મ્યાંમાર ( Myanmar) માં સૈન્યનો બળવો આંગ સાન સુ કી (Aung san suu kyi ) ની ધરપકડ

    ૦૫-ફેબ્રુઆરી-૨૦૨૧
કુલ દૃશ્યો |

Myanmar Aung san suu kyi
 
 
પાડોશી દેશ મ્યાંમાર ( Myanmar) માં તખ્તાપલટ થઈ ગયું છે. મ્યાંમારની સેના ( Military coup in Myanmar) એ વાસ્તવિક નેતા આંગ સાન સૂ કી (Aung san suu kyi ) અને રાષ્ટ્રપતિ વિન મ્યિંટ (president win myint ) ની ધપરકડ કરી લીધી અને એક વર્ષ માટે ઇમરજન્સીનું એલાન કર્યું છે. મ્યાંમાર સૈન્ય ટીવીનું કહેવું છે કે સેનાએ એક વર્ષ માટે દેશ પર નિયંત્રણ કરી લીધું છે અને હવે સેનાના કમાન્ડર ઈન ચીફ મિન આંગ હ્યાઇંગની પાસે સત્તા રહેશે...
 
મ્યાંમાર ( Myanmar) ની સેનાએ દેશનાં સર્વોચ્ચ નેતા આંગ સાન સુ કી સહિત અનેક નેતાઓની ધરપકડ બાદ દેશમાં એક વર્ષ સુધી કટોકટી લાદી દીધી છે. ઉલ્લેખનીય છે કે, પાછલા કેટલાક સમયથી સરકાર અને સેના વચ્ચે ચાલી રહેલા તણાવ અને તખ્તાપલટની આશંકાઓ ચાલી રહી હતી. સુ કી ના પક્ષ નૅશનલ લીગ ફૉર ડેમૉક્રસી પાર્ટીએ ગત નવેમ્બર માસમાં થયેલી ચૂંટણીમાં ભારે મતોથી જીત હાંસલ કરી હતી પરંતુ સેનાનો આરોપ છે કે ચૂંટણી પ્રક્રિયામાં ગરબડ થઈ છે. મ્યાંમારના પાટનગર નેપીટાવ અને મુખ્ય શહેર રંગૂનમાં રસ્તા પર સૈનિકો જ સૈનિકો નજરે પડી રહ્યા છે. આ સંપૂર્ણપણે તખ્તાપલટ જ છે. જે સૈન્ય પાછલા અઠવાડિયા સુધી સંવિધાનના પાલનની દુહાઈ આપતું હતું. તે જ સેનાએ સંવિધાનનાં લીરે લીરા ઉડાડી પુનઃ સત્તા કબજે કરી છે. જાણકારો મુજબ સૂ કી જેવા નેતાઓની ધરપકડ કરવી એક ઉશ્કેરણીજનક પગલું બની મ્યાંમારમાં ભારે અરાજકતા સર્જી શકે છે. આ પ્રકારની હિંસાની આશંકા વચ્ચે પાટનગરમાં ટેલિફોન અને ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવાઈ છે.
 

આંગ સાન સુ કી (Aung san suu kyi ) પર ચૂંટણીમાં ગડબડી કર્યાનો આરોપ

 
ગત ૮ નવેમ્બરે આવેલાં ચૂંટણી પરિણામોમાં નૅશનલ લીગ ફૉર ડેમૉક્રસી પાર્ટીએ ૮૩ ટકા બેઠકો જીતી હતી. આ ચૂંટણીને ઘણા લોકો આંગ સાન સૂ કી (Aung san suu kyi ) ની સરકારના જનમતસંગ્રહ સ્વરૂપે જોઈ રહ્યા હતા. વર્ષ ૨૦૧૧માં સૈન્ય શાસન ખતમ થયા બાદ આ બીજી ચૂંટણી હતી. પરંતુ મ્યાંમારની સેનાએ આ ચૂંટણીનાં પરિણામો પર શરૂઆતથી જ પ્રશ્ર્ન ઊભા કર્યા હતા. આને લઈ સેના તરફથી સુપ્રીમ કોર્ટમાં રાષ્ટ્રપતિ અને ચૂંટણીપંચના અધ્યક્ષ વિરુદ્ધ ફરિયાદ પણ કરવામાં આવી હતી અને યોગ્ય કાર્યવાહી નહીં થાય તો સૈન્ય પગલાં લેવાની ધમકી આપી હતી.
 

શું કહી રહ્યા છે વિશેષજ્ઞો ?

