ચારેય તરફથી ઘેરાયેલું ચીન

    ૩૦-માર્ચ-૨૦૨૧   
કુલ દૃશ્યો |

china_1  H x W:
 
 
વિસ્તારવાદ, ગુણવત્તા વિહીન માલનું ડમ્પિંગ, પેસિફિક મહાસાગરના ઉત્તર-દક્ષિણ વિસ્તારોમાં દબાણ જેવી ચીનની હરકતોને નાથવા ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા - ચાર દેશોએ ભેગા થઈને ક્વાડ્રિલેટરલ સિક્યોરિટી ડાયલોગ-ક્વાડ સંગઠન રચ્યું છે. જેની વર્ચ્યુઅલ બેઠક યોજાઈ, જેમાં ચીનને મર્યાદામાં રહેવાની આડકતરી ચેતવણી અને સંગઠનને વધારે સક્ષમ બનાવવાનો સંકલ્પ થયો. ઇન્ડો-પેસિફિક ક્ષેત્રોમાં વ્યાપારિક અને સામરિક સુરક્ષા સુનિશ્ર્ચિત કરવાનું ક્વાડનું મુખ્ય લક્ષ્ય છે. અમેરિકન પ્રમુખ બાઈડને લાલ બતી ધરી કે, ‘ઇન્ડો-પેસિફિક’ વિસ્તારમાં સંબંધિત દેશોએ સંયમિત રહેવું જોઈશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, વસુધૈવ કુટુમ્બકમ્ની પરંપરા અને વેક્સિન, ક્લાઇમેટ ચેન્જ અને ટેક્નોલોજીની વાત કરી. બેઠકમાં ફાઈવ-જી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સાઈબર સિક્યુરિટી મામલે વર્કિંગ ગ્રુપ લોન્ચ થયાં. પરંતુ ચીન તેની હરકતો બંધ કરે અને આગામી સમય ૧.૫ મિલિયન નાગરિકો તથા ૯૩% એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન ધરાવતો ઇન્ડો-પેસિફિક વિસ્તાર વિશ્ર્વની સામૂહિક શક્તિનું કેન્દ્ર બને તે આ બેઠકનો મૂળ સૂર રહ્યો. ‘ક્વાડ ઇન્ડો-પેસિફિક મહાસાગરના વિસ્તારને સ્વતંત્ર, મુક્ત, સમૃદ્ધ, સમાન અવસરવાળા અને કોઈના દબદબા વગરનાં લોકશાહી મૂલ્યો પર આધારિત બનાવવાના પ્રયાસો કરશે.’ તેવા ચારેય દેશોના વડાઓના સંયુક્ત નિવેદને ચીનની ઊંઘ ઉડાડી મૂકી છે.
 
ક્વાડ બેઠકથી ચીન ગિન્નાયું. ગલોબલ ટાઇમ્સના એડિટર હુ શિજિને ટ્વીટ કર્યું કે, ‘ક્વાડનું તંત્ર ભારતને ચીનની એક ઇંચ જમીન પણ નહીં અપાવી શકે કે ચીનનાં જહાજોને જાપાન કે કોઈ રોકી પણ નહીં શકે. ક્વાડ જેવું સંગઠન ત્રીજા દેશને નિશાન બનાવવા માટે કામ કરે એ યોગ્ય નથી.
 
ઇન્ડો-પેસિફિક ક્ષેત્રનું વ્યૂહાત્મક મહત્ત્વ અને ચીનની આક્રમક નીતિઓને જોતાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા એમ ચાર દેશોએ મળીને ૧૯૯૦માં ક્વાડ્રિલેટરલ સિક્યોરિટી ડાયલોગ શરૂ કર્યો હતો.
 
ઉત્તરોત્તર દરેક દેશની વિદેશનીતિ, પારસ્પરિક સંબંધો અને સુરક્ષાની દૃષ્ટિ જોતા તેમાં સક્રિયતા છેલ્લાં ૩ વર્ષમાં વધી. અમેરિકાએ ચીન પર અનેક વ્યાપારિક પ્રતિબંધો લગાવ્યા અને તેના વિરુદ્ધ યુરોપ, એશિયા અને લૅટિન અમેરિકામાંય મોરચો માંડ્યો. દુનિયામાં નવા શીતયુદ્ધ જેવું વાતાવરણ સર્જાયું. ૨૦૧૭માં ક્વાડના નેતાઓએ ચીનની ‘ગોલ્ડન કોરિડોર’ યોજનાનો વિરોધ શરૂ કર્યો. બે વર્ષ પહેલાં મનીલામાં યોજાયેલી આસિયાન બેઠક દરમિયાન ચારેય દેશોએ ફરીવાર ક્વાડ અંતર્ગત યોજાતી મંત્રણા જારી રાખવાનો નિર્ણય કર્યો. જાપાન અને ઓસ્ટ્રેલિયા દક્ષિણ ચીન સમુદ્રમાં ચીન સાથેના જૂના વિવાદોમાં ગુંચવાયા તો ભારતની ગલવાન ઘાટીમાંય અથડામણની આગ લાગી.
 
