દેશને ગૌરવ અપાવનારા આ બાળકોનો સંઘર્ષ દેશના યુવાનોને પ્રેરણા આપે છે...વાંચો

    ૦૬-ફેબ્રુઆરી-૨૦૨૧   
કુલ દૃશ્યો |
 
 Pradhan Mantri Rashtriya
 
 

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ-પુરસ્કાર – ૨૦૨૧ | Pradhan Mantri Rashtriya Bal Puraskar-2021

અદ્ભુત અદમ્ય સાહસ કી પરિભાષા હૈ, યે સૃષ્ટિ કી શક્તિ કા વરદાન હૈ, યે આત્મશક્તિ હૈ, દુનિયા બદલ સકતી હૈ. ફૂલોં મેં ઢલ સકતી હૈ, શોલોં મેં જલ સકતી હૈં. વર્ષો પહેલાં ટીવી પર પ્રસારિત થતી અને તે સમયે બાળકોમાં સૌથી વધુ લોકપ્રિય થયેલ શ્રેણી શક્તિમાનના શીર્ષકગીતના આ શબ્દોને આજે દેશના કેટલાંક બાળકો સાક્ષાત્ ચરિતાર્થ કરી રહ્યા છે. ગત ૨૬ જાન્યુઆરી-૨૦૨૧ના રોજ આવા ૩૨ બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ-પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.
 
પુરસ્કાર મેળવનાર આ બાળકોમાં તરણસ્પર્ધા, રોલર સ્કેટીંગ, જિમ્નાસ્ટિક, નિશાનબાજી વગેરે રમતોમાં અવ્વલ બાળકો પણ છે, તો સાથે સાથે સોફ્ટવેર એન્જિનિયર, ટેકનોલોજી, ગણિત વગેરેમાં પણ દેશને ગૌરવ અપાવનાર બાળકો છે. તો આવો, વાત કરીએ આમાંના કેટલાક બાળ- પુરસ્કાર વિજેતાઓની.
 

મંત્ર જીતેન્દ્ર હરખાણી : સફળતાનો મંત્ર


 Pradhan Mantri Rashtriya 
 
 
રાજકોટના મંત્ર જીતેન્દ્ર હરખાણીનો જન્મ થયો ત્યારથી જ તેને બોર્ન ડાઉન સિન્ડ્રોમ જોવા માં હતાં. માનસિક બીમારીનો જન્મથી જ સામનો કરી રહેલ મંત્રએ અદમ્ય સાહસ સાથે સ્વિમિંગ એટલે કે તરણમાં ઝંપલાવ્યું. શરૂઆતમાં લોકોને લાગ્યું કે દિવ્યાંગ બાળક કાંઈ જ ઉકાળી શકવાનો નથી, પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ મંત્ર તરણમાં એવો તો પાવરધો બની ગયો કે ભલભલા તરણવીરો તેને તરતો જોઈ મોંમાં આંગળી નાંખી જતા હતા. મંત્ર હાલ ૧૭ વર્ષનો છે. તે જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે તરણની સ્પર્ધાઓમાં ભાગ લઈ અનેક પુરસ્કારો મેળવી ચૂક્યો છે. ૨૦૧૬માં તેણે મુંબઈમાં આયોજિત નેશનલ તરણ-સ્પર્ધામાં બે સુવર્ણપદક મેળવ્યા હતા. તો ૨૦૧૯માં અબુધાબીમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં તેણે સુવર્ણપદક મેળવી ગુજરાત અને દેશનું નામ વિશ્ર્વભરમાં રોશન કર્યું છે.
 

ખુશી પટેલ : ગુજરાતની રોલર સ્કેટિંગ ક્વિન


 Pradhan Mantri Rashtriya 
 
 
અમદાવાદની ૧૫ વર્ષની રોલર સ્કેટર ખુશી ઉદ્ગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન ધો. ૧૧ કોમર્સમાં અભ્યાસ કરે છે. ૨૦૧૬માં ખુશી ચીનમાં આયોજિત ૧૭મી એશિયન રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ સુવર્ણચંદ્રક જીતનારી એકમાત્ર ભારતીય કિશોરી બની હતી. ૨૦૧૮માં તેણે અંડર-૧૯ વયવર્ગમાં દક્ષિણ કોરિયામાં આયોજિત ૧૭મી એશિયન રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો, જેમાં તે ચોથા સ્થાને રહી હતી. તેણે લાં વેંડી ફ્રાંસમાં આયોજિત આર્ટિસ્ટિક સ્કેટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો અને અંડર-૧૯ આયુવર્ગમાં ર૫મા સ્થાને રહી હતી. ૨૦૧૮માં વિશાખાપટ્ટનમ્માં રાષ્ટ્રીય સ્તરે આર્ટિસ્ટિક એન્ડ ફિગર રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપમાં એક સુવર્ણ અને કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો.
 

