અંજીર ખાવાના છે આટલા બધા ફાયદા | Health Benefits of Figs or Anjeer

    ૧૮-ફેબ્રુઆરી-૨૦૨૧
કુલ દૃશ્યો |

Anjeer_1  H x W
 
 
રોજ અંજીરને આ રીતે ખાશો તો કબજિયાત નહી રહે, થાક નબળાઈ થઈ જશે દૂર
  

અંજીરનો પરિચય : Anjeer

 
અંજીર ( Anjeer ) અતિ પ્રાચીન કાળથી જાણીતું ફળ છે અને ખૂબ વ્યાપારી મૂલ્ય ધરાવે છે. ગ્રીસ, દક્ષિણ યુરોપ, અલ્જીરિયા, ઇટાલી વગેરે દેશોમાં તેનો બહોળો ઉપયોગ થાય છે. અલ્જીરિયામાં તો એક વર્ષમાં એક કુટુંબ સરેરાશ 750 કિલો અંજીર ખાઈ જાય છે. આપણા દેશમાં કાશ્મીર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાતમાં તેનું વાવેતર થાય છે. અંજીરના ઝાડને વર્ષમાં બે ફાલ આવે છે : ચોમાસામાં અને ઉનાળામાં. ઉનાળુ ફાલ વધુ સરસ હોય છે. પાકેલું લીલું અંજીર ( Anjeer ) ખૂબ જ સ્વાદિષ્ટ અને રસથી ભરપૂર હોય છે.
 

અંજીરના ગુણધર્મ : Anjeer 

 
લીલાં અંજીર ( Anjeer ) વધુ પૌષ્ટિક હોય છે. તે કબજિયાત દૂર કરે છે. લીલા અંજીરના રસમાં રહેલું લોહ સુપાચ્ય હોવાથી શરીરમાં સંપૂર્ણપણે આત્મસાત્ થઈ જાય છે. અંજીર ઠંડાં, મધુર, ગુરુ તેમજ પિત્તવિકાર, લોહીવિકાર અને વાયુનો નાશ કરનારાં છે. વિપાકમાં તે મધુર, શીતવીર્ય અને સારક છે. અંજીરમાં સોડિયમ ક્ષાર વિપુલ પ્રમાણમાં હોય છે. તે ઉપરાંત પોટેશિયમ, કેલ્શિયમ, લોહ, તાંબું, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, સલ્ફર તથા ક્લોરિન નોંધપાત્ર પ્રમાણમાં હોય છે. લીલાં અંજીરમાં પ્રજીવક ‘એ’ સારા પ્રમાણમાં હોય છે, જ્યારે પ્રજીવક ‘બી’ અને ‘સી’નું પ્રમાણ સાધારણ હોય છે. લીલાં અંજીરની સરખામણીમાં સૂકાં અંજીરમાં ત્રણથી ચારગણી શર્કરા અને ક્ષારો હોય છે. કુલ શર્કરામાંથી મોટા ભાગની શર્કરા પૂર્વપાચિત (predigested) ડેક્ષ્ટ્રોઝ અને ફ્રુક્ટોઝના સ્વરૂપમાં હોય છે. સૂકાં અંજીર ( Anjeer ) ની કેટલીક જાતોમાં તો 60 ટકા જેટલી ડેક્ષ્ટ્રોઝ શર્કરા હોવાનું જણાયું છે.
 

અંજીરનો ઉપયોગ : How to eat Anjeer

 
લીલાં અંજીર ( Anjeer ) નો રસ કાઢી શકાય અથવા તેમને ચાવીને પણ ખાઈ શકાય. લીલાં અંજીર ઉપલબ્ધ ન હોય તો સૂકાં અંજીરથી પણ એટલો જ લાભ મેળવી શકાય છે. સૂકાં અંજીરને પાણીમાં બાર કલાક પલાળી રાખવાથી તે સુંવાળાં અને નરમ બને છે. પલાળવાથી સુષુપ્તાવ્યવસ્થામાં રહેલાં તેનાં તત્ત્વો જાગ્રત થઈ સક્રિય બને છે. આવાં પલાળેલાં અંજીરમાંથી થોડા પ્રમાણમાં રસ મેળવી શકાય છે, જે પાણીમાં અંજીર પલાળ્યાં હોય તેનો પણ ઉપયોગ કરવો અથવા ઘટ્ટ રસને પલાળીને પાતળો કરવો.
 

અંજીર ખાવાના લાભ : Benefits of Figs or Anjeer

 
લીલાં અંજીર ( Anjeer ) નો રસ મૂત્રલ છે. તેથી તે મૂત્રને લગતી ફરિયાદો દૂર કરે છે. તે યકૃત, જઠર અને આંતરડાંને કાર્યક્ષમ રાખે છે. કબજિયાત, થાક અને નબળાઈ દૂર કરે છે. તે કફ અને સૂકી ખાંસીમાં ખાસ ફાયદો કરે છે. અંજીર ( Anjeer ) ખાવાથી નાનાં બાળકો અને સગર્ભા સ્ત્રીઓને શક્તિ પ્રાપ્ત થાય છે.
 
(રસાહાર દ્વારા તંદુરસ્તી અને રોગમુક્તિ પુસ્તકમાંથી સાભાર)