશે તો આવી સ્વનિર્મિત સંસ્થાનો વિનાશ કરવો તેને હું ધર્મ માનું છું. રાષ્ટ્ર સર્વશ્રેષ્ઠ છે, સંસ્થા નહીં.’

કાર્યકરો જ પાર્ટીની મૂડી છે | Pandit deen dayal upadhyaya

 
૧૯૬૨-૬૩ની વાત છે. ગુજરાતના જૂનાગઢમાં જનસંઘના ત્રણ દિવસના વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે ગુજરાત જનસંઘ ( Bharatiya Jana Sangh) ના પ્રમુખ શ્રી હરિસિંહ ગોહિલ હતા. આ વર્ગમાં પંડિત દીનદયાલજી, શ્રી અટલજી (Atal bihari Vajpayee) અને શ્રી સુંદરસિંહજી ભંડારી ઉપસ્થિત રહ્યા હતા. તેમજ બીજા અખિલ ભારતીય નેતા પણ હતા. કાર્યક્રમ પૂરો થયા પછી શ્રી હરિસિંહને થયું કે બધાનો એક ગ્રુપ ફોટો લેવાય તો સારું. દીનદયાલજીને વાત કરી તો તેઓએ કહ્યું, ‘ખોટો ખર્ચ કંઈ કરવો નથી.’ પણ બધાઓએ સમજાવ્યા, ત્યારે પંડિતજી તૈયાર થયા. ગ્રુપ ફોટો માટે ખુરશીઓ ગોઠવાઈ ગઈ ને બધા નેતાઓ બેસી ગયા. શ્રી હરીસિંહજી દૂર એક ખૂણામાં ઊભા હતા, ફોટો પાડવાની શરૂઆત થઈ ત્યારે પંડિતજી બોલ્યા, ‘અરે ! હરિસિંહજી ક્યાં છે ?’ હરિસિંહજી તો દૂર ઊભા હતા. તેઓ હરિસિંહજી પાસે ગયા ને પકડી લાવ્યા. ને કહ્યું, ‘તમે અહીં અમારી વચ્ચે બેસો, ને ખુરશી ખાલી કરી આપી. તેઓએ કહ્યું, ‘આપ ગુજરાત પ્રાંતના અધ્યક્ષ છો. આપ કેન્દ્રબિન્દુ છો, જેથી વચ્ચે તમે જ શોભો ને તેઓને વચ્ચે બેસાડીને જ ફોટો પડાવ્યો.’
 
પંડિતજી પોતાના નાનામાં નાના કાર્યકરને સાચવી લેતા હતા ને જ્યારે જ્યારે પંડિતજીનું પ્રવનચ હોય ત્યારે સૌથી પહેલાં પોતાના કાર્યકરોનું જ ભાષણ ગોઠવે ને પછી તેઓ ભાષણ કરે. કાર્યકરો જ પાર્ટીની મૂડી છે, તેઓ હાથપગ છે. તેઓના વિના પાર્ટી બળવત્તર બને કેવી રીતે ?
 

pandit deen dayal upadhya 

સત્તા કરતાં ધ્યેય મોટું છે

 
૧૬૦ વિધાનસભ્યોવાળી રાજસ્થાન વિધાનસભામાં વિધાનસભાની ચૂંટણીમાં વિરોધપક્ષના ૭૭ વિધાનસભ્યો ભેગા મળીને ‘સંયુક્ત વિધાયક દળ’ બનાવ્યું હતું. આ દળમાં જનસંઘના આઠ વિધાયક સભ્યો હતા. આ ગઠબંધનના કારણે જનસંઘના શ્રી લાલસિંહજીને વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર બનાવવામાં આવ્યા હતા.
 