પ્રસિદ્ધિસિંહ : સૌથી નાની વયે ફળોનાં જંગલ ઉગાડે છે


 Pradhan Mantri Rashtriya 
 
 
તમિલનાડુના ચેગલપટ્ટુ જિલ્લામાં રહેતી પ્રસિદ્ધિસિંહ હજુ માંડ સાત વર્ષની છે. આટલી નાની વયમાં જ કુમારી પ્રસિદ્ધિસિંહને એક સામાજિક સ્વયંસેવકનું બિરુદ મળી ગયું છે. વાત ભલે માનવામાં આવે તેવી ન હોય પરંતુ પ્રસિદ્ધિએ પોતાની કોઠાસૂઝથી ફળોનું આખું જંગલ ઉગાડ્યું છે અને દેશની સૌથી નાની વયની ફળોના વનની નિર્માતા તરીકે તેનું નામ ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સમાવાયું છે. પ્રસિદ્ધિએ આટલી નાની વયે સરકારી શાળાઓ અને જાહેર સ્થળો પર ૮ જેટલાં ફળોનાં જંગલ ઊભાં કર્યાં છે, જેમાં પક્ષીઓને ભોજન મળતું રહે તે માટે ૯૦૦૦થી પણ વધુ ઝાડ રોપ્યાં છે. પ્રસિદ્ધિએ ૨૦થી વધારે વૈશ્ર્વિક કાર્યશાળાનાં સત્રો અને ચર્ચાઓનું આયોજન કર્યું છે અને પૃથ્વીને લીલીછમ બનાવી રાખવા માટે ૮૦૦૦થી પણ વધુ ઈકો યોદ્ધાઓની એક સેના બનાવી છે. સાપ્તાહિક સચેતન અને વધારે ઓનલાઇન સત્રોના માધ્યમથી ૫૦૦થી વધારે બાળકોનાં ઘર સુધી પ્રસિદ્ધિ પોતાની પહોંચ બનાવી ચૂકી છે. તેના વિશેષ મિત્રો પણ પ્રાકૃતિક સ્થાનોમાં સ્વચ્છતા બનાવી રાખવા માટે પ્રસિદ્ધિનો સાથ આપી રહ્યા છે. કુમારી પ્રસિદ્ધિસિંહને સમાજસેવા ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા માટે આ સન્માન મળ્યું છે.

મોહમંદ રાફે : ભારતનો ઊભરતો જિમ્નાસ્ટિક


 Pradhan Mantri Rashtriya 
 
પ્રયાગરાજની સિવિલ લાઇનમાં રહેતા ૧૭ વર્ષના મોહંમદ રાફે આંતરરાષ્ટ્રીય જિમ્નાસ્ટ છે. તેમણે જુનિયર એશિયન કપ મંગોલિયામાં કલાત્મક જિમ્નાસ્ટ સ્પર્ધામાં ફ્લોર એક્સરસાઇઝમાં કાંસ્યપદક જીતી ભારતને ગૌરવ અપાવ્યું છે. ૧૭ વર્ષના મોહંમદે ૫૦થી પણ વધુ રાષ્ટ્રીય પદક જીત્યા છે. પુણેમાં આયોજિત ૨૦૧૯ ‘ખેલો ઇન્ડિયા - યુવા ખેલો’માં ત્રણ સુવર્ણ અને એક રજત (કાંસ્ય) પદક જીતી સપાટો બોલાવ્યો હતો. મહંમદને ૨૦૨૦ના અલ્હાબાદ બેસ્ટ સ્પોર્ટમેનનું સન્માન પણ મળી ચૂક્યું છે. અને પોતાના વયવર્ગમાં પાંચ વખત રાષ્ટ્રીય ચેમ્પિયન છે. માસ્ટર મોહમંદ રાફેને ખેલક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દેખાવ બદલ આ સન્માન મું છે. ઉલ્લેખનીય છે કે જુનિયર એશિયન ગેમ્સમાં છેલ્લા એક દાયકામાં ભારતને જિમ્નાસ્ટિકમાં કોઈ જ પદક મો ન હતો ત્યારે ૨૦૧૯માં મોહંમદે ભારત માટે પદક જીત્યો હતો. મહંમદનું આગામી લક્ષ્ય ઓલિમ્પિકમાં ભારત માટે સુવર્ણપદક જીતવાનું છે.
 