 
વોશિંગ્ટન સ્થિત સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ થિંક ટેંકના પૂર્વ-દક્ષિણ એશિયા વિશેષજ્ઞ મુરે હિઅબર્ટ એ જણાવ્યું હતું કે મ્યાંમારની વર્તમાન સ્થિતિ અમેરિકા માટે મોટો પડકાર છે. અમેરિકન પ્રશાસને મ્યાંમાર સેનાને આ કાર્યવાહી કરવાથી બચવાનો આગ્રહ કર્યો છે, પરંતુ લાગતું નથી કે મ્યાંમાર સૈન્ય આ અપીલ પર ધ્યાન આપે.
 
હ્યુમન રાઈટ વોચના એશિયા એડવોકેસી ડાયરેક્ટર જોન સિફ્ટન સેનાના આ પગલાથી જરાય આશ્ર્ચર્ય નથી તેઓ કહે છે કે, મ્યાંમાર સેનાએ અહીં ચૂંટાયેલી સરકારોને ક્યારેય ગણકારી નથી. હાલનાં ઘટનાક્રમ બાદ અમેરિકા સહિતનાં વિશ્ર્વના લોકશાહી સમર્થક દેશોએ મ્યાંમાર સૈન્ય પર લગામ લગાવવા આગળ આવવું જોઈએ. હવે સમય મ્યાંમાર સૈન્ય સામે વિશ્ર્વએ એકજૂટ થવાનો છે. ઉલ્લેખનીય છે કે સૂ કી એ હંમેશા લોકશાહી સરકારને જ પ્રાધાન્ય આપ્યુ છે અને ભારત માટે તેમનું વલણ આવકારદાયક છે. જો મ્યાંમારમાં લશ્કરી શાસન આવે તો મ્યાંમાર-ભારતની સરહદ પર તણાવ વધી શકે છે.
 

Myanmar Aung san suu kyi  
 

કોણ છે આંગ સાન સૂ કી ? (Aung san suu kyi )

 
આંગ સાન સૂ કી (Aung san suu kyi ) મ્યાનમારની સ્વતંત્રતાના નાયક જનરલ આંગનાં દીકરી છે. ૧૯૪૮માં બ્રિટિશરાજથી સ્વતંત્રતા મળે એ પહેલાં જ તેમની હત્યા કરી દેવાઈ હતી. સૂ કી એ સમયે માત્ર બે વર્ષનાં હતાં.
 
સૂ કીને સમગ્ર વિશ્ર્વમાં માનવાધિકારો માટે ઝૂઝનાર મહિલા સ્વરૂપે જોવામાં આવે. વર્ષ ૧૯૯૧માં નજરકેદ દરમિયાન જ સૂ કીને નોબલ શાંતિ પુરસ્કારથી નવાજવામાં આવ્યાં. ૧૯૮૯થી ૨૦૧૦ સુધી સૂ કીએ લગભગ ૧૫ વર્ષ નજરકેદમાં પસાર કર્યાં.
 
વર્ષ ૨૦૧૫ના નવેમ્બર માસમાં સૂ કીના નેતૃત્વમાં નૅશનલ લીગ ફૉર ડેમૉક્રસી પાર્ટીએ ચૂંટણીમાં એકતરફી જીત મેળવી.
આ મ્યાનમારનાં ૨૫ વર્ષના ઇતિહાસમાં થયેલી પ્રથમ ચૂંટણી હતી જેમાં લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
મ્યાંમારનું સંવિધાન તેમને રાષ્ટ્રપતિ બનવાથી રોકે છે, કારણ કે તેમનાં બાળકો વિદેશી નાગરિક છે. પરંતુ ૭૫ વર્ષીય સૂ કી મ્યાંમારનાં સર્વોચ્ચ નેતા તરીકે જોવામાં આવે છે.
 
પરંતુ મ્યાંમાર સ્ટેટ કાઉન્સિલર બન્યા બાદથી આંગ સાન સૂ કીને મ્યાંમારમાં લઘુમતી રોહિંગ્યા મુસ્લિમો વિશે જે કડક વલણ અપનાવ્યું તેની ઘણી ટીકા પણ થઈ હતી.
 
જોકે, મ્યાનમાર ( Myanmar) માં આંગ સાન સૂ કી (Aung san suu kyi ) ને ધ લેડીનો ઇલકાબ હાંસલ છે અને બહુમતી બૌદ્ધ વસતીમાં તેઓ ઘણાં જ લોકપ્રિય છે.