‘સંયુક્ત વિધાયક દળે’ જમીન સુધારણાનો આવનાર કાયદાનો વિરોધ કરવાની નિર્ણય કર્યો કારણ કે ‘સંયુક્ત વિધાયક દળ’ના મોટાભાગના સભ્યો જમીનદાર-જાગીરદાર હતા. ‘સંયુક્ત વિધાયક દળ’ની આ ભૂમિકાના કારણે જનસંઘ જો ટેકો આપે તો તેની છબી જમીનદાર-જાગીરદારોના ટેકાવાળા છે એમ બની જશે. એક બાજુ સિદ્ધાંતનો પ્રશ્ર્ન હતો કે આ પ્રશ્ર્નમાં ‘સંયુક્ત વિધાયક દળ’ને ટેકો આપી શકાય નહીં, જ્યારે બીજી બાજુ મહામહેનતે માત્ર આઠ સીટો જ જીતેલા. આવા સમયે પંડિતની સલાહ લેવામાં આવી ને પંડિતજી( Pandit deen dayal upadhyaya ) એ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, ‘પ્રગતિશીલ જનસંઘ પ્રતિક્રિયાવાદી વિપક્ષ દ્વારા બનાવેલ દળ સાથે રહેવું અશક્ય છે.’ આઠ વિધાયકોને ‘સંયુક્ત વિધાયક દળ’ છોડવાનો આદેશ આપ્યો. આઠમાંથી ત્રણ વિધાયકોએ પક્ષના આદેશને માથે ચઢાવી ત્યાગપત્ર આપી દીધો, જ્યારે પાંચ ધારાસભ્યોએ આદેશ માન્યો નહીં, તે વખતે પક્ષના મહામંત્રી દીનદયાલજી હતા. તેઓએ પાંચ સભ્યોને પક્ષમાંથી કાઢી મૂક્યા. જનસંઘના કાર્યને લોકોએ ટેકો આપ્યો, પ્રતિભા વધી. જનસંઘની પ્રતિભા સાચવી રાખવાની જવાબદારી પંડિતજીની હતી. તેઓની કર્તવ્ય કઠોરતા આ ઉપરથી સ્પષ્ટ થાય છે.
 
તાત્પર્ય એ હતું કે ધ્યેયનિષ્ઠા તેમજ પ્રમાણિકતા, સાધુત્વની સાથે સાથે જ્યાં જ્યાં જરૂરિયાત પડતી ત્યાં ત્યાં કઠોર વર્તન કરવામાં પાછી પાની કરતા નહીં. અખિલ ભારતીય જનસંઘની સ્થાપના કર્યા પછી લોકસંપર્ક, ભાષણ તેમજ આદર્શ આચરણ દ્વારા કાર્યકરોની ફોજ ઊભી કરનારા તેઓ મહાજાદુગર હતા.

સત્તા સાધ્ય નહીં, સાધન

 
દીનદયાલજી( Pandit deen dayal upadhyaya ) ના દૃષ્ટિકોણને આજે આપણે ખાસ યાદ રાખવાની જરૂર છે, ત્યારે દીનદયાલજીની વિચારધારા પ્રમાણે કાર્ય કરવાની જવાબદારી વધી જાય છે. તેઓએ સત્તાને રાજનીતિનું અંતિમ લક્ષ્ય સ્વીકાર્યું નથી. સત્તા નિરંકુશ બને તેને તો તેઓ ક્યારેય સ્વીકારતા ન હતા. ‘ધર્મ નિયંત્રિત રાજા’ આ એકાત્મ માનવવાદની સત્તા સૂત્રની પ્રાથમિક શરત છે. આપણી પ્રાચીન સંસ્કૃતિમાં પણ આ સ્પષ્ટ છે. પંડિત દીનદયાલજી બધા વિષયોમાં સ્પષ્ટ માર્ગદર્શન આપતા હતા. ને તેઓ કહેતા હતા કે, ‘મનુષ્યની અંદર શ્રેષ્ઠ જીવન’ ઉત્પન્ન કરવાનું કાર્ય માત્ર સત્તાથી થઈ શકતું નથી.’ તેઓએ તો ત્યાં સુધી કહ્યું હતું કે, "કોંગ્રેસ એક સમયે મોટો ત્યાગી અને દેશભક્તિથી ભરપૂર પક્ષ હતો, તેની પાસે રાજસત્તા આવી અને સત્તાના મદમાં છકી ગયો ને માત્ર સત્તાને જ પ્રધાનતા આપી, જેથી જુઓ તેની કેવી ખરાબ દશા થઈ ગઈ છે. આપણે પણ ધ્યાન નહીં રાખીએ ને માત્ર સત્તાપ્રેમી બનીશું તો આપણી જ પણ આવી જ દશા થશે. જનતા એક વાર સત્તા ચખાડશે પછી એ સત્તાનો ઉપયોગ આપણે લોકો માટે નહીં કરીએ તો લોકો ફેંકી દેશે, પણ મને વિશ્ર્વાસ છે કે કોંગ્રેસના લોકોનું જેવું પતન થયું છે, તેવું આપણું તો નહીં જ થાય. તેઓેએ સત્તામાં બેસનારા પ્રત્યેક વ્યક્તિઓને ચેતવણી આપી છે. કદાચ એવો સમય આવે કે આપણે માત્ર સત્તાપ્રેમી બની જઈએ. બેફામ બની જઈએ. ત્યારે સત્તા અને સમાજની રક્ષા માટે સત્તા ઉપર ‘ધર્મસત્તા’નું નિયંત્રણ અથવા સત્તાને ધર્મ દ્વારા દંડિત કરવાનો અધિકાર હોવો જોઈએ. સત્તા ક્યારેય આપણા મગજ અને મનને કાબૂમાં રાખે તેવી હોવી જોઈએ નહીં. સત્તા સાધ્ય નથી, માત્ર સાધન છે. શ્રેષ્ઠ જીવનમૂલ્યો પ્રાપ્ત કરવા માટે સત્તાની પવિત્રતા અનિવાર્ય છે.