પલક શર્મા : ભારતની જલપરી


 Pradhan Mantri Rashtriya 
 
 
કુમારી પલક શર્મા મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લાની ૧૨ વર્ષની ખેલાડી છે. તેની ગણના અત્યારથી જ ભારતની ટોપની ગોતાખોરમાં થવા લાગી છે. પલકે ૨૦૧૯માં એશિયન એજ ગ્રુપ ચેમ્પિયનશિપમાં એક સુવર્ણ અને બે કાંસ્ય પદક જીતીને ભારતનું નામ ગાજતું કર્યું હતું. આ સ્પર્ધામાં સુવર્ણપદક જીતનારી અત્યાર સુધીની સૌથી નાની વયની ગોતાખોર બની ગઈ હતી. આ સિવાય નાની વયમાં જ તે પાંચ રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં મધ્યપ્રદેશનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે અને વિવિધ વર્ગોમાં કુલ ૧૧ સુવર્ણચંદ્રક મેળવી ચૂકી છે. પલક ૮ વર્ષની હતી ત્યારથી જ ગોતાખોરીની તાલીમ શરૂ કરી દીધી હતી અને માત્ર ૧૩ વર્ષની ઉંમરમાં એશિયન એજ ગ્રુપ ચેમ્પિયનશિપ-૨૦૧૯માં બે કાંસ્ય પદકો જીતી લીધા હતા. પલક ભણવાની સાથે સાથે સવાર-સાંજ ૮ કલાક જેટલી પ્રેક્ટિસ કરે છે.
 

સવિતાકુમારી : જેનું નિશાન ક્યારેય ચૂકતું નથી


 Pradhan Mantri Rashtriya 
 
સવિતાકુમારી ઝારખંડના રાંચી જિલ્લાના ટંગટંગ નામના અંતરિયાળ ગામમાંથી આવે છે. ૧૬ વર્ષની સવિતાનો સાધારણ પહેરવેશ જોઈને કોઈને પણ લાગે નહીં કે સાધારણ દેખાતી આ કિશોરીમાં ટેલેન્ટ કૂટીકૂટીને ભરી હશે. કોઈપણ પ્રકારની સગવડો ન મળવા છતાં પણ સવિતાએ તીરંદાજીમાં ડંકો વગાડ્યો છે. સવિતાએ ૨૦૧૮માં ત્રીજા સાઉથ એશિયન આર્ચરી ચેમ્પિયનશિપ, ઢાકામાં સુવર્ણપદક, ૬૫માં સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા, ૨૦૨૦માં એક કાંસ્યપદક અને ૨૦૧૯માં ૧૩મી ઝારખંડ સ્ટેટ આર્ચરી ચેમ્પિયનશિપમાં એક રજતપદક જીત્યો છે. સવિતા કહે છે કે મારી આ સફર ખરેખર મુશ્કેલ રહી. જ્યારે હું તીરંદાજીની પ્રેક્ટિસ કરતી હતી તો અમારા ગામના લોકો મારી ખૂબ જ મઝાક ઉડાવતા હતા. બીજા તો ઠીક, મારી બહેનપણીઓ પણ મારી ઠેકડી ઉડાવતી હતી. પરંતુ આજે બધું જ બદલાઈ ગયું છે. જે ગામવાળા કાલ સુધી મારા પર હસતા હતા તે જ ગામના લોકો ગર્વથી કહે છે કે, સવિતા અમારા ગામની દીકરી છે. જે બહેનપણીઓ મારી ઠેકડી ઉડાવતી હતી તેમને મારી દોસ્ત હોવાનું ગૌરવ છે. સવિતાને ખેલક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદાન બદલ રાષ્ટ્રીય બાળપુરસ્કાર મળ્યો છે.
 

અર્ચિત રાહુલ પાટીલ : જેના લોહીમાં જ છે સંશોધન


 Pradhan Mantri Rashtriya 
 
માસ્ટર અર્ચિત રાહુલ પાટીલે ખરેખર પોતાને માસ્ટર સાબિત કર્યો છે. મહારાષ્ટના જલગાંવ જિલ્લામાં રહેતો આ કિશોર હજી તો માત્ર ૧૪ વર્ષનો જ છે અને તેની ગણના નવસંશોધકોમાં થવા લાગી છે. પ્રસવોત્તર રક્તસ્રાવના ઉપચાર દરમિયાન યોગ્ય રીતે લોહીનું નુકસાન માપવું એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે. વિશેષ કરીને શરૂઆતના સમયમાં તો આમાં નાનીઅમથી ચૂક પણ મહિલાના જીવનું જોખમ ઊભું કરે છે ત્યારે અર્ચિતે ‘પ્રોજેક્ટ પોસ્ટપાર્ટમ કપ અ નોવેલ વે ટુ એસ્ટિમેટ ધ ઓબસ્ટેરિક બ્લડ લોસ એક્યુરેટલી એન્ડ સેવ મેટરનલ લાઇફ ઇન ગોલ્ડન અવર’માં એક સાધારણ ઉપકરણના ઉપયોગથી પ્રસવ દરમિયાન લોહીની હાનિનું ચોક્કસ અને વાસ્તવિક સમયનું અનુમાન લગાવી શકાય છે. આ એક સિલિકોન કપ છે, જે કેસ-ફ્રી, રેશ ફ્રી અને ટેશ-ફ્રી છે. આ સિવાય તેને ઓટોક્લેવ કરી પુનઃ ઉપયોગમાં પણ લઈ શકાય છે. અર્ચિતે બનાવેલા આ સાધનનો ઉપયોગ માતૃત્વ હોસ્પિટલ્સ અને અનેક મેડિકલ કોલેજો દ્વારા સફળતાપૂર્વક થઈ રહ્યો છે. જેને લઈને અર્ચિતને અનેક સન્માનો મળી ચૂક્યાં છે, જેમાં યંગેસ્ટ ઇનોવેટર એમએમએસ સિગ્નેચર એવોર્ડ ૨૦૨૦ પણ સામેલ છે. માસ્ટર અર્ચિત રાહુલ પાટીલને તેની આ નવીનતમ શોધ માટે વિજ્ઞાન ક્ષેત્રમાં બાળ-પુરસ્કાર મળ્યો છે.
 