ક્વાડ સાર્વભૌમિક મૂલ્યો માટે પ્રતિબદ્ધ છે. હિન્દ મહાસાગર અને પેસિફિક મહાસાગરના ક્ષેત્રને અમેરિકા ‘એશિયા-પેસિફિક’ કહેવાને બદલે ‘ઇન્ડો-પેસિફિક’ નામે સંબોધે છે એની ચીનને નફરત છે, કારણ કે આ નામને કારણે ભારતનું નામ મહત્ત્વના દેશ તરીકે ઊપસે છે.
 
ક્વાડ બેઠકનો આ પ્રથમ તબક્કો પ્રતીકાત્મક અને સંકેતાત્મક હતો. રાજદ્વારી નિષ્ણાતો ક્વાડની સરખામણી ૧૯૫૭માં પેરિસમાં યોજાયેલી નાટોની પ્રથમ બેઠક સાથે કરે છે. આગામી સમયમાં દક્ષિણ ચીન સમુદ્રી યુદ્ધનો નવો અડ્ડો બનશે. ચીને અહીંય પોતાનાં લશ્કરી મથકો સ્થાપિત કર્યાં છે, જરૂર પડશે તો વિયેટનામ, દક્ષિણ કોરિયા, ન્યૂઝીલેન્ડ જેવા દેશો પણ ક્વાડનો સાથ આપતાં ખચકાશે નહીં તેવો નિષ્ણાતોનો મત છે. ચીને રશિયા, પાકિસ્તાન, ઈરાન, ઉત્તર કોરિયા જેવા દેશો વધુ સહકાર માટે પ્રયત્ન છતાં તેમાંથી કેટલાક દેશો મિત્રતા બદલશે ખરા.
 
ભૂતકાળમાં ડોનાલ્ડ ટ્રમ્પ ગ્લોબલ વોર્મિંગ રોકવા માટેની પેરિસ જળવાયુ સમજૂતીમાંથી ખસી ગયા હતા. એ જ અમેરિકાએ અતિ મહત્ત્વના G-7 સંગઠનનો વિસ્તાર કરી ભારતને તેમાં સમાવવાનો પ્રસ્તાવ મૂકી ચીનને આંતરરાષ્ટ્રીય સ્તરે મોટો ઝટકો આપ્યો હતો. સ્વતંત્રતા, માનવ અધિકારોની રક્ષા, લોકશાહીની મજબૂતી, આર્થિક સધ્ધરતા, સુરક્ષા, પર્યાવરણ વિગેરે મુદ્દે કાર્યરત આ સંગઠનોના મોટાભાગના દેશો ચીનથી નારાજ. હજુ જી-૧૦, જી-૧૧ સુધીનો વિસ્તાર ચીનને વધારે ભારે પડી શકે છે.
 
ઇન્ડોનેશિયા, મલેશિયા, સિંગાપોર, થાઇલેન્ડ જેવા દસ દેશોનું આસિયાન સંગઠન પણ ચીનથી નારાજ અને પાઠ ભણાવવા આતુર છે. ત્યાં અન્ય પ્રભાવશાળી આઠ દેશો અમેરિકા, બ્રિટન, જાપાન, જર્મની, કેનેડા, સ્વીડન, ઓસ્ટ્રેલિયા અને નોર્વેના સાંસદોએ એક મોટું ગઠબંધન બનાવી ચીન વિરુદ્ધ ‘ડી-કપલિંગ’ અર્થાત્ તમામ રીતના બહિષ્કારની મૂવમેન્ટ આદરી છે. આ બધાથી ચીન ભારે છંછેડાયું છે. ભારત-જાપાન વચ્ચેય તાજેતરમાં લશ્કરી ડીલ થઈ છે અને ભારતની એક્ટ ઈસ્ટ વિદેશ નીતિમાં આસિયાન દેશો પ્રાથમિકતા ધરાવે છે. ક્વાડ તો માત્ર એક તીર છે, પરંતુ સમગ્ર વિશ્ર્વમાં ભારતની વધતી શાખ અને સક્ષમતા ચીનની ચિંતાનો મુખ્ય વિષય છે. આ શાખ વધતી રહે અને ચીન પોતાની હદમાં રહે એ જ આવાં સંગઠનોની ખરી સાર્થકતા.