સાચા લોકપ્રતિનિધિ | Pandit deen dayal upadhyaya

 
જૂન ૧૯૬૭ની વાત છે. લલ્લનપ્રસાદ વ્યાસ એક રાજ્યકક્ષાના મંત્રીની સાથે બદ્રીકેદારની યાત્રા એ ગયા હતા. નાનાજી દેશમુખ અને દીનદયાલજી બન્ને આ સમયે બદ્રીકેદારની યાત્રાએ આવેલા. ત્યાં પેલા પ્રધાનની આજુબાજુ બધા ટોળે વળીને વાતો કરતા. વંદન કરતા હતા. નાનાજી દેશમુખજીને આ પ્રધાનશ્રીનું કામ હોવાથી તેઓ પણ મળવા ગયા પણ દીનદયાલજી તો દૂર ઊભા ઊભા કેટલાક કાર્યકરો સાથે હસતા હતા, ને વાતો કરતા હતા. લલ્લનપ્રસાદને ખબર પડી કે દીનદયાલજી પણ નાનાજી સાથે છે, જેથી તેઓ દીનદયાલજીને બોલાવવા આવ્યા. ત્યારે તેઓએ કહ્યું, ‘મારે કોઈ કામ નથી, નાનાજીને કામ છે, જેથી તેઓ ભલે મળે. હું તો અહીં ઊભો છું. મારે તમારું કામ છે લલ્લનજી.’ ને લલ્લનપ્રસાદ વ્યાસની સાથે વાતો કરવા લાગ્યા. ને કહેતા હતા, ‘લલ્લનજી, હું તમોને યાદ કરતો હતો. ભારતીય સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે એક યુનિવર્સિટી ઊભી કરવાની વાત હતી, તો તેનું શું થયું ? કંઈ આગળ વિચાર કર્યો કે નહી.’ ને આ વિષય ઉપર બન્ને એક જગ્યાએ ઊભા રહીને વિચાર વિનિમય કરતા રહ્યા, ને થાક્યા ત્યારે એક પથ્થર ઉપર બેઠા. તેઓ પેલા પ્રધાનને મળવા ગયા નહીં.
 
પં. દીનદયાલજી ( Pandit deen dayal upadhyaya ) રાજકારણમાં હોવા છતાં તેઓ સાંસ્કૃતિક-સાહિત્યિક નેતા હતા. તેઓને આ નેતાઓના મોજશોખ ગમતા ન હતા. ને નેતાઓની પાછળ લોકો ફર્યા કરે, તે જરાયે પસંદ ન હતું.