આયુષ રંજન : ૧૫ વર્ષનો સોફ્ટવેર એન્જિનિયર


 Pradhan Mantri Rashtriya 
 
 
પૂર્વોત્તરના સિક્કિમ રાજ્યમાં રહેતા ૧૫ વર્ષના માસ્ટર આયુષ રંજનની વાત પણ અર્ચિત જેવી જ છે. હજી તો મૂછનો દોરો પણ ફૂટ્યો નથી ત્યાં તો કંઈક નવું કરવાનું ઝનૂન એવું કે આટલી નાની વયમાં તે સોફ્ટવેર બનાવી રહ્યો છે, એટલું જ નહીં અત્યાર સુધીમાં તેણે બનાવેલા અનેક સોફ્ટવેરને પુરસ્કારો પણ મા છે. આયુષે ‘ડિઝી સ્માર્ટ બિન’ એટલે કે કચરા બિલિંગ પ્લેટફોર્મ વિકસિત કર્યું છે. જે કચરો ફેંકનારને કચરાના પ્રમાણમાં બિલ આપે છે. ઓટો એલપીજી રીફલિંગ જેમાં આયુષ દ્વારા બનાવવામાં આવેલા ઉપકરણની મદદથી એલપીજી સિલિન્ડરનો ઓર્ડર તેના ખાલી થતા પહેલાં જ આપી શકાય છે અને આ રીતે ડિલિવરીનો સમય પણ બચાવી શકાય છે. અન્ય એક સોફ્ટવેરમાં તેણે ‘મશરૂમ અર્ક’ જે અંતર્ગત તેણે એક મશરૂમ એઆઈ ક્લાસીફાઈર બનાવ્યું છે, જે ખાદ્ય અને ઝેરીલા મશરૂમને અલગ તારવી શકે છે, જેની મદદથી વિશ્ર્વના લાખો લોકોના જીવ બચાવી શકાય છે. તેની આ શોધ માટે તેને ટેક્નોલોજી ક્ષેત્રમાં બાળ-પુરસ્કાર મળ્યો છે.

અન્વેશ શુભમ પ્રધાન : ગણતરીનો બાદશાહ


 Pradhan Mantri Rashtriya 
 
અદ્ભુત મેધાવી એવા ઓડિસાના ખોરધા જિલ્લામાં રહેતા આ ૧૪ વર્ષીય કિશોરના ગણિત જેવા અઘરા વિષય પરના પ્રભુત્વથી દુનિયા અચંબિત થઈ જાય છે. તેનું નામ છે અન્વેશ શુભમ પ્રધાન. પ્રથમ ધોરણથી જ તેણે ગણિત વિષય પર જાણે કે પ્રભુત્વ મેળવી લીધું હતું. અનેક પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને રાજ્યસ્તરીય સંગઠનો જેવાં કે, ઓસ્ટ્રેલિયન મેથેમેટિક્સ કોમ્પિટિશન, યુએનએસ ડબલ્યુ, ગ્લોબલ ઓસ્ટ્રેલિયા, એએનસી ક્યૂ ઓડિસા રાજ્ય સરકાર, ડી.એ.વી. ઓલમ્પિયાડ, જે.એમ.ઓ., ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટડીઝ ઇન મેથેમેટિક્સ,, ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટડીઝ પ્રમોશન ઓફ મેથેમેટિક્સ દ્વારા ૨૦૦થી વધુ પ્રમાણપત્ર, પુરસ્કાર અને શિષ્યવૃત્તિથી સન્માનિત થઈ ચૂક્યો છે. આ સિવાય અન્વેશ અનેક રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય પુરસ્કાર જીતી ચૂક્યો છે. માસ્ટર અન્વેશને જ્ઞાનઅર્જન ક્ષેત્રની આ ઉત્કૃષ્ટતા માટે રાષ્ટ્રીય બાળ-પુરસ્કાર મળ્યો છે.
 

