Vadodara | વડોદરા શહેરના વ્હાલા લાગે તેવા સ્થળો | વડોદરા જાવ તો અહીં ફરવાનું ચૂકતા નહી

    02-Apr-2021
કુલ દૃશ્યો |

vadodara_1  H x
 
 
 
વિશ્ર્વામિત્રી નદીના કિનારે જન્મેલું, ઊછરેલું, વિકસેલું ‘‘વડ’’ જેવું આ વડોદરા શહેર આજે મહેલો, મંદિરો અને સ્મારકોથી ઘટાટોપ બન્યું છે. વડની એક એક વડવાઈ પર ગુજરાત ગૌરવ લઈ શકે તેવી તે ફૂલીફાલી છે. અરે... દરેક વડવાઈ પર સિદ્ધિ અને સફળતાના હિંચકાઓ... ઝુલાઓ ઝુલી રહ્યા છે.
 
‘વટસ્ય ઉદરે’ સંસ્કૃત નામ કાળક્રમે ઘસાતાં ઘસાતાં થયેલું વડોદરા શહેર એ પ્રાચીન અસ્મિતા તથા અર્વાચીન પ્રગતિશીલતાનો અદ્ભુત સમન્વય સમું શહેર છે. આવો માણીએ વડોદરાનાં વ્હાલા લાગે તેવા સ્થળો...
 

vadodara_1  H x 

વિવિધ દરવાજાઓનું વડોદરા

 
લહેરીપુરા દરવાજા, ચાંપાનેર દરવાજા, પાણીગેટ દરવાજા અને ચોખંડી દરવાજા... એટલે કે ચાર-ચાર દરવાજાઓ વચ્ચે વિકસેલું વડોદરા શહેર એ ગુજરાતનું જ નહીં, પણ ભારતનું ‘‘સંસ્કારી નગર’’ ગણાય છે. વડોદરાવાસીઓના ‘‘ડી. એન. એ.’’ જ ‘‘સંસ્કાર ફેક્ટરી’’માંથી બને છે !! તેમની રગે-રગમાં સંસ્કાર વહે છે. વડોદરા એ શિક્ષણ-સાહિત્ય અને કલાનો ત્રિવેણી સંગમ ધરાવતું પાવનકારી ધામ છે, જેનું શ્રેય સંપૂર્ણપણે શિક્ષણ-કલાપ્રેમી એવા મહારાજા સયાજીરાવ ગાયકવાડને જાય છે.
 
વડોદરાના રાજકીય તથા સાંસ્કૃતિક વિકાસનું શ્રેય ગાયકવાડી રાજ્યના સુપ્રસિદ્ધ શાસક મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાને ફાળે જાય છે. સયાજીરાવ ગાયકવાડે ઈ. સ. 1875માં ગાદી સંભાળી અને તેમણે ફરજિયાત પ્રાથમિક શિક્ષણ, અદ્યતન પુસ્તકાલય, ઉચ્ચ શિક્ષણ માટે યુનિવર્સિટીની સ્થાપ્ના દ્વારા શૈક્ષણિક વિકાસનાં અમૂલ્ય કાર્યો કર્યાં, જે વડોદરાવાસીઓ ક્યારેય તેમને ભૂલી નહીં શકે.
 

vadodara_1  H x 

લક્ષ્મીવિલાસ પેલેસ | Laxmi Vilas Palace

રાજમહેલોના નગર તરીકે ઓળખાતા વડોદરા શહેરની આગવી ઓળખ એટલે - ‘‘લક્ષ્મીવિલાસ પેલેસ’’ ( Laxmi Vilas Palace ). જે 1890માં એટલે કે 124 વર્ષ પહેલાં 3,00,000 સ્ટર્લિંગ પાઉન્ડમાં બંધાયો હતો !! ખરેખર... લક્ષ્મીજી વિલાસ કરે છે તેવી અનુભૂતિ આ મહેલમાં થાય તેવો ભવ્ય પેલેસ છે. તો લાલબાગ નજીક આવેલ ગાયકવાડી જમાનાનો ‘પ્રતાપ વિલાસ પેલેસ’ પેલેસ’’ ( Laxmi Vilas Palace ) પણ 55 એકરમાં પથરાયેલ પ્રતાપી ભવ્ય પેલેસ છે, જે બગીચા અને ઘાસની લીલીછમ ચાદર વચ્ચે પથરાયેલો પેલેસ છે !! જો કે હાલ આ ઐતિહાસિક પેલેસમાં ભારતીય રેલવેની સ્ટાફ કાલેજ ચાલે છે. બરોબર છે... કાલેજ તો... પેલેસમાં જ હોવી જોઈએ, ખરું ને !! વડોદરાને અમદાવાદની જેમ ઘણા દરવાજાઓ આવેલા છે. માંડવી દરવાજા પાસે આવેલો જૂનામાં જૂનો ગાયકવાડી મહેલ એટલે ‘‘નજર બાગ મહેલ’’... જે મહેલનું નિર્માણ 19મી સદીમાં મલ્હારરાવ ગાયકવાડ દ્વારા સારી નજરે થયું હતું, પણ આજે તેના પર કોઈની નજર બગડતાં આ મહેલ ખંડેર હાલતમાં જર્જરિત જોવા મળે છે. યે ખંડેર ભી કભી મહેલ થા !!
 