સારા પક્ષના ત્રણ ગુણ

 
મતદારો માને છે કે ઉમેદવાર સારો હોવો જોઈએ, પરંતુ ઉમેદવાર સારો હોય પણ તેનો પક્ષ ખરાબ હોય તો તે પોતાનો પ્રભાવ જમાવી શકશે નહીં. રાજર્ષિ પુરુષોત્તમદાસ ટંડનનું ઉદાહરણ આના સંદર્ભમાં પર્યાપ્ત છે. આથી એ જરૂરી છે કે ઉમેદવાર અને તેનો પક્ષ બન્ને સારા હોવા જોઈએ. તો સારો પક્ષ કોને કહેવો ? ત્યારે દીનદયાલજી કહે છે કે - ‘માત્ર વ્યક્તિઓનું ટોળું ભેગું થવાથી કોઈ પક્ષ સારો બનતો નથી, માત્ર સત્તા માટે જ નહીં, પરંતુ વિશિષ્ટ ધ્યેયની પ્રાપ્તિ માટે જન્મે અને કાર્ય કરે તેવા સુસંગઠિત પક્ષને હું સારો પક્ષ માનું છું. આવો પક્ષ રાજકીય સત્તાને સાધ્ય નહીં, સાધન માને છે, પક્ષના પ્રમુખથી માંડીને સામાન્ય કાર્યકર્તા પણ ધ્યેયનિષ્ઠ હોવા જોઈએ. ધ્યેયનિષ્ઠાથી જ સમર્પણની ભાવના અને શિસ્તનો જન્મ થાય છે. માત્ર બાહ્ય પરિપત્રો કે નિયમોનો સ્વીકાર કરવાથી શિસ્ત આવતી નથી. ઉપરથી શિસ્ત જેટલું વધારે લાદવામાં આવે છે તેના પ્રમાણમાં પક્ષની આંતરિક શક્તિ નબળી પડે છે. સમાજ માટે ધર્મનું જેટલું મહત્ત્વ છે, તેટલું જ મહત્ત્વ પક્ષ માટે શિસ્તનું હોવું જોઈએ. પક્ષમાં ધ્યેયનિષ્ઠા અને શિસ્ત હશે તો જૂથવાદને કોઈ સ્થાન રહેશે નહીં. પોતાના સંકુચિત સ્વાર્થોથી જ પક્ષનું હિત જ્યારે ગૌણ લાગે છે, ત્યારે જૂથવાદની શ‚આત થાય છે. જૂથવાદ અહંવાદી તેમજ વિકૃત માનસિકતાની સામાજિક અભિવ્યક્તિ છે. જૂથવાદની નબળો પડેલો પક્ષ કદી પ્રભાવશાળી બની શકતો નથી. તેમજ કોઈ નક્કર ભૂમિકા ભજવી શકતો નથી. સારા પક્ષનો ત્રીજો મહત્ત્વનો ગુણ એ છે કે તેને કોઈ વિશિષ્ટ ધ્યેય માટે સમર્પિત થવું જોઈએ, ને તે ધ્યેયસિદ્ધિની પ્રાપ્તિ માટે મચી પડવું જોઈએ. તેના બધા જ નીતિનિયમો એવા હોવા જોઈએ કે તે ધ્યેયને સાકાર બનાવવા માટે જ બનાવેલા હોવા જોઈએ. રાજકારણમાં આ શક્ય નથી કે દરેક વ્યક્તિ ધ્યેય નીતિના વર્તુળમાં સોએ સો ટકા ફીટ થાય. કોઈ કોઈ વાર પ્રશ્ર્નનો વિચાર વસ્તુનિષ્ઠ વ્યાવહારિક દૃષ્ટિથી પણ કરવો પડે છે, પરંતુ વ્યવહારિક્તાના નામ ઉપર સગવડિયાઓને સ્થાન મળવું જોઈએ નહી. રાજકીય પક્ષ અને પક્ષોના નેતા પોતાના આચરણ વડે રાજનીતિક જીવનમૂલ્યોને પ્રસ્થાપિત કરે છે. તેઓ આ સંબંધમાં જ‚રી માપદંડોનું પણ નિર્માણ કરે છે. એટલા માટે રાજકીય પક્ષોએ સામાજિક જીવનના સંકેતોને ગમે તેવી કપરી પરિસ્થિતિમાં અસ્વીકાર ના કરે. લોકશાહી માત્ર ચૂંટણીથી જીવંત બનતી નથી. આના માટે તો સુસંગઠિત સમાજ, સુસંગઠિત પક્ષ અને રાજનૈતિક આચરણના નીતિ નિયમો અને સંકેતોની સુવ્યવસ્થિત સ્થાપના થવી અત્યંત અનિવાર્ય છે. પંડિતના ઉપર્યુક્ત વિચારો આજે કેટલા સુસંગત છે ? આજના કાર્યકરો અને નેતાઓએ તેઓની આ બાબતો ગાંઠે બાંધવી જોઈએ.