ચિરાગ ભંસાલી : સ્વદેશી ટેક્નો સંસ્થાપક


 Pradhan Mantri Rashtriya 
 
ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધનગર સેક્ટરમાં રહેતો ૧૬ વર્ષનો ચિરાગ આત્મનિર્ભર ભારત અભિયાનનો જબરો સમર્થક છે. તેણે આ અભિયાનનું સમર્થન કરવા માટે ભારતીય એટલે કે સ્વદેશી એપ અને ઉત્પાદનોને શોધવા માટે ‘સ્વદેશી ટેક’નામના મંચની સ્થાપના કરી છે. મઝાની વાત એ છે કે, આ મંચ લોન્ચ થયાના એક મહિનાની અંદર જ ૧.૫ લાખ ઉપયોગકર્તાઓને પાર કરી ગયો હતો. અને આ મંચ પર વર્તમાનમાં ૨૦૦થી વધુ એપ્સ અને ૧૦૦થી વધુ સ્વદેશી ઉત્પાદનોની યાદી છે અને આ યાદી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ પ્રદર્શિત કરવામાં આવી છે. ચિરાગે ઇન્ડિયન રોડ સેફ્ટી કેમ્પેઇન પર પણ કામ કર્યું છે. ચિરાગે ચાર વિદ્યાર્થીઓની ટીમનું નેતૃત્વ કર્યું હતું અને નોઈડાના એક માર્ગ અકસ્માતમાં સંભવિત વિસ્તારોને શોધીને અકસ્માત અટકાવવાના ઉકેલ પર પણ કાર્ય કર્યું હતું. ચિરાગને ૨ આંતરરાષ્ટ્રીય અને ૯ રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળી ચૂક્યા છે. માસ્ટર ચિરાગ ભંસાલીને નવસંશોધનક્ષેત્રે આ સન્માન મળ્યું છે.
 

હરમનજોતસિંહ : જેની ચર્ચા છેક સિલિકોન વેલી સુધી છે


 Pradhan Mantri Rashtriya 
 
માસ્ટર હરમનજોતસિંહ જમ્મુ-કાશ્મીરના જમ્મુ જિલ્લામાં રહે છે. ૧૩ વર્ષના આ કિશોરનાં સંશોધનોની નોંધ છેક સિલિકોન વેલી સુધી લેવાઈ છે. તે વિજ્ઞાન, પ્રૌદ્યોગિકી, એન્જિનિયરિંગ અને ગણિત શિક્ષામાં કોમ્પ્યુટર પ્રોગ્રામિંગમાં ખૂબ રસ ધરાવે છે. નવજોત એક શ્રેષ્ઠ કોડર હોવાની સાથે સાથે સૌથી નાની વયના ગેમ પ્રમાણિત ડેવલપર્સમાંનો એક છે. હરમનજોતસિંહ દ્વાર વિકસિત કરવામાં આવેલ ‘રક્ષા એપ’ને પ્રતિષ્ઠિત સિલિકોન વેલી કોડ ઓફ ઓનર સર્ટિફિકેટ માટે પસંદ કરવામાં આવી હતી, જેને ગૂગલ પ્લેસ્ટોર પર પણ મૂકવામાં આવી હતી. હરમનજોતસિંહ ઓલિમ્પિયાડમાં આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને ક્ષેત્રીય સ્તરે અનેક સન્માન મેળવ્યાં છે. તેણે એસ.ઓ.એફ. નેશનલ સાયબર, ઓલિમ્પિયાડ ૨૦૧૯-૨૦માં પ્રથમ ઇન્ટરનેશનલ સ્તર મેળવી સુવર્ણપદક જીત્યો હતો. હરમનજોતે આ ક્ષેત્રમાં ૧૦ આંતરરાષ્ટ્રીય અને ૪ રાષ્ટ્રીય પુરસ્કારો મેળવ્યા છે. માસ્ટર હરમનજોતસિંહને સંશોધનક્ષેત્રમાં આપેલ પ્રદાન બદલ આ પુરસ્કાર આપવામાં આવ્યો છે.
 