vadodara_1  H x 
 

બાગબગીચા અને મ્યુઝિયમ | Sayaji Baug

 
મહેલો પછી વડોદરાની ઓળખ બાગ-બગીચાઓ અને તળાવોની છે, જેમાં કમાટી યાને સયાજી બાગ ( Sayaji Baug ) એ ખૂબ જ મોટો અને જૂનામાં જૂનો બાગ છે. જે રેલવે મથકથી પૂર્વ દિશામાં કાલાઘોડા સર્કલની પાસે, વિશ્ર્વામિત્રી નદીના કિનારે 113 એકરમાં પથરાયેલ છે. આ વિશાળ બાગ પણ મહારાજા સયાજીરાવે 1879માં એટલે કે 135 વર્ષ પહેલાં બનાવ્યો હતો. જે બાગ જોતાં આજે દિલ બાગ બાગ થઈ જાય છે - તેવો ભવ્ય અને સુંદર બાગ છે. આ બાગનું આકર્ષણ... ફ્લારલ ક્લાક - જે જમીન પર 12 ફૂટ મોટી ઘડિયાળ છે - ટાય ટ્રેન, મ્યુઝિયમ પ્લેનેટોરિયમ વિગેરે છે. સૌથી વધુ... રંગીન અને ગૌરવ લેવા જેવી મ્હેંકતી બાબત તો એ છે કે - આ બાગમાં ઘણા દુર્લભ એવાં રંગબેરંગી ફૂલ-છોડ અને ઝાડ છે, જે અમૂલ્ય સંપત્તિ છે. બીજો લાલબાગ છે, જેમાં સ્નાનાગાર પણ છે.

સુરસાગર તળાવ | Sursagar Lake

 
તળાવોમાં સુરસાગર તળાવ ( Sursagar Lake) , આજવા તળાવ, મોહંમદ તળાવ વિગેરેમાં પ્રખ્યાત સુરસાગર તળાવ ( Sursagar Lake) છે. ઘડીભર તો એમ લાગે કે આ તળાવ સાગરની જેમ છલકાતું હશે... ઊછળતું હશે અને તેમાંથી મધુર સુર સંભળાતા હશે...!!
 

vadodara_1  H x 
 
વડોદરા શહેરની મધ્યમાં આવેલ આ તળાવના કિનારે ‘મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી’ ( ms university baroda ) ની મ્યુઝિક કાલેજ આવેલી હોઈ આ મ્યુઝિક - સંગીતના લહેરાતા સુરથી આ તળાવ ખીલી ઊઠતું હશે... નૃત્ય કરવા લાગતું હશે અને આથી જ આ તળાવના જૂના નામ ચંદન તળાવને... ‘સુરસાગર તળાવ’ કહેવામાં આવે છે !! સુરસાગર તળાવની એક વિશિષ્ટતા એ છે કે તે ક્યારેય સુકાતું નથી !! કારણ કે... આ તળાવના પેટાળમાં ત્રણથી ચાર પાતાળકૂવાઓ આવેલા છે, જે ભરઉનાળામાં પણ તેને ભર્યંુ ભર્યંુ રાખે છે. સુરસાગરના મધ્યમાં આશરે 120 ફૂટ ઊંચી ભગવાન શંકરની પ્રતિમા સ્થાપિત થયેલ છે. સૂર હોય ત્યાં શિવ તો હોય જ ! જ્યાં દર મહાશિવરાત્રીએ - મહાઆરતી કરવામાં આવે છે. સુરસાગર ગણેશ-વિસર્જન માટે પણ ખૂબ જાણીતું છે. અહીં બીજી વિશિષ્ટતા એ છે કે સાગર નદીને મળવા જાય છે !! હા, આ સુરસાગરનું વિશ્ર્વામિત્રી નદી સાથે જોડાણ કરવામાં આવેલ છે !! જેથી અતિવૃષ્ટિ સમયે સાગરનું વધારાનું પાણી નદીમાં વહી જાય અને શહેર સુરક્ષિત રહે.
 

vadodara_1  H x 
 

આજવા – નિમેટા | Ajwa Nimeta

 
વડોદરા એ સંગીત-કલાની નગરી હોઈ અહીં સુરસાગરના સુર સાંભળ્યા પછી... મ્યુઝિકલ ફાઉન્ટેન ધરાવતું સયાજી સરોવર યાને... આજવા સરોવર (Ajwa Nimeta ) છે...!! જે વડોદરાથી 25 કિલોમીટર દૂર આવેલ રમણીય સ્થળ છે. આ સરોવર પણ મહારાજા સયાજીરાવે બંધાવ્યું હતું. અહીં મૈસૂરના વૃંદાવન બાગની જેમ મ્યુઝિકલ ફાઉન્ટેન બનાવવામાં આવેલ છે. નિમેટા ગામ પાસે પાણી શુદ્ધીકરણનો પ્લાન્ટ નાખવામાં આવેલ છે જે આ સરોવરના પાણીને શુદ્ધ કરે છે અને ત્યાં પણ બગીચો બનાવવામાં આવ્યો છે. આથી આજવા - નિમેટા એક સુંદર રમણીય પર્યટન સ્થળ તરીકે વિખ્યાત છે, ત્યાંના ફન વર્લ્ડ અને રિસોર્ટ પણ માણવા જેવા છે.