ઉપસંહાર

 
પંડિત દિનદયાળજી ( Pandit deen dayal upadhyaya ) નાં જીવનનાં એ પ્રસંગો રાજનેતાઓની અસલ ગુણો કેવા હોવા જોઈએ, તેમની ભાવના, લાગણી કઈ ઊંચાઈને સ્પર્શવા જોઈએ તેનું તાદૃશ ઉદાહરણ છે. આ પ્રસંગોથી ફલિત થાય છે કે કોઈપણ રાજનેતા સર્વપ્રથમ સમાજસેવક અને સામાન્ય કાર્યકર્તા જ છે. તેણે કોઈપણ પ્રકારની લોભ, લાલચ, સ્વાર્થમાં ન પડવું જોઈએ. રાજકીય પાર્ટી પોતાના કાર્યકર્તાના બલબૂતા પર ચાલવી જોઈએ. પાર્ટીના કાર્યકર્તાએ કરેલા ધન સમર્પણ વડે પાર્ટી ચાલવી જોઈએ. જો આમ થશે તો પાર્ટીના નીતિ વિષયક નિર્ણયોમાં કોઈ તેને ખોટી રીતે પ્રભાવિત નહીં કરી શકે. જે પાર્ટી પાસે સમર્પણ કરનાર કાર્યકર્તાઓની સંખ્યા મોટી હશે તે પાર્ટી ક્ષમતાવાન પાર્ટી ગણાશે.
 
રાજકીય પક્ષો પણ સમર્પણના આધારે ચાલે છે. વિશિષ્ટ પ્રકારનું ધ્યેય લઈ ચાલતી રાજકીય પાર્ટી પક્ષનું કામ કરવા મોટી સંખ્યામાં પૂર્ણકાલીન કાર્યકર્તાઓ નીકળે તેની યોજના બનાવતી હોય છે. પૂર્ણકાલીન કાર્યકર્તા કાઢવા માટે આહ્વાન આવે છે. જીવન આપનાર કાર્યકર્તાઓની સંખ્યા જેટલી વધારે તેટલી લક્ષ્યપ્રાપ્તિ નજીક ગણાય છે. એટલા માટે ડૉ. શ્યામપ્રસાદ મુખરજીએ દીનદયાલજીના સમર્પિત જીવનને જોઈ એકવાર કહ્યું હતું કે ‘મને બીજા બે દીનદયાલજી લાવી આપો. હું માત્ર એક વર્ષમાં ભારતની રાજનીતિ પલટાવી દઉં.’
 
આજે પંડિતજી ( Pandit deen dayal upadhyaya ) હયાત નથી, પરંતુ તેમના આ જીવનને આદર્શ બનાવી રાજનીતિ પલટાવી શકાય છે, રાજકારણને સમાજસેવાનો રંગ લગાડી શકાય છે. તો આવો, પંડિતજીની જન્મશતાબ્દીના પાવન અવસરે તેમના કમળવત્ જીવનમાંથી પ્રેરણા લઈ આપણી શક્તિને જગાડીએ, સંસ્થાને ઉન્નત કરીએ, સંગઠનને ગૌરવ અપાવીએ, રાજનીતિને રળિયામણી કરીએ અને જીવનને અજવાળીએ.