નામ્યા જોશી : જેની નામના છેક યુનેસ્કો સુધી પહોંચી છે


 Pradhan Mantri Rashtriya 
 
૧૩ વર્ષની કુમારી નામ્યા જોશી પંજાબના લુધિયાણામાં રહે છે. આટલી નાની વયમાં તે ગેમરનું બિરુદ મેળવી ચૂકી છે અને અનેક રાષ્ટ્રીય પ્રતિયોગિતામાં ભાગ લઈ અને વિજેતા પણ બની છે. નામ્યા યુ.એન. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ કે એસડીજી ૨૦૩૦થી જોડાવા માટે પુસ્તકોની એક વર્ચ્યુઅલ લાઇબ્રેરી બનાવવા માટે તેને ‘યુનેસ્કો ક્લબ વર્લ્ડવાઈડ યુથ મલ્ટીમીડિયા કોમ્પિટિશન’માં પુરસ્કૃત થઈ છે. નામ્યાની યોજના ‘ઇચ વન ટીચ ટેન’ રમત પર આધારિત પાઠ યોજનાઓનું એક પ્રદર્શન છે. નામ્યાને માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલા દ્વારા માઇનક્રાફ્ટ એજ્યુકેશન એડિશન અને એસટીઈએમમાં અભ્યાસક્રમ બનાવવા માટે સન્માનિત કરવામાં આવી છે. તે ગેમિફિકેશન ઇન એજ્યુકેશન પર એક પ્રસ્તુતિનું આયોજન કરવા માટે ફિનલેન્ડમાં કે.ઈ.ઓ.એસ. ૨૦૧૯માં અતિથિ અધ્યક્ષ પણ હતી. નામ્યાને સંશોધન (નવાચાર) ક્ષેત્રમાં આ પુરસ્કાર આપવામાં આવ્યો છે.
 

રાકેશ કૃષ્ણ : ખેડૂતોની વાવણી સરળ બનાવતું મશીન બનાવ્યું


 Pradhan Mantri Rashtriya 
 
કર્ણાટક રાજ્યના દક્ષિણ કન્નડ જિલ્લામાં રહેતો માસ્ટર રાકેશ કૃષ્ણ હાલ ૧૫ વર્ષનો જ છે. આટલી નાની વયમાં પણ તે નવી-નવી શોધો કરી ન માત્ર કર્ણાટકમાં બલકે ભારતભરમાં જાણીતો બની ગયો છે. તેણે માત્ર ૬ વર્ષની ઉંમરે જ એક પ્રોજેક્ટ પર કાર્ય શરૂ કરી દીધું હતું. અને યોગ્ય રીતે વાવણી કરી શકાય તે માટે વાવણી કરવા માટે મશીન સીડોગ્રાફર બનાવી બધાને આશ્ર્ચર્યમાં મૂકી દીધા હતા. આ મશીન નક્કી કરેલા અંતર પર જ બીજરોપણ અને એ પણ ખૂબ જ ઝડપે કરે છે. આ મશીન પર્યાવરણને અનુકૂળ હોવાથી ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. મશીનની બનાવટ જ એવી છે, જેનાથી પાણીની પણ ખૂબ બચત થાય છે. રાકેશ કૃષ્ણ અનેક જિલ્લા સ્તરીય અને રાષ્ટ્રીય વિજ્ઞાન પ્રતિયોગિતામાં ભાગ લઈ ચૂક્યો છે, જેમાં તેની ક્ષમતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી અનેક સન્માન પણ મેળવી ચૂક્યો છે. માસ્ટર રાકેશ કૃષ્ણને નવસંશોધન માટે આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો છે.
 

શ્રીનભ મૌજેસ અગ્રવાલ : વાયરસ સામે સુરક્ષા આપતું કવચ વિકસાવ્યું]


 Pradhan Mantri Rashtriya 
 
મહારાષ્ટમાં રહેતા ૧૬ વર્ષના માસ્ટર શ્રીનભ મૌજેસ અગ્રવાલે અનેક નવી શોધો કરી છે, પરંતુ આ તમામમાં સૌથી પ્રતિષ્ઠિત છે પ્રભાવશાળી ટ્રાઈડેક્સ પ્રોકમ્બેન્સ એકસ્ટ્રેક્ટ જે અબેલ્મોસ્કસ એસ્કયૂલેંટ્સ (ઓકરા)માં યલો મોજેક વાયરસ સામે સુરક્ષા કવચ પૂરું પાડે છે. આ એક સસ્તો પર્યાવરણને અનુકૂળ એવો ઘાતક એવા પીળા મોજેક વાયરસ રોગ સામે રક્ષણ આપતો અર્ક છે. ઉલ્લેખનીય છે કે આ ઘાતક વાયરસને કારણે વિશ્ર્વભરના ખેડૂતોને ૫૦થી માંડી ૯૪ ટકા સુધીનું નુકસાન થાય છે. શ્રીનભ દ્વારા નવી શોધોમાં ‘નીર સેતુ ફાર્મિંગ’ પાકોને દુષ્કાળથી બચાવવા માટે, તો ખેતરોમાં બનાવાયેલા બોરથી બાળકોને બચાવવા માટે ટ્રિપલ લોક વિકસાવવામાં આવ્યાં છે. ઉપરાંત સરકાર દ્વારા ખેડૂતોને અપાતા લાભમાં થતી સાયબર ઠગાઈ રોકવા માટે એક ઇનોવેટિવ એન્ડ્રોપી સ્રોત પર આધારિત સોચ અને મહિલા-એ-હાટ નામની એક લિંક આધારિત ઈ-કોમર્સ પહેલ પણ સામેલ છે.
 

