દેશ-વિદેશમાં ફેલાયેલી સીતારામ બેંક, જ્યાં પૈસા નહી રામનામ જમા થાય છે | Sitaram bank of Ayodhya

    ૨૬-ફેબ્રુઆરી-૨૦૨૧
કુલ દૃશ્યો |

Sitaram bank of Ayodhya_1
 
 

દેશ-વિદેશમાં ફેલાયેલી સીતારામ બેંક, જ્યાં પૈસા નહી રામનામ જમા થાય છે | Sitaram bank of Ayodhya

 
અયોધ્યા (Ayodhya) નું નામ આવે એટલે હાલ સૌથી પહેલા રામમંદિર (Ram Mandir) જ યાદ આવે. અને આવે પણ કેમ નહી! ખૂબ મોટા સંઘર્ષ પછી અહીં શ્રીરામ (Shri Ram) નું ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે. આ પાવન કામ દેશના કરોડો હિન્દુભાઈઓના યોગદાનથી થઈ રહ્યું છે પણ અહીં એટલે કે અયોધ્યા (Ayodhya) ની આ પાવન ધરતી પર બીજું પણ એક પાવનકામ વર્ષોથી થઈ રહ્યું છે. અહીં એક અનોખી બેંક ચાલે છે જે ખૂબ પ્રચલિત પણ છે. પ્રચલિત એટલા માટે કે અહીં આ બેંકમાં પૈસા જમા થતા નથી છતાં બેંકની મિલકત ( પૂંજી ) વધતી જ જાય છે. અહીં માત્ર અને માત્ર રામનામ હસ્તપ્રતની કોપીઓ જ જમા કરવામાં આવે છે. આ કોપી સીતારામના જે ભક્તો છે તે લખે છે અને અહીં જમા કરાવે છે.
 
એટલે કે સરળ ભાષામાં જણાવું તો એક મોટી નોટ કે ચોપડો લેવાનો તેમાં પાને પાને દરેક લીટીમાં જેટલીવાર લખાય એટલીવાર “સીતારામ” (Sitaram) લખવાનું અને નોટ કે ચોપડો આખો આ રીતે ભરાય જાય એટલે આ બેંકમાં જમા કરાવી દેવાનો. શ્રદ્ધાળુંઓ ખૂબ ભક્તિભાવથી આ નામ લખે છે. સામાન્ય રીતે આવું કરીને ફાયદો શું થાય એવો પ્રશ્ન થાય. તો એવું કહેવાય છે કે આપણા હિન્દુ (Hindu) ગ્રંથો અને પુરાણોમાં લખવામાં આવ્યું છે કે ૮૪ લાખવાર રામનામ લખવામાં આવે તો માનવે પછી ૮૪ લાખ યોનિમાં જન્મ લેવો પડતો નથી. તેમાંથી માનવને મુક્તિ મળી જાય છે. તો આ શ્રદ્ધાળુઓની કોશિશ રહેતી હોય છે કે તેઓ ૮૪ લાખવાર પ્રભુ શ્રી રામનું નામ લખે અને મોક્ષ મેળવે.
 

Sitaram bank of Ayodhya_1 
 
આ બેંકનું નામ પણ અદ્ભુત છે. બેંકનું નામ છે સીતારામ બેંક (Sitaram bank). ઉલ્લેખનીય વાત એ છે કે આ બેંક માત્ર અયોધ્યા પૂરતી કે આપણા દેશ પૂરતી સિમિત નથી. દેશ-વિદેશમાં આ બેંકની કુલ ૧૨૪ જેટલી શાખો છે. આ બેંકમાં કોઇ પણ ભાષા માટે પ્રતિબંધ નથી. એટલે તમે કોઇ પણ ભાષામાં રામનામ લખી શકો અને આ બેંકમાં જમા કરાવી શકો છો.
 

૧૯૭૦માં થઈ આ બેંકની સ્થાપના

 
કાર્તિક કૃષ્ણપક્ષ એકાદશી, વર્ષ ૧૯૭૦માં શ્રી સીતારામ બેંક (Sitaram bank) ની સ્થાપના થઈ. આ બેંકની સ્થાપના શ્રી રામજન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલસાસજીએ કરી હતી. આ બેંકના અધ્યક્ષ પુનીતરામદાસ છે. ઉલ્લેખનીય વાત એ છે કે છેલ્લા ૫૦ વર્ષમાં આ બેંકમાં ૧૫ હજાર કરોડ રામનામ જમા થયા છે. આ બેંકમાં ૩૦ હજાર સ્થાયી અને ૧ લાખ કરતા વધારે અસ્થાયી સભ્યો છે. આ સભ્યો સમય પ્રમાણે બેંક કાર્યમાં મદદ કરે છે.
 

Sitaram bank of Ayodhya_1 
 
પત્રિકા ન્યુઝ નેટવર્કના એક અહેવાલ પ્રમાણે શ્રી પુનીતરામદાસ કહે છે કે સીતારામ બેંક (Sitaram bank) તરફથી નામ લેખનની એક કોપી આપવામાં આવે છે. આ કોપી ૬૪ પાનાની હોય છે. આ કોપીમાં સીરારામ લખવા માટેના ૨૧ હજાર ૩૦૦ ખાના દોરેલા હોય છે. જે શ્રદ્ધાળું પાંચ લાખવાર સીતારામ લખી બેંકમાં જમા કરાવે છે તેને જ બેંક પોતાનો સભ્ય બનાવે છે. આનાથી ઓછા નામ લખનારા સભ્યને અસ્થાયી સભ્ય ગણવામાં આવે છે.