વીર કાશ્યપ : કોરોનાકાળમાં ખરેખર વીર સાબિત થયો


 Pradhan Mantri Rashtriya 
 
કર્ણાટક રાજ્યના બેંગલુરુ શહેરમાં રહેતા માત્ર ૧૦ વર્ષના કાશ્યપે કોરોનાકાળ દરમિયાન એવું કર્યું કે બધાં જ બાળકોનો રોલ મોડલ બની ગયો છે. કોવિડ-૧૯ મહામારી દરમિયાન સૌ લોકોને ઘરમાં પુરાઈ રહેવું પડ્યું હતું ત્યારે આ દસ વર્ષના બાળકે પોતાના કંટાળાને દૂર કરવા કંઈક નવું કરવાનું વિચાર્યું અને જન્મ થયો એક નવી ગેમનો. આ ગેમ બનાવવા પાછળનું કારણ માત્ર પોતાનો કંટાળો જ દૂર કરવાનો નહીં પરંતુ કોરોના મહામારી અંગે શિક્ષિત કરવા અને જાગૃતિ ફેલાવવાનું પણ હતું. વીરે તેને ‘કોરોનાયુગ બોર્ડ ગેમ’નું નામ આપ્યું. તેણે ઘરમાંની જ સામગ્રીનો ઉપયોગ કરી એક કાર્ડબોર્ડ પર કોરોના વાયરસના આકારને ડિઝાઇન કર્યો. તેણે અનેકવાર આ ગેમનું પરીક્ષણ કર્યું અને અંતે તેને યુ-ટ્યૂબ પર અપલોડ કરી અને જોતજોતામાં તે વાયરલ થઈ ગઈ. આ ગેમ કોરોનાયુગમાં વ્યવહાર પરિવર્તનને અપનાવી મહામારીથી બચવા માટે સુરક્ષા અને દિશાનિર્દેંશોને શીખવે છે. વીર કશ્યપે આ ગેમ કોવિડ યોદ્ધાઓને સમર્પિત કરી છે.
 

સોનિત સિસોલેકર : સૌથી નાની વયનો જ્વાલામુખી વિજ્ઞાની


 Pradhan Mantri Rashtriya 
 
માસ્ટર સોનિત સિસોલેકર મહારાષ્ટના પુણે જિલ્લામાં રહે છે. ૧૩ વર્ષના સોનિતે બરાબર એક વર્ષ પહેલાં જ સૌથી નાની વયના જ્વાલામુખી વિજ્ઞાનીના રૂપે ‘પોસિબલ રોલ ઓફ આયોનીલિંગ રેડિએશન ઇન ધ રેડડેનિગ ઓફ માર્સ સોઈલ’ પર પોતાના સંશોધન માટે નાસા પ્રતિયોગિતા (એન.એ.એસ.એ. એન્ડ સી.આઈ.એસ. ઇન્ટરનેશનલ કોમ્પિટિશન ૨૦૧૯) જીતી છે. સોનિતે ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન અને નેશનલ એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝર્વેટરી ઓફ જાપાન દ્વારા આયોજિત સ્પર્ધામાં એક ટેલિસ્કોપ પણ જીત્યો છે. સોનિતે છોડ પર ધ્વનિપ્રદૂષણના પ્રભાવો અને ફોનોટ્રોપિઝમની શોધ પર સંશોધન માટે ઇન્ડિયા નેશનલ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ ફેયરમાં રાષ્ટ્રીય કક્ષાનો સુવર્ણચંદ્રક અને કાંસ્યપદક સહિત બે રાજ્યસ્તરના સુવર્ણચંદ્રક પણ જીત્યા છે. માત્ર નવ વર્ષની વયે સોનિતે ૨૪મી ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસ ૨૦૧૬ની રાષ્ટ્રીય સ્મારિકામાં સૌરઊર્જા પર એક વિજ્ઞાન-લેખ પ્રકાશિત કર્યો હતો અને માત્ર ૧૧ વર્ષની ઉંમરમાં જ તેને બેસ્ટ સાયન્ટિસ્ટ સન્માનથી નવાજવામાં આવ્યો. વિજ્ઞાન ક્ષેત્રમાં આ અદ્ભુત યોગદાન બદલ તેને રાષ્ટ્રીય બાળ-પુરસ્કાર મળ્યો છે.

આનંદકુમાર : સ્પિરિટ ઓફ રામાનુજ


 Pradhan Mantri Rashtriya 
 
ગણિત ક્ષેત્રમાં શાનદાર ઉપલબ્ધિ મેળવવા માટે રાજસ્થાનની સૂર્યનગરી ગણાતા કોટામાં ૧૧મા ધોરણમાં અભ્યાસ કરતો આનંદ બાળવીર પુરસ્કાર જીતનાર રાજસ્થાનનો એક માત્ર વ્યક્તિ છે. આનંદને રિપીટ ઓફ રામાનુજ ફેલોશિપ ૨૦૨૦થી સન્માન પણ મળી ચૂક્યું છે. પ્રોફેસર આર થંગાકરઈની દેખરેખમાં ‘સમ્સ ઓફ પૉલિનોમિઅલ ટાઈપ ઇકસેપ્શનલ યુનિટ્સ’ પર તેનું શોધપત્ર ૧૦ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ ઇન્ટરનેશનલ જનરલ આર્કિવ મેથેમેટિક્સમાં પ્રકાશિત થયું હતું. આનંદ (મેથેમેટિક એસોસિયેશન ઓફ અમેરિકા) યુ.એસ.એ. કોન્ફેસમાં સ્નાતક છાત્ર પેપર પ્રસ્તુતિ માટે ભારતથી પસંદગી પામેલ એકમાત્ર વિદ્યાર્થી હતો. આનંદ અનેક ઓલિમ્પિયાડમાં સુવર્ણચંદ્રક વિજેતા છે અને અનેક રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય પુરસ્કાર પણ આનંદના નામે છે.
 

અનુજ જૈન : તમામ ક્ષેત્રમાં નિષ્ણાત


 Pradhan Mantri Rashtriya 
 
માસ્ટર અનુજ જૈન મધ્યપ્રદેશના હરદા જિલ્લામાં એક ૧૭ વર્ષીય વિદ્યાર્થી છે. તે વિજ્ઞાન હોય કે ગણિત, અંગ્રેજી હોય કે સાયબર તમામ ક્ષેત્રે નિપુણ છે અને આ તમામ ક્ષેત્રમાં તેણે અઢળક પદક અને પ્રમાણપત્રો મેળવ્યાં છે. અનુજે દક્ષિણ કોરિયામાં ૧૩મી ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડની ૩ વિશિષ્ટ સ્પર્ધામાં સુવર્ણ, રજત અને કાંસ્ય પદક જીત્યા છે. આ ઉપલબ્ધિ કોઈપણ ભારતીય માટે સૌપ્રથમ વાર હતી. અનુજે હાર્વર્ડ યુનિવર્સિટી (યુએસએ)થી મૌસમ વિજ્ઞાન અભ્યાસક્રમમાં ૧૦૦ ટકા ગ્રેડ મેળવી સૌને ચોંકાવી દીધા હતા. તો વિદ્યુત, ચુંબકત્વ અને યાંત્રિકીમાં પાંચમાંથી પાંચ એડવાન્સ પ્લેસમેન્ટ (એ.પી.) સ્કોરને જોતાં સ્ટેનફોર્ડ પ્રી-કોલેજિસ્ટ સ્ટડીઝ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક્સ માટે પણ પસંદગી થઈ હતી. પાયથન એચટીએમએલ, જાવા, સીએસએસમાં એક ઇચ્છુક કોડર હોવાના નાતે CSSOXનું એક વ્યવસાયિક પ્રમાણપત્ર પણ મેળવ્યું છે. આ સિવાય અનુજે અનેક રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય પુરસ્કાર મેળવ્યા છે.
 
આ ઉપરાંત મહારાષ્ટના કામાકાર્તિકેયનને ખેલ, તેલંગાણાના હેમેશ ચલ્દવાડા ઇનોવેશન, કલા અને સંસ્કૃતિ ક્ષેત્રે આંધ્રપ્રદેશના અમેયા લગુડૂ, કેરળની હદયાઆર કૃષ્ણન, ઉત્તરાખંડના અનુરાગ રમોલા, અસમના તનુજ સમદદર વેનિશ કીશમ, પ. બંગાળના સૌહરિદા ડી. કલા અને સંસ્કૃતિ, શૌર્ય માટે મહારાષ્ટના કામેશ્ર્વર જગન્નાથને તથા ખેલ માટે ત્રિપુરાની આર્શિયા દાસને રાષ્ટ્રીય બાળ-પુરસ્કાર ૨૦૨૧થી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
 
ખેલજગત, ટેકનોલોજી સહિત કલા અને શૌર્ય માટે અભૂતપૂર્વ કાર્ય કરી ભારતને ગૌરવ અપાવનારા આ તમામ બાળવીરોને રાષ્ટ્રીય પુરસ્કાર અર્પણ થયો તે બદલ ખૂબ ખૂબ અભિનંદન.